વોશિંગ્ટન, તા. ૩૦
ન્યૂ યોર્કમાં ગયા શુક્રવારે ભારતીય કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ પર ત્રણ સગીરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ૪૯ વર્ષની વયના દિવ્યેન્દુ સિંહા તેમના પુત્રો સાથે ચાલવા નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ૧૭ વર્ષના ત્રણ સગીરોની સદોષ માનવવધના ગુના સબબ આ ઘટનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગુનેગારોનાં નામ તેમની સગીર વયને કારણે જાહેર કરવામાં આવ્યાં નથી.
આઈઆઈટી ખડગપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સની પદવી મેળવનાર દિવ્યેન્દુ સિંહા એક જાણીતી કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા. શુક્રવારે રાત્રે તેઓ તેમના પરિવાર સાથે ફરવા નીકળ્યા ત્યારે ઓલ્ડ બ્રિજ નજીક તેમના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના વખતે તેમના બે પુત્રો પણ તેમની સાથે હતા પણ તેમને સાધારણ ઈજા થઈ હતી.સ્થાનિક વકીલ બ્રુસ કેપ્લનાનના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે સિંહા પરનો હુમલો વંશીય હેતુસરનો નહોતો.જો કે હુમલાનાં હેતુની જાણ તપાસ પૂર્ણ થયા પછી જ થશે.
છેલ્લાં ૧૦ વર્ષથી સિંહાના પરિચયમાં આવેલા તેમના મિત્ર પ્રકાશ વાઘમારેના જણાવ્યા મુજબ સિંહા સજ્જન માણસ હતા. આઈઆઈટી ખડગપુરમાંથી ગ્રેજયુએશન કર્યા પછી ન્યૂ જર્સીમાં હોબોકોન ખાતે સ્ટિવન્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાંથી તેમણે પીએચડી કર્યું હતું. તેઓ સ્ટાટેન આઈલેન્ડની કોલેજમાં કામ કરતા હતા. કોમ્પ્યુટર ઈમેજિંગ પર તેમણે કેટલાંક પુસ્તકો પણ લખેલાં છે.
શુક્રવારે તેઓ તેમના પુત્રો સાથે ચાલવા નીકળ્યા ત્યારે એક કાર તેમની નજીક આવી હતી અને તેમાં રહેલા સગીરોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સિંહા જમીન પર ફસડાઈ ગયા હતા. સિંહાના પરિવાર અને મિત્રોએ બુધવારે તેમની અંતિમક્રિયા કરી હતી.
No comments:
Post a Comment