કમાલની સૃષ્ટિ રચી છે સર્જનહારે... સમજવા બેસીએ તો ભેજું ભમી જાય... (ગયા લેખમાં બ્રહ્નચર્ય વિશે વિચારી-વિચારીને ભેજું ભમાવવાનો અનુભવ આપણે કરી જોયો). ભેજામારીનો થાક જેટલો પ્રચૂર, ભક્તિ એટલી પ્રબળ. મગજ જેટલું વધુ થાકે, એટલી ભક્તિની લાગણી ખીલે. જ્યાં વિચારનો અંત આવે છે ત્યાંથી ભક્તિનો પ્રદેશ શરૂ થાય છે. વિચારથી ભક્તિ તરફની ગતિનો અનુભવ લેવો છે? તો આ લખાણ જરા મોટેથી વાંચી જુઓ.
ખરો ખેલ છે ઉપરવાળાનો. હું સફેદ મજાની રોટલી ખાઉં ને એ તો લાલ મજાનું લોહી બનાવી આપે. છોકરું જન્મે એટલે માની છાતીમાં દૂધ હાજર જ હોય. ને પાછું એક જ સ્ત્રીના શરીરમાં દૂધ પણ બદલાતું રહે. છોકરું જન્મે એ દિવસનું દૂધ અલગ હોય અને જરા મોટું થાય પછી બાળકને અલગ દૂધ મળે.
જન્મતાવેંત જે દૂધ મળે, એમાં તો કહે છે કે એન્ટિબાયોટિક્સ પ્રકારનાં બહુ બધાં રસાયણો હોય, જેથી એ રસાયણોના જોરે છોકરું રોગના જંતુ સામે લડી શકે. છોકરું નાનું હોય ત્યારે પડે-આખડે જ, એટલે ઉપરવાળો નાનપણમાં બાળકનાં હાડકાં એવાં રાખે જેથી એ ઝટ તૂટે નહીં. નાની ઉંમરે બાળક રમતાં-રમતાં ત્રણ-ચાર ભાષા બોલતાં શીખી જાય. પછી મોટી ઉંમરે રાજ ઠાકરે ગમે તેટલું દબાણ કરે કે 'મરાઠી શીખો, મરાઠી શીખો' તોય પાકા ઘડે મરાઠી ન ચઢે.
વળી, માણસે-માણસે પણ ક્ષમતા અલગ. કોઈ ભાષા ઝટ શીખી જાય, પણ ગણિતમાં એની ડાંડી પડી જાય. કોઈ ગણિતમાં ખાંટું હોય, પણ લેંગ્વેજમાં લોચા હોય. બધાની ખોપડી અલગ. બધાની ક્ષમતા અલગ. બધાની આવડતો અલગ. પ્રજા નોખી નોખી, ખંડો નોખા નોખા. પણ ઉપરવાળાએ સરવાળે એવી મજબૂત ગોઠવણ કરી છે કે માણસજાતનું ગાડું લાખો વર્ષથી ગબડતું રહ્યું છે. ત્રાસવાદ તથા ગ્લોબલ વોર્મિંગ જેવી આધુનિક ઉપાધિઓ છતાં, જ્યાં સુધી ઉપરવાળો માણસનો ખેલ ચલાવવા માગતો હશે ત્યાં સુધી માણસજાત ટકવાની જ.
ઉપરવાળાની સિસ્ટમ એકદમ પરફેક્ટ. સૂરજ રોજ ટેમ-ટુ-ટેમ ઊગે. ઋતુ ટેમ-ટુ-ટેમ બદલાય. માણસના જીવનની ઋતુ પણ બદલાય. બાળપણ-જુવાની-બુઢાપા ઉપરાંત જીવનમાં ચઢાવ-ઉતારની ઋતુઓ પણ આવે. ક્યારેક જિંદગીમાં એવો આકરો તડકો પડે કે રાડ ફાટી જાય. બધું ઊંધું પડે, રસ્તા પર આવી જવાય. પછી વળી ઋતુ બદલાય તો મામલો ધીરે ધીરે થાળે પણ પડે. આપણે કરેલા કામનું કેટલું ફળ આપવું, કેવું ફળ આપવું, એ તો એ જ નક્કી કરે. બીજું બધું તો ઠીક, આપણને ક્યારે પેદા કરવા અને ક્યારે ઉઠાવી લેવા એ બે સૌથી મહત્વના નિર્ણયો એના હાથમાં. અને આ વાતે એને કશું પૂછી ન શકાય.
તમે જ કહો, એણે ફકત કાળાં અને ધોળાં એવાં બે જ પ્રકારનાં પતંગિયાં બનાવ્યાં હોત તો હતું કોઈ એને પૂછવાવાળું? કોઈ નહોતું. તોય એણે હજારો રંગનાં અસંખ્ય પ્રકારનાં પતંગિયાં બનાવ્યાં. ફૂલોમાં પણ રંગોનો કોઈ પાર નહીં. અને સાંજે દરિયા પર સૂરજ આથમે ત્યારે? ઓહ, આકાશમાં એટલા બધા રંગો રચાય કે ગણવા બેસીએ તો ગાંડા થઈ જઈએ. ભારે રંગપ્રેમી ઉપરવાળો.
અને આ જ ઉપરવાળાનો ક્યારેક મૂડ બદલાય ત્યારે? ત્યારે આપણને સૌને પોષતી, પાક ઉગાડતી, આપણો ભાર ઝીલતી ધરતીને એ જરાક હચમચાવે અને આખું કચ્છ ચીસ પાડી ઊઠે. ઉપરવાળાનો મિજાજ બદલાય ત્યારે પેલો રૂપાળો મજાનો દરિયો ત્સુનામી બનીને ઘરોમાં ઘૂસી આવે અને લાખોને ઘસડી જાય.
સરવાળે, ઉપરવાળો કે ઇશ્વર-અલ્લા-ગોડ કે પ્રકૃતિ કે વિજ્ઞાન કે જે કહો તે, એનું ગણિત ભારે ભેદી. એની કમાલો જોઈને સ્તબ્ધ થઈ જવાય. એનો કોપ જોઈને ક્ષુબ્ધ થઈ જવાય. એ હિસાબે લીલા તો બાકી ઉપરવાળાની. જાદુ તો બાકી ઉપરવાળાનો. કરામત તો બાકી ઉપરવાળાની. આપણે બધા તો ઠીક મારા ભૈ! આપણે તો ૬.૬ અબજ માનવજીવોમાંના એક.
આવી રીતે જ્યારે ઉપરવાળો કેટલો પ્રચંડ છે એ સમજીએ, એની પાસે ઝૂકીએ, આપણી ક્ષુલ્લકતાને બરાબર ઓળખીએ ત્યારે એક ફાયદો થાય. આપણા 'હું'નો નકામો હણહણાટ છાનો થઈ જાય. આપણને આપણી ઔકાત સમજાઈ જાય. મગજની ખોટી કૂદાકૂદ થોડી ધીમી પડે. 'હું કોણ છું, ખબર છે?' એવા ખોંખારા બંધ થાય. માણસ વધુ કૂણો-ભીનો-શાણો બને.
અને ભક્તિનો સૌથી મોટો પ્રેક્ટિકલ ફાયદો એ છે કે તેનાથી માણસ વધુ સક્ષમ બને. કઈ રીતે? જવાબ સાદો છે: માણસને જ્યારે ભક્તિને લીધે એ સમજાય કે જગત હું નથી ચલાવતો, એ તો ઉપરવાળો જ ચલાવે છે. આવું સમજાય ત્યારે માથે ઊંચકેલો દુનિયાનો પેલો નકામો ભાર ખરી પડે છે. અને ભાર ઘટે એટલે હળવાશ લાગે, સ્ફૂર્તિ વધે, ક્ષમતા વધે. આ ખાસ યાદ રાખવું. જો ભક્તિને લીધે કામ કરવાની ક્ષમતા ન વધે તો એ સાચી ભક્તિ નથી.