અમેરિકામાં જો ભોપાલવાળી થઈ હોત તો યુનિયન કાર્બાઇડને દેવાળું ફૂંકવાની નોબત આવી હોત. એન્ડરસન જેલમાં હોત, જ્યારે ભારતમાં એન્ડરસનને જમાઈ જેવી સવલતો મળી. ભારતીય નેતાઓ ખુદ મલાઈ ખાઈ ગયા અને પીડિતોને મળવાપાત્ર વળતરની રકમ ઘટાડવા સંમતિ આપી દીધી...
શું આ દેશમાં ગરીબોના નસીબમાં ન્યાય પણ નથી ? શું કાયદો માત્ર અમીરોને બચાવવા માટે છે ? ગુનેગારોને જેલમાં પૂરવા પ્રજાએ અને મીડિયાએ આંદોલનો કરવાં પડે એ ક્યાંનો ન્યાય ? કાયદો ગધેડો છે અને ન્યાયની દેવી આંધળી છે એ કાનૂની ઉક્તિ આ દેશમાં સર્વથા સનાતન સત્ય સાબિત થશે ? નેતાઓ પ્રજાની પડખે રહેશે કે માલેતુજારોને મદદ કરવા મજુરોને મારતા રહેશે ?
૧૯૮૪નાં શીખ રમખાણો હોય કે ભોપાલ ગેસકાંડ, ગરીબોની નિયતિ હંમેશાં ન્યાયથી વંચિત રહેવાની છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ૧૯૮૪ના શીખ હત્યાકાંડમાં હજારો નિર્દોષ શીખોને દિલ્હીમાં ક્રૂરતાપૂર્વક રહેંસી નાંખવામાં આવ્યા એ કેસની ૨૬ વર્ષથી તારીખો પડે છે. ન્યાય મળતો નથી. હજી ચાર્જશીટનાં પણ ઠેકાણાં નથી. ભોપાલકાંડની વિગતો જગજાહેર છે. ૨૫,૦૦૦થી પણ વધુ લોકોની 'હત્યા'નો ચુકાદો ભોપાલની જિલ્લા અદાલતમાં ૨૬ વર્ષે આવ્યો.૧૨ પૈકી સાત આરોપીને માત્ર બે વર્ષની સજા અને બે જ મિનિટમાં ૨૫,૦૦૦ રૂપિયામાં જામીન.
મૃતકોના વારસોને ફક્ત ૧૨,૪૧૦ રૂપિયાનું વળતર. યુનિયન કાર્બાઇડ કંપનીના માલિક એન્ડરસન અમેરિકામાં બેસીને જલસા કરે છે. આ મુખ્ય આરોપીને પકડવાને બદલે અર્જુનસિંઘે માનવંતા મહેમાનની માફક સાચવીને કલેક્ટરની ગાડીમાં બેસાડી એરપોર્ટ સુધી બાકાયદા વિદાય આપી અને ખાનગી વિમાનમાં એન્ડરસન ઊડી ગયા તો આજ દિન તક પાછા ડોકાયા નથી. સીબીઆઈએ આ કેસમાં ભીનું સંકેલ્યું છે એમ પૂર્વ અધિકારીઓ ચેનલોમાં ગાઈ-વગાડીને કહે છે.
સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં મેચ ફિક્સિંગ કર્યાના આરોપો થઈ રહ્યા છે. નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ સામે પણ શંકાની સોય તકાઈ રહી છે. કેન્દ્ર સરકારે સમિતિ રચવા સિવાય કોઈ નક્કર જાહેરાત કરી નથી. પ્રજાને અપેક્ષા પણ નથી. વરવી વાસ્તવિકતા એ છે કે ૫.૬ લાખ અરજીઓ આજે ભોપાલકાંડના વળતર સબબ પડતર છે. અરજદારોને આ જન્મે રાહત મળવાની શક્યતા દેખાતી નથી. કારણ? સત્તાધારી પક્ષના નેતાઓ અમેરિકન મલ્ટિનેશનલ કંપનીના માલિકોને બચાવવા મેદાને પડ્યા છે. પ્રજાને ન્યાય અપાવવા નહીં.
૧૯૯૨ના બાબરીધ્વંસનો મામલો ચકાસો તો રાજકીય કબડ્ડીને બાદ કરતાં નક્કર કોઈ કાર્યવાહી થઈ નથી. બોફોર્સકાંડમાં કટકી કોણે લીધી એ આજ દિન તક પુરવાર થયું છે? બોફોર્સ કટકીકાંડના મુખ્ય આરોપીને શા માટે ભગાડવામાં આવ્યો ? કવોટ્રોચીઓ અને એન્ડરસનોને પકડવા ભારત સરકાર શા માટે પ્રત્યાર્પણની માગણી કરતી નથી?
ખાટલે મોટી ખોડ આપણી ન્યાય પદ્ધતિમાં છે. છાપાવાળાઓ અને ટીવી ચેનલો કોઈ કેસને ચગાવે તો ન્યાયિક પ્રક્રિયા ક્યારેક ઝડપી બને છે અન્યથા આરોપીઓ છુટથી ફરે છે. જેસિકાલાલ હત્યા કેસ ચેનલોએ ચગાવ્યો ન હોત તો વગદાર આરોપીઓ વટ કે સાથ છુટી જાત. બીએમડબલ્યુ કાર અકસ્માતકાંડમાં નંદાને બચાવવા કોણે ઉધામા કર્યા હતા એ જગજાહેર છે. નિઠારીકાંડના આરોપીઓને પકડવા માટે સમાચાર માધ્યમોને ઝુંબેશ ચલાવવી પડી હતી.
રૂચિકાના ન્યાય માટે વાલીઓએ ધરણાં કરવા પડ્યાં હતાં. ડીજીપી રાઠોર વર્દીમાં હતા ત્યાં સુધી કોઈપણ અદાલતમાં કેસ ચાલતો નહોતો. કે.પી.એસ.ગિલ સામે છેડતીની ફરિયાદ કરનાર મહિલા આઇએએસ અધિકારી બજાજને એક અદાલતમાંથી કહેવાતો 'ન્યાય' મળ્યો છે. ગિલને સજા સુનાવવામાં આવી છે પરંતુ જામીનમુક્ત ગિલ પોતાની મૂછના વાળ આમળતા દેખાય છે. ડીજીપી રાઠોર જેલમાં ન ગયા ત્યાં સુધી ખંધુ હસતા દેખાતા હતા. સંજય દત્ત અને સલમાન ખાન જામીન પર જલસા કરે છે. રાજીવ ગાંધીના હત્યારાઓથી માંડીને સંસદ પર હુમલો કરનારા ત્રાસવાદી અફઝલ ગુરુને ફાંસીની સજા થાય તો પણ વર્ષો સુધી અમલ થતો નથી. આવા સેંકડો નહીં હજારો ચર્ચાસ્પદ કેસ મોજુદ છે, પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે ન્યાયના નામે પ્રજા સાથે ક્યારેક ક્રૂર મજાક તો નથી થતી ને? અરજદાર અદાલતમાં ન્યાય મેળવવા જાય છે, અન્યાય સાંખી લેવા નહીં.
વિલંબિત ન્યાય એ વાસ્તવમાં અન્યાય છે. આપણી અદાલતોમાં ન્યાય પુરાવાના આધારે તોળવામાં આવે છે. ન્યાયની પ્રક્રિયા વિકટ છે. મુદતો અને મહેતલ ન્યાયિક પ્રક્રિયાને મરણતોલ ફટકો મારે છે, પરિણામે કેસનો ભરાવો વધતો રહે છે. આજે દેશમાં પાંચ કરોડ કેસ પડતર છે. આજની પદ્ધતિએ જો ન્યાય તોળાતો રહેશે તો આગામી ૩૦૦ વર્ષ સુધી આ બેકલોગ ક્લીયર થાય એવી કોઈ જ શક્યતા દેખાતી નથી. ઊડીને આંખે વળગે એવી બેદરકારી કે ગુનાઇત લાપરવાહીથી મોત થયું હોય છતાં અદાલતોમાં રગશિયા ગાડાની માફક જ કેસ ચાલે છે.
ભોપાલકાંડમાં હજારોનાં મોત માટે જવાબદાર કોણ છે એ 'અદાલતો' સિવાય સૌ જાણે છે. ભોપાલકાંડમાં વિદેશી હાથ અને મલ્ટિનેશનલ કંપનીઓ મોજુદ હતી એટલે અર્જુનસિંઘે દિલ્હીના ઈશારે એન્ડરસન નામના મુખ્ય આરોપીને ભગાડી દીધો એમ માની લઈએ પરંતુ દિલ્હીના 'ઉપહાર' સિનેમાનું ઉદાહરણ રસપ્રદ છે. થિયેટર માલિકની ગુનાઇત બેદરકારીને કારણે 'એક્ઝિટ' ડોર બંધ હતા. ગેરકાયદે બાંધકામ કરી થિયેટર માલિકે સુરક્ષા અને સલામતીના નિયમોની અવગણના કરી હતી. ૫૯ નિર્દોષના ભોગ લેનાર ઉપહારકાંડમાં દિલ્હીના વગદાર અંસલ પરિવાર સામે કેસ ચાલતા છ વર્ષ થયાં. નીચલી અદાલતે સજા ફરમાવી અને અંસલભાઈઓ અપીલમાં ગયા અને હવે મેટર પડતર છે.
ઉપહાર કેસમાં પુરાવાઓ જોતાં કેસ એક મહિનામાં પતી શકે તેમ હતો પરંતુ ૬૦ મહિના કેસ ચાલ્યો. ઝડપી ન્યાય ન મળે તો પ્રજાનો વિશ્વાસ ન્યાયપ્રણાલીમાંથી ઊઠી જાય છે. જેસિકાલાલને રેસ્ટોરન્ટના બારમાં મનુ શર્મા ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી મારે છે એ જોનારા કુડીબંધ સાક્ષીઓ ભાગી જાય છે. ડઝન સાક્ષીઓની જુબાની વર્ષો સુધી ચાલે છે કારણ કે મનુ શર્મા વગદાર માણસ છે. વાસ્તવમાં મનુ શર્માનો કેસ કસાબ કરતાં પણ સરળ હતો. કસાબના કિસ્સામાં આ ત્રાસવાદીને ફાંસીની સજા આપવામાં પચાસ કરોડનો ધુમાડો પ્રજાના પૈસે થઈ ચૂકયો છે. હાઇકોર્ટ હવે કેટલાં વર્ષો બગાડશે એનો સટ્ટો ખેલી શકાય તેમ છે.
ભારતમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી નથી એટલું જ નહીં ગુણવત્તાના નામે પણ દેવાળું ફૂંકવાની નોબત આવી ચૂકી છે. અત્યાર સુધી નાની અદાલતોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ચાલતી હતી. હવે સુપ્રીમ કોર્ટનો રથ પણ જમીનથી અધ્ધર ચાલતો નથી. અધૂરામાં પૂરું કેસ ચલાવવા જજોની સંખ્યા પૂરતી નથી. ભારતમાં લાખ લોકોની વસતીએ આજે માંડ એક જજ ઉપલબ્ધ છે. દુનિયાની તમામ ન્યાયપ્રણાલીઓમાં આ સૌથી નીચો રેશિયો છે. હાઇકોર્ટમાં હજાર જજોની જરૂરિયાત સામે ૩૫થી ૪૦ ટકા પણ ઉપલબ્ધ નથી. ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યોને બાદ કરો તો મોટાભાગના પ્રદેશોમાં નીચલી અદાલતો પાસે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મોજુદ નથી.
સારી લાઇબ્રેરી અને સુરક્ષા વ્યવસ્થા જાણે લકઝુરિયસ આઇટમ ગણાય છે. વકીલો માટે વ્યવસ્થાનો અભાવ હોય છે. ન્યાયમૂર્તિઓને કેળવાયેલા સ્ટેનો, કોમ્પ્યૂટર ઓપરેટર્સ અને કલાર્ક મળતા નથી. મુદતો મેળવવામાં અને પડાવવામાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. ઈન્વેસ્ટિગેશન એજન્સી પર કામનું ભારણ વધતું જાય છે. પોલીસને ચાર્જશીટ તૈયાર કરવામાં પૂરતો સમય મળતો નથી. પોલીસનો સમય ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને હુલ્લડો નિવારવા કે કાયદો-વ્યવસ્થા સાચવવાને બદલે વીવીઆઈપી બંદોબસ્તમાં વધી જાય છે. પોલીસ પર સ્થાનિક નેતાઓનું દબાણ વધતું જાય છે. સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર જોગિન્દરસિંઘે ભોપાલકાંડ પરની ચર્ચામાં ટીવી ચેનલ પર કબૂલ્યું હતું કે નેતાઓની મરજી વિના સીબીઆઈનો અધિકારી પેશાબ કરવા નથી જઈ શકતો તો અપીલ કરવાનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? કોઈ અધિકારી સત્યાગ્રહી બને તો બદલી થઈ જાય છે કે સાઇડ પોસ્ટિંગ પર ચડી જાય છે.
ભોપાલકાંડમાં સીબીઆઈ પર તપાસ ન કરવાનું દબાણ હતું. ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન્યાયની પ્રક્રિયામાં આડખીલીરૂપ પુરવાર થશે એમ સૌ જાણતા હતા પરંતુ કોઈ બોલ્યું નહીં. સુપ્રીમે ૩૦૨ની કલમના બદલે ૩૦૪-એ અર્થાત્ હત્યાના બદલે અકસ્માતનો ગુનો નોંધવા નિર્દેશ આપ્યો. બે વર્ષથી વધુ સજા ફટકારવાની આ કલમમાં જોગવાઈ જ નથી. ભોપાલકાંડમાંથી પદાર્થપાઠ શીખવાની પણ કદાચ આપણી તૈયારી નથી. વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર ભોપાલની યુનિયન કાર્બાઇડ કંપનીની ત્રણ કિલોમીટરની ત્રજિયાનું ભૂતળનું પાણી આજે પીવાલાયક રહ્યું નથી.
સામાન્ય પાણી કરતાં ૪૦ ગણું પેસ્ટિસાઇડ્ઝ, મર્ક્યુરી અને ક્લોરીનેટેડ બેન્ઝિન ધરાવતું આ પાણી સ્થાનિક પ્રજા ન છુટકે પીવે છે. ભોપાલની માફક દેશભરમાં ઠેર ઠેર પ્રદૂષણ ફેલાવતાં હજારો એકમો બેરોકટોક ચાલે છે. અમેરિકામાં યુનિયન કાર્બાઇડ કંપની ભારત જેવી લાપરવાહી દાખવી શકે ? ૧૯૮૯માં અલાસ્કાના દરિયકાંઠે ઓઈલ લીકેજ કરનાર કંપનીને જાનહાનિ નહોતી થઈ છતાં ફક્ત આર્થિક નુકસાન પેટે ભોપાલકાંડ કરતાં બમણી રકમ એક બિલિયન ડોલર ચૂકવવા પડ્યા હતા. આજે મેક્સિકોના અખાતમાં ઓઈલ લીકેજ થયું છે અને ફક્ત ૧૯ અમેરિકનો મૃત્યુ પામ્યા છે ત્યારે સ્વયં ઓબામા ગુનેગારોને સજા અપાવવા મેદાનમાં ઊતરી પડ્યા છે. અમેરિકનોનું ખૂન એટલે 'ખૂન' અને ભારતીયોનું પાણી ? અમેરિકી કાયદાઓ વકીલને વળતરમાંથી ૩૩ ટકા ભાગ લેવાની છુટ આપે છે એટલે દર્દીઓ કે પીડિતોને બચાવવા અમેરિકામાં એમ્બ્યુલન્સ ચેજર્સ એડ્વોકેટ્સ પાકે છે.
ભારતીય કાયદો આવી પરવાનગી આપતો નથી. ભોપાલકાંડમાં તો ઈન્વેસ્ટિગેશનની પરવાનગી પણ અપાઈ નથી એવા આક્ષેપો થઈ રહ્યા છે. અમેરિકામાં જો ભોપાલવાળી થઈ હોત તો યુનિયન કાર્બાઇડને દેવાળું ફૂંકવાની નોબત આવી હોત. એન્ડરસન જેલમાં હોત. ભારતમાં એન્ડરસનને જમાઈ જેવી સવલતો મળી. એન્ડરસને ડાઉ કેમિકલ્સને કંપની વેચી તગડો નફો મેળવ્યો અને સરકારે પરવાનગી આપી. સામાન્ય સંજોગોમાં કોર્ટની અંદર કે બહાર થતાં સમાધાનમાં પીડિતોને વળતરની રકમ વધુ મળે એવો પ્રયાસ નેગોશિયેશન દરમિયાન થાય છે.ભારતીય નેતાઓ ખુદ મલાઈ ખાઈ ગયા અને પીડિતોને મળવાપાત્ર વળતરની રકમ ઘટાડવા સંમતિ આપી દીધી...
જાગતો બમણું ઘોરે એવો આ ઘાટ છે. ભોપાલકાંડમાંથી પદાર્થપાઠ શીખવાનો આ અવસર છે. આવનારા દિવસોમાં આ દેશમાં ન્યુક્લિયર ટેક્નોલોજી આવી રહી છે. ન્યુક્લિયર પ્રોજેક્ટમાં અકસ્માત થાય તો ઓપરેટર ઉપરાંત સપ્લાયરને પણ સજા થવી જોઈએ. ભારતીય પ્રસ્તાવિત કાયદા અનુસાર પરમાણ્વીય દુર્ઘટનામાં ભારતમાં ઓપરેટરને મહત્તમ ૨૦૨૫ કરોડનું નુકસાન ચૂકવવું પડશે. અમેરિકી કાયદા અનુસાર ૭૧ અબજ રૂપિયા... ભારત અને અમેરિકા વચ્ચે કદાચ આ જ તાત્વિક તફાવત છે.
પોઇન્ટ ઓફ વ્યૂ
ભોપાલ ગેસકાંડનો ચુકાદો એ જ્યુડિશિયલ ડિઝાસ્ટર છે. દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતને અકસ્માતમાં ખપાવવાનો ચમત્કાર માત્ર ભારતીય ન્યાયપ્રણાલીમાં જ સંભવી શકે.-સતીનાથ સારંગી, એક્ટિવિસ્ટ
No comments:
Post a Comment