Gujaraticlub.info is an online gujarati community club for Gujarati lovers.It gives you information for news, interesting stories, natak, entertainment, classifieds, business, education and gujarati songs.
[F4AG] સત્ય અને ન્યાયની જીત
સત્ય અને ન્યાયની જીત
Pravin K.. laheri
ગાંધીની બારડોલીની સેના કોઇ શસ્ત્ર કે અસ્ત્ર વિનાની હતી. તેના સર્વોચ્ચ સેનાપતિ સરદાર હાથમાં એક લાકડી રાખતા હતા. તે જ કદાચ તેની સત્તા અને હોદ્દાનું પ્રતીક હતી. બારડોલી સત્યાગ્રહ મુંબઇની પ્રાંતીય સરકાર માટે પડકાર બની ચૂકી હતી. મુંબઇથી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અંગ્રેજ પત્રકારે બારડોલીની મુલાકાત લઇ લખ્યું કે 'અહીં લોખંડી શિસ્ત પ્રવર્તે છે. પટેલે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જેવી સ્થિતિનું સર્જન કર્યું છે. આમાં લેનિનની ભૂમિકા ભજવતા વલ્લભભાઇની પકડ અને સત્તા સંપૂર્ણ છે.
બારડોલીની મહિલાઓને રાજદ્રોહી કાવ્યો શિખવવામાં આવ્યાં છે અને તે દ્વારા તેમના પુરુષવર્ગને પોતાના હકની રક્ષા કરવા માટે ફના થઇ જવાનું અને સરકારને તાબે ન થવાનું બળ પૂરું પાડવામાં આવ્યું છે.' બ્રિટનની આમસભામાં રૂઢિચુસ્ત સાંસદો આ કાવતરાને જલદી ખતમ કરવાની માગ કરી રહ્યા હતા. મુંબઇના મહેસૂલ મંત્રી શિવદાસાનીનું માનવું હતું કે 'જો બારડોલીના કિસાનો છેલ્લે સુધી મક્કમ રહેશે તો બ્રિટિશ સામ્રાજયની મૃતદેહ પેટીમાં (કોફીન) તે પહેલી જડબેસલાક ખીલી હશે.' સુરત ડિવિઝનના કમિશનર સ્માર્ટે જ્યારે સરદારને અને તેના સાથીઓને 'લોકો પર ચોંટી ગયેલી જળો' તરીકે વર્ણવ્યા ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ઠરાવ કરી જણાવ્યું કે રાજ્યના ઉચ્ચ અધિકારને આવા શબ્દો છાજતા નથી. સરદારનો જવાબ તો તેના વ્યક્તિત્વને ગરિમા બક્ષે તેવો હતો.
સ્માર્ટને બારડોલી આવી લોકો સાથે પ્રેમથી હળીભળી વાત કરવાનું નિમંત્રણ આપતાં કહ્યું, 'હું તો બારડોલીમાં શાંતિ જાળવવા માટેનો ચોકીદાર છું. સાબરમતીના શાંત નિવાસ સ્થાનથી જે આ આંદોલન નિહાળે છે તેવી એક જ વ્યક્તિને (ગાંધીને) જવાબદાર છું. મારા માટે એક જ પડકાર છે તે તેમના કામ કે કીર્તિને જરા સરખો પણ ડાઘ ન લાગે તે માટે ભૂલચૂકથી બચવાનો છે.'
સરકાર જેમ જેમ જમીનની જપ્તી અને હરાજીમાં આગળ વધતી ગઇ તેમ તેમ સરદારનો પુણ્યપ્રકોપ વધતો ગયો. સરદારના ધગધગતાં શબ્દો ખેડૂતો માટે દાઝી ગયા બાદના શીતળ મલમ સમાન હતા. સરદારે પડકાર કર્યો કે 'જયાં સુધી બારડોલીના ખેડૂતની એક એક ઇંચ જમીન તેને પછી નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલશે. ચપરાસી, પોલીસ કે કસાઇઓને નામે હરાજી અંકે કરવાથી કશું નહીં વળે. આ લડત સરકારને કોઇ જમીન ખેરાતમાં આપવા માટે હું નથી ચલાવતો.
જે આ જમીન ખરીદે છે તે ખેડૂતોનું લોહી પીવે છે.' સરદારે કહ્યું કે રાજને લાગે છે કે તેની શક્તિ રાવણથી પણ વધારે છે. બ્રિટીશ સલ્તનતે એ ખ્યાલ કરવો રહ્યો કે બારડોલીમાં ૮૭૦૦૦ સત્યાગ્રહીઓ દુ:ખ વેઠી રહ્યા છે.સરદારે તળપદી ભાષા અને ખેડૂતોને સરળતાથી સમજાય તેવી ઉપમા આપતાં કહ્યું કે 'કોઇ ઉતાવળિયું સમાધાન કરવાનો પ્રશ્ન નથી.સમાધાન કયારે કરવું તે અંગે આપણને કોઇની સલાહની જરૂર નથી.'તા.૧૩ જુલાઇ ૧૯૨૮ના રોજ મુંબઇના ગવર્નર વાઇસરોયને સમિલામાં મળ્યા. તેમના અંગે બારડોલીના પ્રશ્ને વિસ્તૃત ચર્ચા થઇ.
મુંબઇ પરત જતાં પહેલાં ગવર્નર તેના રસાલા સાથે સુરત રોકાયા. સરદારને મંત્રણા માટે નિમંત્રણ પાઠવ્યું. સરદાર અને ગવર્નર વચ્ચે છ કલાક વાતચીત થઇ. કાંઇક પરિણામ આવશે તેવી આશા બંધાઇ. તા.૨૩ જુલાઇ, ૧૯૨૮ના રોજ પ્રાંતીય ધારાસભાને સંબોધતા ગવર્નરે પુરાણા રાગના સામ્રાજયવાદી સૂરો છેડ્યા અને કહ્યું કે, 'બારડોલીમાં પ્રશ્ન મહેસૂલ વધારાના મુદ્દે ન્યાય કે અન્યાયનો નથી પરંતુ બ્રિટિશ સમ્રાટની હકૂમતમાં તેની આણ ન પ્રવર્તે તેવી સ્થિતિ રાજ કદી સાંખી નહીં લે.' સરદારે જવાબ આપ્યો કે 'અમારી લડત મુદ્દાસરની છે.
અમારી પદ્ધતિ સવિનય કાનૂનભંગની છે પણ અમે જે કાયદાનો ભંગ કરીએ છીએ તેને માટે કશા પ્રતિકાર વિના સજા ભોગવીએ છીએ. પ્રાંતીય સરકારનો અન્યય સહન ન કરવા માટે અમે કતનિશ્ચયી છીએ.' બારડોલીના પ્રશ્ને આંદોલન લંબાતું હતું. સરદારની અચાનક ધરપકડ થવાની સંભાવના જણાતા મહાત્માજી સ્વયં બારડોલી પહોંચ્યા. તેમણે કહ્યું કે તેઓ સરદારના મોટાભાઇ છે પણ અહીં તેના સૈનિક તરીકે આવ્યા છે. બારડોલીમાં લશ્કર લાવી ભય ફેલાવી આંદોલનને કચડી નાખવાનો તખ્તો ગોઠવાયાના સમાચાર મળતા હતા.
કનૈયાલાલ મુન્શીએ સરકાર સાથે વાટાઘાટોની શરૂઆત કરી. સૌ મઘ્યસ્થીઓની મહેનતના અંતે (૧) કેદીઓને છોડી મૂકવા, (૨) તલાટી-મુખીઓને પાછા નોકરીમાં લઇ લેવા, (૩) મહેસૂલી દરની ફેરવિચારણા કરવી અને (૪) જપ્ત થયેલી પણ હરાજી નથી થઇ તેવી જમીન પાછી આપવાના મુદ્દે સહમતી સધાય પરંતુ સમાધાન થતાં જ જૂના દરે મહેસૂલ ભરી આપવા અને હરાજી થયેલ જમીનના મૂળ ખાતેદારોને પરત આપવાના પ્રશ્ને મતભેદ હતા. 'જો ખેડૂતોને તેમની જમીન પરત ન મળે તો તેવા સમાધાનમાં મને કશો જ રસ નથી.' તેવી સરદારની દ્રઢતાને કારણે સરકાર ચિંતિત થઇ પ્રાંતના નાણામંત્રી ચુનીલાલ મહેતાએ મોટાભાગની ગૂંચવણો ઉકેલી. મૂળ ખાતેદાર ખેડૂતોએ હરાજી થયેલ જમીન પરત મેળવવા રકમ ડિપોઝિટ કરાવવાની હતી. સરદાર આ માટે સહમત ન હતા. વિઠ્ઠલભાઇ પટેલે પડદા પાછળ રહી આ પ્રશ્નનો નિકાલ કર્યો.
વિઠ્ઠલભાઇએ તેમના વેપારી મિત્ર રામચંદ્ર ભટ્ટને સમજાવી ડિપોઝિટની કુલ રકમ જમા કરાવી દીધી. સ્વામી આનંદ અને મહાદેવભાઇ દેસાઇએ સરદારને સમાધાન આખરી કરવામાં મદદ કરી પણ સરદારના મનમાં તો એક જ પ્રશ્ન હતો 'બાપુ શું કહેશે?' અંતે સરદાર અને સરકાર વચ્ચે સમાધાન થયું. બારડોલી સત્યાગ્રહ અંગે મહાદેવભાઇ દેસાઇએ નોંઘ્યું છે કે 'બારડોલીના પ્રશ્ને રાષ્ટ્રનું જ નહીં પણ સામ્રાજયનું ઘ્યાન દોરાયેલું છે.' કિસાનોએ સ્થાપિત કર્યું કે ન્યાય, સત્ય અને અહિંસાનો નાશ કરવાનું કાર્ય કપરું છે.' ગાંધીજીએ સરદારને બિરદાવતાં કહ્યું કે 'તેમની દ્દઢતા અને મૃદુતાના સંગમ વિના સમાધાન શક્ય ન હતું.' મોતીલાલ નહેરુ, સુશ્રી સરોજીની નાયડુ અને સુભાષચંદ્ર બોઝના વધામણા સાથે અને ગાંધીજીએ આપેલા 'સરદાર'ના ખિતાબ સાથે વલ્લભભાઇ માટે ૧૧ વર્ષના જાહેરજીવનમાં હાંસલ કરેલી સદ્ધિઓની યાદી તેમની અજોડ, અમાપ અને અકલ્પ્ય શક્તિનો પુરાવો છે.
સરદાર શબ્દ દેહે
'જો પરસ્પર સમજૂતીની સાચી ઈચ્છા અન્યમાં જોઉ તો હું પોતે શિષ્ટાચારના આમંત્રણની રાહ ન જોઉ. મુશ્કેલી દીઠી કે હાથપગ જોડીને બેસી રહેવું અને તે દૂર કરવા કોઇ કોશિશ ન કરવી તે નરી કાયરતા છે. પુરુષાર્થ મુશ્કેલીઓ ઓળંગવામાં છે. જયાં કોઇ પણ કામ પાર પાડવાની ઈચ્છા અને દ્દઢ સંકલ્પ હોય ત્યાં કોઇને કોઇ રસ્તો કે ઇલાજ ગમે ત્યાંથી આવી મળે છે. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા એકત્ર થાય ત્યારે તે સામે ટકી શકતું નથી.
વિજયના સાચા અધિકારી મહાત્મા છે
વલ્લભભાઇ માટે ખેડા, બોરસદ અને બારડોલીની સફળતાની સાથે સૌ કોઇને તેમના માટે આદરની લાગણી થઇ. દેશ-વિદેશથી સંદેશાઓનો ધોધ વરસ્યો. નવોઢા જેવી શરમાળ આંખે અતિ વિનમ્ર ભાવે સરદારે પોતાની આ ઐતિહાસકિ સદ્ધિ યુગપુરુષ મહાત્મા ગાંધીના ચરણોમાં ધરી દેતાં કહ્યું કે, 'આ વિજયના ખરા અધિકારી મહાત્મા છે. હું તો તેના ઓસડિયો છું. તેમણે આપેલી જડીબુટ્ટી ઘસીને પાવાનું કામ મેં કર્યું છે. પણ આ દેશના હઠીલા દર્દોને દૂર કરવાનો કીમિયો જેના પાસે છે તેવા મહાત્માની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનો આપણને સૌને આનંદ છે.
See the Web's breaking stories, chosen by people like you. Check out Yahoo! Buzz.
************************************************************************** Welcome to World's Biggest Gujarati Group Pure Gujju Group with Young Gujju Members Most happening & the only active Gujarati Group in the Universe Meet Our New Generation & Make New Friends This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
No comments:
Post a Comment