વગરકારણે ખુશ રહેવાની પણ એક અલગ પ્રકારની મજા છે. પ્રસન્નતાનું કોઇ સ્પષ્ટ કારણ નથી હોતું, એ તો તમારી અંદરથી ફૂટતું ઝરણું છે.
આજે રિમોટ કન્ટ્રોલનો જમાનો છે. ટીવી હોય કે મ્યુઝિક સિસ્ટમ હોય - દૂરથી જ રિમોટ દબાવી તમે એને શરૂ કરી શકો. રિમોટનું ઇલેક્ટ્રોનિક સાધન આધુનિક ભલે લાગે પણ માણસની અંદર તો આ રિમોટ ઘણાં વર્ષોથી કાર્યરત છે. આ સિસ્ટમનો અર્થ છે દૂરથી કન્ટ્રોલ કરવો. ઘ્યાનથી જોઇએ તો બધા જ લોકો રિમોટ કન્ટ્રોલથી જીવી રહ્યા છે.
તમારું રિમોટ કોઇ બીજાના હાથમાં અને બીજાનું રિમોટ તમારાં હાથમાં. કોઇ બટન દબાવી દે અને તમને ગુસ્સો આવી જાય છે અથવા તમે ખુશ થઇ જાઓ છો. કોઇએ કહી દીધું, 'શું વાહિયાત લેખ લખ્યો છે' ને તમને ગુસ્સો આવી ગયો.
તમે કોઇને કહ્યું, 'તમે આજે સુંદર લાગી રહ્યાં છો.' અને એનું દિલ બાગ બાગ થઇ ગયું. આ રમત ચાલ્યા જ કરે છે. સમાજનો અર્થ શું છે? સમાજ એક એવો સમૂહ છે, જ્યાં બધાં એકબીજાનું રિમોટ દબાવતાં રહે છે. સૌથી ભયભીત કરતું રિમોટ: 'લોકો શું કહેશે?' આવી સ્થિતિ હોય ત્યાં સ્વતંત્રતા અને પ્રસન્નતા સાથે જીવવું તદ્દન અશકય છે અને પછી લોકો પૂછતા ફરશે કે મનની શાંતિ કેવી રીતે મળે?
પ્રસ્તુત છે અમુક ઓશો ઘ્યાનવિધિઓ, જેની સાધના કરવાથી તમે તમારું રિમોટ પાછું મેળવી શકો છો અને ખરેખર સુખ-શાંતિસભર જીવન જીવી શકો છો.
અકારણ પ્રસન્ન રહો
તમારા સુખને બીજા પર નિર્ભર ન રહેવા દો. કોઇ કારણને લીધે ઉત્પન્ન થનારું સુખ ક્ષણિક હોય છે. અકારણ સુખ અનંત હોય છે, જે આત્માના ઊંડા સ્રોત સાથે જોડાયેલું હોય છે. એમાં તમે તમારા માલિક છો. કોઇકવાર નવરા બેઠાં હો તો પણ પ્રસન્ન રહો. આ જરા અઘરું લાગે કે ભાઇ ખુશ રહેવાનું કોઇ કારણ ન હોય તો પણ કેવી રીતે ખુશ રહેવું?
સામાન્ય રીતે ખુશ થવાનું કારણ હોય તો જ આપણે ખુશ રહીએ છીએ. દાખલા તરીકે કોઇ મિત્ર આવે તો તમે ખુશ થઇ જાઓ છો, પણ વગરકારણે ખુશ રહેવાની પણ એક અલગ પ્રકારની મજા છે. પ્રસન્નતાનું કોઇ સ્પષ્ટ કારણ નથી હોતું, એ તો તમારી અંદરથી ફૂટતું ઝરણું છે.
હૃદય શાંતિનો સ્રોત છે
હૃદય સ્વભાવગત શાંતિનો સ્રોત છે. તમે હૃદય પર ઘ્યાન ધરતાં હો તો એ જ સ્રોત પર પાછા ફરશો જ્યાં તમે હંમેશાં છો. આંખ બંધ કરી દસ મિનિટ સુધી શાંતિથી બેસો. ઘ્યાન હૃદય પર કેન્દ્રિત રાખો. હૃદય જીવંત થવા લાગશે. એક સરોવરની જેમ તરંગિત થતું લાગશે.
ફરી આંખ ખોલશો તો સંસાર બિલકુલ વિપરીત લાગશે, કારણ કે શાંતિ તમારી આંખોમાંથી પણ ઝરતી હશે. આખો દિવસ તમને સારો અનુભવ થશે. તમને એવું લાગશે કે લોકો તમારી સાથે અલગ વ્યવહાર કરી રહ્યા છે. લોકો તમને વધુ પ્રેમાળ, વિનમ્ર, વધુ ખીલેલા અને આત્મીય લાગશે. તેઓ તમને ઓછા નડશે.
એક ચુંબકીય તત્ત્વ ઉત્પન્ન થઇ ગયું. શાંતિ એક ચુંબક છે. શાંત વ્યક્તિની ચારે તરફ એક કવચ હોય છે. તમે શાંત હો તો લોકો તમારી વધુ નજીક આવે છે, તમે પરેશાન હો છો તો બધા બે કદમ પાછળ ખસી જાય છે. શાંતિ ફેલાવા લાગે છે, ચારેબાજુ એક વલય બને છે.
તમારી ફરતે શાંતિનું સ્પંદન થાય છે અને જે પણ આવે છે એ તમારી નજીક રહેવા ઇચ્છે છે. કોઇ વૃક્ષની છાયા નીચે આવીને વિસામો લેવાની ઇરછા થાય, એમ.
ઊર્જાનું વર્તુળ
આ એક વૈજ્ઞાનિક ઓશો ઘ્યાનવિધિ છે. તમે અરીસા સામે ઊભા હો તો પહેલાં તમારા પ્રતિબિંબને જુઓ: તમે જોઇ રહ્યા છો અને પ્રતિબિંબ દેખાઇ રહ્યું છે, પછી આ પ્રક્રિયાને ઊંધી કરી દો. એવું અનુભવો કે તમે પ્રતિબિંબ છો અને પ્રતિબિંબ તમને જોઇ રહ્યું છે. એ જ ક્ષણે તમને લાગશે કે પરિવર્તન થઇ રહ્યું છે, સઘન ઊર્જા તમારા તરફ આવી રહી છે.
આવું થોડા દિવસ કરી જુઓ તો તમને ખરેખર નવાઇ લાગશે કે તમે આખો દિવસ કેટલી જીવંતતા અનુભવી રહ્યા છો. જ્યાં વર્તુળ પૂરું થાય છે ત્યાં જ ગહન મૌન શરૂ થાય છે. અધૂરું વર્તુળ બેચેની ઊભી કરે છે. વર્તુળ પૂરું થાય તો આરામ લાગે છે. એ તમને કેન્દ્રિત કરે છે અને કેન્દ્રિત થવાથી આપણે ઊર્જાવાન બનીએ છીએ.
એ ઊર્જા તમારી જ છે. આ તો માત્ર એક પ્રયોગ છે. આ રીતે તો તમે બીજી ઘણી રીતે પ્રયત્ન કરી શકો છો. તમે જયારે ગુલાબનું ફૂલ જુઓ તો થોડી વાર એને જોતાં રહો. પછી ઊંધી પ્રક્રિયા શરૂ કરો: ગુલાબનું ફૂલ તમને જોઇ રહ્યું છે. તમને નવાઇ લાગશે કે ગુલાબનું ફૂલ પણ તમને કેટલી ઊર્જા આપી શકે છે. આ જ પ્રયોગ વૃક્ષો અને તારા સાથે પણ કરી શકાય છે.
મૃત્યુથી ભય કેવો?
જ્યાં સુધી મૃત્યુ થતું નથી ત્યાં સુધી આપણે એને જાણી શકતા નથી તો પછી આપણને એનો ભય કેવો? ઓશોની નજરે એક પાયાનું સત્ય એ છે કે આપણે આભાસ સાથે જીવીએ છીએ. આપણું નામ, જાતિ, પરિવાર, શિક્ષણ - આખું વ્યક્તિત્વ એક સંયોગ છે. એક આંતરિક મનોમંથન કરીએ: તમે શોધશો તો જાણી શકશો કે તમારું શરીર એક સંયોગ છે.
અમુક ચીજ મા પાસેથી મળી છે, તો અમુક પિતા પાસેથી અને બાકીની આહાર-પોષણ દ્વારા મળી છે. હવે મન પર ઘ્યાન કેન્દ્રિત કરો - તમારા વિચાર, ભાવ તમારાં પોતાના છે? અમુક અહીંથી આવ્યા છે તો અમુક બીજેથી. મનમાં કંઇ પણ એવું નથી જે મૌલિક હોય. મન પણ એક સંગ્રહ સ્થાન છે.
ઊંડું મનન કરશો તો જણાશે કે તમારું વ્યક્તિત્વ કાંદા જેવું છે. એક પડ હટાવો કે તરત બીજું પડ દેખાશે, ત્યાર પછી ત્રીજું પડ દેખાશે. એક પછી એક આવરણ હટાવતા જાઓ, છેવટે હાથમાં શૂન્ય આવશે. એક વાર શૂન્યનો સાક્ષાત્કાર કરી લેશો પછી કશાનો ભય નહીં રહે.
No comments:
Post a Comment