શરમ કેવી ? નરમ કે ગરમ ? પ્રિય મિત્રો, એકવાર એક ગધેડાએ, બીજા મિત્ર ગધેડાને અકળાઈને કહ્યું,"યાર,મારો ધોબી મને કારણ વગર બહુજ મારે છે." બીજો ગધેડો,"તો પછી ઘર છોડીને ભાગી જાને?" પહેલા ગધેડાએ શરમાતાં-શરમાતાં કહ્યું,"ભાગી તો જઉં,પણ મારા માલિક,એની ઉંમરલાયક સુંદર છોકરીને કાયમ કહે છે કે,જો આડીઅવળી ચાલીને તો એક દિવસ,આ ગધેડા જોડે પરણાવી દઇશ..!!" જોકે,લગ્નની વાત ચાલે ત્યારે જે કોઈ શરમાય તે બધા જ કાંઈ ગધેડા નથી હોતા. લગ્નની વાત શરમાવુ પડે તેવી ખાનગી બાબત નથી,તે વાત પર શરમ આપોઆપ આવી જાય છે અને તે કાંઈ ગધેડાપણાની નિશાની નથી. ચાલો,ગધેડાપુરાણનો અધ્યાય અહીંજ અટકાવીને મુદ્દાની વાત `શરમ` કેવી? `નરમ કે ગરમ ? તેની વાત કરીએ. સામાજીક સાયકૉલોજી મુજબ શરમ એ આત્મવિશ્વાસના અભાવમાંથી નિપજતી આશંકાને કારણે શરીરમાં અનુભવાતી લાગણી છે.જીવવિજ્ઞાનમાં સંશોધન બાદ સાબિત થયું છેકે, શરમ ની અનુભૂતિ કેવળ માનવમાં નહીં ગોરિલાઓમાં પણ જોવા મળે છે.તેઓ મોટાભાગે માનવની ઉપસ્થિતિમાં શરમ અનુભવતા હોય છે. જ્યારે મનુષ્ય અપરિચિત વાતાવરણમાં,અજાણ્યા લોકો વચ્ચે ઉપસ્થિત હોય છે ત્યારે,તેના અંન્તર્મુખીપણા સ્વભાવને કારણે તે અન્ય સાથે નિકટતા નથી સાધી શકતો,ત્યારે મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે તેને શરમ કહે છે.ઘણીવાર કોઈક અંગત વાત ઉપર જાણીતા કૌટુંબીક વાતાવરણમાં પણ શરમની લાગણી અનુભવાય છે. જોકે સમય સરતાં શરમ ધીરે ધીરે ઓછી થતી જાયછે. દા.ત. તદ્દન નાનું બાળક અજાણ્યાને પ્રથમવાર જોતાં જ શરમાય છે,પરંતુ થોડા સમય પછી પરિચય વધતાં શરમ ઓછી થાય છે.જમાનાના બદલાવ સાથે હવે તો એમ પણ જોવા મળે છેકે,નાંનાં બાળકોની મોટી હરકતો, ભલભલા મોટાને શરમમાં મૂકી દે છે. દાખલો આપવાની જરુર છે ખરી ? માનવની ઉંમર બદલાય તોપણ શરમની માત્રાની વધઘટની શક્યતા સાથે તે લાગણી સાવ નિર્મૂળ થતી નથી.દા.ત. કોઈ અભિનેતા સ્ટેજ ઉપર શરમાયા વગર પોતાનો રૉલ ભજવી જાણે,પરંતુ તેજ અભિનેતા ઈંન્ટરવ્યુમાં સાચુકલો શરમાતો જોવા મળે.શરમાતા માણસ સાથે અન્ય સર્વે લોકો કંટાળા અને ક્યારેક ઉપહાસભરી નજરથી વર્તતા હોય છે.આપણે શરમની લાગણીમાંથી મુક્ત થવું હોય તો ચહેરા ઉપર મધુરા સ્મિત સાથે, આત્મવિશ્વાસથી, નજરથી નજર મેળવીને, વાત કરવાની આદત પાડવી જોઈએ. ઉપર દર્શાવ્યું તેમ,આપણને પ્રશ્ન થાય છે કે શરમ કેવી છે ? નરમ કે ગરમ ? પરંતુ નરમ શરમ એટલે શું ? "નરમ શરમ એટલે સમાજમાં સામાન્ય સંજોગોમાં સાવ અલ્પ સમયગાળા માટે અનુભવાતી અતડાપણાની લાગણી." કોઈ માણસ વક્તા કે ગાયક ન હોય છતાં તેને સ્ટેજ પર ચઢાવી દેતાં તેની જે સ્થિતિ થાય તે નરમ શરમ . ઘણાને આવું થાય , પણ શરમાતાં શરમાતાં કરેલું પર્ફોર્મન્સ જો તાળીઓથી વધાવી લેવાય તો તેને પછી અટકાવવો અઘરો પડે..!! મહેમૂદની સફળ ફિલ્મ `બોમ્બે ટુ ગોવામાં` નવાસવા આવેલા શ્રીઅમિતાભજી પોતાની લાં....બી ટાંગોને લીધે `દેખાના હાયરે સોચાના હાયરે " ગીતમાં ડાન્સ કરતી વખતે ખૂબ શરમાતા હતા,ત્યારે મહેમૂદે આખાયે યુનીટ પાસે સાવ ખોટેખોટી વાહવાહ કરાવી ડાન્સ પુરો કરાવ્યો હતો. નરમ શરમ ના કેટલાય ઉદાહરણ આપી શકાય.બાથરુમ જવું હોય પણ કોઈને પુછવાની શરમ,કોઈને ખરાબ લાગશે તે ડરથી સાવ સામાન્ય સવાલ પુછવાની શરમ,પોતે મૂરખ દેખાશે તે ભયથી વર્ગખંડમાં પ્રોફેસરને પ્રશ્ન પુછવાની શરમ,લગ્નના જમણવારમાં કોઈને ખાઉધરાપણૂં લાગે,તે ભયથી ભાવતી વાનગી માંગવાની શરમ,વિગેરે વિગેરે...!! હવે ગરમ શરમ એટલે શું ? ગરમ શરમ એટલે કોઈ વ્યક્તિની હાજરી વગર પણ, વ્યક્તિના હ્યદયમાં આંદોલિત થતી આંતરિક અનુભવની એવી લાગણી જે અન્યથી છુપાવવાનું મન કરે. કોઈને પ્રેમ,આનંદ,સેક્સની લાગણી અથવા સમાજે ઘડેલા શરીરની કેટલીક ચેષ્ટા દર્શાવવાની આચારસંહિતાનો ભંગ થતાં ઉત્પન્ન થતી લાગણીઓ ને ગરમ શરમ કહી શકાય,કદાચ આ શરમ એટલી તીવ્ર હોય છેકે ..!! હ્યદયના ધબકારા વધીને રગોમાં લોહીનું ભ્રમણ વધી જવાથી શરીરમાં ઉષ્મા નો વધારો અનુભવાય છે. આવી ગરમ શરમ અગાઉના જમાનામાં લગભગ તેર થી સોળ વર્ષ દરમિયાન અનુવાતી હતી અને તેથી જ આપણામાં કહેવત હતીકે, 'સોળે સાન , વીસે વાન `, પરંતુ હવે સાઈબર યુગમાં આવી લાગણી માત્ર આઠ વર્ષની ઉંમરથી પણ અનુભવાતી જોવા મળે છે. આવી ગરમ શરમનું કારણ ઘણીવાર સમાજ માટે ક્ષોભજનક, શરમજનક હોય છે, નાનાં બાળકોની સાથે થતો સેક્સનો અણગમતો દુર્વ્યવહાર, કુટુંબ તરફથી પ્રેમનો અભાવ,આર્થિક અક્ષમતા,શારીરિક નિર્બળતાને કારણે સામાજીક ઉપેક્ષા, જેવા ઘણાં કારણોને કારણે માણસ સમાજ વચ્ચે રહેતો હોવા છતાં, એકલતાના ફૉબીયાથી પીડાય છે અને પોતાની સ્થિતિ ને શરમજનક અનુભવે છે.ઘણીવાર ભૂલકણો સ્વભાવ પણ શરમનો અનુભવ કરાવે છે. એક ક્લબની આજીવન મેમ્બરશીપ ધરાવતો હોવાથી, ત્યાંથી રુટીન ઈંક્વાયરી સ્વરુપે ,મને એક કર્મચારી બહેનનો ફૉન આવ્યો. મારું નામ પુછ્યું, મેં નામ જણાવ્યું. મારી જન્મ તારીખ પુછી,મેં જણાવી. પછી મારી પત્નીની જન્મ તારીખ, અમારાં લગ્નની તારીખ વિગેરે વિગતો પુછી, અને હું ભરાઈ પડ્યો,મને યાદ ન હતી. પછી તો મારાં સંતાનોની જન્મતારીખ પુછી,તે પણ મને યાદ ન હતી. શરમથી પાણી-પાણી થઈ, અત્યંત વિનતીના સ્વરમાં, પેલાં બહેનને પછીથી ફૉન કરવા મેં જણાવ્યું, પરંતુ,તેઓ ખૂબ કર્મઠ અને ઉત્સાહી હશે..!! તેથી તેઓએ,ફૉન ચાલુ રાખીને, ઘરમાં પુછીને વિગત આપવા મને વિનંતી કરી. છેવટે મેં એમને કહ્યું,"બહેન, આજે આપે નક્કી કર્યું છેકે, મારા ઘરમાં સવાર-સવારમાં મને ઠપકો મળી જાય ?" છેવટે,હસતાં-હસતાં, એ બહેને ફૉન મુકી દીધો. જોકે,આપને પણ શરમ ટાળવા,આપની પત્નીનો જન્મદિવસ કાયમ માટે યાદ રાખવો હોય તો,એકવાર જન્મદિવસે,તે ભૂલી જવાની ભૂલ કરી જોજો. આમતો,પ્રેમ હોય ત્યાં શરમની મર્યાદાને આદર સાથે સ્વીકારવામાં આવે છે, તથા તેને પ્રેમાભૂષણ ના સ્વરુપે જોવામાં આવે છે. અમેરીકન સાયકૉલોજીસ્ટ `Brian G. Gilmartin` ( જન્મ - May 18, 1940)ના ૧૯૮૭ માં પ્રકાશિત થયેલા પુસ્તક `Shyness & Love: Causes, Consequences, and Treatments ` , મુજબ, શરમાળ પ્રેમીઓ, સાનુકુળ ન હોય તેવી સ્થિતિમાં પોતાના પાર્ટનર સાથે પ્રેમ કે જાતીયતા અંગે મુક્તપણાથી, દૃઢ નિશ્ચય થી વાતચીત કરી શકતા નથી.દા.ત. ઘણી સ્ત્રીઓ,પુરુષની હાજરીમાં,અને ઘણા પુરુષો સ્ત્રીઓની હાજરીમાં અસ્વસ્થતા અનુભવતા હોય છે અને સરખી વાતચીત નથી કરી શકતા. બ્રિઆનના અભ્યાસ મુજબ, આવી વ્યક્તિઓ કુંવારા હોવાથી,સ્ત્રી મિત્રો વગરના હોવાથી,વિજાતીય પાત્ર પ્રત્યે અણગમો હોવાથી,વિજાતીય પાત્ર તરફથી તિરસ્કાર થવાના ભયથી,વિજાતીય પાત્ર સાથે પોતે સબંધ નહીં જાળવી શકે તેવી ભયગ્રંથીથી પીડાતા હોવાથી,આવી વ્યક્તીઓ ક્યારેક વિષમલિંગી (હોમો,લૅસ્બીયન) પસંદગી ધરાવતી હોવાથી પ્રેમ અભિવ્યક્તીમાં શરમ અનુભવે છે. બ્રિયાન સ્પષ્ટતા કરતાં જણાવે છેકે, "The very shy young woman is no less likely to date and to marry than is the self-confident woman, non-shy woman...In essence, even very shy women marry. Love-shy men cannot and do not marry irrespective of how strong their desires might be..." મિત્રો,શરમને નેવે મુકવાના કેટલાક અમૂલ્ય ઉપાય અહીં દર્શાવ્યા છે. સારા સાયકૉલોજીસ્ટ પાસે સારવાર ઉપરાંત,મનને શાંત કરે તેવું સંગીત,એકસરખા શોખ ધરાવતા વિજાતીય પાત્ર સાથે મિત્રતા,પોતે કલ્પના કરી હોય તેવા વિષય કથાવસ્તુ ધરાવતી ફિલ્મો જોવી,ઉપરાંત આત્મવિશ્વાસ વધે તેવી પ્રવૃત્તિ,શોખમાં રચ્યાપચ્યા રહેવું.મનના તમામ વિચારોની આપ-લે કરી શકાય તેવા મિત્રનો સંગાથ,વિગેરે ઉપાયોથી ધીરે ધીરે શરમનો પરદો હટી જાય છે. ફિલ્મોની વાત વગર આપણો લેખ અધુરો ગણાય..!! સન - ૧૯૬૬ ની એક સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ `અનુપમા`,જેના નિર્માતા-એલ.બી.લચ્છમન,દિગ્દર્શક - ઋષિકેશમુખર્જિ,સંવાદ - રાજેન્દ્રસીગ બેદી, સ્ટારકાસ્ટ - ધર્મેન્દ્ર, શર્મિલા ટૅગોર, દેવેન વર્મા, શશીકલા, ડેવીડ, તરુણ બૉઝ, દુર્ગાખોટે, જેવા સમર્થ કલાકારો ને લઈને,શરમની ઉત્પત્તિનું કારણ, જીવન પર અસર અને સારવારને સર્વોત્તમ રીતે વર્ણવતી આ ફિલ્મ આપણા લેખમાં ઉભા થયેલા તમામ સવાલના જવાબ મેળવવા સક્ષમ ઉદાહરણ છે. "દીકરી (શર્મિલા ટૅગોર) ના જન્મને પોતાની પ્રિય પત્નીના મોતનું કારણ માનીને સદાય હડધૂત કરતા પિતા (તરુણબૉઝ) ને કારણે સબંધો બાંધવામાં આત્મવિશ્વાસનો અભાવ,શરમ અનુભવતી દીકરીને (ધર્મેન્દ્ર, શર્મિલા ટૅગોર, દેવેન વર્મા, શશીકલા, ડેવીડ, દુર્ગાખોટે, ) કેવીરીતે શરમના ફૉબીયામાં થી મૂક્ત કરે છે ..!! તે કથાવસ્તુને શ્રીઋષિકેશજીના અનુભવી,સંવેદનશીલ,માર્મિક દિગ્દર્શનનો સ્પર્શ મળે પછી પુછવું જ શું ? બાય ધ વૅ, આપે આ ફિલ્મ ના નિહાળી હોય તો એકવાર માણવા ખાસ ભલામણ છે. મને લાગે છે,બાપુ,શરમ છોડીને વાંચવા,વિચારવાની શરુઆત આજથી જ કરશો ? કે પછી હજી શરમ આવશે ? માર્કંડ દવે.તા.૨૯ -૧૧-૨૦૦૯ |
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment