પકડાય નહીં ત્યાં સુધી આ લોકોના કડકડતી કાંજીવાળા અને બગલાની પાંખ જેવા સફેદ ખાદીના લૂગડાં પરના ડાઘ દેખાતા નથી
ગુજરાતના લોકોને તો યાદ હશે. અબ્દુલ લતીફ નામનો એક દાદો જેલમાં બેઠાં બેઠાં એક કરતાં વઘુ બેઠકો પરથી ચૂંટણી જીતી ગયો હતો. મહારાષ્ટ્રના વિધાનસભ્ય બોલે તો ભાઇ અરૂણ ગવલી ( સમર્થકો એને ડેડી કહે છે) જેલમાં બેઠાં બેઠાં સુપારી આપીને અપહરણ કે મર્ડર કરાવી શકતા એમ કહેવાય છે. હવે એના કરતાં વઘુ 'ઉજ્જવળ' રેકર્ડ ધરાવતા એક ભાઇ કહેતાં વિધાનસભ્ય અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યા છે. વઘુ નહીં, ફક્ત પાંચ ખૂન અને બેથી અઢી ડઝન બીજા ગુના માટે પંકાયેલા આ દાદાનું નામ મુખ્તાર અન્સારી છે. ચારે બાજુથી ભીંસ વધી ત્યારે ૨૦૦૫ના ઑક્ટોબરની ૨૫મીએ અન્સારી સરેંડર થયા અને એમને જેલમાં મોકલી આપ્યા. જો કે આવા ભાઇલોગ માટે તો જેલ હો કે મહેલ, બઘું સરખું. એક દિવસ અચાનક પોલીસ ઉપરીએ દરોડો પાડ્યો ત્યારે જોયું કે મુખ્તાર અન્સારીની કોટડીમાં તો એર કૂલર, ગૅસનો ચૂલો, મોબાઇલ ફોન વગેરે લક્ઝરી મોજુદ હતી.
પોલીસ સુપરની આંખ ફાટી. તેમણે જેલ સ્ટાફને ખખડાવી નાખ્યોઃ યહ ક્યા હો રહા હૈ... જેલ સ્ટાફે નીચી મૂંડી કરીને સાંભળી લીઘું. બીજું શું કરે ? આખરે મુખ્તાર અન્સારી શાસક પક્ષ નામે બસપાના માનનીય ધારાસભ્ય હતા. જેલમાં તેમનો દરબાર રોજ ભરાતો. નાના નાના અને કોઇ વગવસીલા વગરના કેદીઓ મુખ્તાર સમક્ષ કરગરતા- માઇબાપ, હમારે બીબી બચ્ચોં સે મુલાકાત કરવા દો. દરોગા પચાસ રૂપયે માગતા હૈ...ક્યારેક અન્સારી મૂડમાં હોય તો દરોગાની ખબર લઇ નાખતો અને પેલા કેદીને સ્વજનો મળી જતાં. પરંતુ તાજેતરમાં બસપાની નેતાગીરી ( માયાવતી એમ વાંચો)એ ચોતરફથી હો હા થતાં અન્સારી અને તેના ભાઇને પક્ષમાંથી બરતરફ કરવાની જાહેરાત કરી. પરંતુ એ જાહેરાતથી અન્સારીનું રૂંવાડુંય ફરક્યું નહીં. એ જાણે છે કે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે બધાય રાજકીય પક્ષોના કહેવાતા નેતાજીઓ લાળ ટપકાવતા અમારી સમક્ષ મુજરા કરવા આવશે. સામેથી ટિકિટ ઑફર કરશે.
અગાઉ કહેવાતા નેતાજીઓને થોડીકેય શરમ હતી. હવે તો નાગો નહાય શું ને નીચોવે શું ? બધાય પહેરેલે કપડે ઊઘાડા છે. આઇપીએલના અબજોનાં કૌભાંડોએ વધુ એક વખત કેન્દ્ર સરકારની પોલ ખોલી નાખી. જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી આ લોકોના કડકડતી કાંજીવાળા અને બગલાની પાંખ જેવા સફેદ ખાદીના લૂગડાં પરના ડાઘ દેખાતા નથી. રહી વાત પોલીસની. તો આ દેશની પોલીસ ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ગુનેગારને પકડી પાડે. નહીંતર કોર્ટમાં એમ કહીને ઊભી રહે કે અમે તપાસ કરી. ફલાણાભાઇનો પત્તો નથી. ન માનતા હો તો જુઓ સજ્જનકુમારને. છેક ૧૯૮૪ના ઑક્ટોબરની ૩૧મીએ ત્યારના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઇ એ પછી થયેલાં શીખ વિરોધી હુલ્લડોમાં આ 'સજ્જન'કુમારનો માતબર ફાળો હતો. એમ તો બીજા ઘણા કોંગ્રેસી નેતાઓનેા ફાળો હતો. પરંતુ સીબીઆઇ કોર્ટને એમ કહેતી રહી કે ફલાણાભાઇ તો ક્યાંય દેખાતા નથી. અમે એમની તલાશમાં અમારા જોડા ઘસી નાખ્યા. જુઓ, ફાટી જવાની તૈયારમાં છે.
વાત મુખ્તાર અન્સારીની ચાલી રહી હતી. આ બિરાદરે જેલમાં બેઠાં બેઠાં સુપારી આપીને ચાર-પાંચ જણની ગેમ કરાવી નાખી. ડિટ્ટો અરુણ ગવળી. એના પર જે ખૂનોના આરોપ છે એમાં એક તો ભાજપના લોકપ્રિય નેતા કૃષ્ણાનંદ રાય હતા. એ પણ ધારાસભ્ય હતા અને ગાઝીપુરમાં અન્સારીએ તેમની ગેમ કરી નાખી હતી. આમ છતાં આ માણસ ગાઝીપુરની જેલમાં જ રહ્યો. કોઇ કહેતાં કોઇ એને અન્યત્ર ખસેડી શક્યંુ નહીં. જો કે એ વખતે એના પર માયાવતીના ચાર હાથ હતા એમ કહેવાય છે. એમ તો આ અન્સારી અગાઉ મુલાયમ-અમરસિંહના સમાજવાદી પક્ષનો ધારાસભ્ય રહી ચૂક્યો હતો. એ સમયે આ બંને સમાજવાદી નેતાઓનેા માનીતો હતો. હવે માયાવતી ચોંક્યાં છે કારણ કે રાહુલ ગાંધી અને એમનાં પૂજ્ય માતુશ્રી ઉત્તર પ્રદેશના પોતાના મતવિસ્તારની વારંવાર મુલાકાતો લેતાં થઇ ગયાં છે અને મિડિયામાં એવા હેવાલો પ્રગટ થયા છે કે આ માતા-પુત્રે ઉત્તર પ્રદેશમાં ફરી કોંગ્રેસને વિજયી બનાવવા કમર કસી છે. આ જ મુખ્તાર અન્સારી વિશે બોલતાં માયાવતીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે એ તો 'ગરીબોના મસીહા' છે. હવે એજ અન્સારીને ગાઝીપુરની જેલમાંથી અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી વખતે ઉમેદવારી કરતાં અન્સારીએ રજૂ કરેલી એફિડેવિટમાં લખ્યું હતું કે મારી સામે ગાઝીપુરના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં અપરાધના ૧૦ કેસ નોંધાયેલા છે અને વારાણસી, ચંદૌલી અને લખનઉની કોર્ટમાં મારી સામે અપરાધના ૨૧ કેસ ચાલ્યા હતા જેમાં કેટલાક કેસમાં મને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો અને કેટલાકમાં સાક્ષી ફરી જતાં પોલીસે કેસ પડતા મૂક્યા હતા. વાસ્તવિકતા એ હતી કે અન્સારીના ટપોરીઓએ એક કરતાં વઘુ સાક્ષીઓને ધોલધપાટ કરી હતી અને માઠાં પરિણામોની ધમકી આપી હતી એટલે સત્ય ગયું ઘેર એમ કહીને આ સાક્ષીઓે પોલીસને સૉરી કહીને ફરી ગયા હતા. આ સ્થિતિમાં પોલીસ કરે તો શું કરે ? ગાઝીપુર જેલમાંથી અન્સારીને અન્યત્ર ખસેડવામાં આવ્યો ત્યારે એણે હસતા મોઢે મિડિયાને કહ્યું- સસુરે ધુમને ફિરને લે જા રહે હૈં....
|
No comments:
Post a Comment