મહાકવિ કાલિદાસનો વિરહી યક્ષ, અષાઢના પ્રથમ દિવસે વાદળ દ્વારા પોતાની યક્ષિણીને સંવેદના પહોંચાડવા પ્રવૃત્ત થયો હતો. ઈન્ટરનેટ-ઈમેલના વર્તમાન યુગમાં પણ વાદળ દ્વારા સંદેશો મોકલવાની વાત રોમાંચક લાગે છે, ત્યારે સદીઓ પૂર્વેની કાલિદાસની એ કલ્પનાનું અભિવાદન આપણે કેવા શબ્દોમાં કરીશું?
મોરલા હવે ગળું ખંખેરીને વન-વગડાને ટહુકાઓથી ભરી દેવા સજ્જ છે. ધરતીના પેટાળમાં સંતાઈને બેઠેલા દેડકાઓનો પ્રતીક્ષાયોગ પૂર્ણ છે. એકાદ ઝાપટું પડે અને ક્યાંક નાનકડું ખાબોચિયું ભરાય એટલે દેડકાભાઈ તો રાજીરાજી! આકાશની આભા અને શોભા હવે પળે પળે પરિવર્તન ધારણ કરશે. તારલા અને ચંદ્રના માથે વાદળના આવરણની ઘાત છે, એવી આગાહી કરવા જયોતિષી હોવું કમ્પલસરી નથી. લીલાછમ સ્મિત દ્વારા આકાશની અભિસારિકા બનવા ઉત્સુક ધરતીને હવે કોઈ રોકી શકે એમ નથી.
વરસાદ તો આકાશે ધરતીને લખેલો લવલેટર છે. ધરતી રેઈનકોટ પહેરીને કદી વરસાદથી બચવાનું પસંદ નથી કરતી. એને મન તો તરબતર થવું એ જ સાર્થકતા!
વરસાદ પ્રેમીઓને બહેકાવે છે,વરસાદ કવિઓને ચગાવે છે. ચોમાસાના અણસાર મળે એટલે કવિઓ કહેશે-હેત કરવાની સખી,આવી મોસમ!તું ના આવે તો તને,ચોમાસાના સમ!
પ્રતીક્ષા પછીનું પલળવું એ જ પુણ્યોદય! ફૂટપાથની પાળે મકાઈના ડોડા શેકાતા હોય, તેની ગરમાગરમ સુગંધની ઉપેક્ષા કરવી એ પાપ છે. સ્કૂટર પાર્ક કરીને પ્રિયજન સાથે મકાઈનો ડોડો શેર કરીને ખાવાની લિજજત ન માણી શકે, એવો માણસ વૈકુંઠ કે સ્વર્ગમાં જઈને શું ઉકાળવાનો?
મારું ચાલે તો અષાઢના પ્રથમ દિવસને 'ઈન્ડિયન વેલેન્ટાઈન ડે' જાહેર કરી દઉં. રિસાયેલાં બે પ્રેમીજનોને આ દિવસે એક ઓરડામાં પૂરી દેવાં જોઈએ. પોતાની ભૂલનો એકરાર કરીને એ બંને જ્યાં સુધી એક થવાની ગેરંટી ના આપે ત્યાં સુધી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. પુનર્મિલન એ પ્રથમ મિલન કરતાં કોઈ રીતે ઓછું પવિત્ર નથી. પ્રેમમાં ભીના થવાનું જેને નથી પરવડતું એ જગતનો સૌથી કંગાળ માણસ ગણાય.
અષાઢનો આરંભ એટલે સંતો અને ઋષિમુનિઓના સ્થિર વાસનો આરંભ. ચોમાસાના ચાર મહિના સુધી 'સાધુ તો ચલતા ભલા' એ ઉકિતને ભૂલી જવી! ચાતુર્માસ એટલે ભકિતયોગ... ભકિતયોગ એટલે પ્રાર્થનાયોગ અને પ્રાર્થનાયોગ એટલે પ્રેમયોગ. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ જ તો પ્રાર્થના છે.
અષાઢનો પ્રથમ દિવસ આપણી સમક્ષ આ રહસ્ય ખુલ્લું કરી મૂકે છે-ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ પ્રાર્થના છે,પ્રિયજન પ્રત્યેની પ્રાર્થના એ પ્રેમ છે.
પ્રેમ અને પ્રાર્થના જ્યાં પરસ્પરને આલિંગતા હોય ત્યાં અનોખો પુણ્યોદય પ્રગટે છે. એ પુણ્યોદયના પ્રકાશમાં જે સુખદ અનુભૂતિ થાય, તેને જ લોકો સ્વર્ગ-વૈકુંઠ કે મોક્ષ કહેતા હશે તેવો મને પાકો વહેમ છે.એ સ્વર્ગને પામવાનો તરફડાટ એ જ તપ!
કાલિદાસે કમાલ કરી છે. વિરહી યક્ષ અષાઢના પ્રથમ દિવસે વાદળ સાથે પોતાની યક્ષિણીને સંદેશો તો મોકલાવે છે, પરંતુ વાદળના મનની દ્વિધા પણ સમજી જાય છે. વાદળ યક્ષિણીને કઈ રીતે ઓળખે? અને ઓળખ્યા વગર યક્ષનો સંદેશો કઈ રીતે પહોંચાડે? વાદળની આ દ્વિધા સમજીને યક્ષ પછી યક્ષિણીનું વર્ણન કરે છે. એ ભીના સ્વરમાં વાદળને કહે છે, 'મારા વિરહમાં એનું શરીર ઓગળી ગયું હશે. એ કૃશતનુ થઈ ગઈ હશે. એણે કોઈ શણગાર નહીં સજયા હોય. એનો કેશકલાપ વિખરાયેલો હશે... એની આંખોમાં છલોછલ પ્રતીક્ષા હશે... આકાશ સામે અમીટ નજરે અને વિહ્વળ ચિત્તે તાકી રહી હશે. એવી યક્ષિણીને તું સંદેશો આપજે!'
થોડીક વેવલાઈ લાગે તો ભલે, પરંતુ એટલા ખાતર કાંઈ દિલની સંવેદનાને શુષ્ક થવા દેવાય ખરી? આજે હવે નવી પેઢી અષાઢના પ્રથમ દિવસના વાદળની પ્રતીક્ષા કરવા તૈયાર નથી. ઈમેલ અને ટેલિફોનની સગવડમાં સંવેદનાનાં ઝરણાં ભોંઠાં પડી જાય છે. લેપટોપ વાપરનારો પ્રેમી લવલેટરની લિજ્જત કઈ રીતે માણી શકે? બંધ પરબીડિયામાંથી સરી પડતો નાનકડો કાગળ પ્રેમનું સામ્રાજય લઈને આવે છે, એની ખબર ઈન્ટરનેટિયા લવરને ક્યાંથી હોય?
નવા જમાનાનો અનાદર આપણે નથી કરવાનો, પરંતુ અષાઢના પ્રથમ દિવસે આકાશ સામે જોઇને વાદળ દેખાય તેને વિનંતી કરવાની કે, મારા કમ્પ્યૂટરમાં વાઈરસ આવી ગયો છે. હે વાદળ, યક્ષનો સંદેશો તું લઈ ગયો હતો, તેમ મારો મેસેજ પણ લઈ જા. તારે તો વાઈરસનું ટેન્શન ક્યાં છે, પ્રિય વાદળ!બાય ધ વે, કાલિદાસે શોધેલી, વાદળ દ્વારા એસએમએસ મોકલવાની સિસ્ટમમાં 'ઈનકમિંગ' અને 'આઉટ- ગોઈંગ' બધું ટોટલી ફ્રી છે!
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment