તાવ માટે બિચારો મચ્છર નહીં, આપણે પોતે જ જવાબદારમાયકલ દે મોન્ટેન નામના ફ્રેન્ચ વિદ્વાને ૪૨૦ વર્ષ પહેલાં કહેલું કે 'લેટ અસ લીટલ પરમિટ નેચર ટુ ટેઈક હર ઈટસ કોર્સ, નેચર બેટર અન્ડરસ્ટેન્ડઝ હર એફેર્સ ધેન વી.' મોન્ટેનની આ જુની શિખામણ માનવને તેની બીમારી અને ખાસ કરીને આજકાલ મલેરિયા તાવના વાયરા છે ત્યારે ખાસ કામની છે. અમારા ગામડાના વૈદો કહેતા કે ''તાવને પાકવા દો. કાચો તાવ ઈંજેકશનથી ઉતારશો તો બીજા રોગોના ભોગ થશો.''
અરે! આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે કહેલું, ''ગિવ મી ધ ફિયર એન્ડ આઈ વીલ કયોર ઓલ ડીઝીઝ.'' નિસર્ગોપચારમાં લાંબી ટ્રીટમેન્ટ પછી તાવ આવે છે. તેને અમે ''હિલિંગ ક્રાઈસિસ'' કહેતા. દિવસભરમાં મહેનતનું કામ કરનારા એક સોની મિત્રને મલેરિયા થયો. મેં તેને કોઈ પણ દવા લેવાની ના પાડી. કુદરતી ઉપચારમાં અમે કહીએ છીએ કે તાવને ભૂખે મારો, લાંઘણ કરો. લીંબુ મધપાણી લો, દૂધ વગરની તુલસી-આદું-ફુદીનાવાળી ચા પીઓ. ભૂખ્યા ન રહેવાય તો દેશી મગનું પાણી દિવસ ભર પીઓ. તાવ તોબા કહીને ભાગી જશે.
૧૯૮૦ના દાયકામાં અમે લોસ એન્જલસમાં મધુરાયના મહેમાન થયેલા.ત્યારે જગવિખ્યાત ફિલસૂફ અને ''હીલિંગ હાર્ટ'' તેમ જ ''એનેટોમી ઓફ ઈલનેસ''ના લેખક-પત્રકાર-તંત્રી નોર્મન કઝિન્સ લોસ એન્જલસમાં હતા. તેના વિષે મધુરાયે પણ લેખ લખેલો. ''એનેટોમી ઓફ ઈલનેસ'' નામનું તેમનું પુસ્તક અહીં મળે છે. તે પુસ્તકની બેઝિક થીમ- પાયાનો વિચાર એ છે કે દરેક વ્યક્તિએ પોતાની બીમારી અને તંદુરસ્તીની જવાબદારી પોતે જ સંભાળવી જોઈએ.
રોગમાંથી મુક્ત થવા તેણે થોડું સ્પીરીચુઅલ- આધ્યાત્મિક પણ બનવું જોઈએ. તમને મલેરિયાનો આયુર્વેદનો સાદો ઉપચાર પણ લખીશ. પણ તાવમાં લાંઘણ- ઉપવાસ શ્રેષ્ઠ ઉપચાર છે. 'એનેટોમી ઓફ ઈલનેસ'ની પ્રસ્તાવના એક મશહૂર તબીબ રેને દુ બોસે લખેલી. તેમાં થોમસ પાર નામના એક અંગ્રેજનો દાખલો આપ્યો છે. તેને ૧૬૩૫માં લંડનમાં રાજા ચાર્લ્સ (પહેલો) દરબારમાં બોલાવ્યો. રાજાએ સાંભળેલું કે થોમસ પાર ગામડામાં રહીને ૧૫૨ વર્ષની વયે બધું કામ હાથે કરતો હતો. દવા લેતો નહોતો. તાવ આવે તો ખાવાનું છોડી દેતો અને વનસ્પતિનો ઉકાળો માત્ર પીતો. થોમસ પાર ગામડેથી પ્રથમ વાર લંડન આવ્યો. તેની તુંદરસ્તીથી રાજા પ્રભાવિત થયો.
થોમસના માનમાં ચારેકોર પાર્ટીઓ થવા માંડી વાઈનિંગ અને ડાઈનિંગ થવા માંડ્યું. રાત્રે મોડે સુધી પાર્ટી ચાલતી. પણ થોડા વખતમાં એ લંડનમાં હતો ત્યાં જ પ્રથમ વાર બીમાર પડયો અને મરી ગયો તે સમયે રાજાના માનીતા ડૉ. વિલિયમ હાર્વેએ થોમસનું પોસ્ટમોર્ટમ (ઓટોપ્સી)કર્યું અને જાહેર કર્યું કે થોમસનાં મહત્વનાં અંગોમાં કોઈ રોગ નહોતો. શહેરી લોકોના ખાનપાન અસંયમ અને ઉજાગરા જ ટૂંકી આવરદા અને રોગનું કારણ બને છે. નોર્મન કિઝન્સે તેના પુસ્તકમાં કહ્યું છે, ''આપણું શરીર અદ્ભુત યંત્ર છે. અંદરનો બગાડો જાતે જ સાફ કરી આપોઆપ નરવું થવાની કળા શરીર જાણે છે. બહારની દવાઓ કરતાં અંદરની શક્તિ રોગ મટાડવામાં કામ લાગે છે.''
આપણે શું કરીએ છીએ? આપણે તાવ મચ્છરને જવાબદાર ગણીએ છીએ.ખરેખર ગુનેગાર આપણે જ છીએ. આપણે બીમાર પડતાં ડોક્ટર પાસે દોડી જઈએ છીએ. પછી ડોક્ટર તમારા અજ્ઞાનને બરાબર ખંખેરી ખાય છે. ખરેખર તો નોર્મન કિઝન્સના કહેવા પ્રમાણે બીમારીમાં તમારે તમારું મગજ તેમ જ શ્રદ્ધાને કામમાં લેવાં જોઈએ. આપણા શરીરના તમામ અંગ-ઉપાંગો મસ્તકના સેવકો છે. તમામ રોગની શરૂઆત મગજથી થાય છે. રોગના જંતુ કે મચ્છરો શરીરમાં પ્રવેશી રોગ લાવે છે તેવું સાવ નથી. ખરેખર તો શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારી હોય તો મચ્છર-ફચ્છર કે બીજા કારણો નપુંસક થઈ જાય. ''ઇમ્યુન સિસ્ટમ'' મજબૂત કરવા અંદરની શક્તિ વધારવી જોઈએ. આપણે તમાકુ, સિગારેટ, તળેલા નાસ્તા, જંકફૂડ વગેરે ખાઈ-પીને ઊલટાની આપણી રોગ પ્રતિકાર શક્તિ ઘટાડીએ છીએ.
વિખ્યાત મનોવિજ્ઞાની સિગ્મન્ડ ફ્રોઇડને ૧૯૨૩માં મોઢાનું કેન્સર થયું. તેની બાયોગ્રાફીમાં આ વાત સંતાડાઈ છે. તેમને સતત ચિરૂટ-સિગારેટ પીવાની લત હતી. તેણે ૫૦-૫૦ મોઢાનાં ઓપરેશન કરાવ્યાં. આ વાત મને ડૉ. શેરોન રોમ નામના લેખકના પુસ્તકમાંથી જાણવા મળી. પચાસની ઉંમર પછી ફ્રોઈડને સતત તાવ આવે. દવાના ઢગલા ખાય, કેન્સરના રોગ પછી તેને કુદરતી ઉપચાર કરવાનું કહેવાયું, પણ જિંદગીનાં છેલ્લાં ૨૦ વર્ષ તે દુ:ખી થઈ થઈને મર્યો. હવે મલેરિયાની વાતને લઈએ તો આયુર્વેદમાં તેને ટાઢિયો તાવ કહે છે.
કોઈ પણ નામ કહો પણ આયુર્વેદમાં એનો ઉપચાર લગભગ સરખો છે.
મલેરિયા આવે એટલે ઉપવાસ કરો. તુલસી, ફુદીનો, કડવો લીમડો અને બીલીપત્ર એ તમામનાં ૧૦-૧૦ પાન લઈ ઉકાળો કરો. અરધું પાણી રહે તે ઉકાળો (કાઢો) પીઓ. ઘરમાં લીમડાનાં પાંદડાંનો શ્રાવણ-ભાદરવામાં સાંજે ધૂપ કરો. ભાવનગરમાં ૧૦૦ વર્ષ પહેલાંના ભાવનગર દરબારના વૈધ્ય કરશનભાઈ શેઠ જે અશોક વૈધ્યના દાદા થાય તે
મલેરિયા કે એકાંતરિયા કે ટાઢિયા તાવમાં સૂંઠ, મરી, તુલસી અને કરિયાતાનો ઉકાળો પાતા. આજે પણ ભાવનગરમાં શેઠબંધુ ૮૦૦૦ લોકોને આ આયુર્વેદનો ઉકાળો પાય છે જે મલેરિયા સામે પ્રતિકાર શક્તિ આપે છે. સાવરકુંડલાના વૈધ્ય શશિકાંતે આયુર્વેદથી એઈડઝને મટાડયાનો દાવો કર્યો છે.
મલેરિયા આમ તો ૫૦૦૦૦ વર્ષથી માનવીને હેરાન કરે છે. મલેરિયા વિશેના અજ્ઞાન થકી રોમન સલ્તનત બીમારીમાં પાયમાલ થયેલી. ઈટાલિયન ભાષામાં મેલા-આરિયા એટલે ''દુષ્ટ હવા'' એવો અર્થ થાય. જ્યારે હવા દૂષિત થાય ત્યારે આપણે શરીરને સ્વચ્છ રાખીને રોગ સામેની ઢાલ બનાવવી જોઈએ. મલેરિયા માટેના જવાબદાર જંતુને ઓળખી કાઢનારા ડૉ. ચાર્લ્સ લેવેરાનને ૧૯૦૭નું નોબેલ પ્રાઈઝ મળેલું. ત્યાર પછી પ્રશાંત સાગરમાં બીજા વિશ્વ યુદ્ધ વખતે ૫ લાખ અમેરિકનોને મલેરિયાના જંતુ લાગ્યા.
હકીકતમાં સોલ્જરો રાખ ધૂળ ખાતા અને દારૂ ઢીંચતા તે બધાને મલેરિયા થયો અને ૬૦૦૦૦ અમેરિકન સૈનિકો મરી ગયા. આપણે જેને કોયદાન કહીએ છીએ તે સિન્કોનાના વૃક્ષની છાલમાંથી (અંતરછાલ) કુદરતી દવા પછી બની. પણ હવે? હવે સિન્કોનાનાં વૃક્ષ સોગંદ ખાવા જેટલાં નથી. સિન્થેટિક દવા ખાઈને મલેરિયા ભગાવીને નવા રોગ માટે શરીરને નબળું બનાવીએ છીએ, તો?
સંકલ્પ કરો કે તાવને માત્ર આયુર્વેદની દવા અને લાંઘણથી જ ભગાવીશું.
આસપાસ, કાન્તી ભટ્ટ
No comments:
Post a Comment