નરેશકુમારે એમને મળવા જવાનું નક્કી કર્યું, તો કોઇએ ના પાડી કે ત્યાં જવા જેવું નથી, પણ નરેશકુમારને સમજાયું નહીં અને તે ત્યાં જવા નીકળી પડ્યો...એકાદ લાખથીય વધુ વસતીવાળા વિલાસપુરમાં ભાગ્યે જ કોઇ એવું હશે કે જે માસ્ટર જુસબને ઓળખતું ન હોય. નાનપણથી હંમેશાં હસતો-હસાવતો નિતનવી જોક કરતો કરતો એ સરકસમાં જોકર બની ગયો હતો. બોલીને તો સૌ હસાવી શકે પણ ચાર્લીની જેમ મોઢાના હાવભાવ અને મૂક અભિનયથી હસાવવાનું બહુ મુશ્કેલીભર્યું હોય. પણ આવો અભિનય કરવામાં માસ્ટર જુસબ માહેર હતો.
સરકસમાં મા. જુસબનું નામ સાંભળીને લોકો સરકસ જોવા ઊમટી પડતા હતા. શો હાઉસફૂલ જતા દરેક શોમાં મા. જુસબ અજબ અવનવી આઇટેમ રજૂ કરીને લોકોને પેટ પકડીને હસાવતો હતો. આથી કેટલાય સરકસવાળા એને પોતાના સરકસમાં કામ કરવા માટે મોટી રકમના વેતનની ઓફર કરતા હતા.
પણ જેણે શરૂઆતમાં પોતાના કપરા દિવસોમાં પોતાને સરકસમાં તક આપી હતી એ માલિકને મા. જુસબ છોડતો નહતો. મા. જુસબને કમાણી સારી હતી તેથી એ સમયમાં વિલાસપુરમાં મેઇન રોડ પર બે માળનું મકાન હતું. એણે સરકસમાં કામ કરતી સાથી કલાકાર દેવીકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ દેવીકા સરકસ છોડીને વિલાસપુર જ રહેવા ગઇ હતી, એક ગૃહિણી બનીને. મા. જુસબને પરિવારમાં બે પુત્રીઓ હતી. રણજીતા અને ગુલાબો, જેમાં રણજીતા મોટી હતી અને બન્નેથી નાનો પુત્ર હતો.
વિલાસપુરમાં પૈસાપાત્ર લોકોમાં મા. જુસબનું નામ હતું. આજથી બે દાયકા પહેલાં એની બન્ને પુત્રીઓ મોપેડ ચલાવીને સ્કૂલે આવતી-જતી હતી અને મા. જુસબને તો મોટેભાગે સરકસની સાથે બહાર ફરતા રહેવું પડતું પણ ચોમાસાની સિઝન અને વાર-તહેવારે એ વિલાસપુર અચૂક આવતો અને પોતે પાછો વતનપ્રેમી અને સ્વમાની માણસ હતો. મોહરમમાં તાજિયા હોય કે માતાજીનાં નોરતાં હોય, એમાં મા. જુસબ છુટા હાથે પૈસા વાપરતો હતો. વિલાસપુરમાં એનો દસકો હતો.
પણ સમય જતાં વિદેશી ટીવી ચેનલોનાં આક્રમણ સામે નાટક, સરકસ ભાંગી પડ્યાં. સાથે સાથે ઉંમર થતાં મા. જુસબની સ્થિતિ બગડી. આવક બંધ થતાં એ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયા. એની બાજુમાં રહેતા નરેશકુમાર આર્મીમાંથી નિવૃત્ત થઇને વિલાસપુર આવ્યા. હવે બીજે દિવસે મા. જુસબના મકાનમાં કોઇ અજાણ્યાને રહેતા જોઇ નરેશકુમારે એની માતાને પૂછ્યું,'બા. આ જુસબઅંકલ અને એના ઘરના બધા ક્યાં ગયા?'
'અરે બેટા, બિચારા જુસબઅંકલ તો બહુ મુશ્કેલીમાં સપડાઇ ગયા છે. ઉંમર થતાં એમની કમાણી બંધ થઇ. છોકરો કશું કામ કરતો નથી. દેવીકાને કેન્સર છે. તે એની સારવારમાં મકાન વેચાઇ ગયું. હજી બંને દીકરીઓનાં લગ્ન બાકી છે. અત્યારે ગામના છેવાડેની સોસાયટીમાં ભાડે રહે છે. મેં તો હમણાંથી જોયાય નથી.'
આવું સાંભળ્યા પછી નરેશકુમારે ગામમાં ખાતરી કરી તો જાણવા મળ્યું કે હવે તો મા. જુસબ બહાર પણ નીકળતા નથી. આથી, નરેશકુમારે એમને મળવા જવાનું નક્કી કર્યું તો કોઇએ એને ના પાડી કે ભાઇ ત્યાં જવા જેવું નથી. પણ નરેશકુમારને સમજાયું નહીં.
ત્યાં બીજા દિવસે રાત્રે એ રેલવે સ્ટેશનવાળા નિર્જન રસ્તેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે જકાત નાકાની ઓફિસમાંથી એક યુવતી એના કપડા સંકોરતી બહાર નીકળી. સ્ટ્રીટલાઇટના અજવાળામાં એણે જોયું તો યુવતી જાણીતી લાગી. પણ એ કશું બોલ્યો નહીં. બહુ વિચારતાં એને યાદ આવ્યું એ યુવતી મા. જુસબની પુત્રી રણજીતા હતી. ત્યારે નરેશકુમારને પેલા ભાઇની વાત સમજમાં આવી.
પછી તો અવારનવાર બન્ને છોકરીઓને ગામના ઉતાર સાથે મળીને ગેરકાયદે ધંધો કરતી જોઇ એટલે નરેશકુમારને થયું કે ઘરની બહાર ન નીકળતા જુસબઅંકલ આ બાબતની જાણ નહીં હોય અને કોઇએ જાણ કરી પણ નહીં હોય. આથી, છોકરીના કરતૂતની જાણ કરવા નરેશકુમાર ઘર શોધતો શોધતો મા. જુસબ પાસે આવ્યો.
નરેશને જોતાં જ મા. જુસબ એને ઓળખી ગયા, 'અરે બેટા નરેશ, તું ક્યારે આવ્યો?''અંકલ, સમયને જતા ક્યાં વાર લાગે છે? હું નિવૃત્ત થઇને આવ્યો એને આજ પંદર દિવસ થઇ ગયા.''સારું સારું, શું તારી મમ્મીની તબિયત કેમ છે?'
'ઠીક છે, એણે જ તમારી વાત કરી કે જુસબઅંકલ બહુ મુશ્કેલીમાં છે.' 'ભઇલા... સુખ દુ:ખ તો આવે ને જાય. માલિક રાખે એમ રહીએ. બેસ બેસ...'
નરેશકુમાર બેઠો એણે જોયું તો ઘરમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓમાં કંગાલિયત ડોકિયાં કરતી હતી. બંને પુત્રીઓ એની મમ્મીને કિમોથેરપી અપાવવા માટે રાજકોટ કેન્સર હોસ્પિટલમાં લઇ ગઇ હતી. થોડીવાર ઔપચારિક વાતો બાદ નરેશકુમારે વાત કરી, 'અંકલ! તમને ખબર ન હોય તો વાત કરું છું. તમારે હવે બન્ને છોકરીઓ પર ધ્યાન આપવાની જરૂર છે.'
'બેટા નરેશ, મને બધી ખબર છે પણ એ બંનેનો જ ઘર ચલાવવા માટે આધાર છે.' એક સમયે ગમે તેવા સોગિયાને હસાવી દેનાર જોકર મા. જુસબ બોલતાં બોલતાં રડી પડ્યા.
kalash@guj.bhaskarnet.com
સસ્પેન્સ, મનહર રવૈયા