[F4AG] માન ન માન,મૈં તેરા અપમાન..!!

 

માન માન,મૈં તેરા અપમાન..!!
 
પ્રિય મિત્રો,
 
कन्डियदात्मनः शत्रुं नात्मानं कस्यचिद्रिपुम।
प्रकाशयेत्रापमानं
निःस्नेहतां प्रभोः॥
 
( અર્થાતઃ- "ન તો કોઈને કાયમી શત્રુ ગણવો અને ન તો કોઈને પોતાનો શત્રુ જાહેર કરવો.પોતાના ઉપરી અધિકારી દ્વારા થયેલું અપમાન યા સ્નેહના અભાવને કોઈ સમક્ષ કદીયે પ્રકટ ન કરો. )
 
અપમાન એટલે શું ?
 
અસલ વ્યાસ વલ્લભરામ કૃત મહાભારતની કથાના `સભા પર્વ`માં, વૈશંપાયન ઋષિ જનમેજય પ્રત્યે કહે છેકે,"હે રાજા ,આદ્ય પર્વ પછી હવે સભા પર્વ કહું છું,રાજા પાંડુની સદગતિ થાય તે કાજે, પાંડવો દ્વારા રાજસુય યજ્ઞ યોજાય છે, સર્વ આમંત્રીત રાજાઓ માટે અર્જુનજીએ એવી સભા રચીકે જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ત્યાં જળ દેખાય. બારણું હોય ત્યાં ભીંત અને ભીંત હોય ત્યાં બારણું દેખાય. એમ અવળું દેખાવા લાગ્યું.
 
સર્વ રાજાઓ સભામાં આવવા લાગ્યા, દ્વારે બિરાજેલા સહદેવજીએ આપેલી વીંટીં પછાડતાં દરેકને સભામાં જળ હોય ત્યાં જળ, બારણું હોયત્યાં બારણું દેખાવા લાગ્યું. સભામંડપની બાજુમાં આવેલા મહેલના ઝરુખામાં, રુક્મણીજી, દ્રોપદી, ભાનુમતી તથા અન્ય તમામ સ્ત્રીઓ બેઠી છે.
 
એવામાં દુર્યોધન અને મામા શકુની આવ્યા. દુર્યોધન અભિમાનથી ઉંચું જોઈ, સ્ત્રીઓના ઝરુખા તરફ દ્રષ્ટી રાખી વિકારભાવ સાથે આવતો જાણી, સહદેવજી અંગુઠી સાથે ત્યાંથી ખસી ગયા, એટલામાં પહેલા ખંડમાં દુર્યોધનને સ્થળનું જળ દેખાવાથી લુગડાં ઉંચાં લીધાં,અને જળ ખંડમાં જળનું સ્થળ દેખાવાથી લુગડાં મૂકી દીધાં,તેથી તે જળમાં પડ્યો. વસ્ત્રો પાણીમાં પલળ્યાં, તે જોઈ સકળ સભા હસી પડી. ઝરુખામાંથી સતી દ્રૌપદીજી જોઈને રુક્મણીજીને કહેવા લાગ્યાં, "અરે,રુક્મણી,તાળી લ્યો, છત્રપતિની કેવી હોંશીંયારી ? કેવી ચતુરાઈ ? પણ આંધળાના આંધળા જેવા."
 
મિત્રો, બસ આને કહેવાય અપમાન.મહાભારતની ઉત્પત્તિનું મૂળ કારણ.
 
રામાયણમાં પણ સુર્પણખાનું નાક વાઢી લઈ,સરવાળે રાવણનું અપમાન કરવાની વૃત્તિમાંથીજ, "કોઈનું અપમાન કરી તેનું નાક કાપ્યું "તેવી કહેવત પડી છે.આજે પણ ઠેકઠેકાણે મહાભારતના કુરુક્ષેત્રનું યુધ્ધ શરુ કરાવતું , સમય, સ્થળ, કાળ, વિચાર, વિવેક, યોગ્ય, અયોગ્ય સઘળું વિસારી જીભના ટેરવેથી, `માન ના માન મૈં તેરા મહેમાન ?` ની માફક લપસી જઈ મહા અનર્થ સર્જતું,`નઠારું અપમાન`.
 
વ્યાખ્યા.- An insult
 
અપમાન એટલે કોઈ અન્યને ઉતારી પાડતો, વાણી, વર્તન, હાવભાવ દ્વારા પ્રકટ કરાતો કટુ તિરસ્કારયુક્ત વ્યવહાર.
 
તબીબશાસ્ત્રના સંદર્ભમાં કોઈના આત્મા,પ્રાણ, મનને માનસિક આઘાત પહોંચાડતા કોઈ પણ કાર્યને `અપમાન- an insult ` કહે છે. આવુ કાર્ય, હાથમાં હથિયાર ધરી, કોઈને હિંસાથી ખરેખર શારીરિક ઈજા પહોંચાડવાને બદલે, કટુ તિરસ્કારયુક્ત વ્યવહારથી અન્યને દુઃખ અને હળવો આઘાત પહોંચાડવાના, સરળ છુપા હથિયાર સમાન છે.
 
આપણા ભારતીય સંવિધાનમાં અન્યનું અપમાન કરનારને, અપરાધી માનીને, દંડીત કરવાનું પ્રાવધાન છે. સડકથી લઈને સંસદ અને ન્યાયતંત્રમાં કૉર્ટની અવમાનના સુધી, અપમાનને ટાળવાના કાયદા, નિયમો અને આચારસંહિતા ઘડાયેલાં છે.
 
સમાજશાસ્ત્રીઓના મત અનુસાર, ઘણીવાર અન્યને માર્ગદર્શન આપવા માટે પણ અપમાનનો સહારો લેવામાં આવે છે.આપણી ઐતિહાસીક, લોકકથાઓમાં, રજવાડાઓમાં, ભાઈ, ભાભી, દિયર, મિત્ર, શત્રુનું અપમાન થયા બાદ તેઓની પ્રગતિ, ઉન્નતિ થયાના ઘણાં ઉદાહરણ છે.
 
આપણા ગુજરાતી સાહિત્યના શિરમોર સમી મહાનવલકથા `સરસ્વતીચંન્દ્ર` પણ સાવકી માતાના કટુ વ્યવહારમાંથી સર્જાઈ છે.
 
વિશ્વની મોટાભાગની તમામ, ફિલ્મો, સિરીયલ્સ, નાટકો, અપમાન અને બદલાની ભાવનાના કથાનકથી રચાય છે.
 
મુંબઈની પરપ્રાંતવાસી વિરુધ્ધની મરાઠી માનુસની ઝુંબેશના, અપમાનના ભાવને વટાવવા `દેશદ્રોહી` જેવી થર્ડ ગ્રેડ ફિલ્મ બનાવી,રાતોરાત સ્ટારડમ પામેલા કમાલ ખાનનું ઉદાહરણ આપણી નજર સામે છે.
 
વૈશ્વિક નાગરિકત્વ, સંસ્કૃતિ, ભાષા,ધર્મ,જાતિ,રુપ,રંગ,જેવી ઘણી બાબતમાં,જાણે અજાણે અપમાન થવાની શક્યતા હોય છે.જોકે સાગના સોટા જેવી લાં.....બી શિલ્પા શેટ્ટીને યુ.કે.ના `બીગબ્રધર` માં થયેલું અપમાન એવું તો ફળ્યું કે, નામ અને અઢળક દામ મળતાં,તેના કેરીયરની ડૂબતી નૈયા પાર થઈ ગઈ.
 
અમેરિકાના ઑસ્ટીન પરગણાની યુનિવર્સિટીના ખંડીય દર્શનશાસ્ત્રના પ્રોફેસર રૉબર્ટ સી.સૉલોમન (૧૯૪૨-૨૦૦૭) ના મત અનુસાર,
 
"મનદુઃખ અને ગુસ્સા નું પરિણામ નફરત અને ચીડમાં પરિવર્તિત થઈ,અપમાનજનક વ્યવહાર સ્વરુપે વ્યક્ત થાય છે."
 
સ્કૉટિશ તત્વજ્ઞાની,અર્થશાસ્ત્રી,ઈતિહાસકાર, ડૅવિડ હ્યુમના ( ૧૭૧૧ -૧૭૭૬ ),મત અનુસાર ,
 
" જ્યારે કોઈ અન્યની ખરાબ બાબતો (સંસ્કાર) જેમ છે તેમ બહાર આવે ત્યારે, તેની નકારાત્મકતા સાથે આપણી જાતની હકારાત્મકતાની સરખામણી કરી,આપણે તોછડાઈભર્યો, તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરવા પ્રેરાઈએ છીએ."
 
યુ.કે.ના પ્રખ્યાત Dr. Robert Waring Darwin (વૈદ્યકિય વૈજ્ઞાનિક)ના પાંચમા દીકરા,Charles Darwin ની (જન્મ ૧૮૦૯, વૈદ્યકિય વૈજ્ઞાનિક) નોંધ મુજબ,
 
"અપમાનજનક વ્યવહાર એ નૈતિક સદાચારના નિયમોનું ઉઘાડું ઉલ્લંઘન છે."
 
આપણા ભારતીય સમાજ ખાસ કરીને ગુજરાતી સમાજમાં,વર્ષો અગાઉ થયેલા,અપમાનને મનમાં સંઘરી રાખીને, લગ્ન જેવા શુભ પ્રસંગે, વાંધાવચકા પાડીને, અપમાન કરનાર પક્ષ ની સામે, બદલો લેવાના સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આપણે સહુ ઉસ્તાદ છીએ.
 
મને યાદ છે,૧૯૬૦ના દશકમાં અમારા વતન ડભોઈમાં,શુભ પ્રસંગે બ્રાહ્મણોની ન્યાત જમાડવાના રિવાજમાં,વર્ષો સુધી,પંગતમાં ભોજન પીરસવાના પીરસણીયાના કાર્યમાં,ક્યારેય મદદમાં આવેલા,તથા ભોજન લઈને સહુ પહેલાં ઘર ભેગા થઈ જતા એક આળસુ બ્રાહ્મણ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગે ન્યાતના જમણવારમાં., અગાઉના અપમાનને દાઢમાં રાખીને,અનેક વિનંતી કરવા છતાં, કોઈ ભોજન પીરસવા તૈયાર થયા,એટલું નહીં,પણ જેમ તેમ કરી,તેમની પાસે પગે લગાવડાવી,નાકલીટી તણાવ્યા બાદ, પંગતને ભોજન પીરસાયું, ત્યાંતો કોઈ અટકચાળાએ લાડુ ઉછાળતાં,લાડવા યુધ્ધ શરુ થયું, ભોજન ભોજનને ઠેકાણે રહ્યું,પણ બધાએ ભેગા મળી, આળસુ બાપ-દીકરાને પાઠ ભણાવી દીધો.
 
જોકે,ઘણીવાર આપણો સમાજ એટલો નિષ્ઠુર થઈ જાય છેકે,મોતનો મલાજો ના જાળવતાં,મૃત્યુ પામેલાની નનામી ઉઠાવવામાં,પણ આવો બદલો લીધો હોવાનું મારા ધ્યાનમાં છે. હા....ભાઈ,મરી ગયો તો શું થયું...!! મરનાર વળી ક્યારે કોઈની સ્મશાનયાત્રામાં સામેલ થયો હતો. ? રમો,રમો, એની સાથે પણ બદલો-બદલો લેવાની રમત...રમો...!! ફરી પાછો આપણી વચ્ચે જન્મે ? તો યાદ તો રાખશે..!!
 
મારા મત
મુજબ,માનવનું મિથ્યાભિમાન,ઈર્ષા,ક્રોધ,ગરીબ-અમીર,ઉંચ-નીચ,વહાલાં-દવલાં,સાક્ષર-નિરક્ષર,રીતભાત (મેનર્સ),વિપરીત સમય-સંજોગ,જેવા અનેક ભેદભાવ અપમાનજનક વ્યવહાર માટે કારણભૂત છે.અરે...!! ધણીવાર તો કોઈ કારણ દેખીતા વગર પણ અન્યનું અપમાન કરવામાં આવે છે.
 
દુનિયામાં પતિ
-પત્નીને એકબીજાના પૂરક માનવામાં આવે છે,એવામાં એ બંન્ને વચ્ચે થતો અપમાનજનક વ્યવહાર સહુથી વધારે દુઃખદ હોય છે,એટલું જ નહીં,તેના પરિણામે તેમની ભાવી પેઢી પણ દેખાદેખી સંસ્કાર વિહીન થવાની શતપ્રતિશત સંભાવના હોય છે.
 
આપણે અપમાનની હીણપતભરી પરિસ્થિતિમાં ના મુકાવું, હોયતો સરળ ઉપાય
 
સહુને માન આપવાનો છે.
 
સહુને માફ કરવાનો છે.
 
આપણા મિથ્યાભિમાનને ત્યજવાનો છે.
 
તમામ દેશના નાગરિક,સંસ્કૃતિ,ભાષા,ધર્મ,જાતિ,રુપ,રંગના માનવમાત્રને આદર આપવાનો છે
 
અને ઉપર દર્શાવેલ સંસ્કૃત સુભાષિતને ગાંઠે બાંધી લેવાનો છે.
 
સાથે અપમાનના કેટલાક તાજા પ્રસંગોની નોંધ આપણે લઈએ.
 
. જ્યોર્જ બુશની પત્રકાર પરિષદમાં,તેમના ઉપર જોડા ફેંકી,તેમનું
અપમાન કરનાર ઈરાકી પત્રકાર મુજબર અલ ઝૈદી ની,તાજેતરમાં યોજેલી,પત્રકાર પરિષદમાં ઝૈદી ઉપર પણ એક અરબી પત્રકારે જોડો ફેંક્યો છે.
 
.મુંબઈના ધારાસભ્ય અબુઆઝમી ઉપર વિધાનસભામાં,મરાઠીમાં સપથ ના લેવા બદલ, M.N.S. ના ધારાસભ્યો દ્વારા,અપમાનજનક વ્યવહાર થયો.
 
."સ્લમ ડૉગ મિલીયોનર" નામની ફિલ્મમાં ભારતની છબી ખરડતું, સહુથી ધૃણાસ્પદ દ્રશ્ય,જેમાં માનવમળ થી માથાબોળ નહાયેલ,ટાબરિયાને અમિતાભ બચ્ચન ઑટોગ્રાફ આપતા ફિલ્માવી, સમગ્ર ભારતનું અપમાન કરાયું છે.
 
.મહંમદ અલી ઝિન્હાને ભારતના ભાગલા માટે જવાબદાર ના ઠેરવીને, જસવંતસિંગે ભારતની આઝાદીના લડવૈયા,શહીદોનું અપમાન કર્યું છે.
આવા તો અગણીત ઉદાહરણ આપી શકાય તેમ છે.
 
આજે બુધવારે, રાત્રીના .૦૦ કલાકે, હું લેખ લખી રહ્યો છું,ત્યારે "બાલિકા બધુ",સિરિયલના ઍપીસોડમાં સાસુ કલ્યાણીમાસાના અપમાનભર્યા વાણી-વર્તાવને કારણે, હવેલીની વહુ ગહેના,પોતાના માબાપુનું દેવું ચૂકવવા, તાજા જન્મેલા દીકરાને સોંપી,વચનનું પાલન કરવા,હવેલી ત્યજીને જવા તૈયાર થાય છે, તેવી કથા આવી રહી છે.
 
"
बोस,ऐसा भी होता है।"
 
અને, છેલ્લે પાકિસ્તાને મુંબઈમાં આચરેલા આતંકી હુમલામાં પકડાયેલા,એકમાત્ર આરોપી આતંકવાદી અજમલ કસાબને છેલ્લે, નિર્દોષ છોડીને, ભારતની, હાલની કેન્દ્ર સરકાર,શહીદોનું અપમાન ક્યારે કરશે,તેની પાકિસ્તાન રાહ જોઈ રહ્યું છે ?
 
"
बोस,ऐसा हो भी सकता है।"
 
મિત્રો,ચાલો,દેશનું અપમાન કરવાના ઈરાદા વગર, સાચા દિલથી
 
એકવાર,`મેરે સારે નેતા મહાન` બોલો જોઉં..!!
 
માર્કંડ દવે.તા.૦૩-૧૨-૨૦૦૯.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...