[F4AG] સંબંધોની રક્ષા માટેનું પર્વઃ રક્ષાબંધન

 

 
 
 

કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
 
ભારતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તેને ઉજવવા પાછળ સામાજિક અને ર્ધાિમક મહત્ત્વ રહેલું હોય છે. શ્રાવણ સુદ પૂનમના દિવસે આવતો ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. રક્ષાબંધનને બળેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે દરિયાછોરુંઓ નાળિયેરી પૂનમ પણ ઊજવે છે. જ્યારે બ્રાહ્મણો પોતાનું યજ્ઞાોપવીત એટલે કે જનોઇ આ દિવસે બદલે છે.
 
શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર બહેનનો ભાઇના પ્રત્યે પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઇઓની કલાઇ પર રાખડી બાંધે છે અને તેમના દીર્ઘાયુ તથા રક્ષણ અને ખુશીઓ માટે પ્રાર્થના કરે છે. જેથી વિપત્તિઓ દરમિયાન તેઓ પોતાની બહેનની રક્ષા કરી શકે. તેના બદલામાં ભાઇ પોતાની બહેનની દરેક પ્રકારના અહિત સામે રક્ષણ કરવાનું વચન ઉપહાર સ્વરૃપે આપે છે. આ રાખડી અને ઉપહાર વચ્ચે શુભ અને પવિત્ર ભાવનાઓ રહેલી છે. સામાજિક દૃષ્ટિએ રક્ષાબંધનને જોઈએ તો સમાજમાં રહેલી પવિત્રતા આજના દિવસે ભાઈ-બહેનના માધ્યમથી બહાર આવે છે. સમાજમાં આ પ્રસંગથી એક પ્રકારની સામાજિક લાગણી પણ બંધાય છે. ભાઈ-બહેનના આ પવિત્ર દિવસે સમાજના લોકોને ઉજવણીના ભાગરૃપે પ્રેમ અને ભાઈચારાની લાગણીની પણ પ્રતીતિ થાય છે.
 
ભાઇ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જોકે રક્ષાબંધનની શરૃઆત પાછળ ઘણી પૌરાણિક અને આધુનિક કિંવદંતીઓ પ્રચલિત છે. પરંતુ આ સિવાય પણ શ્રાવણ પૂર્ણિમાનો દિવસ બીજા ઘણાં કારણોને લીધે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
પશ્ચિમ ભારતના સમુદ્ર તટીય પ્રદેશો, જેમ કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે જગ્યાએ નાળિયેરી પૂર્ણિમાના સ્વરૃપે મનાવવામાં આવે છે. વેદોમાં આ દિવસે વરુણદેવને પૂજન કરીને નાળિયેર અર્પણ કરવાનું જણાવ્યું છે. આથી પુર્ણિમાના દિવસે ત્યાંના લોકો (ખાસ કરીને માછીમારો) એક નાળિયેર જળના દેવતા ભગવાન વરુણની પૂજાના રૃપમાં સમુદ્ર દેવને અર્પણ કરે છે. આવું કરવા પાછળ એવો વિશ્વાસ છે કે સમુદ્ર દળના દેવતા સ્વરૃપ છે. તેઓ પોતાના ભક્તો પર ક્યારેય કોપાયમાન ન થાય અને તેમની અમીદૃષ્ટિ તેમના પર વરસાવતા રહે. આ જ ધારણા અને વિશ્વાસ સાથે સમુદ્ર દેવતાને પૂર્ણિમાના દિવસે એક નાળિયેરની ભેટ આપવામાં આવે છે.
 
કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓરિસ્સા જેવા દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બ્રાહ્મણ સમુદાય દ્વારા આ દિવસ 'અવનિ અવિત્તમ'ના રૃપમાં મનાવવામાં આવે છે. કર્ણાટકમાં યજુર્વેદના અધ્યેતાઓ દ્વારા આ દિવસને 'ઉપકર્મ' તરીકે ઉજવવામાં આવે છે. ઉપકર્મને વૈદિક શિક્ષણના આરંભનો દિવસ ગણવામાં આવે છે. વૈદિક શિક્ષણનું અધ્યયન શરૃ કરતાં પહેલાં યજુર્વેદના અધ્યેતાઓ દ્વારા એકબીજા સાથે પોતાનું યજ્ઞાોપવીત (જનોઇ) બદલવાની પરંપરા આ રાજ્યોમાં જોવા
મળે છે.
 
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આ તહેવાર 'કજરી પૂર્ણમા' તરીકે ઉજવવામાં આવે છએ. આ રાજ્યોમાં જે પરિવારોમાં પુત્રો હોય છે, તેઓ દ્વારા આ તહેવાર ઉજવવામાં આવે છે. શ્રાવણ માસની અમાસ પછી નવમા દિવસથી કજરી પૂર્ણિમા ઉત્સવને મનાવવાની તૈયારીઓ શરૃ થઇ જાય છે. આ નવમા દિવસને જ કજરી નવમી કહેવામાં આવે છે. આ દિવસથી લઇને પૂર્ણમાના દિવસ સુધી ઘણા પ્રકારની જુદી-જુદી પૂજાઓનું આયોજન થતું રહે છે.
 
રક્ષાબંધન સાથે સંકળાયેલી કથાઓ
પૌરાણિક માન્યતાઓ મુજબ દેવતાઓની રક્ષા માટે જ્યારે ઇન્દ્ર અસુરો સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે યુદ્ધ દરમિયાન દાનવો દેવતાઓ પર હાવી થઇ ગયા. ઇન્દ્ર ગભરાઇને ગુરુ બૃહસ્પતિ પાસે ગયા. ત્યાં ઇન્દ્રની પત્ની આ બધું સાંભળી રહ્યાં હતાં. ઇન્દ્રાણીએ તેમની રક્ષા માટે તેમના હાથ પર પવિત્ર મંત્રોચ્ચાર સાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું. દેવતાઓના ગુરુ બૃહસ્પતિના આશીર્વાદ અને ઇન્દ્રાણીની રક્ષાને કારણે દેવતાઓ આ યુદ્ધ જીતી ગયા અને આ વિજયની ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમને તેમની બહેન યમુનાએ રાખડી બાંધીને અમર બનવાનું વરદાન આપ્યું હતું. યમ રાજાએ આ પવિત્ર દિવસને મહત્ત્વ આપની જણાવ્યું કે જે ભાઇ આ દિવસે પોતાની બહેન પાસે રાખડી બંધાવશે અને તેની રક્ષાનું વચન આપશે તે અમર રહેશે.
 
મહાભારતમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે હું બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમની તથા તેમના સૈન્યની રક્ષા માટે રક્ષાબંધનનો તહેવાર મનાવવાની સલાહ આપી. તેમણે કહ્યું કે રાખડીના આ રેશમી દોરામાં એટલી શક્તિ છે કે તે તમને અનેક મુશ્કેલીઓમાંથી ઉગારી શકે છે. જ્યારે અભિમન્યુ સાત કોઠાનું યુદ્ધ લડવા માટે જાય છે ત્યારે તેના દાદી કુંતાજી અભિમન્યુને રક્ષા માટે રાખડી બાંધે છે. દાદી હોવા છતાં કુંતા રાખડી બાંધે છે, કેમ કે રાખડીનું મૂળ કામ રક્ષણ કરવાનું છે. બીજો એક પ્રસંગ એવો છે કે જ્યારે શ્રીકૃષ્ણ શીશુપાલનો સુદર્શન ચક્ર વડે વધ કરે છે એ સમયે તેમની તર્જની આંગળીમાં ઘા લાગવાને કારણે લોહી વહેવા લાગે છે. તે સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તેમની આંગળી પર પટ્ટી બાંધી જેથી લોહી ના વહે. તે દિવસે શ્રાવણ પૂર્ણમાં હતી. કૃષ્ણએ ઉપકારનો બદલો ચીરહરણ વખતે ચૂકવ્યો હતો. આમ પરસ્પર એકબીજાની રક્ષા અને મદદની ભાવના રક્ષાબંધનમાં સમાયેલી છે.
 
એક ઐતિહાસિક કથા અનુસાર જ્યારે રાજપૂત લડાઇ કરવા જતા હતા ત્યારે મહિલાઓ તેમના માથે તિલક કરીને રેશમી ધાગો એટલે કે રાખડી બાંધતી હતી અને તેમના વિજયની કામના કરતી હતી. મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર ચઢાઇ કરવાની સૂચના મળી. રાણી લડવા માટે અસમર્થ હતાં. તેણે મુગલ રાજા હુમાયુને રાખડી મોકલીને પોતાની રક્ષા કરવાની મદદ માગી. હુમાયુએ પોતે મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને મેવાડ પહોંચીને બહાદુરશાહ વિરુદ્ધ મેવાડ તરફથી યુદ્ધ લડીને કર્માવતી અને તેના રાજ્યની રક્ષા કરી. એવું પણ કહેવાય છે કે સિકંદરની પત્નીએ પોતાના પતિને હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધીને પોતાનો માનીતો ભાઇ બનાવ્યો હતો અને યુદ્ધના સમયે સિકંદરને ન મારવાનું વચન લીધું હતું. પુરુવાસે યુદ્ધ દરમિયાન હાથમાં બાંધેલી પોતાની બહેનની રાખડી અને વચનને યાદ કરીને તેનું સન્મના કરતા સિકંદરને જીવતદાન આપ્યું હતું.
 
શા માટે બળેવ કહેવાય છે?
રક્ષાબંધનના તહેવારની ઉજવણી પૌરાણિક કથા અનુસાર બલિરાજા સાથે જોડાયેલી હોવાથી તેને બળેવ કહેવામાં આવે છે. કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ બલિરાજાને વામન અવતાર ધારણ કરીને નમાવ્યા હતા. બલિરાજા ખૂબ જ દાનવીર અને ધર્મનિષ્ઠ હતા. એક સમયે તેઓ યજ્ઞા કરી રહ્યાં હતા ત્યારે વિષ્ણુ ભગવાન વામનનું રૃપ ધરીને આવ્યા. બલિરાજાએ તેમનું સ્વગત કર્યું અને જે જોઇતું હોય તે માગવા જણાવ્યું. ત્યારે વામનરૃપમાં આવેલા વિષ્ણુજીએ ત્રણ પગલાંની માગણી.
 
આમ ત્રણ પગલાં દાન આપવાનું બલિરાજાએ સ્વીકાર્યું. વામને એક પગલામાં સમગ્ર પૃથ્વીને, બીજા પગલામાં સ્વર્ગને આવરી લીધું. પછી તેમણે બલિરાજાને પૂછયું કે ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક નમાવ્યું. ભગવાન પોતાનું ત્રીજું પગલું તેના માથા પર મૂકે છે અને તે પાતાળમાં પહોંચી જાય છે. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા બલિરાજાનું અભિમાન નષ્ટ થવાને કારણે આ કહેવાર 'બળેવ'ના નામથી ઓળખાય છે. ભગવાન બલિરાજા પર પ્રસન્ન થઇને તેને વરદાન માગવા કહે છે, ત્યારે બલિરાજા ભગવાન પોતાને પાસે દિવસ-રાત રહે તેવું માગે છે. આથી ભગવાન દ્વારપાળ બનીને ત્યાં જ રોકાઇ જાય છે. ભગવાનના ઘરે ન આવવાને કારણએ લક્ષ્મીજીને ભગવાનની ખોટ સાલતી હતી. એવામાં નારદજીએ ભગવાનના સમાચાર લક્ષ્મીજીને આપ્યા અને ભગવાનની મુક્તિનો ઉપાય જણાવ્યો. લક્ષ્મીજી બલિરાજા પાસે ગયાં અને બલિરાજાને રાખડી બાંધી અને ભગવાનની મુક્તિની માગણી કરી. આમ આ પ્રસંગ લક્ષ્મીજી અને બલિરાજા સાથે સંકળાયેલો છે.
 
રક્ષાબંધન જીવનની પ્રગતિ અને મૈત્રી તરફ લઇ જતો પવિત્ર તહેવાર છે. રક્ષાનો અર્થ છે રક્ષણ અને મધ્યકાલીન ભારતમાં કેટલાંક સ્થાનોમાં મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવતી, ત્યારે તે પુરુષોને પોતાનો ભાઇ બનાવીને તેમના કાંડા પર રાખડી બાંધતી હતી. આ રીતે રાખડી ભાઇ-બહેન વચ્ચે પ્રેમના બંધનને મજબૂત બનાવે છે તથા આ ભાવનાને પુનર્જિવિત કરે છે.

સંબંધોની રક્ષા માટેનું પર્વઃ રક્ષાબંધન


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...