[F4AG] સુખની મૂર્તિ

 

સુખની મૂર્તિ

Aha Atithi, Narayan Murthy
 
અહા! જિંદગી માટે બેંગ્લોરમાં એમ. કે. મધુસૂદન સાથે થયેલી વાતચીત

Happyness statueમામૂલી પરિવારમાં જિંદગી શરૂ કરનાર નારાયણ મૂર્તિના સિદ્ધાંતો, સાદગી અને વિનમ્રતા હવે આખા સમાજ માટે આદર્શ ઉદાહરણ બની રહ્યાં છે. એ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીના શહેનશાહ છે, પણ બેંગ્લોરમાં એમનું ઘર જુઓ તો સામાન્ય માણસ જેવું. ટેન્શન એમને સ્પર્શી નથી શકતું. એ પોતાના ડ્રાઈવરને પણ કંપનીના શેરહોલ્ડર બનાવી દે છે. એક હાથે દોલત અને બીજા હાથે ખુશી કઈ રીતે વહેંચવી એ શીખવું હોય તો જાણો આ માણસ વિશે.

ભારતની આ મહાન સોફ્ટવેર કંપનીમાં અમેરિકાનું રોકાણ ઘણું મોટું છે. આ કંપનીના સંસ્થાપક અને સંચાલન મંડળના અઘ્યક્ષ એન. આર. નારાયણ મૂર્તિ હંમેશની માફક બિઝી છે. થોડાં વર્ષ પહેલાં એમણે કંપનીના મેનેજમેન્ટમાંથી પોતાની જાતને ખસેડી લીધેલી, જે એક નિરાળું ડગલું હતું. ભારતીય કોર્પોરેટ ક્ષેત્રમાં આવું પહેલાં ભાગ્યે જ થયેલું. લોકો વિચારતા હતા કે હવે કદાચ નારાયણ મૂર્તિ સંન્યાસ લઈ લેશે, પણ એ ધારણા ખોટી પડી.

એ આજે પણ એટલા જ વ્યસ્ત છે, જેટલા પહેલા હતા. એ ફરે છે ખૂબ. એ પોતાના ગ્રાહકો અને બિઝનેસના સાથીઓને મળતા રહે છે. ભારત તેમ જ વિદેશમાં પોતાની કંપનીની કામગીરી પર તેમની સતત નજર રહે છે. એમનું ઘ્યાન અત્યારે એ વાત પર કેન્દ્રિત થયેલું છે કે કઈ રીતે ઇન્ફોસિસને ઇન્ટરનેશનલ સોફ્ટવેર કંપનીઓમાં ટોચના સ્થાને પહોંચાડી શકાય.

રૂપિયા ૭૦૦૦ કરોડથી વધુનો કારોબાર ધરાવતી આ કંપનીમાં ૪૦ હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. અહા! જિંદગીએ જ્યારે જાયન્ટ કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની બેંગ્લોરમાં મુલાકાત લીધી ત્યારે એ પોતાના ઇલેકટ્રોનિક સિટીના વિશાળ પરિસરમાં જર્મની, ચીન અને દક્ષિણ આફ્રિકાથી મળવા આવેલા લોકોથી ધેરાયેલા હતા.

તમારી સફળતાનું રહસ્ય શું?

હું મારી જાતને કર્મયોગી ગણું છું. એક એવી વ્યક્તિ જે વિચારે છે, વાતો નથી કરતી પણ હંમેશાં પોતાના વિચારોને કાર્યરૂપે અમલમાં મૂકવામાં ખૂંપેલી રહે છે. મોટા ભાગના ભારતીયોમાં આ વસ્તુ ખૂટે છે. જો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો બેસી ન રહો. એને અસરકારક રીતે અમલમાં મૂકો. મેં હંમેશાં એ વિચારો પર કામ કર્યું જે કોઈ ચર્ચા દરમિયાન જન્મ્યા અથવા તો વિચારણાની લાંબી પ્રક્રિયા બાદ મનમાં પ્રગટયા. આપણે જે કંઈ પણ કરીએ એમાં પૂરેપૂરી આવડત મેળવવાની આ એક રીત છે.

તમે પોતાની જાતને ખુશ કઈ રીતે રાખો છો? લોકોમાં તમે કઈ રીતે ખુશીઓ વહેંચો છો?

મારી આસપાસના લોકોને હું જ્યારે ખુશ જોઉં છું ત્યારે હું પોતે ખુશ થાઉં છું. ખુશ થવું મતલબ કે તમારી પાસે જે કંઈ છે એને લોકોમાં વહેંચો છો, એકલાએકલા એનો આનંદ નથી ઉઠાવતા. હંમેશાં કામથી ખુશ થવા માટે સંઘર્ષ કરવો જોઈએ. એવું કામ કરો જેથી તમને પોતાને તથા આસપાસના લોકોને સંતોષ થાય. મહેનતનું ફળ પરમ આનંદ હોય છે.

હું લોકોનો આદર કરું છું અને એમને કહું છું કે એવું લક્ષ્ય સિદ્ધ કરવાની કોશિશ કરો જેમાંથી એમને ખુશી મળે. સફળતા એ કોઈ એક દિવસનો ચમત્કાર નથી હોતો. એ પોતાના કામમાં કરવામાં આવેલી મહેનતનું પરિણામ હોય છે. જે લોકો તમને હસતા ચહેરે મળે છે અને સ્મિતનો જવાબ સ્મિતથી વાળે છે એ જ છેવટે લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. હું જ્યારે મારી આસપાસના લોકોને હસતાં જોઉં છું ત્યારે મને બહુ આનંદ થાય છે.

આ એવી સંપત્તિ વહેંચવા જેવું છે, જેની આમ જુઓ તો કોઈ કિંમત નથી. અમારી કંપની પ્રગતિ કરી રહી છે અને એની સાથે સંકળાયેલા લોકો પણ. કંપનીના શેર કર્મચારીઓને પણ આપવામાં આવે છે. આ કામ અમે એક દાયકા પહેલાં શરૂ કરેલું અને આ પ્રકારનો એ પહેલો પ્રયોગ હતો. અમે ગ્રાહક કંપનીઓ, ઉપભોકતાઓ, કર્મચારીઓ તથા અન્ય વ્યાપક પ્રકારે અમારી સાથે સંકળાનારાઓને કંપનીઓની સિદ્ધિમાં સામેલ કરવા માગીએ છીએ.

તમારી એકદમ બિઝી લાઈફમાં તમે ફેમિલી માટે કઈ રીતે સમય કાઢી લો છો?

મારાં બન્ને સંતાન - એક દીકરી ને એક દીકરો- અમેરિકામાં છે. બન્ને વર્ષમાં બે વાર ભારત આવે છે. એક વાર ઉનાળાના અને એક વાર શિયાળાના વેકેશનમાં. હું અને મારી પત્ની સુધા બન્ને પોતપોતાના કામમાં ડૂબેલાં રહીએ છીએ. મારી પત્ની શિક્ષિકા તથા કમ્પ્યુટર એન્જિનિયર છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિ કરવાનું એને બહુ ગમે છે. તમે જાણો જ છો કે ઇન્ફોસિસમાં અમે અમારા ધનથી દેશના ગરીબ અને અસહાય લોકોની મદદ કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યારે હું બેંગ્લોરમાં હોઉં છું ત્યારે હું અને મારી પત્ની સાંજ અમારા ઘરમાં જ વાતો કરતાં કરતાં, નાની નાની ખુશીઓ પર હસતાં હસતાં વિતાવીએ છીએ. અમે સંગીત પણ સાંભળીએ છીએ. પાશ્ચાત્ય સંગીતનો હું દીવાનો છું. મારું માનવું છે કે માણસની જિંદગીમાં સૌથી મહત્વની વાત નાની નાની બાબતોમાં ખુશીઓ શોધવાની છે.

હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે રેસ્ટોરાંમાં જઈને મસાલા ઢોસા ખાવો એ બહુ મોટી વાત લાગતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. આપણી આસપાસની નાની નાની ઘટનાઓમાંથી ખુશીઓ મેળવવાથી આપણે હંમેશાં સક્રિય રહીએ છીએ. હું સવારના સાડા સાતથી રાતના દોઢ વાગ્યા સુધી કામ કરું છું અને આ સમય દરમિયાન મારું ઘ્યાન ક્યાંય આડુંઅવળું નથી ફંટાતું. કામ કરવું એ જ મારો ફુલ ટાઈમ જોબ છે.

જ્યારે તમારી કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે અચાનક તમે એને મજબૂત કરવાને બદલે હાથ પાછા ખેંચી લઈને ગુરુનું પદ સ્વીકારી લીધું. તો શું તમારું એવું માનવું છે કે ઉંમર વધવા સાથે માણસે સંન્યાસ લઈ લેવો જોઈએ?

હું આપણી સંસ્કૃતિથી પ્રભાવિત છું. હિન્દુ સંસ્કૃતિમાં સદીઓથી આ જ પરંપરા છે કે અમુક ઉંમરે માણસે સંન્યાસ લઈ લેવો જોઈએ. એક ઉંમર પછી માણસે પોતાની સત્તા, પ્રસિદ્ધિ અને જવાબદારીઓ બીજી સક્ષમ વ્યક્તિના હાથમાં સોંપી દેવાં જોઈએ.

આ છે આપણી સંસ્કૃતિ. મારી ઇચ્છા હતી કે યુવા પેઢીને મારું ઉત્તરદાયિત્વ સોંપી દઉં. નંદન નીલકેનીને મેનેજિંગ ડાયરેકટર બનાવી દેવામાં આવ્યા, કેમ કે અમને લાગ્યું કે એમને આ ઉત્તરદાયિત્વ નિભાવવાનો મોકો આપવો જોઈએ. ૫૩ વર્ષની ઉંમરે હું ગુરુ હોવા ઉપરાંત કંપનીના બોર્ડનો પૂરા સમયનો અઘ્યક્ષ પણ છું. અત્યારે પણ હું દિલ દઈને સતત કામ કરતો રહું છું.

મારો મોટા ભાગનો સમય પ્રવાસમાં અને કંપનીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મળવામાં જાય છે. મેં સર્વોરચ સ્થાને ટકી રહેવાની તક જવા દીધી એ સાચું, પણ તમામ પ્રકારના નવા નવા અનુભવો મેળવવાની તક નથી છોડી. હિન્દુ સંસ્કૃતિની આ એક સારી બાબત છે કે સમય પાકી જાય ત્યારે પોતાની પ્રતિભા યુવા પેઢીને સોંપી દેવાની.

તમારી ગ્રાહક કંપનીઓ અને કન્ઝ્યુમર્સ એવા છે જેમને સંતોષવા આસાન નથી. એમની સાથે તમે કઈ રીતે પનારો પાડો છો?

હું એ સિદ્ધાંતમાં માનું છું કે ગ્રાહક કંપનીઓ અને કન્ઝ્યુમર્સ એ લોકો છે જે તમારા ટેબલ પર ભોજનની વ્યવસ્થા કરે છે. એ લોકો કોઈ એક કારણસર અમારી સાથે કામ કરવા માગે છે. પરંતુ એવા હજાર કારણ હોઈ શકે, જેને લીધે એ લોકો અમારી સાથે કામ કરવા ન માગે. હું ઇન્ફોસિસમાં સૌને આકરી મહેનત કરવા કહું છું, જેથી અમારા ગ્રાહકો અને ઉપભોકતાઓ નારાજ ન થાય. એ લોકો અનેક પ્રકારના છે.

અમે એમની સમસ્યાઓ દૂર કરવા દિવસ-રાત મહેનત કરીએ છીએ. પછી ભલે એ ન્યૂ યોર્ક, પેરિસ, લંડન કે ટોકિયોમાં - ગમે ત્યાં હોય. એ અમારી પાસે માગણી કરે કે ન કરે, અમે તેમને અમારા કામથી પૂરો સંતોષ થાય એ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. હું મારા કર્મચારીઓ તથા ઇન્વેસ્ટરોને હંમેશાં કહેતો હોઉં છું કે આપણે નમ્ર રહીને જ ગ્રાહકોએ જણાવેલા ઉદ્દેશ્યો પૂરા કરી શકીએ.

હું પહેલેથી માનતો રહ્યો છું અને સૌને કહેતો રહ્યો છું કે બીજાઓ સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. બીજાઓની મહાનતાને અનુભવો અને એને ઘ્યાનમાં રાખીને એની સાથે વર્તો. એવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હંમેશાં એવું વિચારો કે આપણે કેટલા નાના છીએ. બીજાઓની સારી બાબતોને વખાણો. તો જ આપણું નિર્ધારિત લક્ષ્ય સિદ્ધ થઈ શકે.

દરેક સફળ વ્યક્તિના કોઈ ને કોઈ આદર્શ હોય છે. તમારા આદર્શો કોણ?

બે વ્યક્તિ એવી છે જેનો હું હંમેશાં પ્રશંસક રહ્યો છું અને એમનું અનુસરણ કરવાની કોશિશ કરતો રહું છું. એક છે મહાત્મા ગાંધી અને બીજા છે સિંગાપોરના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લી કુઆન યેવ. આ બે મહાનુભાવોએ નેતૃત્વનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૂરાં પાડયાં છે. એમણે જે કંઈ કહ્યું એ કરી દેખાડ્યું. એમનામાં કહેલું પાળી બતાવવાની શકિત હતી. પરિણામે લોકોને એમના પર વિશ્વાસ હતો.

મારા જીવનનું આદર્શ વાકય આ જ છે - જે કહો તે કરી બતાવો. જ્યાં સુધી તમે જે કહો છો એના પર તમે પોતે જ અડીખમ છો એવો દાખલો લોકો સમક્ષ રજૂ નહીં કરી શકો ત્યાં સુધી તમે કોઇને તમારા માર્ગ પર ચાલવા ન કહી શકો. ગાંધીજીએ દુનિયાને દેખાડી આપ્યું કે તે એક એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જેના મોટા ભાગના લોકો ગરીબ છે. આવું દર્શાવવા એ પોતે પણ ગરીબની જેમ જીવ્યા. લી કુઆન યેવે સિંગાપોરને વિશ્વનો આદર્શ દેશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એનું પરિણામ છે આજનું સિંગાપોર. હું આ બન્નેએ ચીંધેલા રસ્તે ચાલવા માગું છું.

એક સફળ પ્રોફેશનલ તરીકે તમે યુવા પેઢીને શો સંદેશો આપવા માગો છો? જે રીતે તમારી પેઢીએ એકદમ નીચલા સ્તરેથી શરૂઆત કરીને ઊંચાઈઓને આંબી છે એવું શું અત્યારની પેઢી કરી શકશે?

મને આપણા દેશની યુવા પેઢી પર પૂરો ભરોસો છે. એ બહુ જ હોશિયાર છે. એમણે મૂલ્યો ગ્રહણ કયાô છે. એમનાં પોતાનાં સપનાં છે, જેને સાકાર કરવાની તેઓ કોશિશ કરી રહ્યા છે. એમની આકાંક્ષાઓ અમારાથી પણ ઊંચી છે. આ પેઢીને મારી સલાહ છે કે સમજી-વિચારીને જોખમો ઉઠાવો જેથી જીવનમાં વધુ ઊંચી મંજિલો સર કરી શકાય.

શું તમને તમારા જીવનથી કોઈ પણ પ્રકારની ફરિયાદ છે ખરી?

જે વીતી ગયું એ વિશે હું પસ્તાવો નથી કરતો. કારણ કે એ વીતી ચૂકયું છે. મેં ખોટું કર્યું કે સાચું, એ બધું જ હું માત્ર પ્રયત્નો તરીકે જોઉં છું. મેં મારી રીતે બહેતર કામ કરવાની કોશિશ કરી, જેને કારણે હું જે મેળવી શકું તેમ હતો તે મેં મેળવ્યું. હું હંમેશાં એવું માનતો રહ્યો છું કે કંઈક મેળવવા માટે કરવામાં આવેલો નિરંતર સંઘર્ષ છેવટે તમને એવી જગ્યાએ પહોંચાડે છે જ્યાં તમે આરામ કરી શકો છો અને પોતાની મહેનતનો લાભ મેળવી શકો છો.

તમે હંમેશાં મઘ્યમ વર્ગના સામાન્ય લોકોની વચ્ચે રહ્યા છો. તમે જે સંપત્તિ મેળવી એનો ક્યારેય દેખાડો ન કર્યો. આવું સામાન્ય જીવન કઈ રીતે જીવી શકો છો તમે?

હું નિમ્ન મઘ્યમવર્ગમાં જ જન્મ્યો અને ઊછર્યો. હવે હું મઘ્મયવર્ગીય પરિવારો વચ્ચે જ રહું છું, કેમ કે હું સતત જીવનની કઠણાઈઓ વિશે વિચારતો હોઉં છું. અમારી કંપની પણ સામાન્ય જિંદગીના આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આપણે વિચારવું જોઈએ કે આપણા દેશના મોટા ભાગના લોકો ગરીબ છે. આપણે એક હદથી વધુ આપણો જીવનસ્તર ઊંચો નહીં લાવી શકીએ. આપણે આપણી સીમામાં રહીને જ જીવન જીવવું જોઈએ.

તમે જો સાદું જીવન જીવો તો તમે પૈસાના લોભી નહીં બનો. તમે લોભથી પર થઈ જાઓ છો. કમનસીબે, આપણા પર હજારો વર્ષોસુધી વિદેશીઓએ રાજ કર્યું હોવાને લીધે આપણે એવું વિચારવા લાગ્યા છીએ કે અંગત રીતે આપણે એકદમ વૈભવી જીવન જીવવું જોઈએ. એટલે આપણે સમાજ માટે કંઈ નથી કરતા. મારો ઉછેર બહુ સારા પારિવારિક મુલ્યો વચ્ચે થયો. સાદા અને વિનમ્ર બની રહેવાનું મને ગમે છે.

તમે જાણો જ છો કે ઇન્ફોસિસ દ્વારા અમે દેશમાં પૂંજીવાદને પ્રોત્સાહન આપતા રહ્યા છીએ. આપણે દેશમાં પૂંજીવાદને મજબૂત બનાવવો પડશે. સાથોસાથ અમારે એ રીતે જીવવું રહ્યું જે દેશના મોટા ભાગની જનતાને સ્વીકાર્ય હોય. ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના પાછળ પણ આ જ સિદ્ધાંત છે કે ચાલો, પૂંજી વધારીએ અને પછી એ લોકો વચ્ચે વહેંચીએ.

કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે. આપનાં પત્ની સુધાજીએ આ વિધાનને સાર્થક કર્યું છે. એમના વિશે કંઈક કહેશો?

સુધા એક ખુશ વ્યક્તિ છે. એ દરેક પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખી શકે છે. આવા ખુશમિજાજ સ્વભાવને કારણે એ મિત્રો આસાનીથી બનાવી શકે છે. એ બહુ જ સારી મેનેજર પણ છે. દરેક કામને એ મહેનતથી, કવોલિટી જાળવીને, સમયસર પૂÊરું કરી શકે છે. ઇન્ફોસિસની સફળતા-નિષ્ફળતાઓમાં, મુશ્કેલીના દિવસોમાં એ હંમેશાં મારી પડખે રહી છે. આજે પણ એ ઇન્ફોસિસ માટે સમર્પિત છે.

એનો હકારાત્મક અભિગમ, દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું અને ગરીબો સાથે સીધો સંપર્ક કરવાની ક્ષમતા આ બધી બાબતોને હું હંમેશાં વખાણું છું. એણે મારા માટે અને બાળકો માટે ઘણો ત્યાગ કર્યોછે. એના વિના હું ભાગ્યે જ ઇન્ફોસિસની સ્થાપના કરી શક્યો હોત. તમે જ્યારે આવી સુંદર વ્યક્તિને મળો ત્યારે એને પ્રેમ કરવા સિવાય બીજો કોઈ રસ્તો તમારા માટે નથી રહેતો. મારી સાથે આવું જ બન્યું.

ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપનાનો વિચાર કઈ રીતે આવ્યો?

અગાઉ મેં કહ્યું તેમ, આપણા દેશમાં અસહાય લોકોને ઉપર લાવવાનો અને ગરીબીનો મુકાબલો કરવાનો એક રસ્તો છે. અમારા ફાઉન્ડેશન દ્વારા અમે ઓછા ભાગ્યશાળી એવા લોકોને આગળ વધવાનો અવસર આપીએ છીએ. અમારો ઉદ્દેશ એટલો જ છે કે લોકોને શિક્ષણ મળે અને ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રોની સ્થાપના થાય. એ દ્વારા અમે લોકોને સમર્થ બનાવવા માગીએ છીએ, જેથી એ સમાજની મુખ્ય ધારા સાથે ભળી શકે.

તમે પૂંજીવાદને પ્રોત્સાહન આપો છો ત્યારે એવું લાગે ખરું કે આમાં તો થોડાક લોકો ખૂબ અમીર થઈ જશે અને દેશના મોટા ભાગના લોકો ગરીબીમાં જીવતા રહેશે?

મને એવું નથી લાગતું. આ દેશમાં ગરીબી ત્યારે જ નાબૂદ થશે જ્યારે આપણે રોજગારની તકો વધારીશું. એકલી સરકાર બધું કામ ન કરી શકે. રોજગાર વધારવાની જવાબદારી પ્રાઈવેટ સેકટરની છે. આ દેશમાં નવસાહસિકો માટે તકો ઊજળી છે. ઘણા રસ્તાઓ ખૂલી રહ્યા છે. યુવા પેઢીએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે નાના ત્યાગ કરવા જોઈએ. એમણે સમજીવિચારીને જોખમો ઉઠાવવાં જોઈએ. એક વાર વ્યક્તિ મજબૂત થઈ જાય પછી સમાજ આપોઆપ મજબૂત થઈ જશે.

હાલની પોલિટિકલ સિસ્ટમ અને સરકાર સમાજ માટે શું કરી શકે?

હું એવું ભારત જોવા માગું છું જ્યાં દરેક બાળકને મૂળભૂત શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા, પૌષ્ટિક આહાર અને રહેવા માટે એક ઘર મળી રહે. એવું થશે ત્યારે દુનિયા ભારતને આદરભેર જોશે. એ બહુ જરૂરી છે કે આપણા રાજકીય નેતાઓ લોકોને ખેતીથી દૂર રાખવાની કોશિશ કરે, કેમ કે આ ક્ષેત્રમાં શ્રમ અને પૂંજી ઘણાં જોઈએ, પણ સામે ઉત્પાદકતા ઘણી ઓછી છે. ખેતીમાં માથાદીઠ આવક ઘણી ઓછી છે. આ ક્ષેત્રમાં શ્રમશકિત એળે ગઈ છે.

હું ઇચ્છું છું કે સર્વિસ અને પ્રોડકશન સેકટરમાં રોજગાર વધે, કારણ કે આપણે ૬૦ કરોડ લોકોના શ્રમથી ૨૨ કરોડ ટન અનાજનું ઉત્પાદન કરીએ છીએ. આ વાતને ઘ્યાનમાં રાખીને આપણે આગળ વધવાની જરૂર છે કે ૩૦ કરોડ ટન અનાજ મેળવવા માટે આપણને ફકત પાંચથી છ જ કરોડ લોકોની જરૂર પડે. સરકાર શહેરોમાં આધારભૂત માળખાકીય સવલતો ઊભી કરે, જે આગળ જતાં આપણા માટે લાભકારી સાબિત થશે. ઇન્ફ્રાસ્ટ્રકચર સારું હશે તો આપણે ત્યાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થશે. ઇન્વેસ્ટમેન્ટ વધશે તો રોજગારીની તક વધશે. ગ્રામીણ ગરીબોની સમસ્યા ઉકેલવાનો મને આ જ એક રસ્તો જણાઈ રહ્યો છે.

ઇન્ફોસિસમાં જે વાતાવરણ છે એના બહુ વખાણ સાંભળવા મળે છે. આવો માહોલ કઈ રીતે રચી શકાય?

ઇન્ફોસિસનો સમગ્ર માહોલ યુનિવર્સિટીના કેમ્પસ જેવો છે. હોશિયાર છોકરા-છોકરીઓ કોફી પાર્લર અને સ્નેક કાઉંટર પાસે ઊભાં રહીને વાતો કરતાં જોવા મળશે. એવું લાગે જાણે રિસેસમાં ટોળટપ્પા કરી રહ્યાં છે. પરંતુ તેઓ કોઈ પ્રોજેકટ વિશે ગંભીર ચર્ચા કરી રહ્યાં હોય એવી શક્યતા પૂરેપૂરી. એ વિશે કંઈ કહી શકાય નહીં. અમારે ત્યાં લોકોને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવે છે.

એને લીધે કામમાં અડચણ ન ઊભી થાય?

જે દિવસે અમે સાત લોકોએ મળીને કંપની શરૂ કરેલી ત્યારથી જ અમારું માનવું છે કે જો કંપનીમાં હોશિયાર, પ્રતિભાશાળી લોકોને સાથે રાખીને એવી સિસ્ટમ બનાવીએ, જેમાં કર્મચારીઓની ઉત્પાદકતા અને ગુણવત્તા માપી શકાય, તો આ પ્રકારની સ્વતંત્રતા ચોક્કસ આપી શકાય. જો એ લોકો કંપની પ્રત્યે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે અને કામને નુકસાન ન થવા દેતા હોય તો આ પ્રકારની સ્વતંત્રતા આપી શકાય. આવી સ્વતંત્રતાને હું સભ્ય સમાજનો આગવો અધિકાર ગણું છું, જ્યાં કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવવાની સાથે પોતાના હકની પણ માગણી કરી શકે.

રોજ બજારમાં નવા નવા પડકારો આવતા રહે છે, જેમ કે અત્યારે ચીનનો માલ દેશમાં ઠલવાઈ રહ્યો છે. એનું શું કરવું?
મને લાગે છે કે કોઈ પણ ચીજ પ્રત્યેનો તમારો અભિગમ જ સૌથી મહત્વનો છે. જો ચીન આપણાથી સારી વસ્તુઓ બનાવી શકતું હોય તો એ આપણા માટે એક પાઠ છે. પહેલા તો ઉધોગોએ આ સમસ્યાની પૂરેપૂરી જાણકારી મેળવવી જોઈએ, કારણ કે જ્યાં સુધી એની જાણકારી નહીં મેળવીએ ત્યાં સુધી આપણે મુકાબલો નહીં કરી શકીએ. જ્યાં સુધી આવો અભિગમ આપણે નહીં અપનાવીએ ત્યાં સુધી બીજાઓ પર જ દોષનો ટોપલો ઢોળતાં રહીશું. આપણે એ જાણવાની જરૂર છે કે આપણી અંદર કઈ વાતની કમી છે. આનો આધાર વિચારવાની રીત પર છે અને આજે એની (સાચી રીતે વિચારવાની) જ જરૂર છે.

છ સાથી, બે કમરા અને ઇન્ફોસિસ

સાદગી અને વિનમ્રતા એમના સ્વભાવનો હિસ્સો છે. ભારતને વૈશ્વિક નકશામાં મૂકવું એ એમનું વિઝન ઓફ ફયુચર છે. ૧૯૮૧માં એમણે તથા એમના ૬ સાથીઓએ મળીને પુનામાં બે કમરાના ઘરમાં ઇન્ફોસિસની શરૂઆત કરેલી. એ માટે પૈસાની વ્યવસ્થા કરવા પોતપોતાની પત્નીઓ પાસેથી દસ-દસ હજાર રૂપિયા ઉધાર લીધેલા. ત્યારથી આજ સુધી તેઓ પોતાના વિચારોની ગતિ સાથે આગળ વધતા રહ્યા છે. નાગારાવ રામારાવ નારાયણ મૂર્તિનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૯૪૬માં કર્ણાટકમાં થયેલો. એમણે બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી મૈસૂર યુનિવર્સિટીમાંથી ૧૯૬૭માં અને એમ. ટેક.ની ડિગ્રી આઈ.આઈ.ટી. કાનપુરથી ૧૯૬૯માં મેળવી. ઇન્ફોસિસની સ્થાપનાથી જ એ કંપનીના ચેરમેન અને સીઈઓ રહ્યા. એમણે એમ.ડી. તરીકે પણ કામ કર્યું. અત્યારે કંપનીનો કાર્યભાર યુવા પેઢીને સોંપીને મૂર્તિ પૂરા સમયના ચેરમેન તરીકે ઇન્ફોસિસને માર્ગદર્શન આપે છે.

હું નિમ્ન મઘ્યમવર્ગમાં જ જન્મ્યો અને ઊછર્યો. હવે હું મઘ્મયવર્ગીય પરિવારો વચ્ચે જ રહું છું, કેમ કે હું જીવનની કઠણાઈઓ વિશે સતત વિચારતો હોઉં છું. અમારી કંપની પણ સામાન્ય જિંદગીના આ જ સિદ્ધાંત પર કામ કરે છે.

Happyness statue

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...