[F4AG] એક જ દે ચિનગારી -

 

એક જ દે ચિનગારી -
 
માણસની અંદર કયા ચાર પ્રકારના માણસો રહેલા છે ?
છાપો
 
  
 
 
એક જ દે ચિનગારી - માણસની અંદર કયા ચાર પ્રકારના માણસો રહેલા છે ?
દિવસ તો આથમે છે, પણ માણસની બૂરાઈઓનો અસ્ત થાય છે ખરો ? સૂર્યોદય એટલે મન અને હૃદયમાં સુરત્વ (દેવત્વ)ને ઉદિત કરવાનો અવસર

એક માણસ એક સંતના આશ્રમમાં ઉતર્યો અને કહ્યું ઃ 'મારે આ નગરનો અભ્યાસ કરવો છે. અહીંના માણસો, એમનું વર્તન, એમની રીતભાત બઘું જોવું છે. મને થોડા દિવસ અહીં રહેવા દેશો ?'

સંતે સહર્ષ અનુમતી આપી. પેલો માણસ સવારથી જ નીકળી પડતો. સાંજે સત્સંગના સમયે તે સંત પાસે બેસતો અને પોતાના અનુભવો વર્ણવતો.

પ્રથમ દિવસના નગરભ્રમણ પછી સંતે એને પૂછ્યું ઃ ''આજે તમે જેને મળ્યા તે પૈકી એક માણસ વિશે વાત કરો.''


પેલા માણસે કહ્યું ઃ ''એ માણસ ગંદો હતો. એણે વસ્ત્રો તો સુંદર પહેર્યાં હતાં, પણ મોઢામાં ભરેલા પાનના ડૂચાથી પિચકારીઓ મારતો તે આગળ વધતો હતો. મંદિર જતાં એણે એક અંધને ઠેબે ચઢાવ્યો અને ક્ષમા માગવાના બદલે 'આંધળા, રસ્તા વચ્ચે ન બેસાય, એટલું ય સમજતો નથી'- કહીને એ સડસડાટ આગળ વઘ્યો. એ મંદિરમાં ગયો પણ એની નજર ભગવાનની મૂર્તિ સમક્ષ હોવાને બદલે આજુબાજુના લોકો પર પોતાના રૂઆબદાર વ્યક્તિત્વની શી છાપ પડે છે એ જોવામાં જ મશગૂલ હતી. દેવદર્શન પછી દાનપેટીમાં એણે ૫૦ રૂા.ની નોટ નાંખી, પણ ખિસ્સાની બધી જ નોટો પૈકી જે નોટ ગંદી, ચૂંથાયેલી અને ફાટેલી હતી, તે નોટનો એણે દાનમાં ઉપયોગ કર્યો... મને એ માણસ ગંદો લાગ્યો... જાણે ઉજળા વર્તનમાં શેતાન !''

સંત મરક મરક હસ્યા.
વળી પાછી બીજા દિવસની સાંજ. ભોજન બાદ પેલો માણસ પોતાના અનુભવની વાતો કરવા માંડ્યો ઃ ''આજે મેં એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટરની મુલાકાત લીધી. મને લાગ્યું કે હું કોઈ માણસને નહિ પણ અહંકારના પૂતળાને મળી રહ્યો છું. એક એક ઓફિસર અને કર્મચારીને ધમકાવે, અપમાનિત કરે અને પોતાનો રૂઆબ છાંટવા કાઢી મૂકવાની ચેતવણી આપે. એ માણસની આંખમાં નહોતી અમી કે નહોતી એના વર્તનમાં આત્મીયતા. લાકડાના ટુકડાને જેમ રંધો છોલ્યા કરે છે એમ એ માણસ બધાના છોતરાં ઉતારતો હતો. એના જેવો જ એ કંપનીનાં એડમિનિસ્ટ્રેટીવ ઑફિસર !! તમે વાત કરો પણ એક શુષ્ક માણસને મળ્યા હો તેવું લાગે ! લોકોને પ્રિય બનવા કરતાં અપ્રિય કેમ બનાય એવો સંકલ્પ કેટલાક લોકોનો જીવનસિદ્ધાંત હોય છે ! આજે હું રંધા જેવા માણસને મળ્યો એનું મને પારાવાર દુઃખ છે !''

સંત મરક મરક હસ્યા અને વાત પૂરી થઈ.
ત્રીજે દિવસે એ માણસ એક રાજકારણીને મળવા પહોંચી ગયો ! રાજકારણી મોટો દરબાર ભરીને બેઠો હતો. ખુશામતીયાઓનો મેળો ભરાયો હતો ! રાજકારણી જૂઠાં વચનો આપતો, જૂઠા આશ્વાસન આપતો દંભી વાતો કરતો અને લુચ્ચુ- લુચ્ચું હસતો. લોકો એના વખાણ કરતાં, એ ફૂલાતો અને સ્વાર્થની વાતો કર્યા કરતો. મને લાગ્યું કે હું એક ખંધા માણસને મળી રહ્યો છું.''

અને એણે ત્રીજા દિવસનો પોતાનો આ અનુભવ સંતને કહી સંભળાવ્યો.

સંતે તેની વાત સાંભળી અને સ્મિત વેરીને આરામ માટે શયનકક્ષમાં ચાલ્યા ગયા.
ચોથે દિવસે એ માણસ એક હોસ્પિટલની મુલાકાતે ગયો. એની નજર એક ડૉક્ટર તરફ ગઈ. એને લાગ્યું કે એક ખુશબોના ખજાના પાસેથી પસાર થઈ રહ્યો છે ! રસ્તે મળતાં બાળકોને એ વહાલથી પંપાળતો, નિર્બળ અને અશક્ત લોકોને પગથિયાં ચઢવામાં મદદ કરતો, માતાઓ અને વૃદ્ધોને એ વંદન કરતો. ડૉક્ટર વૉર્ડમાં ગયા. એક એક દર્દીની ખૂબ જ લાગણીપૂર્વક એણે ખબર પૂછી. આશ્વાસન આપ્યું. કશી જ ઉતાવળ વગર એનું મેડિકલ ચેક-અપ કર્યું... દર્દીને બોલવાનો પૂરો મોકો આપ્યો. ડૉક્ટરના માયાળુ સ્વભાવને કારણે એના સાથી ડૉક્ટરો, નર્સ- વોર્ડબોય વગેરે પણ દર્દીઓની સેવામાં પૂરો રસ લેતા. ડૉક્ટર ગરીબ દર્દીઓની વાત સાંભળી દવા માટે યથાશક્તિ આર્થિક મદદ કરતા.

સાંજે એણે સંતને પોતાનો અનુભવ કહી સંભળાવ્યો અને કહ્યું કે, આજે મને થયું કે હું એક બંદાને મળ્યો છું...
સંત આજે જવાની લેશમાત્ર ઉતાવળમાં નહોતા. એમણે પેલા માણસને કહ્યું કે આપણામાં એક સાથે શેતાન અને ઇશ્વર બન્ને કામ કરતા હોય છે. જ્યારે આપણા સ્વભાવમાં ઉત્તમ ગુણોનું પ્રકટીકરણ થાય છે ત્યારે આપણે બંદા જેવું કામ કરીએ છીએ. જ્યારે આપણા મનનો કબ્જો શેતાન લઈ લે છે ત્યારે આપણે સ્વાર્થ અને દંભની ગલીઓના મતલબી મુસાફર બની મનને ગંદું બનાવીએ છીએ.

જ્યારે આપણું મન અહંકારગ્રસ્ત બને ત્યારે આપણો 'હું' મુખ્ય બની જાય છે અને અન્ય લોકોને આપણે ગૌણ ગણી હડઘૂત કરીએ છીએ. આપણું વર્તન નરમ અને નમ્ર બનવાને બદલે રંધા જેવું કઠોર બની જાય છે. માણસમાં જ્યારે દંભ અને આડંબરની માત્રા વધી જાય છે. ત્યારે એ પ્રદર્શનપ્રિય બની જાય છે એ 'દેખાવ'ને મહત્ત્વ આપે છે, માનવતાની મહેકને નહીં. પરિણામે એની વાણી, વર્તન, વ્યવહાર, હાસ્ય બઘું જ બનાવટી બની જાય છે. એ સહજ બનવાને - રહેવાને બદલે કૃત્રિમતાનો અંચળો ઓઢી લે છે ! પરિણામે એ ખંધો બની જાય છે.


પરંતુ જે માણસમાં સાત્ત્વિકતાનો વાસ હોય છે, એ પરોપકારી, સેવાભાવી, સંવેદનશીલ, કર્તવ્યનિષ્ઠ, પ્રેમસભર અને દીનબંઘુ હોય છે. એનું જીવન પરોપકારની પરબ સમાન હોય છે. એવો માણસ જાત માટે નહિ પણ જગ માટે જીવતો હોય છે. આપીને એ ઉજળો થાય છે.

પણ એક વાત તું યાદ રાખજે ભઈલા, કે તેં વર્ણવેલા આ ચારે પ્રકારના માણસો મારામંા- તારામાં અને આપણા સહુમાં છે. ક્યારેક આપણે ગંદાપણું દાખવીએ છીએ તો ક્યારેક રંધાપણું, ક્યારેક ખંધાપણું અને જવલ્લે જ બંદાપણું દાખવીએ છીએ. માણસ એટલે મર્યાદાગ્રસ્ત પ્રાણી. 'જગ નિરીક્ષણ' કરવામાં વઘુ અને 'જાત નિરીક્ષણ' કરવામાં અતિ અલ્પ સમય આપે છે. એટલે એ જગ સામે કદાચ જીતી શકે છે પણ જાત સામે તે નિરંતર હારતો જ રહે છે.

નથી મનને મચડવાની આવશ્યકતા કે નથી મનને કચડવાની આવશ્યકતા. નિયંત્રણ કે સંયમના નામે મનને હરાવવાની પણ જરૂર નથી. તમે મનને વિજેતા બનાવવાની કોશિશ કરશો તો મન પણ તમને વિજયના અધિકારી બનાવશે. માણસ પવિત્રતા અને પાત્રતાની બાદબાકી કરી બહારથી સમૃદ્ધ થવાનો પ્રયત્ન કરે તેટલા અંશે એ અંદરથી કંગાલ બને છે.

પાત્રના સંદર્ભે ચિત્રભાનુજીએ વર્ણવેલો એક પ્રસંગ પ્રેરક છેઃ મંદિરમાં પ્રભુની સુંદર પ્રતિમા હતી. હજારો લોકો આરસના શ્વેત પગથિયાની છાતી પર પગ મૂકીને દર્શન કરવા જતા હતા. આથી પગથિયાનું મન ભરાઈ આવ્યું. ત્યાં એક કવિએ પગથિયા પર પગ મૂક્યો અને કવિને એની વેદનાનું ડૂસકું સંભળાયું.

કવિએ સહાનુભૂતિપૂર્વક પગથિયાને પૂછ્યું ત્યારે પગથિયાએ કહ્યું ઃ ''એક જ ખાણમાં હું અને આ પ્રતિમાવાળો આરસ બન્ને જન્મ્યા હતા. અમે બન્ને એક જ શિલાના બે ટુકડા છીએ, છતાં લોકો આજે એના પગમાં પડે છે અને મને ઠેબે ચડાવે છે. મારી છાતી પર લોકો મેલા અને ગંદા પગ મૂકે છે અને એને ફૂલોથી શણગારે છે. આવા તેજોવધથી મને ઇર્ષ્યા અને અદેખાઈ ન થાય ?''

કવિએ હસીને કહ્યું ઃ ''તમે બન્ને એક જ શિલા (પથ્થર)ના સંતાન પણ જ્યાં બારીક કામગીરીનો પ્રસંગ આવ્યો ત્યારે તું બટકી ગયું પણ તારા સાથી આરસના ટુકડાએ તો ટાંકણાનો માર સહન કરીને પણ અંદરનું સૌંદર્ય જ પ્રગટાવ્યું. જે જીવનમાં સહન કરીને કસોટીમાંથી પાર ઉતરી જાય છે, તે પ્રભુ બની પૂજાય છે અને જે સહન કરી શકતો નથી તે પગથિયાનો પથ્થર બની પછડાય છે. એટલે તારે રડવું જ હોય તો જગતના અન્યાય સામે નહીં, તારી નબળાઈ માટે રડ. પાત્રતા હશે તો પ્રેમપુષ્પોની વૃષ્ટિ થશે.'' પવિત્ર અને પ્રસન્ન આત્મા એ જ મહાત્મા, એ જ મુક્તાત્મા અને એ જ પરમાત્મા.

દિવસ તો આથમે છે, પણ માણસની બૂરાઈઓનો અસ્ત થાય છે ખરો ? સૂર્યોદય એટલે મન અને હૃદયમાં સુરત્વ (દેવત્વ)ને ઉદિત કરવાનો અવસર


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...