એક રાતમાં અઢાર ઇંચ વરસાદ વરસ્યો. પેથાપુરમાં આટલો વરસાદ છેલ્લા એંસી વરસમાં નથી પડ્યો એવું નેવું વરસના પશાદાદાએ છાતી ઠોકીને જાહેર કર્યું. આખી રાત લોકો ઘરોમાં ભરાઇ રહ્યા. આસમાન ગરજતું રહ્યું, વાદળો નીચોવાતાં રહ્યાં. બીજા દિવસે સૂરજ ઊગ્યો તો ખરો પણ દેખાયો નહીં. માત્ર રાતનું અંધારું ગાયબ થયું, દિવસનો ગોરંભો ચાલુ રહ્યો. શેરીમાં રમતાં છોકરાઓએ બૂમાબૂમ કરી મૂકી, 'એ...ઇ... લાડકી નદીમાં પૂર આવ્યું છે! જોવા હાલો! જોવા હાલો!'
પુરુષો તો ત્યારે ને ત્યારે નીકળી પડ્યા. સ્ત્રીઓ ઘરકામને લીધે જઇ ન શકી. એમનો વારો બપોર પછીના સમયે હતો. ગામના એક માત્ર ગોર તભા પંડ્યાનો દીકરો પ્રલંબ શહેરમાં રહીને ભણતો હતો, એ જન્માષ્ટમીની રજાઓમાં ગામડે આવ્યો હતો. એ પાણી જોવા 'જવું કે ના જવું'ની ગડમથલમાં હતો, એટલામાં એનો બાળપણનો ભેરુ ગોપાલ આવી પહોંચ્યો. ગોપાલના બાપા ગોવિંદ ગારૂડી મદારીનો ધંધો કરતા હતા. ગોપાલ બાર ચોપડી ભણ્યો એટલે ખાનદાની કસબ વિસારીને છુટક ચીજ-વસ્તુની હાટડી ખોલીને બેઠો હતો.
'હાલ્ય, પલિયા, ઊભો થા! આવું ઘોડાપૂર તારા શે'રમાં જોવા નહીં મળે.' એણે આગ્રહ કર્યો. પછી એને લાગ્યું કે પ્રલંબ હજુ આળસમાં ઘેરાયેલો છે, એટલે ધીમેથી એના કાનમાં બબડ્યો, 'હાલ્ય, પલીયા! હાંભળ્યું છે કે વલ્લભ વાણિયાની પાંખડી પણ રજાઓમાં ઘરે આવી છે. તારા નસીબ જોર કરતાં હશે તો કદાચ ભેટો થઇ પણ જાય.'
પાંખડી એટલે પેથાપુરના સૌથી મોટા વેપારી વલ્લભદાસ શેઠની જુવાનજોધ દીકરી. એ પણ ભણવા માટે શહેરની કોલેજમાં ગઇ હતી. મૂળ નામ પ્રવીણા હતું, પછી એફિડેવિટ કરાવીને પાંખડી કરી નાખ્યું હતું. પ્રલંબને એ ગમતી હતી, પણ એણે ક્યારેય આ વાત કોઇને જણાવી ન હતી. પાંખડીને જણાવવાનો તો સવાલ જ ઊભો થતો ન હતો. બંનેની જ્ઞાતિઓ જુદી હતી, બેયના પરિવારોની આર્થિક સ્થિતિ અલગ હતી અને બંનેના પિતાઓનું સામાજિક વજન ભિન્ન હતું. પહાડના શિખર અને ઊંડી ખીણનો સંગમ શક્ય ન હતો. પ્રલંબ પાંખડીને ચાહતો હતો એની આછી-પાતળી સુગંધ એક માત્ર ગોપાલને હતી.
પાંખડીનાં દર્શન થશે એવી આશામાં પ્રલંબ તૈયાર થઇ ગયો. ઝભ્ભો-લેંઘો પહેરેલા હતા, પગમાં વરસાદી ચંપલ ચડાવીને નીકળી પડ્યો. એ અને ગોપાલ નદી પાસે જઇ પહોંચ્યા. અડધું ગામ હુલકર્યું હતું. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે લાડકી નદી ગાંડીતૂર બનીને બે કાંઠે ધસમસી રહી હતી. પ્રકૃતિ આ રાૈદ્રરૂપમાં પણ રમ્ય લાગી રહી હતી. કલાક-દોઢ કલાક નીકળી ગયો, પાંખડી તો શું સૂક્કી ડાંખળી પણ દેખાઇ નહીં. કંટાળીને પ્રલંબે કહ્યું, 'ગોપાલ! ચાલ દોસ્ત! ધરતી તો જળબંબાકાર છે, પણ મારું ભાગ્ય કોરું ને કોરું જ રહી ગયું છે. ભરચોમાસે દુકાળ તે આનું નામ! ચાલ, ઘરભેગા થઇએ.' ગોપાલ પણ પ્રલંબની સાથે એના ઘરે આવ્યો. સારી એવી વાર સુધી બંને મિત્રો આડી-અવળી વાતો કરતાં બેસી રહ્યા.
પ્રલંબે ધંધાના હાલ-ચાલ પૂછ્યા, 'તારી દુકાન કેવી ચાલે છે, ગોપાલ?' 'શેની દુકાન, દોસ્ત? નાનકડી હાટડી લઇને બેઠો છું. પ્લાસ્ટિકની બંગડી અને પીપરમિન્ટ જેવી ફાલતું ચીજો વેચું છું. પેટછુટી વાત કરું તો બાપદાદાનો ધંધો છોડ્યો એ બદલ હવે પસ્તાઇ રહ્યો છું. આના કરતાં તો મદારીના ખેલમાં માંકડા નચાવતો હોત તોયે વધારે કમાતો હોત! આ ભણતરે તો મને ક્યાંયનો ન રહેવા દીધો!' ગોપાલના અવાજમાં ભારોભાર હતાશા ભરેલી હતી.
'તારી વાત સાચી છે, ગોપાલ! અભણ માણસને કોઇ પણ કામની શરમ નથી હોતી અને બાર ચોપડી ભણેલો માણસ ન ઘરનો રહે છે, ન ઘાટનો! ન તો એને સારી નોકરી મળે છે, ન એ બાપદાદાનું કામ કરી શકે છે. પણ તું ચિંતા ન કરશી. તારો આ ભાઇબંધ બેઠો છે ને! ભણી-ગણીને હું જ્યારે સારા હોદ્દા ઉપર ગોઠવાઇ જઇશ ત્યારે તારા ભવિષ્યનો પણ ખ્યાલ રાખીશ. ચાલ, હવે ઘરે જા! સાંજે પાછો આવે છેને?'
'હા, કેમ નહીં? સાંજે તો બૈરાંઓ પણ પૂર જોવા આવશે જ. ત્યારે તો ધરતી પણ જળબંબાકાર હશે... અને... તારું નસીબ પણ...' ગોપાલે આંખ મીંચકારી.
'હા, કદાચ...' પ્રલંબે આટલું કહીને એક પ્રલંબ નિ:સાસો નાખ્યો. ગોપાલ ગયો. ભોજન કરીને પ્રલંબ પથારીમાં પડ્યો. ઊંઘ તો ન આવી, પણ સપનું જરૂર આવ્યું અને સપનામાં પાંખડી આવી. ખુલ્લી આંખનું સપનું હતું. ઉઘાડી આંખડીમાં પાંખડીની કોમળ કાયાને બંધ કરીને પ્રલંબ ક્યાંય સુધી પડી રહ્યો. ક્યારે બપોર ઢળી ગઇ એની ખબર ન પડી.
સાંજે ગોપાલની સાથે પ્રલંબ ફરી પાછો નદી તરફ જઇ પહોંચ્યો. સવારે અડધું તો અત્યારે આખું ગામ પૂર જોવા માટે ઊમટી પડ્યું હતું. નદીના કાંઠે-કાંઠે લગભગ એકાદ ગાઉ જેટલી લંબાઇમાં ચારથી પાંચ હજાર માણસો જમા થયેલા હતા. એમાં પાંખડી પણ સામેલ હતી. લાલ-પીળા ઘાઘરા-ઓઢણીઓનાં ઝૂંડમાં સલવાર-કમીઝ પહેરેલી એક માત્ર યુવતી એ હતી. પ્રલંબે દૂરથી એને પકડી પાડી. એના પગ ચૂપચાપ એ દિશામાં ખેંચાઇ ગયા. સ્ત્રીઓ અને પુરુષો નદીના કિનારાની જેમ બને તેમ નજીક જઇ રહ્યાં હતાં. બધાની લાલચ પૂરને નિકટથી જોવાની હતી.
ગોપાલે ધીમેથી પ્રલંબના કાનમાં ગણગણાટ કર્યો, 'પાંખડીની સાથે વાત કરવી છે?'
'કરવી તો છે, પણ હિંમત ક્યાંથી લાવવી?' પ્રલંબ શરમાઇ ગયો.
'તારામાં હિંમત ભલે ન હોય, મારામાં ચાલાકી તો છે ને! તું જોયા કર! હું એને લપેટું છું.' આટલું કહીને ગોપાલ સ્ત્રીઓના ટોળામાં ઘૂસ્યો.
'આ તરફ આવો! મારી પાછળ આવો! ધ્યાનથી... જરાક સાચવીને... બીજે ક્યાંયથી પૂર બરાબર નહીં દેખાય... અહીંથી દેખાશે... બરાબર આ પથ્થરની પાટ પડી છે ને... એની ઉપર ઊભા રહીને ડોકિયું કરો...! આહ! વાહ!' ગોપાલની વાણીનો પ્રવાહ પાણીના પ્રવાહ કરતાં પણ અધિક વેગવાન અને આકર્ષક હતો. જુવાનડીઓ દોડી પડી. પાંખડી પણ એમાંથી બાકાત ન હતી. એક પછી એક કરીને ગોપાલ દરેક યુવતીને પથ્થરની પહોળી શિલા ઉપર ઊભી રાખીને પૂરનાં દર્શન કરાવી રહ્યો હતો. છેવટે પાંખડીનો વારો આવ્યો. ત્યાં જ અચાનક એક અણધારી, આકસ્મિક ઘટના બની ગઇ. પાંખડી એ ભીના, ચીકણા પથ્થર ઉપર ઊભી રહીને જ્યાં ભેખડ ઉપરથી ડોકિયું કરવા ગઇ, ત્યાં જ પાછળથી કોઇની ભયંકર ચીસ સંભળાઇ : 'સાપ...! સાપ...! ભાગો...! કાળોતરો નાગ છે... કરડશે તો પાણીનું ટીપુંયે નહીં માગો!'
પાંખડીએ ગભરાઇને ડોક ફેરવી. એના ડોળા ફાટી ગયા. કાળોતરો નાગ એનાથી માંડ એકાદ ફૂટ દૂર ફેણ માંડીને ઊભેલો હતો. એને ચક્કર આવી ગયાં. ઢળી પડવા માટે એક જ દિશા બચી હતી. પાંખડીનો રૂપાળો દેહ ભેખડની ટોચ પરથી નદીના ધસમસતા પ્રવાહમાં જઇ પડ્યો. ગામલોકોમાં ચીસાચીસ અને રડારોળ મચી ગઇ. વલ્લભદાસ શેઠ માથું કૂટવા માંડ્યા. શેઠાણીને મૂછૉ આવી ગઇ. પણ ત્યાં સુધીમાં એક સારી વાત બની ગઇ કે ભેખડથી હેઠવાસમાં લગભગ પચીસેક ફીટ નીચે ઊભેલા પ્રલંબે પળવારનોય વિલંબ કર્યા વિના નદીમાં ઝંપલાવી દીધું.
પ્રલંબ સારો તરવૈયો હતો. મોટી તરાપો ભરીને પળવારમાં એણે પાંખડીને પોતાની પાંખમાં સમાવી લીધી. કુદરત પણ કદાચ એમને સાથ આપતી હતી. માંડ અડધો ફલાંગ ખેંચાયાં હશે ત્યાં એ બંનેના મારગમાં એક આડા પડેલા તોતિંગ ઝાડે એમને અટકાવી લીધાં. હવે ગામલોકો દોરડાં નાખીને એમને બચાવી લે એ માત્ર સમયનો સવાલ બની રહ્યો.
ભીની-ભીની મોસમ હતી અને ભીનાં વસ્ત્રોમાં એક અનુપમ નારીદેહ હતો. પ્રલંબે એના ગાલ થપથપાવ્યા, 'પાંખડી! આંખો ખોલ! તું બચી ગઇ છે. મને ઓળખે છે? હું પ્રલંબ. તને વરસોથી ચાહું છું. પણ કહી શકતો ન હતો. આજે આ પૂરની સાક્ષીએ પૂછું છે. મારી સાથે લગ્ન કરીશ?' પાંખડીએ પાંપણો ઝુકાવી દીધી, 'તેં મને નવી જિંદગી આપી છે, પ્રલંબ! જો લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ! જળની સાખે વચન આપું છું.'
*** *** ***
પ્રલંબ અને પાંખડી પરણીને શહેરમાં 'સેટલ' થઇ ગયાં છે. પ્રલંબે જૂના મિત્ર ગોપાલને એની ઓફિસમાં નોકરીમાં રાખી લીધો છે. ક્યારેક એ સંભળાવી બેસે છે, 'ગોપાલ, મેં મારું વચન પાળ્યું છે ને? તારા જેવા બાર ધોરણ પાસને મહિને બાર હજાર રૂપિયાનો પગાર કોણ આપવાનું હતું?'
ગોપાલ વળતો ફટકો મારી દે છે, 'આ પગાર ફોગટમાં નથી આપતો. તે દિવસે પાંખડીભાભીને ભેખડની ટોચ ઉપર બોલાવીને મારા મદારી બાપે પકડેલો કાળોતરો નાગ મેં છુટ્ટો ન મેલી દીધો હોત તો તું ખુદ અત્યારે નોિળયાની જેમ ભટકતો હોત! બહુ ચાંપલાશ કરીશ તો આખાયે ષડ્યંત્રનો ભેદ ભાભીને જણાવી દઇશ!' અને બંને મિત્રો નદીની જેમ ઘૂઘવાટ કરી ઊઠે છે.
(શીર્ષક પંક્તિ : ગૌરાંગ ઠાકર)
રણમાં ખીલ્યું ગુલાબ, ડો. શરદ ઠાકર
No comments:
Post a Comment