[Gujarati Club] નપુંસક

 

 
નપુંસક
 
નાનાં મોટાં ફક્ત પાંચસો ખોરડાંનું નાનકડું એક ગામ,નામ રાંકલા.ગામને પાદર નાનું તળાવ,તળાવના કાંઠે શ્રીભોલે શંકરનું એક નાનું મંદિર.મંદિરમાં મળે માત્ર બે જણ,એક તો ભોળા શંભુ,અને બીજો એમનો પોઠીયો.મંદિરમાં ગામ લોકોએ પુજારી માટે એક પાકી ઓરડી બનાવેલી, પણ મંદિરની ખાસ આવક નહીં તેથી કોઈ પુજારી ટકે નહીં,છેવટે ગામમાં વસતા એકમાત્ર તપોધન બ્રાહ્મણ માધવદાસે જાતે શ્રીભોલે શંકરની સેવા માથે લઈ લીધી.દરરોજ સવારે,મોં ઉજાસ ટાણે,માધવદાસ આવી,મંદિરને વાળીઝૂડીને,સાફ કરી,તળાવના કાંઠે આવેલા કુવામાંથી, દોરી બાંધીને ઉલેચેલા, ઠંડા પાણીનો એક લોટો શ્રીશંભુ ઉપર ઉંધો વાળી જતા.ભોલેશંકર પણ જાણે આટલી અમથી સેવાથી પ્રસન્ન હોય તેમ,નિસંતાન એવા માધવદાસ અને ગામનાં ગોરાણી મધુબાના આખા વરસના દાણા-પાણીની વ્યવસ્થા ગામમાં કથાવાર્તા,દાનપૂન્યથી કરી આપતા.
 
આજે, રોજના સમયે માધવદાસ મંદિરે સેવાર્થે આવ્યા ત્યારે,મંદિરના પગથિયાંને આંસુથી પખાળતાં,ગામનાં વિધવા કેસરબાને ચોધાર રડતાં જોયાં,નિસંતાન હોવાના દુઃખને અનુભવી ચુકેલા માધવદાસ પળમાં પરિસ્થિતિને પામી ગયા."કોણ,કેસરબા કે ?માડી તારું દુઃખ તો આખું ગામ જાણે છે ને ભોળા શંભુથી થોડુંજ અજાણ્યું હોય ? રડશો મા,મારો શંભું સહુ સારાં વાનાં કરશે," એમ સાંત્વના બંધાવી માધવદાસ ભગવાનની સેવાએ વળગ્યા,પાછા વળ્યા ત્યારે કેસરબા પગથિયે હતાં.
 
આખા રસ્તે, માધવદાસ,બિચારાં વિધવા કેસરબાના વિચારે ચઢી ગયા.
 
ગામમાં ખોરડે સુખી-સંપન્ન એવા,ચાર ચોપડી ભણેલાં,કેસરબા અને તેમના ધણી રણમલજીના, સાવ સાત ચોપડી ભણીને ખેતીકામમાં જોતરાઈ ગયેલા, ફૂટ બે ઈંચ ઉંચા,સ્નાયુબધ્ધ,પણ કાળામેશ જેવા રંગનો, દેહ ધરાવતા, એક માત્ર દીકરા કીરીટના લગ્ન,તે બત્રીસનો થયો તો પણ થતાં હતાં,છેવટે રણમલજીએ દૂર દેશાવરમાંથી કોઈ ગરીબ બાપને નાણાં પધરાવીને,કીરીટથી બા વરસ નાની કન્યા નામે પારુલને,ઘડિયાં લગન લઈ વળાવી લાવ્યા.ચિંથરે ઢાંક્યા રતનની માફક પારુલ, કીરીટથી વિપરીત રુપેરંગે, કોઈ અપ્સરા જેવી, છતાં ગભરુ અને સંસ્કારી નીકળી. દીકરાનું ઘર વસેલુ જોયાના સંતોષ સાથે, માસ પછી રણમલજી, કેસરબાને એકલાંમૂકી મોટા ગામતરે, વૈકુંઠધામ જવા હાલી નીકળ્યા.
કીરીટના લગ્નને વરસ થયાં હતાં, છતાં તેના ઘેર ઘોડિયું ના બંધાવાના દુઃખ સાથે સાજાંમાંદાં રહેતાં કેસરબા, દાદી બનવાના મોહમાં, મોતને પાછું ઠેલતાં જતાં હતાં. જોકે,સંસ્કારી વહુ પારુલને તો , લગ્નની પહેલી રાતે ,પૌરુષથી ભર્યાભર્યા દેખાતા, પોતાના પતિના દેહમાં ખાટલે મોટી ખોડ હોવાની ખબર પડી ગઈ હતી. કીરીટ પહેલી રાત્રે પોતાની આબરુ સાચવી લેવા, મોઢું બંધ રાખવાની વિનંતી સાથે, પારુલ સમક્ષ હાથ જોડીને ઉભો રહી ગયો હતો.
 
ભલા,સમાજમાં નપુંસકની ગાળ કોને વહાલી લાગે..!!
 
 સંસ્કારી પારુલે પણ ખોરડાની આબરુ હવે તેની આબરુ છે, તેમ સમજીને જાણે હોઠ સીવી લીધા.પોતાનાથી બા વરસ નાની પત્નીની સમજદારીથી, કીરીટ તેનો કાયમનો ઓશિંગણ થઈ ગયો.
કેસરબાએ તો બે વરસ રાહ જોઈને, કીરીટના લગ્નના ત્રીજા વરસની શરુઆતથીજ, ગામડાગામમાં મળે તેવી,દવાદારુ,દોરાધાગા,તંત્રમંત્ર ની સારવાર ચાલુ કરી દીધી હતી.પારુલ અને કીરીટ વાસ્તવિકતા જાણતાં હોવાથી, ચૂપચાપ કેસરબાની હાએ હા કરીને,તેમને સંતોષ થાય તેમ તેમનું તમામ કહ્યું, અનુસરતાં હતાં, પણ સરવાળે શૂન્ય..!! પહેલાં પાડોશી,પછી ફળીયું,પછી ગામ અને પછી તો બીજે ગામ રહેતાં સગાંવહાલાંની ણીયાળા સવાલોની ધાર,કેસરબાના કાળજાને ચીરી નાંખતી હતી,પણ હાય રે લાચારી..!! જાણે મોં ફાડીને કાયમ સામે ઉભી થઈ જતી. બિચારાં કેસરબા બહુ થાકે ત્યારે ભોળા શંભુના દરબારના પગથિયાંને આંસુથી પખાળતાં.માધવદાસ ક્ષણોના સાક્ષી બનીને ભગવાન પાસે, પારુલને માતા બનવાનું સૌભાગ્ય આપવા પ્રાર્થના કરતા.
આખા રસ્તે વિચારે ચઢેલા માધવદાસ ક્યારે ફળીયામાં પ્રવેશ્યા...!! તેની તેમને પોતાને જાણ ના રહી.ઘર પાસે આવતાંજ , ગોરાણી મધુબાના અવાજે તેઓને વિચારતંન્દ્રામાંથી જગાડ્યા.,"આજે બહુ મોડું થયું ને કાંઈ..!! સ્ટેશને ભાણીને લેવા જવાનું છે.ભૂલી ગયા ?"
 
"અરે,ભાઈ હું ભૂલી જાઉં,તોય તું ક્યાં ભૂલવા દે તેમ છે ?",કહીને હાથમાંનો સામાન,ગોરાણીને આપી,માધવદાસ,વળતા પગલે,શહેરથી વેકેશન માણવા, અઠવાડીયા માટે, રાંકલા ગામે, મામામામીના ઘેર આવતી ભાણી કવિતાને લેવા માટે,સ્ટેશનની વાટે ઉતાવળે પગલે ચાલી નીકળ્યા.
 
કલાક પછી તો ગોર માધવદાસ અને ગોરાણી મધુબાનું ખોરડું અઢાર વરસની,પતંગિયા જેવી ભાણી કવિતાના મધુર અવાજ-કોલાહલથી ગાજી ઉઠ્યું.
 
મામા મામીના પ્રેમને કારણે,કવિતા નાની હતી ત્યારથી વેકેશનમાં વધારે નહીંતો,છેવટે એક અઠવાડીયા માટે પણ આવીને નિસંતાન મામામામીના જીવનના ખાલીપાને છલોછલ ભરી જતી.અને હવેતો છેલ્લા વર્ષથી,ફળીયામાં કેસરબાની વહુ પારુલના ગાઢ સહિયરપણાનું એક વધારાનું કારણ પણ ઉમેરાયું હતું.
 
તે દિવસે
સાંજે મંદિરે પારુલ સાથે,કવિતા ઠઠ્ઠામશ્કરીમાં,પારુલના બાળકને રમાડવાની વાતને છેડી બેઠી,ત્યારે જાણે પારુલની દુઃખતી રગ દબાઈ ગઈ.આટલા વર્ષોનો બંધ આપોઆપ છલકાઈ ગયો. હસવામાંથી ખસવું થઈ ગયેલું જાણી કવિતા બઘવાઈ ગઈ.પારુલને છાતી સરસી ચાંપીને કવિતાએ જ્યારે તેને સાંત્વના આપી,ત્યારે પારુલ ના મોંઢેથી,અત્યાર સુધી સહુથી ઢાંકેલી, સુહાગરાતની કીરીટની ખામીની કથા-વ્યથા કહેવાઈ ગઈ.બહેનપણીના દુઃખે આંસુ સારવાનો વારો હવે કવિતાનો હતો.
 
રાત્રેજ
, મામા મામી અને કેસરબાને,પારુલને શહેરમાં સારા ગાયનેક ડૉક્ટરની સારવાર માટે લઈ જવા સમજાવી,રજા મેળવી.,એક અઠ્વાડીયું રોકાઈને રજા માણવા આવેલી કવિતા,બીજા જ દિવસે પારુલને સાથે લઈ,પપ્પાના ઓળખીતા યુવાન,તરવરીયા ડૉક્ટર પાસે બધા ટેસ્ટ કરાવી,સ્પર્મ ડૉનર દ્વારા,લૅબ ફર્ટિલીટી(ટેસ્ટ ટ્યુબ બેબી) ની સારવાર શરુ કરી.દર બે ત્રણ દિવસે પારુલને લઈ ક્યારેક કેસરબા અને કીરીટ તો ક્યારેક માધવદાસ અને ગોરાણી, ડૉક્ટરની સુચના મુજબ શહેરમાં પારુલની સારવાર માટે સાથે લઈને જતાં,દોઢ માસમાં જ પરિણામ આવી ગયું.પારુલને સારા દિવસો જતા હતા.કેસરબાના ઉદાસ ચહેરા ઉપર અત્યારથી જ દાદીમા બનવાનો આનંદ ઉમટ્યો હતો
 
પારુલને શહેરમાં હોસ્પિટલમાં
, પુરા માસે નાની,નાજૂક,રુપકડી,દીકરી અવતરી.કેસરબાની ખુશીનો પાર ના રહ્યો.કોઈજણ, "દીકરી જન્મમાં આટલા બધા આનંદનો અતિરેક ના હોય..!!", તેમ ટોણૉ મારે તો કેસરબા પટ દઈને જવાબ આપી દેતાં,"દીકરોય આવશે,બહેન આવીને..!! હવે વરસ બે વરસમાં ભાઈ પણ આવશે. " અને આવું સાંભળનાર બધાં, કેસરબાની પ્રાર્થના સાંભળવા, ભગવાન ને આજીજી કરતાં,આખું ગામ.અને તમામ સગાંવહાલાં આવીને દીકરીને રમાડી હરખ વ્યક્ત કરી ગયાં.
 
પણ કોણ જાણે કેમ કીરીટના ચહેરા ઉપર સહેજ પણ આનંદ વર્તાતો ન હ્તો
.તે આટલા આનંદના અવસરે પણ ઘેર નવજાત દીકરી પાસે વધારે સમય રહેવાને બદલે,ખેતરની ઓરડી ઉપર કામના બહાને રહેવા લાગ્યો.પારુલ અને કેસરબા, વાવણીનો સમય હોવાથી કીરીટ દોડાદોડીમાં છે તેમ સમજતાં હતાં
 
છેવટે
એક દિવસ ના રહેવાતાં,રાત્રે એકાંતમાં પારુલે કીરીટના ખોળામાં દીકરીને રમાડવા આપતાં,કીરીટે દીકરીને બાજૂમાં સુવડાવી પારુલને એક લાફો મારી દીધો.પારુલ હજૂ કાંઈ સમજે તે પહેલાંતો ફક્ત સાત ચોપડી ભણેલો,આધુનિક સારવારની પધ્ધતિથી અજાણ,અજ્ઞાની કીરીટ બરાડી ઉઠ્યો,"બોલ.સા....!! કોનું આ પાપ છે ? શહેરના પેલા યુવાન ડૉક્ટરનું પાપ તારા ડોઝામાં તેં ઘાલ્યું ને ? સા...!! રાં...!! આખી જિંદગી તારું આ પાપ હવે હું વેંઢારવાનો નથી, તું જો હવે હું શું કરું છું તે ?"
 
પારુલ કીરીટને
કાંઈ કહે, રોકે તે પહેલાં તો તે ગુસ્સાથી ફાટું-ફાટું થતો ઘરની બહાર નીકળી ગયો.પારુલ કોને કહે ? આખી રાત રડીને તેની આંખો સુઝી ગઈ.
 
બીજા દિવસે વહેલી
સવારે,માધવદાસ મંદિરે જવા નીકળ્યા ત્યારે મંદિર જતાં રસ્તામાં જ આવતા કેસરબાના ખેતરના ઝાડ ઉપર કીરીટની લટકતી લાશ જોઈ માધવદાસ અર્ધબેભાન જેવા થઈ ગયા.આખું ગામ દોડ્યું,પોલીસ આવી,બધાની પુછપરછ કરી,આજે કીરીટના ત્રયોદશાની વિધી છે,પણ કોઈને ખબર નથી કે,કીરીટે આવું છેલ્લા પાટલાનું પગલું કયા દુઃખે ભર્યું..!!
 
પારુલના હોઠ આજે પણ
સીવેલા છે,ભલા ભાઈ,જરા સમજો..!! આ સંસ્કારી સ્ત્રીને,પોતાના મરી ગયેલા પતિને કોઈ `નપુંસક` ની ગાળ દે તે આજે પણ મંજુર નથી.કેસરબા ફરીથી શ્રીભોળા શંભુના મંદિરનાં પગથિયાં આંસુથી પખાળે છે અને આ ક્ષણોના સાક્ષી માધવદાસ,કેસરબાના આ દુઃખ પાસે સાવ લાચાર છે.
 
આ બિહામણી
,કારમી ઘટનાના આધાતને કારણે કવિતા હવે મામામામીને ઘેર આવવાનૂ ટાળે છે.
 
મિત્રો
,ગામડા ગામમાં આધુનિક લૅબ ફર્ટિલીટીની પધ્ધતિથી અજાણ,અજ્ઞાની આવા કેટલા લોકો,આવી પીડા ના વલોણાંમાં વલોવાતા હશે.!!
 
આપને કોઈ અંદાજ છે
?
 
માર્કંડ દવે
.તા.૦૨-૧૨-૨૦૦૯.

__._,_.___
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...