આંસુ તારાં વહેતાં પાણી. પ્રિય મિત્રો, દરેક પુરુષ જ્યારે લગ્નના, લાકડાના લાડુ ખાવાની અત્યંત ઉમંગ,ઉત્સાહભેર મનોકામના સેવે છે,ત્યારે અજાણતાંજ તે, ટપક સિંચાઈ પધ્ધતિના આવિષ્કાર માટે જવાબદાર એવું, સતત આંસુ ટપકાવતું, મશીન (પત્ની) ઘરમાં લાવી રહ્યો છે,તેની જાણ તેને ઘણી મોડી થાય છે..!! કહેવાય છેકે, સ્ત્રી વર્ગ બંધારણ-બાંધે નબળી હોવાથી,ઈશ્વરે તેમને આંસુની વધારાની તાકાત બક્ષી છે,જે પુરુષો માટે વગર વાંકે મળેલા,શ્રાપ સમાન ગણી શકાય ? આમતો, દુનિયામાં જન્મ થતાંની સાથેજ નવજાત શીશુના કંઠમાંથી, પ્રથમ `નાદબ્રહ્મગાન` સ્વરુપે જે સ્વર પ્રગટ થાય છે,તેને રુદન કહે છે.રુદન ની બાયપ્રોડક્ટ એટલે આંસુ (TEARS). આંસુની વ્યાખ્યા-(ભગવદ્ગોમંડલ) આંસુ એટલે આંખમાં આવતાં પાણી; અશ્રુ; ઝળઝળિયાં. આપણી આંખને સતત ચોખ્ખી,સાફ અને ભેજયુક્ત રાખતું આંસુ,રુદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું,પ્રવાહી છે, કણા જેવી કોઈ પણ ચીજ આંખમાં જવાથી અથવા હર્ષ, દુ:ખ કે દિલગીરીની લાગણી થવાથી આંસુ આવે. જે ખાડામાં ડોળો રહે છે તે જ ખાડામાં ઉપરની બાજુ બહારની ખૂણામાં બદામ જેવડી અશ્રુપેશી એટલે જેમાંથી આંસુ પેદા થાય તે પિંડ રહેલ છે. પોપચાંની ઉઘાડબીડ લીધે વધારાનું પાણી અંદરના ખૂણા તરફ વહી નળીઓ અને અશ્રુનળી એટલે આંસુ લઈ જનારી નળીમાંથી નાકમાં ઊતરે. ત્યાં પવનની આવજા થતી હોવાને લીધે તેની વરાળ થઈ ઊડી જાય. આંસુ સારવાથી હૈયું હલકું થાય, આંસુ લૂછવાથી માણસને દિલાસો મળે અને આંસુ ગરવાથી પાપ છૂટે એવી માન્યતા છે. આંસુ વિષે જાણવા જેવી બાબતઃ-આંસુ ત્રણ પ્રકારનાં હોય છે. ૧. મૂળભૂત આંસુ- આંખને ધૂળ-કચરાથી સાફ રાખવા સતત ભીની રાખતાં આંસુ. ૨.સ્વયંભૂ વહેતાં આંસુ- કોઇકવાર આંખના સંપર્કમાં આવતી,અણગમતી ચીજ,ગંધ,જેમકે,કાંદા,ટીયરગેસને કારણે અથવા કસ્તર,કે પછી તીખો ખોરાક(મરચું),અને આંખને આંજી નાંખતો અસહ્ય પ્રકાશ,જેવી સ્થિતિમાં વહેતાં આંસુને સ્વયંભૂ આંસુ કહે છે. ૩.માનસિક લાગણીશીલ આંસુ- શારીરિક,માનસિક અસહ્ય તકલીફ,સુખ,દુઃખ,ક્રોધ,ડર જેવી બાબતોથી વહેતાં આંસુ,જેનું રાસાયણિક બંધારણ મૂળભૂત અને સ્વયંભૂ આંસુથી સાવ અલગ હોય છે.આવાં આંસુની માત્રા પણ વિપુલ હોય છે. વૈજ્ઞાનિકોના મતાનુસાર, ફક્ત માનવી જેવાં સસ્તન પ્રાણીમાં જ દુખઃ,સુખના લાગણીના અનુભવ સાથે રુદન પ્રક્રિયા શક્ય છે.બાકીનાં પ્રાણીઓને લાગણીનાં આંસુ શક્ય નથી,કદાચ તેથીજ કોઈને ઈમૉશનલી બ્લેકમેઈલ કરવા,આપણામાં સાવ ખોટેખોટું રડતાં,નરનારી માટે `મગરનાં આંસુ`ની ઉપમા અપાય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે,પત્નીઓની પાંપણ ઉપર કાયમ આંસુઓનાં તોરણ બંધાયેલાં હોય છે.(મગરનાં-નકલી?) સાચું-ખોટું રામ જાણે..!! એકવાર પતિ એ ઑફિસથી ઘેર આવીને હજુ ઉંબરે પગ મૂક્યો,ત્યાંતો પત્નીએ રડતાં-રડતાં જણાવ્યુંકે,"આજે તો ના થવાનું થતાં-થતાં રહી ગયું,મારી મમ્મી પાછળ વાડામાં જવા દરવાજામાંથી બહાર પગ મુકે,ત્યાંતો ઉપરના ફ્લેટવાળાના ધાબા ઉપરથી લોખંડનો સળીયો પડ્યો,આપણી આ ઘડીયાળમાં પાંચ મિનિટનો ફરક હોતતો, મારી મમ્મી અત્યારે હૉસ્પિટલમાં હોત.! આવું ફરી ના બને તે માટે,તમારે કાંઈ કરવું જોઈએ." પતિએ ચિડાઈને કહ્યું,"તું ચિંતા ના કરીશ,આપણી ઘડીયાળ કેટલાય સમયથી મોડી પડે છે,હું અત્યારેજ રીપેરીંગમાં આપી આવુ છું." જોકે,સુપ્રસિધ્ધ સ્કૉટીશ શરીરરચનાવિદ( Anatomist) ચાર્લ્સ બેલ દ્વારા એ પ્રતિપાદીત થયું છેકે, "Crocodile tears syndrome" એ ચહેરાની નસના લકવાને કારણે નિપજતું અસામાન્ય પરિણામ છે.આ ઉપરાંત મનુષ્યની આંખ ગમે તેવા સંજોગોમાં કોરી રહેતી હોય તો તેને "Keratoconjunctivitis sicca" કહે છે.આ એક ગંભીર સમસ્યા છે,જે આંખના પડળની નિષ્ક્રિયતાને કારણે થાય છે. જોકે હવે આધુનિક મેડિકલ રીસર્ચને કારણે આ પ્રકારના રોગનિયંત્રણમાં ઘણીબધી સફળતા મળી છે.સ્વયંભૂ વહેતાં આંસુ જેવી સમસ્યા, કેટલીકવાર યોગ્ય નંબરનાં ચશ્માં ન પહેરવાથી તથા ઘણા માણસો શોખ ખાતર અથવા ચશ્માંને બદલે કોન્ટેક્ટ લૅન્સ પહેરતા હોવાથી ઉદભવે છે,એ ધ્યાને લેવા જેવું છેકે, કોન્ટેક્ટ લૅન્સથી આંખના બાહ્ય પડને(સપાટીને) ઑક્સિજનની પૂરતી માત્રા ન મળવાથી આંખને કાયમી નુકશાન થઈ શકે છે. જગતમાં સહુથી સાચાં અને કિંમતી આંસુ જો કોઈ હોય તો,તે સંતાનને દુઃખમાં જોઈને રડતી માતાનાં આંસુ છે.ઉદરમાંથી પોતાના હાડચામ ઓગાળીને ઘડેલા પિંડને કોઈપણ સ્થિતિમાં ઉદાસ કે રડતો જોઈ માતાની આંખમાંથી આપોઆપ સરી પડતાં આંસુ અમૂલ્ય હોય છે, જોકે હવે એ આંસુને પણ `મગરનાં આંસુ` કહેવાની ધૃષ્ટતા કરતાં સંતાનોની સંખ્યા વધતી જાય છે, તે ખૂબ ચિંતાજનક બાબત છે. ભગવાનશ્રીકૃષ્ણના વિરહમાં આંસુ સારતી માતા જશોદા કે દેવકી,મહાભારતમાં યુધ્ધમાં પોતાના વહાલસોયા સો પુત્રોને ગુમાવ્યા પછી વિલાપ કરતી ગાંધારી..!! કે પછી દુર્યોધનને આપેલા વચનને પૂર્ણ કરવા,પાંડવોના ભ્રમમાં,અશ્વત્થામા દ્વારા,દ્રૌપદીના પાંચ પુત્રોનાં મસ્તક છેદીને લઈ ગયાનું જાણીને,દ્રૌપદીને આવેલાં ક્રોધનાં આંસુ..!! શ્રીરામના વનવાસ સમયે માતા કૌશલ્યાને પીડતાં, શ્રીરામના વિરહના, દુઃખનાં આંસુ..!! કે પછી શબરી,અહલ્યાને ભગવાન શ્રીરામનાં દર્શનથી મળેલા સુખ-ધન્યતા-હર્ષનાં આંસુ..!! મિત્રો,ફિલ્મોમાં શ્રીઅમિતાભ બચ્ચને ભલે ડાયલોગ મારીને પ્રેક્ષકોની તાળીઓ મેળવી હોય,કે, " મર્દ કો દર્દ નહીં હોતા..!!" પણ સાચી વાતતો એ છેકે,મર્દાનગી બતાવવાની લ્હાયમાં, ખરેખર રડવું આવે તેવા પ્રસંગે,ન રડનાર માનવને હ્યદય પર બોજ વધી જવાથી હ્યદયરોગનો હુમલો થયાના પણ દાખલા છે. જો ખરેખર આંસુ ના સારવાં હોય તો નીચે જણાવેલ સલાહનો અમલ કર્યા જેવો છે..!! खादन्न गच्छेदध्वानं न च हस्येन भाषणम । शोकं न कुर्यान्नष्टस्य स्वकृतेरपि जल्पनम ॥ અર્થાતઃ-રસ્તે ચાલતાં ખાવું નહીં.હસતાં-હસતાં બોલવું નહી.નષ્ટ થયેલી વસ્તુ,વીતેલી વાત અને મૃત્યુ પામેલી વ્યક્તિ,એ ત્રણ માટે શોક ના કરવો,તેમજ પોતે કરેલાં કોઈ કાર્યની પોતાના મુખે પ્રશંસા ન કરવી. ફિલ્મની વાત નીકળી છે તો મને રડાવી ગયેલા એક દ્રશ્યની વાત કરીને લેખનું સમાપન કરું. ફિલ્મ "સાહેબ"માં બહેનના લગ્નના ખર્ચને પહોંચી વળવા પોતાની કીડનીને વેચીને હૉસ્પિટલના બિછાને સુતેલા દીકરા અનિલકપૂરને જોવા માટે સમર્થ બંગાળી કલાકાર શ્રીઉત્પલદત્ત,અન્ય સમર્થ કલાકાર રાખી સાથે આવે છે ત્યારે,પોતાના,હોનહાર ફૂટબોલપ્લેયર ગૉલકીપર એવા, દીકરાના સતત કરેલા અપમાનનો પશ્ચાતાપ,પોતાની કેરીયરના ભોગે બહેનના લગ્નનો ખર્ચ ઉઠાવવા કીડની વેચીને,દીકરાએ કરેલા મહાન ત્યાગનો ગર્વ અને લાચારી સાથેનું અપાર દુઃખ,શ્રી ઉત્પલદત્તના ચહેરા ઉપર એક સાથે કેટલા ભાવ લિંપાઈ ગયા છે..!! તેતો,ધ્યાનથી નિહાળીએ તોજ માણવા મળે. .શ્રીઉત્પલદત્તને,અનિલકપૂર સાવ ઝાંખા દેખાય છે,તેથી તેઓ રાખીને કહે છે કે,"બેટા,મૂઝે સાહેબ દીખાઈ ક્યું નહી દેતા હૈ ?", ત્યારે, પોતાના સમજુ દીયરે કુટુંબની રાખેલી લાજનો તથા મોડે-મોડે પણ સસરાના ચહેરા ઉપર સાહેબ પ્રત્યે પ્રેમનો ભાવ જોઈ થયેલો સંતોષ,રાખીના ચહેરા ઉપર તરવરી ઉઠે છે. રાખી આંખમાં આંસુ સાથે કહે છે,"પિતાજી,આપકી આંખ પોંછ લીજીયે,આંખમેં આંસુકી વજહસે આપ સાહેબ કો દેખ નહી પા રહે હૈં." આવા સમર્થ કલાકારોના માર્મિક,ઝીણાશભર્યા અભિનયથી,તેઓનાં ગ્લીસિરીનનાં આંસુ આપણને સાચા આંસુ પડાવી શકે..!! તેવા કલાકારો હવે કદાચ આંગળીના વેઢે ગણાય એટલા પણ નથી રહ્યા,પછી ફિલ્મો એકાદ-બે અઠવાડીયાંથી વધારે ના ચાલે તેમાં કોઈ નવાઈ નથી. બાય-ધ-વૅ,આપને પણ આવું કોઈ દ્રશ્ય રડાવી ગયું હોય તો, તેનો અનુભવ, સહુની સાથે વહેંચવાનો આનંદ લેશો ? માર્કંડ દવે.તાં.૨૧-૧૧-૨૦૦૯. |
No comments:
Post a Comment