[F4AG] તેમની ખાબોચિયા જેવી આંખોમાં પીડા છલકાતી હતી

 

તેમની ખાબોચિયા જેવી આંખોમાં પીડા છલકાતી હતી

Source: Raghavaji Madhad, Dhummas  
   
 
 
સૂરજ શું કરવા ઊગતો હશે? શું કરવા અવનિ પર અજવાળું પાથરતો હશે? હોસ્પિટલના બિછાને પડેલી ધ્વનિતા વિચારે છે, કારણ કે દિવસનો ઉજાસ થતાં જ પોતાના જીવનમાં એક અર્દશ્ય અંધકાર છવાઇ જશે.મેજર ઓપરેશન પછી બે માસ બાદ ધ્વનિતાને આજે હોસ્પિટલમાંથી મુક્તિ મળવાની છે, પણ મુક્તિનો જરા પણ આનંદ નથી. ઘરે ગયા પછી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો છે!

એક તો દાદા, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી માંડ માંડ ભરી શક્યા છે. તેમાં આ સારવારનો ખર્ચ... અનેક મુસીબતોને નોતરશે. આવી કરુણામય કે દયાજનક સ્થિતિ પેદા કરવામાં પોતે જ જવાબદાર છે.

નસેનસમાં વહેતું ઉષ્ણલોહી અને ધસમસતી યુવાનીના આવેગ જ કારણભૂત હોવાનું ધ્વનિતા માને છે. કારણ કે ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવાનું આ પરિણામ હતું. દાદા સામે આંખ ઉપાડવાની હિંમત ચાલતી નથી છતાંય તેમનાં સામે જોવાઇ જાય છે. દાદાની ખાબોચિયા જેવી આંખોમાંથી અકથ્ય પીડા છલકાતી હતી.

દાદા કહેતા હતા: 'બેટા! બસની સગવડ છે પછી વાહન શું કરવા ખરીદવું? અને આ મોંઘોદાટ મોબાઇલ...''મારી બધી જ ફ્રેન્ડ્ઝ પાસે છે અને મારા પાસે જ નથી.' ધ્વનિતા લાગણીનો દરિયો ડહોળીને તર્ક સાથે દલીલો કરતી હતી.'આ મહાનગર છે... કોઇના મહેલ જોઇને આપણી ઝૂંપડી થોડી બાળી દેવાય! પણ દાદાની આ સમજ, સ્માર્ટનેસ સામે ચાલી નહોતી. દાદાએ તેમની મરણમૂડી સમાન ફિકસ ડિપોઝિટ તોડીને વહાલસોયી પૌત્રી ધ્વનિતાને સ્કૂટી અને મોબાઇલ ખરીદી આપ્યાં હતાં.'

સાધન કે સુવિધા હોય તે સારી બાબત છે. પણ આપણી જરૂરિયાત કેટલી? માત્ર દેખાદેખીના લીધે જ વસ્તુ વસાવીએ છીએ કે પછી તેની સાચે જ જરૂરિયાત છે! આ સવાલ શાંત ચિત્તે વિચારવા જેવો અને મનમાં મમળાવવા જેવો છે. ધ્વનિતાને તેના ઘરથી છેક કોલેજ સુધીની બસ સગવડ છે. મોબાઇલ વગર ચાલે તેવું છે. આમ છતાં તેણે ખરીદ કરાવ્યા. ખરીધ્યા પછી પણ તેનો વિવેક અને સંયમપૂર્વક ઉપયોગ થવો જોઇએ. આ માટેની પાઠશાળાઓની તાતી જરૂરિયાત છે.

દાયકા પહેલાં દાદા ગામડામાં શિક્ષક હતા. નિવૃત્ત થયા પછી તેઓ ત્યાંની જીવરોખી સંપત્તિ સસ્તા ભાવે કાઢીને આ શહેરમાં એક નાનકડો ફ્લેટ ખરીધ્યો હતો. અહીં મોંઘવારીનો ઉપદ્રવ પજવતો હતો. સો-બસ્સો રૂપિયા વપરાતા વાર ન લાગે જાણે સાંઢિયાના મોંએ જીરું! પણ એક જ આશા હતી કે, પુત્ર ભલે હયાત નથી પણ પૌત્ર ભણે, ગણે અને સુખી થાય.

હમણાં ડોક્ટર આવશે. તપાસશે ને પછી મોટું બિલ પકડાવશે. બિલની રકમ ભર્યા પછી પોતાની કોલેજની ફી ભરી શકાશે નહીં. કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઇ જશે. દાદા પોતાને પરણાવી દેશે. પછી ઘરકૂકડી બનીને જીવનભર કિચનમાં કૂકરની સિસોટીઓ વગાડ્યાં કરશે!

નાનકડી ભૂલ, બેકાળજી કે બેફામપણું ક્યારેક જિંદગીને એક કોયડો બનાવી દેતું હોય છે. દાદા ઘણી સમજ આપતા પણ કાને કોણ ધરે? ભલે, વડીલોની બધી જ સલાહો સ્વીકાર્ય ન હોય પણ કાન અને ધ્યાન દઇને સાંભળવી તો જોઇએ, કારણ કે તેમાં પાલ્ય પ્રત્યેની ચિંતાનો સૂર અને લોહીભીની લાગણી ભળેલી હોય છે.

જેમની દેખરેખ તળે આ ઓપરેશન સફળ થયું છે તે ડોક્ટર પટેલનો વોર્ડમાં પ્રવેશ થાય છે. તેઓ આજે ખાસ આ હોસ્પિટલમાં આવ્યા છે. ધ્વનિતા સામે જુએ છે. ધ્વનિતા માંદલું સ્મિત આપી મોં ફેરવી જાય છે. ડોક્ટર ધ્વનિતાની આર્થિક અને શારીરિક સ્થિતિ જાણે છે. કશું જ બોલ્યા વગર તેને તપાસે છે. પછી કશીક સૂચના આપવા દાદા સામે જુએ છે, પણ દાદાને જોતા જ તેમની આંખો પહોળી થઇ જાય છે. છતાં પણ અબોલ રહીને અણસારના સહારે ઓળખાણને ખોતરવા લાગે છે.

'આપ ગિરજાશંકર જોશી, ગિજુ ગુરુજી તો નહીં ને!' ડોક્ટર પટેલનો ધારદાર અવાજ દાદા ઉર્ફે ગિજુ ગુરુજીના કાન સોંસરવો સડસડાટ પ્રવેશીને હૃદયની આરપાર નીકળી ગયો છતાંય અબોલ અને અચલ રહ્યા. સાંભળ્યું તે સાચું છે તેવું બુદ્ધિ સ્વીકારવા તૈયાર નહોતી.

'હું ગોવિંદભાઇ પટેલનો વલ્લભ... મને એકડો ઘૂંટતા આપે શિખવાડ્યો હતો!'દાદા તો હજુ પણ અકલ્પનીય દુનિયાના દરવાજે દરવાનની જેમ ઊભા હતા. તેમની આંખોમાં મેઘાડંબર પછીના કડાકા અને વીજળી જેવા ચમકારા થવા લાગ્યા હતા.

ડોક્ટર પટેલ, જેમ લાકડી પડે એમ ગિરજાશંકરના પગમાં પડી ગયા. ચરણસ્પર્શ કરી ઊભા થયા પછી બે હાથ જોડી ગદ્ગદિત સ્વરે બોલ્યા: 'ગુરુજી! આપે મને સમજ, સંસ્કાર અને કેળવણી ન આપી હોત તો ગામડાના, એક ખેડૂતનો દીકરો આજે શહેરનો નામાંકિત ડોક્ટર ન બની શક્યો હોત!' ધ્વનિતા તો કોઇ ગુજરાતી ફિલ્મનું ર્દશ્ય જોઇ રહી હોય તેમ જોતી હતી. તેમના માટે આ સઘળું કલ્પના બહારનું હતું.

જીવનની સાર્થકતા દાદાના રુંવેરુંવે દીવડા જેમ પ્રગટાવવા લાગી. હવે કોઇ વાતની ચોખવટ કરવાની જરૂર રહી નહોતી.'ગુરુજી! આજે કેવો સુભગ સમન્વય છે. ડોક્ટર પટેલ, દીવાલ પર લટકતા કેલેન્ડર સામે જોઇને કહે છે: 'આજે ગુરુ પૂર્ણિમા છે.'દાદા ઉર્ફે ગિરજાશંકર કશું જ બોલ્યા વગર એમ જ ઊભા રહે છે.

'ગુરુદક્ષિણામાં શિષ્યો કશુંક આપતા હોય છે પણ હું આપના પાસે આજે માગું છું.' ડોક્ટર પટેલ બોલ્યા: 'મને આપશો ને?'દાદાની જીભે તો લાગણીનાં તાળાં લાગી ગયાં હતાં, બોલે તો પણ શું બોલે? આંખો શ્રાવણના સરવડાં માફક ટપકવા લાગી હતી.'આ દીકરીને દત્તક માગું છું!'

ધ્વનિતા, દાદા અને ડોક્ટર સામે મોં વકાસીને જોઇ રહી.

રાઘવજી માધડ,ધુમ્મસ

ra_madhad13@yahoo.com

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...