કોઈ પણ ભોગે શરીર સાચવો. તંદુરસ્ત શરીર તમારી યુવાની ટકાવશે ખ્યાત ફોટોગ્રાફર ગૌતમ રાજધ્યક્ષ તેના ફોટોગ્રાફની કળાને ઉજવતો હતો ત્યારે જયા બચ્ચન અને રેખા ભેગાં થઈ ગયાં. તમામ લોકોએ જોયું કે જયા બચ્ચન બુઢ્ઢી દેખાતી હતી પણ રેખા ૫૬ વર્ષે તડાકેદાર હતી. જયા બચ્ચન રાજકારણી બની ત્યારથી તેના ચહેરા પર અકડપણું, ઇર્ષ્યા અને વૃદ્ધત્વ સવાર થયાં છે. જ્યારે રેખા તેની એકલતા સાથે સમાધાન કરીને એવી ને એવી રૂપાળી-પ્રેમાળ દેખાય છે.
રેખા તેનું સૌંદર્ય કેમ જાળવે છે? આ વાત તેણે તેના શરીરને ખાઈ ખાઈને ખરાબ કર્યા પછી કુદરત જ ઇચ્છતી હતી કે આ પદમણી લાંબુ અને ચકચકીત જીવે. તેની કથા આગળ વધારીએ. મુંબઈ આવ્યા પછી છ વર્ષ સુધી- ૨૦ની વય સુધી રેખા ગંદી-સ્વાદિષ્ટ વાનગી ખાતી રહી. પછી ઈત્તેફાકથી તેનું વજન ઘટવાનું શરૂ થયું. તેને કોઈ બજારુ વાનગી ખાવાથી ઇન્ફેકશન થયું. ટાઈફોઈડ થયો. 'ઘર' ફિલ્મમાં કામ કરતી હતી તે પહેલાંની વાત છે.
૧૯૭૫ સુધી તે કદી બીમાર પડી નહોતી. જેમિની ગણેશનનું લોહી હતું ને? તે બીમાર પડતી નહોતી. કારણ શું? તે એકદમ બિન્ધાસ્ત હતી. મૂળ સ્વભાવથી કોઈ ટેન્શન રાખતી નહીં. બ્યુટીનો કોઈ ભાર નહીં કે સક્સેસની સાઠમારી નહીં. કોઈ વાત મન પર લેતી નહીં.આજે ભણેલા-ગણેલાએ આ વાત શીખવાની છે કારણ કે તેઓ એટલા ચંચળ, સંવેદનશીલ અને વાતવાતમાં કરમાઈ જાય છે કે જાણે બંગડી નંદવાઈ.
રેખા ખૂબ જિદ્દી હોઈ ઘણા અનુભવ પછી એ શીખી છે કે નકામી જિદ ન કરવી. ફલ્યૂની બીમારી પછી તેને જસલોક હોસ્પિટલમાંથી ડોક્ટરોએ કંટાળીને રજા આપી ત્યારે ૧૫ કિલો વજન ઉતરી ગયેલું. જસલોકમાં તેણે ચહેરો જોવા અરીસો માગ્યો તો ન મળ્યો. ઘરે તેણે ૨૬ વર્ષ પહેલાં તેનો ચહેરો જોયો તો આંખ નીચે કાળાં કુંડાળાં પડી ગયેલાં પણ તેને પાતળું શરીર જાણે બક્ષીસમાં મળી ગયું. એ પછી તેને અક્કલ આવી કે હળવું શરીર કેટલું સ્ફૂર્તિવાળું રહે છે!
'ઘર' ફિલ્મનું શૂટિંગ મૂળ દિગ્દર્શકને બદલે ગુલઝારે કરેલું. તેને શરીર ચુસ્ત રાખવાનો પ્રથમ પાઠ મળ્યો. ડાયેટિંગ કરવા માંડી. એ પછી તેણે વ્યાયામ, આસનો અને બીજી વજન ઘટાડવાની કસરતો શીખી. એક વખત અમિતાભે તેને કહ્યું 'તું બધાની નકલ કરે છે પણ બીજાની જેમ પતલા થતાં આવડે છે? તારા પગ કેટલા જાડા છે! જો આવી રહીશ તો સૌંદર્ય જાળવી નહીં શકે.' રેખાએ કહ્યું 'ખલ્લાસ... એ મહાન વ્યક્તિએ મને સાચી વાત કહી અને મારા હૃદય સોંસરવી ઉતરી.
૩૦ની ઉંમર પછી પાતળા થવું મુશ્કેલ છે પણ હજી હું નાની જ હતી.' એ પછી જ રેખાએ રોજ ફાસ્ટ વોકિંગ શરૂ કર્યું. મુંબઈના બાંદરા બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં સવારે તે ઝડપથી વોકિંગ કરતી તે જોવા લોકો આવતા. બસ તેને ધૂન ચઢી. એક વ્યક્તિને ખુશ કરવા તે આડકતરી રીતે ૨૦૧૦ સુધી લાખોને ખુશ કરવાની હતી. એ પછી 'ખૂબસૂરત' ફિલ્મમાં તે ખરેખર અંદર- બહારથી ખૂબસૂરત બની અને તેને એવોર્ડ પણ મળ્યો.
તેના જીવનમાં હવે ખરેખર પ્રેમની દુનિયાનો પ્રથમ ખ્યાલ આવ્યો. રોમાંચના અતિરેક પછી તેમાં નિષ્ફળતા મળે તો ડિપ્રેશનમાં તેની કિંમત ચૂકવવી પડે છે. તે ડિપ્રેશન પછી તેને વધુ સિદ્ધિમાંથી રસ ઊડી ગયો. જાણે તે નિષ્કામ બની ગઈ. 'ઉમરાવજાન' ફિલ્મ પછી આ ડિપ્રેશનનો દોર શરૂ થયો. એ પછી સિલસિલામાં અમિતાભ સાથે આવી ત્યારે તેણે અમિતાભની અંદરની કાગળનાં ફૂલ જેવી પર્સનાલિટી જોઈ નહોતી. જ્યારે તે કાગળનું ફૂલ નીકળ્યો ત્યારે રેખાએ બીજાની જેમ આપઘાત ન કર્યો. તેને થયું કે આખરે શરીર તો બેવફા નહીં નીવડે જો હું શરીરને બેવફા નહીં થાઉં તો!
અહીં તેને તેની માતા પુષ્પાવલ્લીના સંસ્કાર કામ લાગ્યા. માતાને પિતાએ શરૂમાં રિજેક્ટ કરેલી. તે રિજેક્શન સામે પુષ્પાવલ્લી ટકી રહી અને દરેક પ્રેમનાં રિજેક્શન સામે રેખા ટકી રહી છે. ૩૭ વર્ષની રેખાએ ૩૬ વર્ષના ઉદ્યોગપતિ સાથે લગ્ન કરેલાં. એક પત્રકારે પૂછ્યું 'આ પ્રેમલગ્ન કેમ થયાં?' રેખાએ જાણે ફિલસૂફીવાળો જવાબ આપ્યો. 'પ્રેમ? એ તો સાવ બાલશિ શબ્દ છે.
પ્રેમ શબ્દનો ખાસ કોઈ 'મતલબ' નથી. મુદ્દાની વાત છે સમજણ. એક બીજા પ્રત્યેનું માન અને દરેક હાલતમાં ટકી રહેવાનો સંકલ્પ.' મુકેશ અગ્રવાલ સાથેનું લગ્નજીવન ઘણા સંઘર્ષ પછી ખતમ થયું. દરમિયાન તેના ઘરે આવકવેરાના દરોડા પડ્યા. તેના જીવનમાં લગ્નરેખા, અર્થરેખા અને ખાસ તો હૃદયરેખા એ તમામ રેખાઓએ તેની કસોટી કરી છે. પણ આખરે તેણે તંદુરસ્તીની રેખા ઉપર જ સર્વધ્યાન આપ્યું.
જેન ફોન્ડા નામની હોલિવૂડની એક્ટ્રેસનું જીવન અને કથન રેખાએ વાંચ્યું. જેન ફોન્ડા પણ એક ફિલ્મસ્ટારની પુત્રી હતી. અભિનયમાં ખેપાન હતી. સૌંદર્ય તો હતું જ પણ બચપણ બહુ જ ખરાબ વીતેલું. ૪૨ વર્ષે તેને અક્કલ સૂઝી કે ફિલ્મી દુનિયાની કે કેરિયરવાળી સ્ત્રીએ જો એકલું રહેવું હોય તો યુવાનો લટ્ટુ થાય (પણ પોતે નહીં) તેવું આકર્ષક શરીર રાખવું. જેન ફોન્ડાની આ વાતને રેખાએ જીવનમાં ઉતારી. ત્યારે ૫૪ની ઉંમરે જેને ફોન્ડા હજી ૨૪ની લાગતી હતી અને સી. એન. એન. ટીવીના માલિક ટેડ ટર્નરને પરણી-૫૪મા જન્મ દિવસે.
જેન ફોન્ડાએ ભારતીય આરોગ્યશાસ્ત્ર, મનન, યોગાસન અને તંદુરસ્ત આહારની ચોટડુક રીતો શીખી અને ૧૯૯૩માં તેણે તેના ખાસ પ્રકારના વ્યાયામની વીડિયો ટેપ ઉતારી. 'ફોન્ડા વીડિયો ફિટનેસ લાઈબ્રેરી' તરીકે ઓળખાતી આવી ટેપો ૧ કરોડની સંખ્યામાં ખપી તેનો એક ઘરાક રેખા પણ હતી. ફોન્ડા સેક્સ સિમ્બોલ હતી. રેખા પણ. ફોન્ડા ૭૩ વર્ષે અને રેખા ૫૬ વર્ષે પણ એવી ને એવી સેક્સી છે. ૨૦૦૧માં ટેડ ટર્નરથી પણ ફોન્ડાએ છુટાછેડા લીધા.
રેખાએ કોઈ લગ્નનાં લફરાં કર્યા નહીં. યુરોપના લિબાસ ઈન્ટરનેશનલે તેને પૂછેલું 'તું તારું સૌંદર્ય કેમ જાળવે છે? રેખાએ કહ્યું કે જે સ્ત્રી આંતરિક રીતે સુંદર નથી તે પૂર્ણપણે સુંદર ન ગણાય. અંદરથી સુંદર સ્ત્રી માયાળુ હોય. તેનું માયાળુપણું ચહેરા પર ઝગારા મારે છે. રાત્રે તે નિયમિત ૧૧ વાગ્યે સૂઈ જવાનો સંકલ્પ રાખે છે (પછી જેવા સંયોગો)અને સવારે પાંચ વાગ્યે તો તે જાગી જ જાય છે. સવારે તે સુંદર વિચારો કરે છે. આવું સૌંદર્ય આપવા બદલ ભગવાનનો પાડ માની તે વ્યાયામ કરે છે. ટબબાથને બદલે લોટાથી સ્નાન કરે છે. દોઢ કલાક તેનો ફોન સ્વીચઓફ રાખે છે. મીઠાઈ કે ગળપણ ખાતી નથી. દારૂ, સિગારેટ કે નોનવેજ લેતી નથી. તેની એક શિખામણ-'તમે યોગાસનો કરો, ખાવામાં કંટ્રોલ રાખો. તમારામાં બુદ્ધિ હોય, સૌંદર્ય હોય, કળા હોય પણ તંદુરસ્તી ન હોય તો બધું જ નકામું. કોઈ પણ ભોગે શરીર સાચવો. તંદુરસ્ત શરીર તમારી યુવાની ટકાવશે.'