[F4AG] ચતુર કાગડાઓ કેમ છેતરાય છે?

 


કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
 
શહેરની ઘોંઘાટભરી અને ઉતાવળી જિંદગી જીવતાં આપણે આપણી આસપાસ વસતાં નાનકડા જીવો પાસેથી ઘણું શીખવાની જરૃર છે. આજથી વીસ વર્ષ પહેલાં અમે ગાંધીનગરમાં અમારા મકાનમાં રહેવા આવ્યાં ત્યારે આજુબાજુ કોઈ ખાસ વસતી નહોતી. મને વૃક્ષો અને ફૂલછોડનો શોખ હોવાથી મારા કંપાઉન્ડમાં મેં આંબા, નાળિયેરી, સીતાફળી જેવાં વૃક્ષો અને સૂર્યમુખી, ગુલાબ જેવાં ફૂલ છોડ રાખ્યાં હતાં. એ વખતે કંપાઉન્ડમાં છેક છેડે એક લીમડો હતો. એ વખતે ખબર નહોતી કે એ વૃક્ષો મોટાં થશે અને એનાં ફળ ખાવાં મળશે એ પહેલાં મને બીજું ઘણું મળશે. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં જે પક્ષીઓ નહોતાં એવાં પક્ષીઓનો કલશોર પ્રભાતના પહોરને ભરી દેતો હતો. વહેલી સવારે એલાર્મ વિના જ એમના અવાજથી હું જાગી જતો હતો.
 
સવારનો ગુલાબી તડકો સોનેરી થાય એ પહેલાં તો ખિસકોલી, કાબર, ચકલી (જે હવે જોવા નથી મળતા) વૈયાં અને બુલબુલને સાંભળ્યા કરતો - જોયા કરતો. એમનું જીવન કેવું ભર્યું ભર્યું હતું! તમે ક્યારેય કોઈ આળસુ ખિસકોલી જોઈ છે? કોઈ નિરાશ કાબર જોઈ છે? કોઈ ઉદાસ ચકલી જોઈ છે? એમના દરેકના જીવન વિશે એક લાંબો લેખ લખી શકાય એવી દરેકની પ્રવૃત્તિ હતી.
 
આ બધામાં કાગડાએ સૌથી વધુ મારું ધ્યાન ખેંચ્યું હતું. એના વિશે મેં ઘણું વાંચ્યું હતું. પરંતુ વાંચવામાં અને જોવામાં ફેર છે. કાગડામાં મેં કેટલીક એવી ખાસિયતો જોઈ જે માણસોએ અપનાવવી જોઈએ.
સૌથી પહેલી ધ્યાન ખેંચે એવી વસ્તુ એની પ્રેમક્રીડા છે. કાગડો ખૂબ જ મરજાદી પક્ષી છે. કાગડા કાગડીને ભાગ્યે જ કોઈએ પ્રેમ કરતાં જોયાં હશે. ચીડિયાઘરમાં રાખેલા કાગડાનાં જોડાંની વાત કુદરતી વાતાવરણમાં રહેતાં જોડાંની વાત કરતાં જુદી હોઈ શકે છે. ઘણાં વર્ષોના મારા અવલોકનમાં મેં માત્ર એક જ વાર કાગડાના જોડાને સંવનન કરતાં જોયાં છે - માત્ર સંવનન, ઉર્ર્ૈહખ્ત. આજના શહેરી સમાજમાં વસતાં માણસોની સ્થિતિ એવી છે કે, પ્રેમની અભિવ્યક્તિ માટે કે બે મીઠી વાત કરવા માટે પણ પ્રેમી જોડાને બગીચાના એકાંત ખૂણા શોધવા પડે છે. એટલે તો અવારનવાર વર્તમાનપત્રોમાં સમાચાર છપાય છે કેઃ
અમુક તમુક બગીચામાં બીભત્સ ચેનચાળા કરતાં યુવક-યુવતીને પોલીસે પકડયાં છે. એક જ ખોલીમાં કે નાનકડાં ઘરમાં વધારે મનુષ્ય પ્રાણીઓ રહેતાં હોય ત્યાં આવું જ બને - એમાં નવાઈ જેવું શું છે? મુંબઈના જૂહુના દરિયા કિનારે જે દૃશ્ય ભાગ્યે જ પોલીસનું ધ્યાન ખેંચે છે એ જ દૃશ્ય અમદાવાદ જેવા શહેરમાં પોલીસને રૃપિયા કમાવાની સગવડ કરી આપે છે. કાગડાનું પ્રેમજીવન એક આદર્શ પ્રેમજીવન છે. એવા જોડાને કોઈ પોલીસ પકડી કે રંજાડી શકતો નથી.
 
કાગડાની બીજી ખાસિયત સમયસર માળો બાંધવો એ છે. શહેરી માણસને આજે પણ ઘરનું ઘર એ એક મોટું સપનું છે. માળો બનાવતાં બધાં જ પક્ષીઓ એમની ઋતુમાં સમયસર જ માળો બનાવતાં હોય છે અને એ પણ પોતાને અનુકૂળ હોય એવી જગ્યાએ અને એવી કારીગરીથી, પરંતુ કાગડો એ બાબતમાં પણ વધુ સાવચેત છે. કાગડાનાં બચ્ચાં મોટાં થઈને ઊડતાં શીખે ત્યારે વરસાદની મોસમ શરૃ થઈ કે થશે એવી સ્થિતિ હોય છે. એટલે કાગડાને માળો બનાવવામાં સમય અને સ્થળ બંનેની પસંદગી કરવાની હોય છે. કાગડો ઝાડની એવી ડાળી ઉપર, એવી જગ્યાએ માળો બાંધે છે કે મોસમના પહેલા તોફાની વરસાદથી માળાનો અને બચ્ચાંનો બચાવ થઈ શકે.
 
ખેતી ઉપર નભતાં ખેડૂતોનો ઘણો દારોમદાર ચોમાસા ઉપર હોય છે અને જ્યારે હવામાનની આગાહીથી ખાસ કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે ખેડૂતો કાગડાનો માળો, ટીટોડીનું ઈંડાં મૂકવાનું સ્થળ, ચૈત્ર મહિનાના શરૃઆતના દિવસો (દનૈયાં) અખાત્રીજનો પવન વગેરેનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કરતા હતા.
 
કાગડાનો માળો જો ઝાડની ઉપરની ડાળીઓમાં હોય તો વરસાદ મોડો થાય. ઉપરની ડાળીઓમાં બાંધેલા માળાથી સાપ અને બિલાડી જેવા શત્રુઓથી વધારે સારી રીતે બચાવ થઈ શકે. માળો જો નીચે, ડાળીઓમાં ઘટાદાર જગ્યાએ હોય તો સાપ વગેરેથી બચાવ કરવામાં મુશ્કેલી પડે, પરંતુ મોસમના પહેલા તોફાની વરસાદથી સારી રીતે બચાવ થઈ શકે. કાગડો આવી ઘણી સાવચેતી રાખીને અને ગરમી, વરસાદ શત્રુઓથી બચાવ કઈ રીતે થઈ શકે તેનો અગાઉથી વિચાર કરીને માળો બનાવે છે. આમાં સત્ય કેટલું હશે એ ખબર નથી પરંતુ કાગડાના માળાને મેં ઝાડમાં ઉપરની અને વચ્ચેની જગ્યાએ જોયા છે. પોતાનું મકાન બનાવતી વખતે માણસ (જો એને પસંદગીની તક હોય તો) જે જે વસ્તુઓનો ખ્યાલ રાખે છે એવો ખ્યાલ કાગડો પણ રાખે છે.
 
ત્રીજી વાત છે, બચ્ચાંને ઉછેરવાની - બાલ ઉછેરની - એની જવાબદારી પણ કાગડો - કાગડી બંને ઉપાડે છે. આવી રીતે દરેક પક્ષીઓ અને પ્રાણીઓ વર્તતાં નથી. માણસોની સ્થિતિ તો હવે એવી ખરાબ થતી જાય છે કે હવે પછીનાં બાળકો કેવાં થશે એનો વિચાર આવતાં જ કંપી જાય છે. અમેરિકામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છોકરાઓ જે રીતે રિવોલ્વર અને ગનનો ઉપયોગ કરે છે એવું જ હવે ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં થવા લાગ્યું છે.
 
આપણી શહેરી પેઢીનો વિચાર કરીએ તો ધનવાન કુટુંબના અને સરકારમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા અધિકારીઓનાં બાળકો મોટા ભાગે એમના નોકરો પાસે જ ઉછરતાં હોય છે. એ બાળકો યુવાન થાય ત્યારે કેવી રીતે વર્તે છે એ જાણવા માટે જુદી જુદી ક્લબો, બાર હાઉસ અને હુક્કાબારમાં શું બને છે એ જોવાથી ખાસ ખ્યાલ આવી શકે તેમ છે. એમના માટે 'નબીરા' શબ્દ બિલકુલ યોગ્ય છે. ખૂબ જ ધનવાન કુટુંબના નબીરાઓમાં - ભાઈબહેનોમાં - થતા મિલકત માટેના ઝઘડાઓ એક વધારાનું દૂષણ હોય છે.
 
મધ્યમવર્ગનાં બાળકોની સ્થિતિ પણ ખાસ સારી નથી હોતી. શહેરમાં વસતાં મધ્યમવર્ગનાં બાળકોના ઉછેર માટે અને પોતાના સમાજમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે, પુરુષ અને સ્ત્રી બંનેને નોકરી કે એવું કાંઈક કામ કરવું પડે છે. એમનાં બાળકો કોઈક સગાંવહાલાંના, સંબંધીના કે ભલા પાડોશીના આશરે મોટાં થાય છે. એ બાળકો યુવાન થઈ પેલા 'નબીરા' જેવા તો નથી બનતાં પણ એમનાં માતાપિતાએ એમના માટે જે કાંઈ કર્યું હોય છે એનો સ્વીકાર કરવા તૈયાર હોતાં નથી. એટલે માતા-પિતા જ્યારે ઘરડાં થાય ત્યારે એમની સ્થિતિ દયાજનક થઈ જાય છે.
 
પક્ષીઓમાં તો બચ્ચાં મોટાં થાય એટલે નરમાદાનું કામ પૂરું થાય છે, કારણ કે મોટાં થયેલાં બચ્ચાંઓને ભણાવવાની કે પરણાવવાની જવાબદારી એમના ઉપર નથી હોતી. એ બાબતમાં માણસ કદાચ 'બિચારો' છે અને હવે પછી વધુમાં વધુ 'બિચારો' બનતો જવાનો છે.
 
ચોથી વાત છે, પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાની. કાગડો-કાગડી પોતાનાં ઈંડાં અને બચ્ચાંનું રક્ષણ પોતાની પૂરી શક્તિથી કરે છે. એ બાબતમાં એની હોશિયારી અને શૂરવીરતા માણસો કરતાં પણ વધારે હોય છે. સાપ એમનો મોટામાં મોટો દુશ્મન છે. સાપને જોતાં જ એ દેકારો કરી મૂકે છે. સાપ ઝાડ ઉપર ચડવાની શરૃઆત કરે ત્યારથી પોતાની અણીદાર ચાંચ મારીને એને પછાડવાની અને ભગાડવાની કોશિશ કરે છે, નહાવા આવેલી રાણીનો સોનાનો હાર ઉપાડીને સાપના દર ઉપર મૂકીને એ હાર શોધવા દોડેલા રાજાના નોકર દ્વારા, પોતાનાં ઈંડાં ખાઈ જનાર, સાપનું કેવી રીતે કાસળ કાઢયું એની વાત પંચતંત્રમાં આવે છે. એટલે વર્ષોથી આમ બનતું આવે છે.
 
પાંચમી અને સૌથી અગત્યની વાત, કાગડાઓના સંપની અને સંઘબળની છે. કાગડા જેવો સંપ માણસોમાં ભાગ્યે જ જોવા મળે છે. કોઈક ખોરાક - મરેલું કૂતરું કે ઢોર જુએ તો તરત જ એક કાગડો બીજા કાગડાઓને બોલાવે છે. માણસ એકલપેટો હોય છે. કાગડો ઉદાર છે. એ એકલો ખાતો નથી. એટલે તો એક કાગડો મુસીબતમાં આવી પડે તો બીજા અનેક કાગડાઓ મદદે આવી પહોંચે છે. કોઈ એકાદ કાગડો મરી જાય છે કે ઘાયલ થાય ત્યારે કાગડાની આખી જમાત હાજર થઈ જાય છે અને પસાર થતાં રાહદારીઓ ઉપર હુમલાઓ પણ કરે. આની સામે માણસોના સમાજમાં થતાં કોર્ટ-કજિયા અને ખૂનખરાબાનો વિચાર કરીએ - પોતાનાં બહેન કે ભાઈનું ખૂન કરનાર સહોદરના કે ઘરડાં માતા-પિતાનું ખૂન કરનાર સંતાનોનો વિચાર કરીએ ત્યારે માણસ કેટલો જંગલી છે એનો ખ્યાલ આવે છે.
-----------
 
ઉપર વર્ણવેલી કાગડાની પાંચ ખાસિયતો એના ગુણો અને ખાસ તો ચતુરાઈ બતાવે છે, પરંતુ આવા ચતુર કાગડાને છેતરનાર એક પક્ષી છે. જે એને હજ્જારો વર્ષથી છેતરતું રહ્યું છે. એ પક્ષી છે કોયલ.
 
જેને આપણે કોયલ તરીકે ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં જેને ઝ્રેર્ર્ષ્ઠા કહે છે એની અનેક જાત છે અને ખાસ કરીને ગરમ પ્રદેશમાં વસે છે. ઈંગ્લેન્ડ જેવા ઠંડા પ્રદેશમાંથી કુકૂ આફ્રિકામાં સ્થળાંતર (દ્બૈખ્તટ્વિંર્ૈહ) કરે છે. ઘણાં પ્રદેશોમાં કોયલ પોતાનો માળો બાંધે છે. પણ મોટાભાગના પ્રદેશોમાં તો એ પક્ષીને માળો જ નથી હોતો, કારણ કે એને માળાની કે બચ્ચાં ઉછેરવાની ઝંઝટ જ નથી હોતી. દરેક પ્રદેશમાં, દરેક કોયલ બીજા પાસે જ પોતાનાં બચ્ચાંનો ઉછેર કરાવે છે. કાગડા સિવાય પણ બીજાં સાત આઠ જાતનાં પક્ષીઓને એ પક્ષી છેતરે છે, પરંતુ એ બધાં પક્ષીઓ કાગડા જેવા ચતુર નથી હોતાં.
 
બીજાં પક્ષીને છેતરવાની એની રીત પણ જાણવા જેવી છે. આપણે જેને કોયલ કહીએ છીએ, અને જેના મીઠા ટહુકા ઉપર કવિઓ વારી જાય છે એ ટહુકો માદાનો નહીં પરંતુ નરનો હોય છે. નર કોકિલનો ટહુકો લાંબો અને મીઠો હોય છે. માદા તો કુકુકુકુ (આપણી રીતે કહીએ તો) એમ ગરબડિયું બોલે છે.
 
જ્યારે ઈંડાં મૂકવાનો સમય આવે છે ત્યારે નર કોયલ કાગડાના માળા પાસે જઈને જોરથી ટહુકો કરે છે. એ સાંભળીને પોતાનાં ઈંડાં બચાવવા માટે કાગડો એની પાછળ પડે છે, પરંતુ નર કોયલ બાજ જેવી ઝડપે ઊડીને બીજી દિશામાં જઈને ટહુકે છે. તરત જ કાગડી માળો છોડીને એની પાછળ પડે છે. આમ એકાદ બે વાર કરવાથી કોયલને સફળતા ન મળે તો એકથી વધુ પ્રયત્ન કરીને પણ કાગડો કાગડી બંને માળો છોડે એવી સ્થિતિ ઊભી કરે છે.
 
એ જ વખતે માદા કોયલ માળામાં જઈને કાગડાનું ઈંડું માળામાંથી બહાર ફેંકી દે છે અને એની જગ્યાએ પોતે ઈંડું મૂકે છે. માદા કોયલ એક સિઝનમાં, આ રીતે જુદા જુદા માળામાં છ, આઠ, દસ કે એથી પણ વધુ ઈંડાં મૂકે છે. (કોઈ કોઈ પ્રદેશમાં તો માદા બે ડઝન જેટલાં ઈંડાં મૂકે છે.) જેથી એનો વંશ જળવાઈ રહે. (બીજાં પક્ષીઓમાં અને મનુષ્યમાં સામાન્ય રીતે નર બહુગામી હોય છે. કોયલમાં એથી ઊલટું છે. એક સિઝનમાં માદા એકથી વધુ નર સાથે સંબંધ બાંધે છે.)
 
પોતાનું કામ કરીને માદા કોયલ માળો છોડીને ઊડી જાય છે. કાગડો કાગડી, પોતે ઘૂસણખોરને ભગાડી મૂક્યો છે એવા સંતોષ સાથે પાછાં ફરે છે અને કોયલનાં ઈંડાંને જે લગભગ એમનાં ઈંડા જેવું અને જેવડું હોય છે એને પોતાનું માનીને ઉછેરે છે. કોયલનાં ઈંડાંમાંથી બહાર આવેલું બચ્ચું શરૃઆતમાં તો નાનકડું હોય છે પણ એ બહુ ખાઉધરું હોય છે અને એટલે બીજાં બચ્ચાં કરતાં જલદી મોટું થઈ જાય છે. કાગડો-કાગડી મોટા ભાગે બે ઈંડાં મૂકે છે. ક્યારેક કોયલનું બચ્ચું એમાંથી એકાદ બચ્ચાને નીચે ફેંકી દે છે. આ બધું કરવા માટે એને કોઈ તાલીમ લીધી નથી હોતી. એનાં માતા-પિતાને તો એણે જોયાં જ નથી હોતાં, પરંતુ એને મળેલ વારસાગત સંસ્કારને કારણે તે એમ વર્તે છે.
 
મોટું થતાં જ તે માળો છોડી ઊડી જાય છે અને પોતાનાં માતા-પિતા જેમ વર્તવાનું શરૃ કરે છે.
આવું હજ્જારો વર્ષોથી બનતું આવ્યું છે, કારણ કે કોઈ માદા કોયલ પોતાનાં બચ્ચાંને ઉછેરતી નથી. એટલે જો આવું બનતું ન હોત તો આ પૃથ્વી ઉપર કોયલની જાતનું કોઈ પક્ષી હોત જ નહીં.
--------
આ છે પક્ષીઓમાં સૌથી ચતુર, સૌથી જાગૃત, સૌથી લૂચ્ચા ગણાતા કાગડાની અને કોયલની કહાણી. અને આવું માનવીના સમાજમાં પણ બને છે. પોતાની હોશિયારીનો ફાંકો રાખનાર બહુ ચતુર અને હોશિયાર વ્યક્તિ આવી જ રીતે છેતરાય છે.
 
બહુ હોશિયાર વ્યક્તિ માટે લોકો 'ચતુર કાગડો' શબ્દો વાપરે છે. દરેક હોશિયાર વ્યક્તિનું પણ કોઈક નબળું પાસું હોય છે. છેતરનાર એનો લાભ લે છે. પોતાની હોશિયારીનું અભિમાન સારું નહીં.
 
 

ચતુર કાગડાઓ કેમ છેતરાય છે?


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...