[F4AG] ઊંડા અંધારેથી….

 

 
Subject:: ઊંડા અંધારેથી…. –




 

 


સાંજે અરવિંદ ઘેર આવ્યો ત્યારે ટી.વી સામેના સોફા પર રમીલા લંબાવીને પડી હતી. મોડી સાંજનું અંધારું ઘરના ખૂણે ખૂણે ભરાઈને લપાયું હતું. અધખુલ્લા બારણામાં પ્રવેશ કરતાં અરવિંદે પૂછ્યું –
'આમ અંધારામાં કેમ પડી છે ? હજુ સુધી લાઈટ કરી નથી ?' કહી એ સ્વિચબોર્ડ તરફ વળ્યો ત્યાં જ રમીલા બોલી ઊઠી :
'એક મિનિટ. તમે ઠાકોરજીને દીવો કરી લો ને, પછી દીવાબત્તી કરજો. મને જરા ચક્કર જેવું આવી ગયું છે એટલે આડી પડી છું.'
'ગોળી લીધી ?'
'ના.'
'એ તો લઈ લેવી હતી...'
'લઈ લઈશ. પહેલાં તમે દીવો તો કરો.'
'વોટ નોનસેન્સ.' કહી અરવિંદ રસોડા તરફ વળ્યો. ત્યાં એક ખૂણે રમીલાએ નાનકડું મંદિર બનાવેલું. દીવામાં ઘી પૂરતાં પૂરતાં એણે બબડાટ શરૂ કરી દીધો, 'આ અંધારામાં મારે ઘી, દિવેટ શોધવાં પણ કઈ રીતે ? પહેલાં દીવો કર્યા પછી જ લાઈટની સ્વિચ પર આંગળી મૂકવાની આ તે તારી કેવી અંધશ્રદ્ધા ? કેટકેટલાયે મહિનાઓથી તુ ડાયાબિટિસ અને બ્લ્ડપ્રેશરથી પીડાય છે પણ તારું આ દુ:ખ ઈશ્વરે મટાડ્યું ? વ્રત, બાધા આખડી, ઉપવાસ, એકટાણાં કરી કરી તેં તારી જાતને સૂકવી નાખી પણ તારો ભગવાન તારી સામે ક્યાં જુએ છે ?' અરવિંદે દીવો પ્રગટાવી ઘરની બત્તીઓ કરી પછી બેડરૂમમાં જઈ ટેબલેટ્સ લઈ આવ્યો. પત્નીની સામે ટીકડીઓ અને પાણીનો ગ્લાસ ધરતાં કહ્યું : 'તારો ભગવાન સાંભળવાનો નથી. હવે એને મનાવવા-પટાવવાનું છોડ.'

ગોળીઓ ગળતાં પત્ની હસીને બોલી, 'ઈશ્વરે એવો ક્યાં ધખારો લીધો છે કે સૌનાં દુ:ખ-દર્દ ઓછાં કરવાં ? અને કરશે તો વારા પ્રમાણે મારો યે વારો આવશે.'
'એના ધામમાં પહોંચ્યા પછી.' કહી એ પાણીનો ગ્લાસ મૂકવા રસોડામાં ગયો અને ડ્રોઈંગરૂમમાં આવીને પૂછ્યું :
'શ્યામ ક્યાં ગયો છે ?'
'હમણાં જ હોમ-વર્ક પતાવી નીચે બિલ્ડિંગમાં ભાઈબંધો જોડે રમવા ગયો હશે. તમે બેસો. હું તમારે માટે ચા બનાવી લાવું.'

અરવિંદે પોતાની ઑફિસ-બેગ ટેબલ પર મૂકી બૂટ-મોજાં કાઢવા લાગ્યો. એણે પત્નીને કહ્યું, 'રસોડામાં જાય ત્યારે આ વીસ હજાર રૂપિયા કબાટમાં મૂકી દેજે.'
'આપણા છે કે પછી કોઈને આપવાના છે ?'
'આપણા છે. સવારથી સાંજ સુધી કાળી મહેનત કરું છું ત્યારે એ બધું હાથમાં આવે છે.'
ગોળીઓ લીધા પછી રમીલાને સારું લાગ્યું એટલે એ ઊઠી. પતિ પાસેથી પૈસાનું કવર લઈ એ રસોડામાં ગઈ. અરવિંદને ખબર હતી કે કમાણીના પૈસા ભગવાનની છબી સામે ધરીને પછી જ રમીલા કબાટમાં મૂકશે અને થયું પણ એમ જ.
અરવિંદ રમીલાની પીઠ પાછળ હસ્યો.

અરવિંદ એન્જિનિયર હતો, સારું કમાતો હતો અને વિદેશના શિક્ષણને કારણે એની ગણના બુદ્ધિશાળીમાં થતી. વાચનનો તે જબરો શોખીન. એના સ્ટડીરૂમમાં ભાતભાતનાં વિદેશી મેગેઝિનો, અંગ્રેજી પુસ્તકો અને સામાયિકો ખડકાયેલાં જ રહેતાં. વધુ વાંચનને કારણે એણે ઘણું ઘણું વિચાર્યું હતું. ગ્રેજ્યુએટ થયેલી પત્ની મંદિરમાં જાય ત્યાં સુધી તેને વાંધો નહોતો. વિદેશમાં દર રવિવારે દેવળમાં જતાં એના ક્રિશ્ચિયન મિત્રોથી એ ટેવાયેલો હતો, પરંતુ ઈશ્વરની આરાધનામાં છાશવારે વ્રત રાખતી, ઉપવાસ કરતી અને જુદાં જુદાં મંદિરોમાં છત્ર ચડાવતી, ચૂંદડી ઓઢાડતી કે ઠાકોરજીના વાધા બનાવવા વિત્ત અને સમયનો બગાડ કરતી પત્નીથી એ નારાજ હતો. એ પોતે ઈશ્વરમાં જરા પણ નહોતો માનતો. ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં એવી એની વિચારસરણી હતી. વિજ્ઞાનને સહારે એ દલીલો કરતો રહેતો કે આખું જગત એક શ્રેણીબદ્ધ વિજ્ઞાનના નિયમો પ્રમાણે ચાલતું રહેતું હોય તો એનો જશ ઈશ્વર નામની એક અજાણી વ્યક્તિને શા માટે આપવો કે જેને કોઈએ જોઈ નથી, ભાળી નથી. મહેસૂસ કરી નથી ! કાગડાળના ઘાટ જેવા બનતા ચમત્કારો સંયોગો આધીન છે, ઈશ્વરનું કર્તુત્વ તો નહીં જ.

આમેય રમીલા ધર્મનિષ્ઠ કુટુંબમાં ઊછરેલી હતી. એને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. પુત્ર શ્યામના જન્મ પછી તો રમીલા સારો એવો સમય પૂજા-પાઠમાં વિતાવતી. અરવિંદને એ જરા પણ ગમતું નહોતું. એ ઈચ્છતો કે પાશ્ચાત્ય સ્ત્રીઓની જેમ રમીલા પણ એની ઓફિસમાં આવે, ધંધો વિકસાવવામાં એને સહાય કરે, પાર્ટી-કલબમાં ઘૂમતી રહે અને એના યૌવનને શણગારે. પણ રમીલાની દલીલ એવી હતી કે સંસાર માંડ્યા પછી કામની વહેંચણી થઈ જવી જોઈએ. પુરુષ પ્રધાન સમાજમાં પુરુષ કમાવા જાય અને સ્ત્રી ઘરસંસાર સંભાળે. બંને બાબતો એટલી જ અગત્યની છે.

રમીલામાં કાયાપ્રવેશ કરી ગયેલું ડાયાબિટિસનું દર્દ છેવટે એને હૉસ્પિટલમાં ખેંચી ગયું. પત્નીની વધુ પડતી ધર્મભાવના પ્રત્યે વિરોધનો સૂર પ્રગટ કરતો રહેતો અરવિંદ, આ એક બાબત સિવાય પત્નીને ખૂબ જ ચાહતો હતો. ઘડીભર ધંધાને વિસારી એ સતત પત્નીની પથારી પાસે જ બેસી રહેતો. પતિની આ અનહદ લાગણીની કદર કરતાં રમીલાએ એક દિવસ અરવિંદને કહ્યું :
'અરવિંદ, મારા આ દર્દથી હું એટલી બધી કંટાળી ગઈ છું કે કોણ જાણે કેમ, મને હવે જીવવાની જરાયે આશા નથી. મને થાય છે કે પ્રભુ મને એની પાસે બોલાવી લે તો સારું. શ્યામ હજુ નાનો છે અને તમારી પણ ક્યાં ઉંમર થઈ છે ! તમે યોગ્ય પાત્ર શોધી પરણી જજો. શ્યામની દેખભાળ રાખે એવી સ્ત્રી શોધજો. મારી એક છેલ્લી ઈચ્છાને માન આપશો ?'
'અરવિંદને ડૉકટરો દ્વારા જાણવા મળેલું કે પત્નીના એ છેલ્લા હાર્ટએટેક પછી એને લાંબું જીવાડવી મુશ્કેલ છે. દર્દીમાં જિજીવિષા જ રહી નથી.'

રમીલાનું મન મનાવવા એણે હા પાડી. રમીલા બોલી : 'તમે ઈશ્વરમાં માનતા નથી એની મને ખબર છે પણ હું જ્યારે ન હોઉં ત્યારે તમે કોઈ ભારે મુશ્કેલીમાં આવી પડો ત્યારે ઠાકોરજી સમક્ષ બે હાથ જોડી એમને વિનંતી કરજો કે તમારી એ મુશ્કેલી દૂર કરે. ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. જો કે તમને મારી આ વાત નહીં ગમે પણ મારી આ છેલ્લી ઈચ્છાને જરૂર માન આપજો.'

એ પછી રમીલા ભાગ્યે જ અઠવાડિયું જીવી. એના મૃત્યુ પછી અરવિંદે બીજાં લગ્ન કર્યા. અરવિંદનો ધંધો સારી રીતે જામી ગયો હતો. એની ઑફિસમાં જ કામ કરતી એક યુવતી જોડે પરણી ગયો. બંને સાથે જ ઑફિસ જાય, સાથે જ ઘેર આવે. ક્યારેય ઈશ્વરને યાદ કરવાની એને ઘડી જ ન આવી. પણ એક દિવસ અરવિંદને રમીલા યાદ આવી.

શ્યામ હવે કૉલેજ જતો થઈ ગયેલો. એણે એને મોટરબાઈક લાવી આપેલી. એ બાઈક એના અકસ્માતનું કારણ બની. શ્યામ એક એવા જીવલેણ અકસ્માતમાં સપડાયો કે હૉસ્પિટલની પથારીમાં એ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. પોતાના એકમાત્ર સંતાનને બચાવવા એણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા, મોટા મોટા ડૉકટરોનો સહારો લીધો પણ કોમામાં સરી ગયેલો શ્યામ ભાનમાં નહોતો આવતો. કદાચ આવી જ અવસ્થામાં એ વિદાય લઈ લે તો ?
મૃત્યુ પહેલાં રમીલાએ એને શું કહ્યું હતું ? ક્યારેય પણ મહામુસીબતમાં આવી જાઓ ત્યારે....
એક દિવસ એણે પત્નીને કહ્યું : 'હું આજે જરા વહેલો નીકળી જાઉં છું. તું હોસ્પિટલમાં રહેજે. હું તને પાંચ વાગે ત્યાં મળીશ.'

અરવિંદ ઘેર આવ્યો.
છેલ્લા પંદર-સત્તર વર્ષથી ઘરના મંદિરમાં પુરાયેલા ઠાકોરજીને એણે જગાડ્યા. એમની સમક્ષ દીવો કર્યો અને પલાંઠી વાળી પ્રાર્થના કરવા લાગ્યો. 'હે પ્રભુ, જો તારું કોઈ અસ્તિત્વ હોય તો આજે મને એની ઝાંખી કરાવ. તું મારી પ્રાર્થના સાંભળશે કે નહીં એની મને ખબર નથી પણ આજે તારી સમક્ષ ઘૂંટણિયે પડીને તને વિનવું છું કે મારા શ્યામને સાજો કરી દે. બસ, આ પછી હું તારી પાસે કશુંયે નહીં માગું.
પૂરા બે કલાક સુધી આંખો મીંચી એણે ઈશ્વર-સ્મરણ કર્યું. એ પછી એ હૉસ્પિટલ ગયો. એની બીજી પત્ની રોહિણી ત્યાં જ બેઠી હતી. એણે ઉત્સાહથી અરવિંદને કહ્યું : 'તમે આવ્યા તેના અડધા કલાક પહેલાં શ્યામ ભાનમાં આવ્યો. ડૉકટરો દોડી આવ્યા. એમણે શ્યામ જોડે વાતચીત કરી. અત્યારે એ પડખું ફરીને સૂતો છે. હમણાં ડૉકટર ફરી આવશે ત્યારે તમે એની જોડે વાત કરજો.'

અરવિંદને ખુદ આશ્ચર્ય થયું. આને ચમત્કાર કહેવો કે ઈશ્વરે સાંભળેલી એની આરઝુ કહેવી ?
એ સાંજે એણે શ્યામ જોડે થોડી વાતચીત કરી અને પછી ડોકટરને મળ્યો. ડૉકટરે કહ્યું કે તમારો પુત્ર ફરી કોમામાં ન સરી જાય એની અમે સતત નજર રાખીએ છીએ પણ હવે એના સાજા થવાની અમને પૂરેપૂરી આશા છે.
અરવિંદે વાતવાતમાં કરેલી પ્રભુ-પ્રાર્થનાની હકીકત કહી. ડૉકટરે હસીને કહ્યું –
'તમે ઈશ્વરમાં ભલે ન માનતા હો, પણ અમે ડૉકટરો માનીએ છીએ. એટલા માટે કે પ્રાર્થના અમારામાં શ્રદ્ધાનું બળ રેડે છે. ઈશ્વર છે કે નહીં એ ચર્ચાનો વિષય હોઈ શકે પણ એની સામે શંકા કરવાને બદલે માત્ર પ્રાર્થના કરવાથી શરીરના ચિત્તતંત્રમાં એકરાગતા આવી જાય છે. અસ્વસ્થ મન અને સ્વસ્થ મન વચ્ચે પ્રાર્થના સેતુ સમાન છે. કંઈ નહીં તો શરીરની સુખાકારી માટેય લાગણીના ક્ષુબ્ધ મનના પ્રવાહોને શાંત કરવા જરૂરી છે. તમે પ્રયત્ન કરી જોજો.'

સ્વસ્થ બન્યા બાદ શ્યામને ઘેર લાવવામાં આવ્યો ત્યારે સાંજના સાત વાગી ગયા હતા. રોહિણીએ ઘરનો દરવાજો ખોલ્યો અને લાઈટ કરવા જાય ત્યાં જ અરવિંદ બોલી ઊઠ્યો : 'એક મિનિટ રોહિણી, હું જરા ઠાકોરજીને દીવો કરી લઉં......'
 
RASHMI  PATEL
 
 
 
 


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...