[F4AG] શંખ-શંખણી-લપોડશંખ ??

 

શંખ-શંખણી-લપોડશંખ ??

પ્રિય મિત્રો,

એક જાણીતી રમૂજ છે,એકવાર શ્રાદ્ધપક્ષમાં, શ્રદ્ધાળુ યજમાનોને ત્યાં, દરરોજ કાચોપાકો દૂધપાક અને અન્ય ભારે વાનગીઓ ખાઈને, એક મંદિરના પુજારીનું પેટ ખરાબ થઈ ગયું.(Loose Motion) તેઓ ગામના એકમાત્ર વૈદ્ય પાસે દવા લેવા ગયા.વૈદ્યે દવાની પડીકીઓ આપીને, ખાવાપીવાની કેટલીક પરેજી પાળવાનું કહ્યું.

રોજનાં મનભાવન ભોજન પણ જાય અને યજમાન દુભાય, તે પુજારીને ગમ્યું નહીં.ગમેતેમ કરીને જો પરેજી પાળવાનું રહેતો સારું,તેમ વિચારીને, ` ખવાય ? તે ખવાય ?`, તેમ એક કલાક સુધી,પ્રશ્નો પુછી-પુછીને ,પુજારીજીએ ,ઘણું બધું જમવાની છૂટછાટ, વૈદ્યરાજ પાસેથી, મેળવી લીધી.

જોકે, પુજારીએ બહુ માથું ખાધું તેથી, વૈદ્ય કંટાળી ગયા.છતાં પરત જતી વખતે, પુજારીએ વૈદ્યને પુછ્યુંકે," હાજમો જલ્દી ઠીક કરવા બીજું શું ધ્યાન રાખું?"

વૈદ્યે કંટાળીને પુજારીજીને કહ્યું," આરતી ટાણે, થોડા દિવસ, શંખ ના ફૂંકશો, નહીંતર ધોતિયું બગડશે, બીજું શું...!!"

મિત્રો, મંદિરમાં શંખ ફૂંકાય ત્યારે,ભગવાનની પુજા-આરતી કહેવાય અને જ્યારે કુરુક્ષેત્રમાં શંખ ફૂંકાય ત્યારે તેને યુદ્ધ કહેવાય...!!

આપણે શંખ વિષે કેટલીક મઝાની વાતો જાણીશું?

શંખ (conch-shell)

શંખ એટલે, " ખારાંપાણીમાં, પેટ ઉપર સરકતા મૃદુકાય દરિયાઈ, ગોકળગાય પ્રકારના જળચરના,એક જાતિની, ઉપર બનેલા સખત આવરણ અથવા કોચલાને (કવચને) શંખ કહે છે."

મૂળ ગ્રીક શબ્દ `શૅલફીશ`ના` shells`,ઉપરથી ફ્રેન્ચ શબ્દ, "conch-શંખ " આવ્યો છે.

સન ૧૩૯૮માં, ઑક્સફર્ડ ઈંગ્લીશ ડિક્શનેરી (OED) માં,સર્વ પ્રથમવાર,`શંખ- conch`,શબ્દનો સમાવેશ કરી, તેનો અર્થ,"All water animals with shells are called Conch." નોંધવામાં આવ્યો હતો. બાદમાં તેનો ટૂંકમાં સરળ ભાવાર્થ ," દરિયાઈ પ્રાણીની ઉપર, બંને તરફ અણીવાળો ભાગ ધરાવતું હોય તેવું, કવચ", તેમ કરવામાં આવ્યો.

ખરેખરતો, પેટ ઉપર સરકતા મૃદુકાય દરિયાઈ પ્રાણીઓના રક્ષણ માટે,કુદરતે કરેલી અદભૂત રચના છે.શંખ નરી આંખે જોઈ શકાય તેવા, નાના કદથી માંડીને ઘણા મોટા કદમાં, પ્રાપ્ત થાય છે.ઘણા મોતી પકવતા શંખની જાત (દાત.- છીપ)નો ઉપયોગ ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. ભારતીય દરિયા કિનારો,પૅસિફિક મહાસાગર અને કૅરેબિયન કિનારે શંખની લગભગ ૭૪ પ્રકારની જાતિ જોવા મળી છે.મોટાભાગે શંખના, દાંતાનો વિકાસ જમણીબાજૂ થાય છે.ડાબી બાજૂના વિકાસવાળા શંખ જવલ્લેજ જોવા મળે છે.

શંખના વિવિધ ઉપયોગ

શંખમાંથી મળતા જીવનો કાચા સલાડ અથવા રાંધેલા ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે.બહામા અને વેસ્ટ ઈંડીઝમાં તથા ભારત સહિત, વિશાળ સમૂદ્રકિનારો ધરાવતા, મોટાભાગના ઘણાબધા દેશના નગરોમાં, કેટલાક રેસ્ટોરન્ટ્સમાં, શંખનો સ્વાદિષ્ટ સૂપ પણ પિરસવામાં આવે છે.અલ-સાલ્વાડોરમાં કાંદા,ટામેટાં,લીંબુના કૉકટેલમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ઉપરાંત ઘરસજાવટની અનેક કલાત્મક સામગ્રી,જેવીકે, ફોટોફ્રેમ,દ્વાર-તોરણ,ઑફિસ ટેબલસજાવટની ચીજવસ્તુઓ, વસ્ત્રોની સજાવટ વિગેરેમાં, શંખનો અદભૂત ઉપયોગ થાય છે.મોટાભાગે, સુંદર પ્રકાશી આભા ઉત્પન્ન કરતાં, ઝૂમ્મરોમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે.

સુપ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક, કલાગુરુ શ્રીવ્હી.શાંતારામની, શ્રીજીતેન્દ્ર-મૂમતાઝ અભિનિત,અત્યંત સફળ ફિલ્મ "બૂંદ જો બન ગઈ મોતી"માં,ફિલ્મની શરુઆતમાં, ટાઈટલ ક્રેડીટ દર્શાવતી વખતે, પાણીના ખળખળ વહેતા પ્રવાહની બાજૂમાંથી કિનારા ઉપર, એક-એક મોતી મૂકેલી છીપ ઉઘડે અને તેમાં કલાકાર-કસબીનાં નામ આવે,તે દ્રશ્ય ખૂબ અદભૂત પ્રકારે કિલ્માવાયું હતું. ફિલ્મ માટે લાખોની સંખ્યામાં, શંખ-છીપ વિગેરે એકઠાં કરાયાં હતાં

શંખના એકપ્રકાર છીપમાંથી અલભ્ય,કિંમતી મોતીઓનો ખજાનો સમૂદ્રના પેટાળમાંથી મળી આવે છે,જેને શોધનારાને મરજીવા કહે છે. મોતીઓની માળા સહિતના અનેક શણગારનાં આભૂષણ બને છે.કેટલાંક મોતીઓને, ગ્રહ-નક્ષત્રના પ્રતિક માનીને, વીંટીંમાં જડીને, આંગળીએ ધારણ કરાય છે.

આપણા ચરકસંહિતા સહિતના અનેક આયુર્વેદના ગ્રંથો તથા દેશી ઓસડિયામાં, શંખ અને મોતીની ભસ્મનો ઉપયોગ, અનેક રોગમાં અકસીર ઔષધ તરીકે થઈ શકે, તેવો ઉલ્લેખ છે.તેનો ભૂકો. અતિશય મૃદુ હોય છે. તેને ઘસીને જખમ ઉપર છાંટવાથી લોહી બંધ થઈ જાય છે. આનો ઉપયોગ ગૂમડાં, અળાઈઓ, ખીલ, સોજા, રતવા, બળતરા, ઝામરો, કખવા વગેરે ત્વચારોગ ઉપર ચોપડવામાં થાય છે. આને સીલીકેટ ઓફ મેગ્નેશિઅ નામનો ક્ષાર કહે છે. ક્ષોભક પદાર્થ છે અને તેટલા માટે કેટલાક વૈદ્યો તે બને ત્યાં સુધી ખાવાને માટે નથી વાપરતા. અતિસાર, રક્તાતિસાર, અત્યાર્તવ, તથા ગમે તે ભાગમાંથી લોહી પડતું હોય ત્યારે તે અપાય છે. તેની ક્ષોભક અસર જણાતા તેટલા માટે તે ખાંડમાં અગર દૂધની તરની અંદર અપાય છે. ઉપદંશનાં વૃણની અંદર તેમ બીજા કોઈ ભાગની અંદર ઘારું પડ્યું હોય ત્યારે તેનો લેપ લગાડવાથી સારું થાય છે. તેથી રસીનો ભાગ સુકાઈ જાય છે અને શંખજીરાનો ઉબેરો ઉપદંશ માટે ઘણો સારો છે. શંખજીરું ભાગ અને કાથો એક ભાગ બંને સાથે મેળવી તેનો ઘીની અંદર લેપ કરાય છે.

શંખના બારીક પાવડરમાંથી (શંખજીરું), ટેલ્કમ પાવડર પણ બને છે.જેની કૅમિકલ ફૉર્મ્યુલા, " H2 Mg3 (SiO3)4 અથવા Mg3Si4O10(OH)2. (Hydreted Magnesium Silicate -સીલીકેટ ઓફ મેગ્નેશિઅમ નામનો ક્ષાર) છે. પાવડર પાણીમાં અદ્રાવ્ય છે.

ઉપરાંત શંખનો ઉપયોગ, હવાના દબાણથી વાગતા,એક વાજિંત્ર તરીકે પણ થાય છે.મોટાભાગે હિંદુ સંસ્કૃતિમાં,શંખને પવિત્ર માનીને,મંદિરોમાં આરતી ટાણે, તેના મધુર ધ્વનિનો ગૂંજારવ, વાતાવરણને ભક્તિમય બનાવી દે છે.

પંન્ચજન્ય શંખ અને ધર્મયુદ્ધ

પંચજન્ય અર્થાત પાંચ માણસ. જાણીતા યયાતી રાજાના યાદવ કૂળમાં (વૈદિક ક્ષત્રીય જાતિમાં), યદુ,પૌરવ,પુરુ વિગેરે પાંચ પેટા પ્રકારની જાતિ હતી.જેમાં યાદવ કૂળ (યદુવંશ)માં ભગવાન શ્રીકૃષ્ણનું લાલન-પાલન થયું હતું.

એમ કહેવાય છેકે,જૂના આર્યાવર્તના પાટલિપુત્ર(પટના)ના, નગર ભાગ્દત્તાપુરમ (હાલ-ભાગલપુર)થી આશરે પચાસ કિ.મીટર દૂર આવેલા,મંદાર પર્વત અને વાસુકી નાગની મદદથી,દેવ અને દાનવ દ્વારા `સમૂદ્રમંથન` કરવામાં આવ્યું,ત્યારે `શંખ કુંડ` માંથી પંન્ચજન્ય શંખ મળી આવ્યો હતો.શ્રીમદ ભાગવત ગીતાના પ્રથમ અધ્યાયના પંદરમા શ્લોકમાં શંખનો ઉલ્લેખ કરાયો છે.ભગવાને પંચજન નામના,શંખનું રુપ ધારણ કરેલા,રાક્ષસને મારીને તેનો શંખ સ્વરુપે સ્વીકાર કર્યો હતો,એટલે શંખનું નામ પંચજન્ય પડ્યું.

पान्चजन्यं हृषीकेशो देवदत्तं धनन्जयः।

पौण्डं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः।।

અર્થાતઃ- અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણએ પાંચજન્ય નામનો તથા ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો અને ભયંકર કર્મો કરનાર વૃકોદર ભીમે પૌંન્ડ્ર નામનો શંખ વગાડ્યો.

મહાભારતના મહાગ્રંથમાં, કૌરવ-પાંડવ વચ્ચેના, ધર્મયુદ્ધ સમયે, સુપ્રસિધ્ધ પંચજન્ય શંખનો ઉલ્લેખ થયો છે.અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં, યુદ્ધની શરુઆત, પંચજન્યના ધ્વનિ (ઉદઘોષ) સાથે થતી હતી.એમ કહેવાય છેકે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવતો શંખધ્વનિ, સમગ્ર ત્રિલોકમાં સંભળાતો હતો. શંખધ્વનિ સાંભળીને , મણિપુરમાં વસતા, વીર અર્જૂનના પુત્ર નામે, ઈલેવાન અને બબ્રૂવાહનને શૂર ઉભરાઈ આવતાં તેઓ,પાંડવોના પક્ષે યુદ્ધ કરવા, આવી પહોંચ્યા હતા.પાતાળલોકમાં ભીમસેનના પુત્ર બબરીકે પણ પંચજન્ય શંખધ્વનિ સાંભળીને,નાગકન્યા માતાના આશિર્વાદ મેળવી,યુદ્ધક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું હતું.નાગકન્યાના મનમાં એમકે,પાંડવો માત્ર પાંચ છે અને કૌરવો સો(૧૦૦), તેથી પાંડવો હારશે..!! તેમ માનીને જે હારે, તેના પક્ષે લડવાનું જણાવી, બબરીકને લડવા મોકલ્યા, જે ભગવાનના વરદાનથી આજે `બળીયાદેવ` તરીકે પુજાય છે.

ઉપરાંત બૌદ્ધ ધર્મમાં પણ,કુલ આઠ ધર્મ-પ્રતિકમાં,એક પ્રતિક તરીકે, શંખનો સમાવેશ કરાયો છે. પેરુમાં `મોચે` નામની જાતિના લોકો, સમૂદ્રની પુજા કરવા માટે, શંખનો ઉપયોગ કરે છે.

Sir William Gerald Golding - British writer (19 September 1911 – 19 June 1993), વિલિયમ ગોલ્ડીંગના પુસ્તક," લોર્ડ ઓફ ફ્લાય્સ- આકાશી દેવતાઓ"માં, કાનૂન અને લોકશાહીના સંદર્ભે, ભાષણ સમયે, શંખને ટ્રમ્પેટ નામના વાજિંત્ર જેવા ઉપયોગ દ્વારા, પ્રજાજનોને એકઠા કરવા માટે પ્રતિક સ્વરુપે દર્શાવ્યો છે.સર વિલિયમ ગોલ્ડીંગને સાહિયપ્રદાન માટે`નૉબલ પ્રાઈઝ` તથા સન ૧૯૮૦માં `Rites of passage- વ્રતપાલન,ધાર્મિક માર્ગ" માટે બુકર પ્રાઈઝ મળેલું હતું.

શંખણી અને લપોડશંખ

આપણા ગુજરાતી શબ્દ પ્રયોગમાં અવારનવાર કોઈ કજિયાખોર નારી માટે `શંખણી` અને જૂઠ્ઠા નર માટે `લપોડશંખ` શબ્દનો પ્રયોગ લોકબોલીમાં ઘણીવાર કરવામાં આવે છે.

ગુજરાતી લૅક્સિકન ડિક્સનેરી મુજબ, શંખણી અથવા શંખિની એટલે,

"[સં. શંખિની ] स्त्री. શંખિની; કામશાસ્ત્ર પ્રમાણે ઊંચી, લાંબા કેશવાળી, ઇશ્કના જુસ્સાવાળી અને ચીડિયા સ્વભાવવાળી સ્ત્રી; નઠોરસ્ત્રી; કર્કશા; કંકાસિયણ સ્ત્રી; કુલટા સ્ત્રી; કુભારજા. કામશાસ્ત્રમાં ચાર જાતની સ્ત્રીઓ કહી છે:- પદ્મિની, ચિત્રિણી, હસ્તિની ને શંખિની. જે સ્ત્રીના હાથ ને માથું સ્હેજ લાંબા ને કૃશ એટલે બારીક, શરીરનું કદ મોટું, પગ લાંબા, કમ્મર જાડી સ્તન નાના, ક્રોધવાળી, ખારા ને દુર્ગંધ મારતા કામોદકથી યોની પરના વાળ હંમેશા ભીના રહે, નજર ત્રાસી, શરીર ગરમ ને ચાલ વેગવાન હોય, સંભોગને વિષે હંમેશા આતુર, રતિ પ્રસંગે નખથી ચેષ્ટા કરનારી, ખોરાક મધ્યમ, પિત્ત પ્રકૃતિ, લાલ રંગનાં કપડાં તથા ફૂલોનો શોખ, નિર્દય, દુષ્ટ, શેજ પીળાશ વર્ણની, બીજાની નિંદા કરવાની ટેવ, ઘોઘરો અવાજ, વાણી કઠોર, બબડાટ કરનારી જાતનાં લક્ષણોવાળી સ્ત્રી શંખણી સ્ત્રી કહેવાય છે."

આજ પ્રમાણે સમાજમાં,સાવ લબાડ અને બોલીને ફરી જનારા માણસો માટે લપોડશંખ શબ્દપ્રયોગ કરાય છે. લપોડશંખ શબ્દ એક જૂની લોકકથા ઉપરથી આવેલો છે.

એક નગરશેઠની સેવાથી ખૂશ થઈને, એક ફરતારામ સાધુએ,તેને ઈચ્છીત વરદાન આપતો, દૈવી શંખ ભેટ આપ્યો. નગરશેઠે તે શંખનો ઉપયોગ, બીજાનું બુરું કરવા માટે કર્યો,તેથી તે નગરશેઠ કહે તેનાથી બધું ઉંધું થવા લાગ્યું. છેવટે નગરશેઠે શંખને સવાલ કર્યોકે,"ભાઈ હું કહું છું,એના કરતાં ઉંધું કામ કેમ કરે છે..!!" શંખે જવાબ આપ્યો," તું બીજાનું બુરું ઈચ્છે છે એટલે તું લબાડ છે તો પછી હું પણ દૈવીશંખ નહીં પણ લપોડશંખ છું."

હિસાબે તો,ભારતમાં લગભગ નેવું ટકા રાજકારણીઓ, લપોડશંખ નું ઉપનામ મેળવવાને લાયક હોય તેમ આપને નથી લાગતું ?

પાંચ વર્ષે એકવાર, પ્રજાને મોં બતાવવું, ભાષણમાં જાહેરમાં કેટલાય વાયદા-વચન આપવાં અને પછી પાળતી વેળાએ લબાડવેડા કરવા,તેને લપોડશંખ નહીંતો બીજું શું કહીશું?

માર્કંડ દવે.તા.૦૩-૦૧-૨૦૧૦.


__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...