તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકમાં પાકતરફી ત્રાસવાદીઓ પ્રત્યે બ્રિટનનાં કારનામાંનો પર્દાફાશ
પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને કહેલું કે પોલિટિકસ તો ગિવ એન્ડ ટેકવાળો ધંધો છે. થોડુંક આપો અને થોડુંક લો તો બે દેશ વચ્ચેના કે માનવ વચ્ચેના સંબંધો સારા રહે. પણ પાકિસ્તાન એવો દેશ છે જેને લાવ લાવ કરવું છે. કંઈ આપવું નથી. તેના આ ચંડાળિયા સ્વભાવને ખુલ્લી રીતે બ્રિટન અને અમેરિકા પોષે છે. તમે થોડોક ક્રિકેટમાં રસ લેતા હો તો તમને નવાઈ નથી લાગતી કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ટીમો શું કામ બ્રિટનમાં ટેસ્ટ ક્રિકેટ રમે છે? જવાબ એ છે કે ઓસ્ટ્રેલિયનો ત્રાસવાદથી ખદબદતા પાકિસ્તાનમાં જવા તૈયાર નથી અને પાકિસ્તાની ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં સલામત નથી. પણ બ્રિટનને એટલા માટે પસંદ કર્યું કે અહીં બ્રિટનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સલામત છે.
કારણ પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને હાલના બ્રિટિશ વડાપ્રધાન પાકિસ્તાનના પાક્કા મિત્ર છે. લશ્કરે તોઈબાથી માંડીને બીજા ત્રાસવાદી ઇસ્લામી ગ્રુપને બ્રિટને ભૂતકાળમાં મદદ કરી છે. તાલિબાનોને મદદ કરી છે. ઇસ્લામી ત્રાસવાદીઓને બ્રિટને કહ્યું છે, તમારો ખરો દુશ્મન હિન્દુસ્તાન છે ત્યાં ત્રાસવાદ કરો અમે મદદ કરીશું પણ ભાઈસા'બ બ્રિટનમાં હરક્તો નહીં કરતા.
મારી, તમારી અને નરેન્દ્ર મોદી જો ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજકારણમાં આવશે તો તેમની ઊંઘ ઉડાડી દે તેવું એક પુસ્તક હમણાં બ્રિટનમાં પ્રગટ થયું છે. તે બ્રિટનના ધુરંધર પત્રકાર માર્ક કર્ટીસે લખ્યું છે. પુસ્તકનું નામ છે 'સિક્રેટ અફેર્સ-બ્રિટન્સ કોલ્યુઝન વિથ રેડિકલ ઇસ્લામ.' અથૉત્ બ્રિટનની ગુપ્ત તિકડમબાજીઓ-બ્રિટન કેવી રીતે ત્રાસવાદી ઇસ્લામીઓ સાથે દોસ્તી રાખે છે! નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં આવશે જ, તેમણે અમિત શાહને બચાવવામાં શક્તિ વેડફવા કરતાં આ પુસ્તક વાંચીને ભવિષ્યમાં પાકિસ્તાન જ નહીં બ્રિટન સાથે કેમ કામ લેવું તેનો ખ્યાલ આવશે.
પાકિસ્તાન બાબતમાં બ્રિટનના ટોની બ્લેર અને અમેરિકાના વિદેશ સચિવ મેડમ હિલેરી ક્લિન્ટન દંભી નીતિ રાખે છે. ચોરને કહેશે તું ચોરી કર અને સિપાઈને કહેશે તું જાગતો રહેજે. થોડા દિવસ પહેલાં જ હિલેરી ક્લિન્ટન ઇસ્લામાબાદ જઈને તેને ૫૦ કરોડ ડોલરની સહાય આપી આવ્યાં હતાં. તેની સામે વાંધો નથી પણ એ મેડમે તેના પતિ બિલ ક્લિન્ટનને છોકરીઓનાં લફરાંમાંથી બચાવવા કરતાં ભારતને ઇશારો કર્યો છે કે 'ભારત-પાકિસ્તાનના સંબંધો તો જ સુધરશે જો કાશ્મીરનો ફેંસલો થશે!'
કાશ્મીરનો ફેંસલો બ્રિટન અને અમેરિકાને શું કરવો છે? એ જ કે ભારત આખું કાશ્મીર પાકિસ્તાનને સોંપી દે નહીંતર? નહીંતર બ્રિટન, અમેરિકા પાકિસ્તાનને કાશ્મીરમાં ત્રાસવાદને વિષમ બનાવવા સતત શસ્ત્રો-પૈસાની સહાય કરશે. અગર અમેરિકા જ કાશ્મીરનો કબજો લેશે. અટલ બિહારી વડાપ્રધાન હતા ત્યારે બ્રિટનનો બે મોંઢાળો-દંભી વડાપ્રધાન ટોની બ્લેર બેંગ્લોર આવેલો. તેણે બ્રિટિશ પત્રકાર નિગેલ મોરીસના કહેવા પ્રમાણે પત્રકારોને કહેલું કે... ઓફ્ફ કોર્સ પાકિસ્તાન હેઝ એ વેરી સ્ટ્રોંગ પોઝિશન ઓન કાશ્મીર... એન્ડ ધે આર એનટાઈટલ્ડ ટુ ધેટ પોલિટિકલ પોઝિશન!' સમજયા? આ બે મોંઢાળો માણસ ભારત સાથે ૮ વર્ષ પહેલાં દોસ્તી કરવા આવેલો અને હજી તેના મોંઢામાં ભારતીય મહેમાનગતિનું ભોજન ગંધાતું હતું ત્યારે જ તેનાથી સાચું બોલાઈ ગયું કે કાશ્મીર ઉપરનો પાકિસ્તાનનો દાવો વાજબી છે!
આ ટોની બ્લેર સમાજવાદને નામે સવાઈ અબજપતિ બનેલો માણસ છે. હવે સત્તા ઉપરથી ફેંકાયા પછી તે ૧૩૦ના સ્ટાફ સાથે આર્થિક અને પોલિટિકલ કન્સલ્ટન્ટ બન્યો છે અને બરાક ઓબામા તેમ જ હિલેરીને અફઘાનિસ્તાન, ઈરાક અને ખાસ તો પાકનું શિંગડા-પૂંછડાનું જ્ઞાન નથી તેમને માટે ટોની બ્લેર મોંઘા ભાવનો પાકિસ્તાની અફેરનો સલાહકાર છે. અરે! બુઝુર્ગ દક્ષિણ આફ્રિકન નેતા નેલ્સન માંડેલાએ બેધડક કહેલું કે ટોની બ્લેર તો અમેરિકાના પાછલા બારણાના વિદેશપ્રધાન છે! એટલે જ હિલેરી ક્લિન્ટન હમણાં પાકિસ્તાન ગયેલાં ત્યારે પાક સાથે કેમ વર્તવું અને તેને કરોડો ડોલરની સહાય જરૂરી છે તેની સલાહ ટોની બ્લેરે આપેલી. તેથી જ હિલેરી ક્લિન્ટનથી પાકને ખુશ કરવા બોલાઈ ગયું કે ભારતે પાકને ખુશ કરવા કાશ્મીરનો મામલો ઉકેલવો જોઈએ તો જ બન્ને દેશ વચ્ચે શાંતિ થશે. નહીંતર? નહીંતર ભારતમાં પાકિસ્તાન સતત ત્રાસવાદ ઊભો કરશે. મતલબ કે કાશ્મીર હવે પાકને સોંપી દો તેમ ટોની બ્લેર અને મેડમ હિલેરીની સલાહ છે.
તાજેતરમાં ભારતના વિદેશપ્રધાન પાકિસ્તાન ગયા ત્યારે પાકિસ્તાનની બ્રિટન સાથેની દોસ્તીની ગંધ આવવી જોઈતી હતી. તો તેને થાત કે પાકિસ્તાનની ભારત સાથેની દોસ્તીની અપેક્ષા રાખવી તે મૂઈ માને ધાવવા જેવી અગર તો બકરીના ડોકના આંચળમાંથી દૂધની અપેક્ષા રાખવા જેવી વાત છે. ખરેખર મારે 'સિક્રેટ અફેર્સ-બ્રિટન્સ કોલ્યુઝન વિથ રેડિકલ ઇસ્લામ' નામના માર્ક કર્ટીસના પુસ્તકની વાત કરવી છે. તેના કેટલાક રિવ્યુ બ્રિટિશ અને અમેરિકન અખબારોમાં આવ્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા (આઈ. એસ. આઈ.) અને લશ્કરે તોઈબાની સાથે બ્રિટનની પાક્કી દોસ્તી છે તેવો ઘટસ્ફોટ તેમાં કર્યો છે.
(૧) પાકિસ્તાનની આઈએસઆઈ, પીઓકેમાં પાક. જાસૂસોને તાલીમ આપે છે. તેને જાસૂસીનાં સાધનો, શસ્ત્રો અને જાસૂસી શાસ્ત્રમાં બ્રિટનનું એમ. આઈ. ફાઈવ નામનું બ્રિટિશ જાસૂસી તંત્ર મદદ કરે છે.
(૨) સિક્રેટ અફેર્સના લેખકે 'વેબ ઓફ ડિસિટ' (છેતરપિંડીની માયાજાળ) પુસ્તકમાં લખ્યું છે કે ટોની બ્લેર અને અમેરિકાએ અફઘાનિસ્તાન-ઈરાક ઉપર હુમલો કરીને આ મુસ્લિમ દેશોનાં કુદરતી સાધનો, હીરા-સોનાની ખાણો, ક્રૂડ તેલ વગેરે ઉપર કબજો મેળવ્યો છે. હવે કાશ્મીર ઉપર હક જમાવવો છે.
(૩) લેખકે કહ્યું છે કે 'બ્રિટિશ સરકારે ઈજપિ્ત, ઈરાન અને સિરિયામાં મુસ્લિમ ફંડામેન્ટલિસ્ટોને મદદ કરી જગતમાં ત્રાસવાદી ઇસ્લામવાદને વકરાવ્યો છે. સાઉદીના રાજાને ચઢાવીને ઈન્ડોનેશિયામાં ઇસ્લામી ત્રાસવાદીને મદદ અપાવી છે.
(૪) ગ્લોબલ ટેરરઝિમમાં બ્રિટનનો કઈ રીતે સક્રિય હાથ છે અને તાલિબાનોને કેમ મદદ કરે છે તેની આધારભૂત વિગતો બ્રિટનની સિક્રેટ સર્વિસની ફાઈલોમાંથી મેળવીને બ્રિટિશ સરકારનો ભાંડો લેખકે ફોડ્યો છે.
(૫) માર્ક કર્ટીસે લખ્યું છે કે હરક્તે અલ મુજાહિદીનને કાશ્મીરમાં લડવા માટેની મદદ પાકિસ્તાને જ નહીં પણ બ્રિટને પણ શસ્ત્રોની મદદ કરી છે. જ્યારે અફઘાનિસ્તાન પર રશિયાનું વર્ચસ્વ હતું ત્યારે રશિયન સૈનિકો સામે લડવા અફઘાની ઇસ્લામી ત્રાસવાદીઓને બ્રિટિશ જાસૂસી સંસ્થાએ મિલિટરી તાલીમ આપી હતી... આવી ઘણી બાબતો જે આપણી ઊંઘ ઉડાડી મૂકે તેવી છે. તેની આ માત્ર ઝલક છે.
No comments:
Post a Comment