[F4AG] ઓનર કિલિંગઃ એકવીસમી સદીમાં સત્તરમી સદીની માનસિકતા(અંડર કરંટ)

 

 
 
 

ઓનર કિલિંગઃ એકવીસમી સદીમાં સત્તરમી સદીની માનસિકતા(અંડર કરંટ)


અંડર કરંટ - રાજેશ શર્મા
 
ખાપ પંચાયતો બંધારણની ઐસીતૈસી કરી શકે છે, કેમ કે તેમને રાજકીય પીઠબળ છે. તેમની મતબેન્ક એટલી જોરદાર છે કે કોઈ રાજકીય પક્ષ તેમની સામે ચૂં કે ચાં કરી શકતો નથી. જે કોઈ પક્ષ તેમની સામે અવાજ ઉઠાવે તેની વિરુદ્ધ મતદાન કરવાનો ફતવો આ ખાપ પંચાયતો બહાર પાડે અને તેની હાર નિશ્ચિત થઈ જાય એટલે મોટા ભાગના રાજકીય નેતાઓ ચૂં કે ચાં કરતા નથી.
 
ઉત્તર ભારતમાં વધતી ઓનર કિલિંગની ઘટનાઓ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ તે પછી સુપ્રીમ કોર્ટ સક્રિય થઈ છે અને સુપ્રીમ કોર્ટે ઓનર કિલિંગના મામલે નવ રાજ્યોને નોટિસ આપીને તેમનો જવાબ માગ્યો છે. આ પગલું  સૈદ્ધાંતિક રીતે સારું પગલું ગણી શકાય પણ વ્યવહારુ રીતે તેની કોઈ અસર થાય કે તેને કારણે આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થશે, તેવી આશા રાખવી સરાસર બેવકૂફી છે. વાસ્તવમાં ઓનર કિલિંગ એક વિષચક્ર છે અને આ વિષચક્રનો સીધો સંબંધ મતબેન્કના રાજકારણ સાથે છે, તેથી ગમે તેટલા આકરા કાયદા બનાવો તોપણ આ દૂષણ નાબૂદ ન થાય. આ દૂષણ નાબૂદ કરવા સૌથી પહેલાં તો મતબેન્કના રાજકારણ સાથે જોડાયેલા આ વિષચક્રને તોડવું પડે.
 
ઉત્તર ભારતમાં ઓનર કિલિંગની જે ઘટનાઓ બને છે, તે મોટા ભાગે એવી જ્ઞાતિઓમાં બને છે કે જે સવર્ણ ગણાય છે અને આર્થિક રીતે સદ્ધર છે. એ જ રીતે ગામડામાં ન્યાય તોળતી ખાપ પંચાયતોની ઓનર કિલિંગમાં ભૂમિકા સૌથી મહત્ત્વની છે. ખાપ પંચાયતો જ ખરેખર તો ઓનર કિલિંગને પ્રોત્સાહન આપે છે અને આ પંચાયતો કેવા ચુકાદા આપે છે તેના પર નજર નાખો તો રૃંવાડાં ખડાં થઈ જાય. પોતાના જ ગોત્રમાં લગ્ન કરનારાં યુવક-યુવતી ભાઈ-બહેન કહેવાય અને ભાઈ-બહેન વચ્ચેનાં લગ્ન કે શારીરિક સંબંધો મહાપાપ છે તેથી બંનેને જીવવાનો કોઈ અધિકાર નથી તેથી બંનેને ફાંસીએ લટકાવી દો તેવો ચુકાદો આ પંચાયતો આપે છે. આંતરજ્ઞાતીય લગ્ન થયાં હોય તો નીચલી મનાતી જ્ઞાતિનાં યુવક કે યુવતીએ ઉચ્ચ ગણાતી જ્ઞાતિના લોકોની આબરૂ લીધી છે અને તેનો બદલો નીચલી જ્ઞાતિનાં યુવતી કે યુવકની બહેન-દીકરીની આબરૂ લૂંટીને લેવો તેવો ચુકાદો આ ખાપ પંચાયતો આપે છે. એક જ જ્ઞાતિમાં કોઈ યુવક કોઈ યુવતીને ભગાડી જાય તો તેના બદલામાં યુવતીના ભાઈ સાથે યુવકની સાવ નાની ઉંમરની બહેન કે ભત્રીજી કે બીજી કોઈ પણ સગીને પરણાવી દેવી તેવા ચુકાદા આ પંચાયતો આપે છે. આ ચુકાદા હાસ્યાસ્પદ લાગે પણ ખરેખર તો આ દેશના બંધારણની મજાક ઉડાવનારા છે. આ દેશમાં પુખ્ત વયનાં કોઈ પણ સ્ત્રી-પુરષને પોતાની રીતે લગ્ન કરવાનો કે સહજીવન જીવવાનો અધિકાર છે જ, પણ આ ખાપ પંચાયતો એ અધિકારને જ માન્ય રાખતી નથી અને પોતાનું જ હાંકે રાખે છે.
 
ખાપ પંચાયતો બંધારણની ઐસીતૈસી કરી શકે છે, કેમ કે તેમને રાજકીય પીઠબળ છે. આ જ્ઞાતિઓનુંં રાજકીય વર્ચસ્વ જોરદાર છે. તેથી કોઈ રાજકીય પક્ષ તેમની સામે ચૂં કે ચાં કરી શકતો નથી. જે કોઈ પક્ષ તેમની સામે અવાજ ઉઠાવે તેની વિરુદ્ધ મતદાન કરવાનો ફતવો આ ખાપ પંચાયતો બહાર પાડે અને તેની હાર નિશ્ચિત થઈ જાય એટલે મોટા ભાગના રાજકીય નેતાઓ તેમનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કરે છે, તેમને સમર્થન આપે છે.
 
રાજકારણીઓ કઈ હદે નફ્ફટ બનીને ખાપ પંચાયતોની તરફદારી કરે છે તેનો નમૂનો કોંગ્રેસના સાંસદ નવીન જિન્દાલે પૂરો પાડેલો. જિન્દાલના કહેવા પ્રમાણે ખાપ પંચાયતો તો પંચ પરમેશ્વર છે અને આ પંચાયતો તો તાબડતોબ ન્યાય કરીને ગાંધીજીના ગ્રામસ્વરાજ્યના વિચારોને સાકાર કરે છે. જિન્દાલના મતે સગોત્ર લગ્નો ન જ થવાં જોઈએ અને તે રોકવા માટે ખાપ પચાયતો જે પગલાં લે છે, તેમાં કશું ખોટું નથી.
 
અઢારમી સદીમાં જીવતી જ્ઞાતિઓના અભણ અને ગમાર પંચોનો બચાવ કરવા માટે જિન્દાલ બેશરમ બનીને ગાંધીજીના નામનો ઉપયોગ કરે છે, ઓનર કિલિંગને ન્યાયી ગણાવે છે અને કોંગ્રેસ તેની સામે કોઈ પગલાં લેતી નથી, કેમ કે કોંગ્રેસ એવંુ કરે તો પેલા ગમાર પંચો તેની સામે ફતવો બહાર પાડી દે. આ હાલત બધા પક્ષોની છે અને બધા પક્ષો મતબેન્ક માટે આ ગમાર પંચોનાં તળવાં ચાટે છે. ઓનર કિલિંગ બંધ કરવું હોય તો આ વિષચક્ર પહેલાં તોડવું પડે.
 
ઓનર કિલિંગ એ ખરેખર કાયદાનો પ્રશ્ન નથી પણ સામાજિક પ્રશ્ન છે અને ઓનર કિલિંગની ઘટનાઓ બંધ કરવી હોય તો તેને માટે સામાજિક જાગૃતિ વધારે જરૂરી છે, લોકોની માનસિકતા બદલવી વધારે જરૂરી છે.  આપણે ત્યાં ઓનર કિલિગની ઘટનાઓ બને છે, તે મોટા ભાગે ઉત્તર ભારતનાં રાજ્યોમાં જ બને છે, કેમ કે ત્યાં જ્ઞાતિવાદી સંકુચિતતા મહત્તમ છે અને ત્યાં જ્ઞાતિને માનસન્માન સાથે જોડીને જોવામાં આવે છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઓનર કિલિંગ સામાન્ય છે અને લોકો તેમાં ગર્વ અનુભવે છે. આ માનસિકતા બદલવી અઘરી છે.  આ રાજ્યોમાં લોકો હજુ એ સંકુચિત માનસિકતામાંથી બહાર આવતા જ નથી અને આવવા તૈયાર પણ નથી એટલે ત્યાં આવી ઘટનાઓ રોકવી બહુ અઘરી છે. તેની સામે ગુજરાત કે મહારાષ્ટ્ર કે દક્ષિણ ભારતનાં રાજ્યો કે પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ બનતી જ નથી અથવા તો બનતી હોય તોપણ એટલી ઓછી બને છે કે લોકોનું બહુ ધ્યાન જ ન જાય. આ રાજ્યોમાં સામાજિક જાગૃતિ વધારે છે અને જ્ઞાતિની સંકુચિતતા ઓછી છે, તેનુંં આ પરિણામ છે. ત્યાં જ્ઞાતિવાદી સંકુચિતતા ઓછી છે, તેનું એક કારણ વધારે શિક્ષણ પણ છે.
 
ગુજરાતમાં ગાંધીજીને કારણે અને સ્વરાજ્ય માટેની લડતને કારણે એક બહુ મોટો સામાજિક બદલાવ આવ્યો અને જ્ઞાતિના સીમાડા સાવ ભૂંસાયા તો નહીં પણ જ્ઞાતિને કારણે પોતે ઊંચા ને બીજા લોકો નીચા તેવી જે માનસિકતા હતી તે ચોક્કસ બદલાઈ છે. પરિણામે ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નોને કારણે હોબાળો મચતો નથી કે આ પ્રકારના પ્રેમસંબંધોને કોઈ અપરાધ માનતું નથી તેથી ઓનર કિલિંગનો વિચાર પણ કોઈને આવતો નથી. બંગાળ તો સામાજિક સુધારાઓનું કેન્દ્રસ્થાન જ રહ્યું છે અને સતીપ્રથા બંધ કરવાથી માંડી વિધવા પુર્નિવવાહ જેવી સામાજિક રીતે ક્રાંતિ કરી નાંંખતી ઝુંબેશો ત્યાંથી જ શરૂ થઈ અને પછી આખા દેશમાં પ્રસરી તેથી બંગાળમાં સામાજિક જાગૃતિ વધારે છે અને તેને કારણે ત્યાં આવી ઘટનાઓ બનતી જ નથી. આશ્ચર્ય લાગશે પણ એ વાસ્તવિકતા છે કે ઉત્તર ભારતમાં રોજ ક્યાંક ને ક્યાંક ઓનર કિલિંગની ઘટના બને છે ત્યારે બંગાળમાં છેલ્લાં ૧૦૦ વર્ષમાં ઓનર કિલિંગની એક પણ ઘટના બની નથી. દક્ષિણ ભારતમાં સવર્ણો અને ખાસ તો માથાભારે સવર્ણોની સંખ્યા વધારે નથી અને તેને કારણે આ દૂષણ ફેલાયું નથી.
 
આઝાદીનાં છ છ દાયકા પછીય આપણે સાચા વિકાસ તરફ કદમ ઉઠાવવાને બદલે હજુય ઓનર કિલિગ જેવા સત્તરમી સદીના પ્રશ્નોમાં અટવાયેલા છીએ તે આપણી કમનસીબી છે પણ તેમાં બીજા કોઈને દોષ દેવા જેવો નથી. આ બધું બંધ કરવા આપણે બદલાવું પડે અને આપણે બદલાતા નથી તેથી આ સમસ્યાઓ ઊભી ને ઊભી જ રહે છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...