[F4AG] સ્ત્રી-પુરુષ: બેઉ બળિયાં...

 

સ્ત્રી-પુરુષ: બેઉ બળિયાં...

Deepak Soliya
મહિલા અનામત શા માટે? આખી વાતમાં સવાલ મહિલાને શક્તિશાળી બનાવવાનો નથી. સવાલ સ્ત્રીની શક્તિને વ્યકત થવામાં નડતા અવરોધો દૂર કરવાનો છે. મહિલાની શક્તિઓ બહાર આવી શકે તે માટેનો માર્ગ મોકળો કઈ રીતે થાય એ છે મૂળ મુદ્દો. એ માટેનો ઇલાજ એક જ છે: ભેદભાવ મિટાવો.


આમ તો ઘણા પુરુષો મહિલા અનામતના મામલે અંદરખાને ઊકળી રહ્યા છે પણ એમણે બે રોટલી વધારે ખાઈને, સમસમીને બેસી રહેવું પડે છે. કોંગ્રેસ પોતે પણ હવે પાછી પાની કરી શકે તેમ નથી. બાકી, શકય છે કે પેટ્રોલના ભાવવધારાને કારણે બરાબર ભેરવાયેલી કોંગ્રેસે દેશનું ઘ્યાન બીજી તરફ ફંટાવવા માટે અનામતનો હોબાળો ચગાવ્યો હોય.


એ જે હોય તે. કોંગ્રેસની ગણતરી સ્વાર્થી હોય કે પછી ખરડાને ભાજપનો ટેકો ફકત કોસ્મેટિક (દેખાડા પૂરતો) હોય, એક વાત નક્કી છે કે આ વખતે મહિલા અનામતને મામલે કંઈક તો થશે અને થવું જ જોઈએ. કારણ કે, વાત ગમે કે ન ગમે, આપણો દેશ આજે પણ એટલો બધો પુરુષપ્રધાન છે કે ઘણી દાદીમાઓ પોતે સ્ત્રી હોવા છતાં દીકરાને ત્યાં પૌત્રી કરતાં પૌત્ર જન્મે ત્યારે વધુ રાજી થાય છે.


દીકરીઓને માતાના પેટમાં જ 'ઊઘતી ઝડપીને' સીધી બહાર કાઢીને ધરતીમાતાના પેટમાં દફન કરી દેવામાં આવે છે. શું કામ? કારણ કે એની કિંમત નથી. આ છે હકીકત. વાતો ભલે ગમે તેટલી ચીચી થાય, અસલમાં સ્ત્રીની 'બજારકિંમત' પુરુષથી ઓછી જ છે.


આવામાં, ઘરના મોભી તરીકેના મોભાદાર સ્થાનથી માંડીને લોકસભા-વિધાનસભાની વગદાર (અને 'કસદાર') બેઠક સુધી, કયાંય પણ વાત જયારે સત્તાની અને નેતૃત્વની આવે ત્યારે પુરુષોની 'સામાન્ય' (અને ખાનગી) પ્રતિક્રિયા એવી હોય કે બૈરાંનું એ કામ નહીં, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ વગેરે વગેરે વગેરે.


અહીં એવી પણ દલીલ થઈ શકે કે જેમ સવર્ણ-દલિતમાં તેમ પુરુષ-સ્ત્રીમાં પણ અનામતને કારણે લાયક લોકોને ક્યારેક અન્યાય થઈ શકે. હા, થઈ શકે. પણ એટલું નક્કી છે કે જે લાયક અને સક્ષમ છે એ લાંબા ગાળે પોતાનો રસ્તો કાઢી જ લે છે. એટલે મહિલા માટે બેઠકો અનામત રાખવાથી આભ નથી તૂટી પડવાનું, પણ મહિલાઓનું (તેમ જ દલિત-આદિવાસી-ગરીબોનું પણ) જો સમાજ પૂરતું ઘ્યાન નહીં રાખે, એમને હૈડહૈડ કરવામાં આવશે, હજારો વર્ષથી થતાં અન્યાયને મિટાવવા માટે સામે ચાલીને પગલાં નહીં ભરવામાં આવે, એમના ભોગે વિકાસ સાધવામાં આવશે, એમને ભૂલીને આગળ વધવામાં આવશે તો આગળ જતાં આભ ફાટી શકે તેમ છે. માટે, સ્ત્રીનું સશકતીકરણ જરૂરી છે.


સાચું પૂછો તો પુરુષો વળી કોણ છે સ્ત્રીને સશકત બનાવનારા? મહિલા પોતે શક્તિશાળી છે જ (હિન્દુઓ નારીને 'શક્તિ' ગણે છે અને ઘણા પુરુષો અનામતવિરોધી હોવા છતાં ચૂં કે ચાં નથી કરી શકતા. કેમ? બોલે તો... નારીશક્તિ). માટે, સવાલ મહિલાને શક્તિશાળી બનાવવાનો નથી. સવાલ સ્ત્રીની શક્તિને વ્યકત થવામાં નડતા અવરોધો દૂર કરવાનો છે.


મહિલાની શક્તિઓ બહાર આવી શકે તે માટેનો માર્ગ મોકળો કઈ રીતે થાય એ છે મૂળ મુદ્દો. એ માટેનો ઇલાજ એક જ છે: ભેદભાવ મિટાવો. અહીં એક વાત સમજી લઈએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ તો છે જ. સ્ત્રીમાં લાગણી-ચીવટ-હૂંફ-ચતુરાઈ-પોષણનું પ્રાધાન્ય છે. આ બધામાં પુરુષોનો પનો ટૂંકો પડે. અંત:સ્ફૂરણાના જોરે પરિસ્થિતિનો તાગ પામવામાં સ્ત્રી પુરુષ કરતાં હાથઊચેરી હોય છે.


પણ બસમાં ઊચા હાથે હેન્ડલ સરખી રીતે પકડીને સ્થિર ઊભા રહેવાની કળામાં સ્ત્રીઓ પુરુષોથી પાછળ હોઈ શકે. સરવાળે, સ્ત્રી-પુરુષ વચ્ચે જે ફરક છે એ સપાટ મેદાન પર અલગઅલગ સ્થળનો ફરક છે. એ કોઈ વર્ટિકલ ડિફરન્સ એટલે કે ઊચાઈનો ભેદ નથી. માટે, આપણે સૌએ મગજમાં એક વાત ઘૂંટીઘૂંટીઘૂંટીઘૂંટીને યાદ રાખવા જેવી છે કે સ્ત્રી-પુરુષ અલગ-અલગ છે, ઉપર-નીચે નથી. માટે, ઊચ-નીચનો ભેદભાવ મિટાવીએ.


સ્ત્રીના મામલે બીજો પણ એક ભેદભાવ બહુ જોવા મળે છે. એ છે રૂપનો ભેદભાવ. ભલભલા સંતપુરુષો પણ સ્ત્રીની મોહક કાયા જોઈને 'બે ઘડી રાજી' થઈ જતા હોય છે. વાત બે ઘડીના રાજીપા પૂરતી સીમિત રહે ત્યાં સુધી ઠીક છે, પણ સ્ત્રીને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ આપતી વખતે પુરુષ બોસે મહિલાના શરીરના ફિગર્સ નહીં, પર્ફોર્મન્સના ફિગર્સ જોવાના હોય.


પુરુષોએ રૂપનો આવો ભેદભાવ બંધ કરવો રહ્યો અને ખુદ સ્ત્રીઓએ પણ પોતાના રૂપના મુદ્દાને ગૌણ બનાવવાનું શીખવું રહ્યું. કેટલીક સ્ત્રીઓ પોતે રૂપાળી હોવાને કારણે બાકીના બધાને પોતાના તુરછ ગુલામ સમજતી હોય છે. બીજી તરફ, પોતાને ઓછી રૂપાળી માનતી અમુક સ્ત્રીઓને લઘુતાગ્રંથિ એટલી બધી પીડે કે ક્યારેક તો એ આત્મહત્યા પણ કરી લેતી હોય છે. માટે, રૂપનો જયજયકાર-હાહાકાર બંધ થવો જરૂરી છે.


છેલ્લે ફાયદાની વાત. તે એ કે સ્ત્રી-પુરુષનો ભેદભાવ ન કરવાથી આપણે થાપ ખાવામાંથી બચી જઈએ છીએ. કોઈ વ્યક્તિ સ્ત્રી છે એટલે આવી અને એ પુરુષ છે એટલે આવો એવું માની લેવાથી જજમેન્ટમાં મોટી ભૂલ થઈ શકે. જેમ પુરુષ ભલો-આકરો, ઉદાર-લોભી, ક્રૂર-કોમળ હોઈ શકે એમ સ્ત્રી પણ, નખશીખ સ્ત્રી હોવા છતાં, ભલી-આકરી, ઉદાર-લોભી, ક્રૂર-કોમળ હોઈ શકે.


એટલે સ્ત્રીને જોવાની દ્રષ્ટિ મોકળી, માન્યતાવિહોણી, પૂર્વગ્રહવિહોણી થાય, આપણી માનસિકતા બદલાય એ સૌથી મહત્વનું છે. સ્ત્રીને દેવી કે નરકની ખાણ ગણવાનું તો, અનામતનો ખરડો પાસ થાય એ પહેલાં મારે-તમારે આજથી, ઇમ્મિજિયેટ ઇફેક્ટથી (તાત્કાલિક અસરથી) બંધ કરવા જેવું છે. સ્ત્રી ન દેવી છે, ન નરકની ખાણ છે. સ્ત્રી ફકત સ્ત્રી છે, એક ઇન્સાન છે. નાર કો નાર હી રહને દો કોઈ નામ ન દો. દીપક સોલિયા (લેખક જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ છે. )


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...