[F4AG] રોક સકો તો રોક લો

 

રોક સકો તો રોક લો

Dipak Soliya
iplપારદર્શક વહીવટની સમસ્યા એકલા ક્રિકેટમાં નથી. રાજકારણ, ફિલ્મો, ધર્મ-સંપ્રદાયોમાં પણ પૈસા કયાંથી આવ્યા ને કયાં ગયા એ વિશે મોટે ભાગે મૌન જ સેવાતું હોય છે. આવામાં, આઈપીએલનો વહીવટ સ્પષ્ટ અને સ્વચ્છ કરવાની માગણી જરૂર ઉઠાવી શકાય. બાકી, ટી-૨૦ લીગના ધસમસતા રથને કોઈ રોકી શકવાનું નથી.

સંસ્કૃત શ્લોક કહે છે કે આહાર, નિદ્રા, ભય, મૈથુન આ ચાર ચીજ માણસ-જાનવરમાં કોમન છે, એ તો ધર્મ છે જેને કારણે મનુષ્ય પ્રાણીથી જુદો પડે છે. પણ એક મિનિટ, ધર્મ ઉપરાંત એક બીજી પણ ચીજ છે, મનોરંજન.

માણસમાં મનોરંજનની ભૂખ પ્રબળ હોય છે, જયારે ભેંસ વર્ષો સુધી ખીલે ખોડાઈને, મનોરંજન વગર નિર્લેપ ભાવે જીવી શકે છે. ધર્મને મનોરંજન ગણીએ તો વાત જુદી છે, બાકી ભારતમાં મનોરંજનના બે મુખ્ય સ્ત્રોત છે - ફિલ્મો અને ક્રિકેટ, ફિલ્મો જમાના સાથે બદલાઈ છે.

તો ક્રિકેટ શા માટે પાછળ રહે? ટેસ્ટ મેચ પછી વન-ડે પછી હવે જમાનો આવ્યો છે ટી-ર૦નો. માત્ર ક્રિકેટનું રૂપ જ નહીં, ક્રિકેટ સાથે સંકળાયેલો પૈસાનો ખેલ પણ જબરો બદલાઈ ગયો છે. અહીં મહાન સ્પીનર બિશનસિંઘ બેદીએ પત્રકાર રાજદીપને કહેલો કિસ્સો જાણવા જેવો છે.

'૫૦ના દાયકામાં ભારતના ખેલાડીઓને પાંચ દિવસની ટેસ્ટ મેચ માટે અંકે રૂપિયા ૨૫૦ પૂરાનો ચેક અપાતો. એવામાં એક વાર ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું. ફકત ચાર જ દિવસમાં. મેચ પછી ખેલાડીઓને ૨૦૦ રૂપિયા અપાયા.

ખરેખર તો શાનદાર જીત બદલ વધુ રૂપિયા મળવા જોઈએ. તો પછી ૨૦૦ જ કેમ એ વિશે ટિપિકલ સરકારી દલીલ કરવામાં આવી. તમને એક દિવસ રમવાના ૫૦ રૂપિયા આપીએ છીએ. તમે ચાર દિવસમાં મેચ પતાવી દો તો ૨૦૦ જ મળેને! તમને કોણે કહ્યું 'તું ચાર દિવસમાં મેચ પતાવવાનું?

અને આજે યુગ એવો છે કે આઈપીએલના ફ્રેન્ચાઇઝીએ ખરીદેલો ખેલાડી આખી શ્રેણી દરમિયાન એક પણ મેચ ન રમવા પામે અને ફકત ડગ-આઉટમાં બેસી જ રહે તો પણ અડધી જિંદગી ચાલે એટલી કમાણી કરી લે છે.

મુદ્દે, પૈસાનો ખેલ બહુ મોટો થઈ ગયો છે. ફકત ત્રણ જ વર્ષમાં, એક અંદાજ પ્રમાણે, આઈપીએલ ૪.૧૩ અબજ ડોલરની બ્રાન્ડ બની ચૂકી છે. લલિત મોદીની 'કમાલ'થી એક ક્રિકેટ ઇવેન્ટ આવડો મોટો બની જાય, લલિત મોદી આવડી મોટી આઈપીએલ બ્રાન્ડ પર એકદમ ચપ્પટ બેસી જાય.

ભદ્ર-એલીટ અમીરોને હડસેલીને પ્રમાણમાં અજાણ્યા એવા નવાસવા અમીરો પૈસા ફેંકીને ટીમમાલિક બનવા લાગે, નાનકડા કેરળના પ્રમાણમાં નાનકડા કોચી શહેરની ટીમ બને અને મોટા ગુજરાતનું મોટું અમદાવાદ ભારે વગ છતાં પાછળ રહી જાય... આવામાં તકરાર તો હોની હી થી. તે હુઈ. એમાં કશી નવાઈ નથી. કોઠી ધોવાથી કાદવ બહાર આવે એમાં પણ કશી નવાઈ નથી.

નવાઈ લગાડવી જ હોય તો એ વાતે લગાડવા જેવી છે કે ક્રિકેટ ઉપરાંત ફિલ્મો, રાજકારણ અને ધર્મ-સંપ્રદાયોમાં પણ અબજો રૂપિયાને ભેદી ખેલા ખેલાતા હોવાતા છતાં એ વિશે ભાગ્યે જ ચૂં કે ચાં થાય છે.

પ્રધાન શશી થરુરે સખી સુનંદાને ૭૦ કરોડનો લાભ કરાવ્યો છે કે નહીં તેનાથી ઘણો મોટો સવાલ એ છે કે દેશના અનેક રાજકારણીઓ ૭૦ નહીં, કદાચ ૭૦૦ કરોડના ધણી હોવા છતાં, સબ ચલતા હૈ.

ફિલ્મોમાં કરોડોનું ફાઇનાન્સ શંકાસ્પદ સ્રોતોમાંથી થાય છે પણ, સબ ચલતા હૈ. આશ્રમો-સંપ્રદાયોનો કારોબાર અબજોનો હોવા છતાં એમાં પારદર્શકતાની માગણી ભાગ્યે જ થતી હોય છે. કયૂંકિ... યે ધરમ કા મામલા હૈ. બધે બધું ચાલે છે.

ના, અહીં લલિત મોદીના બચાવનો કોઈ ઇરાદો નથી. લલિત મોદીનો વહીવટ બંધિયાર-ભેદી-અપારદર્શક હોય તો એ ન જ ચલાવી લેવાય. બાકી, આખેઆખી આઈપીએલને વખોડવાથી કશું નથી વળવાનું. જમાનો ફાસ્ટ છે. લોકો પાસે ઝાઝો સમય નથી.

આવામાં પાંચ દિવસની મેચો અને આખા દિવસની વન-ડે કરતાં સાડા ત્રણ કલાકની ટી-૨૦ વધુ ફિટ છે, વધુ હિટ છે, વધુ મનોરંજક છે. ટી-ર૦ લીગ મેચોનો યુગ આવી પહોંચ્યો છે અને જે ચીજનો જમાનો આવવાનો હોય એને કોઈ રોકી ન શકે.વાલ્મીકિના સંસ્કૃત રામાયણ પછી તુલસીદાસના અવધિ રામચરિતમાનસનો યુગ આવી પહોંચ્યો ત્યારે એને કોઈ રોકી નહોતું શક્યું. બાકી વિદ્વાનોએ તુલસીદાસજી દુબે પર માછલાં તો બહુ ધોયેલા કે તમે ઉચ્ચ-ભદ્ર સંસ્કૃત રામાયણને દેશી-તળપદું રૂપ આપી જ કઈ રીતે શકો?

ખેર, તેથી શું થયું? કંઈ નહીં. પ્રજાએ તુલસીદાસજીને ખુદ વાલ્મીકિના અવતાર તરીકે ખભે ઉપાડી લીધા. એ જ રીતે, આજની તારીખમાં રામકથામાં ફિલ્મોનાં ગીતોનો મોરારિબાપુ દ્વારા થતો ઉપયોગ પણ જનતાએ ઊલટભેર વધાવ્યો છે અને મોરારિબાપુને આજના તુલસીદાસ તરીકે વધાવી લીધા છે.

લલિત મોદી ભલે તુલસીદાસ કે મોરારિબાપુ નથી પણ ટી-૨૦ લીગ ક્રિકેટ તુલસી-મોરારી રામાયણ જેવું લોકભોગ્ય છે, જમાનાની સાથે કદમ મિલાવનારું છે. એ સાચું છે કે આઈપીએલને લલિત મોદીએ ઉછેરી છે, પણ આઈપીએલ હવે લલિત મોદી કરતાં ઘણી વધારે કદાવર જણસ બની ચૂકી છે.

સર્જક કરતાં સર્જન ઘણું મોટું થઈ ચૂક્યું છે. આવામાં, આઈપીએલ વિશે ભલે જેટલા વિવાદો થવા હોય એટલા થાય, ભલે જેટલો કાદવ ઉછળવાનો હોય એટલો ઊછળે, ભલે આઈપીએલના 'બાપુજી' લલિત મોદીની પાંખો કપાય, ભલે શશી થરુરનું જે થવું હોય તે થાય, ભલે મેચના સ્થળે નાના મોટા વિસ્ફોટો થાય, પણ આ બધા જ હોબાળા છતાં, ટી-૨૦ લીગનો રથ ધસમસતો દોડશે. રોક સકો તો રોક લો.


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Welcome to Mom Connection! Share stories, news and more with moms like you.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...