દર્દ, મેદિસ્વતા, વ્યસન, ભયમાં દવા કરતાં ય હિપ્નોટીઝમ અકસીરરજનીશ જ્યારે અમને ૪૫ વર્ષ પહેલાં છુટથી મળતા ત્યારે તેમની પાસે હિપ્નોટીઝમ વિશે વધુ જાણવાની કોશિશ કરી હતી. તેમણે કહેલું હિપ્નોટીઝમ ખરેખર તો પૈસા કમાવા માટેની કળાવાળું અઘરું શાસ્ત્ર છે પણ એ વિદ્યા બહુ ગહન નથી. આપણે રોજેરોજ એકબીજા ઉપર અને આપણા ઉપર પણ સંમોહનનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ.
હિપ્નોટીઝમની કોલેજોમાં આજે ૨૧મી સદીમાં તેના તબીબો પણ તૈયાર થાય છે. તે ડોક્ટરો હિપ્નોટીઝમ વડે (૧) પેઈન મેનેજમેન્ટ, (૨) વજન ઘટાડવું, (૩) ચામડીના રોગ સારા કરવા, (૪) સર્જિકલ ઓપરેશન પહેલાં ગભરાટમાં આવેલા દર્દીને શાંત કરવા, (૫) તમાકુ-સિગારેટ કે કોકેઇનનું વ્યસન છોડાવવું તેમ જ (૬) ક્રિકેટ-ફૂટબોલમાં કામગીરી સુધારવા હિપ્નોટીઝમ થકી કોશિશ થાય છે. તમે પોતે સેલ્ફહિપ્નોસીસ વડે સ્ટ્રેસ (માનસિક તાણ) કે પીડા શમાવી શકો છો. વોશિંગ્ટનમાં સ્કૂલ ઓફ ક્લિનિકલ હિપ્નોસીસમાં ડિગ્રી મળે છે. સિગ્મન્ડ ફ્રોઈડે છેલ્લે છેલ્લે માનસચિકિત્સા જ અપનાવતા તે પહેલાં તેમણે હિપ્નોટીઝમથી ઘણા રોગ સારા કર્યા અને આજે વિકિપીડિયાના કહેવા પ્રમાણે ઈરિટેબલ બોવેલ સિંડ્રોમ એટલે કે આંતરડાના જુના રોગ જેમાં માનસિક કારણ હોય કે જુનો મરડો હોય કે મોટા આંતરડામાં અમુક સમયે દુ:ખતું હોય ત્યાં હિપ્નોથેરપી કામયાબ થાય પણ તેમાં સેલ્ફહિપ્નોસીસ સલામત છે. ખ્યાલ રહે કે પૈસા ખંખેરનારા બોગસ હિપ્નોટિસ્ટનો પનારો ન પડે.
૧૯૫૪-૫૫ની વાત છે. મને જુનો મરડો હતો. ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમમાં નિસર્ગોપચારથી મરડો સારો થઈ ગયો પણ પછી સાંજે ૫ વાગ્યે મોટા આંતરડામાં-પેટમાં ઝીણું ઝીણું દુખ્યા કરતું. તે માટે લોનાવાલાના કૈવલ્યધામમાં ગયો. ત્યાં યોગાસન અને મેડિટેશનથી દુખાવો સારો કરવાની હૈયાધારણ મળી. પણ ત્યાંના વિદ્વાન તબીબ ડૉ.. કેતકરે મને પૂર્ણ રીતે તપાસીને કહ્યું, 'તમારા પેટમાં કે આંતરડામાં કોઈ રોગ નથી, માત્ર તમારા મનમાં 'રોગ' રહ્યો છે એટલે સાંજે ૪ વાગ્યે ત્યારથી તમારા મગજમાં ઠોકી ઠોકીને વિચારો કે પાંચ વાગ્યે દુ:ખાવો થશે જ નહીં, ભગવાન મારી ભેરે છે...' અને ખરેખર આ ક્રિયાને સેલ્ફહિપ્નોસીસ કહો કે ઓટો સજેશન કહો તેમાંથી મારો પેટનો દુખાવો ચાલ્યો ગયો. ડૉ.. કેતકરે કહ્યું તબીબી ભાષામાં તેને આત્મસંમોહન પણ કહી શકાય.
એ પછી હિપ્નોટીઝમ વિશે ખૂબ અભ્યાસ કર્યો. અમેરિકામાં માસાસુસેટ્સ રાજ્યમાં આવેલી સ્ટેટ હોસ્પિટલના ડૉ.. થિઓડોર બાર્બરને હિપ્નોટીઝમ અંગે ઈન્વેસ્ટિગેશન કરવા કહેલું. તો તેણે કહ્યું, હિપ્નોથેરપી માત્ર એક કળા છે, તેને વૈજ્ઞાનિક ગણી ન શકાય. તેણે હિપ્નોટીઝમ એ કોઈ એક ચોક્કસ સ્થિતિ નથી. તમે જે ઇચ્છો તે પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કરવાની માત્ર એક કળા છે.
આ ડોક્ટરના મિત્રની પત્નીને આધાશીશી હતી. લાખો રૂપિયા ખચ્ર્યા પણ સારું ન થયું. આખરે ડૉ.. થિઓડોર બાર્બરે તેમને એક સાદી રીત શીખવી. તેમણે દર્દીને કહ્યું 'તમને આધાશીશી છે અને હવે બપોર થયા એટલે માથું દુ:ખવાનું છે તેવા વિચારોથી ઘેરાવાને બદલે એમ વિચારવું કે હું એવી મજબૂત મનોબળવાળી છું કે મને આધાશીશી થાય જ નહીં.' આ પ્રયોગ કરવાથી તેનું દર્દ ચાલ્યું ગયેલું.
જ્યાં જ્યાં હિપ્નોટીઝમના કોર્સ થાય છે (દા. ત. કોલંબિયા યુનિવર્સિટીમાં મેનહટ્ટન ખાતેની કોલેજ) ત્યાંના પ્રોફેસર ડૉ.. સ્પગિલ વગેરે કહે છે કે હિપ્નોટીઝમ એ કોઈ રહસ્યમય ક્રિયા નથી એ ક્રિયામાં હિપ્નોટિસ્ટ કંઈ કરતો નથી, પણ તમે પોતે જ સંમોહિત થાઓ છો. રજનીશના કહેવા પ્રમાણે અને એનસાઈકલોપીડિયા અમેરિકાનાના લેખક ડૉ.. હેરલ્ડ રોઝેનના કહેવા પ્રમાણે દરેક ચારમાંથી એકાદ વ્યક્તિને હિપ્નોટાઈઝ કરી શકાય છે. એ ઉપરથી પ્રતીત થાય છે કે જો તમે વિચારો કે અમુક માનસિક સ્થિતિ મને જોઈતી નથી કે અમુક વાતની માટે ચિંતા કરવી નથી કે આ દર્દ મને સ્વીકાર્ય નથી તો એવી માનસિકતાથી દર્દ સારા થાય છે.
મનોચિકિત્સકે કહે છે કે કદી પણ ટ્રેનમાં કે મુસાફરીમાં કે એરપોર્ટમાં કોઈની આંખમાં આંખ મિલાવવી નહીં. કોઈ તાકીને જોઈ રહે તો આંખો હટાવી દેવી. કેટલાંક પુસ્તકોનો સહારો લઈએ તો 'સુપરસ્ટીશન' નામના પુસ્તકના લેખક ડૉ.. એફ. ઈ. પ્લેનરે ૨૪મે પાને બીજા વિશ્વયુદ્ધ પછી કેટલાક સોલ્જરોની હાલત પાગલ જેવી થયેલી તેને હિપ્નોટીઝમથી સારા કરાયેલા તેમ લખ્યું છે. ડૉ.. ડબ્લ્યુ. સાગન્ટે ઘણા સોલ્જર દર્દીને સારા કર્યા. ઘણા યુદ્ધના ભય પછી સ્મરણશક્તિ ગુમાવી બેઠેલા તેને સારા કરેલા. એક સાક્ષી સોલ્જરના ખૂનીનો ચહેરો યાદ કરી શકતો નહોતો તેના પર પોલીસે હિપ્નોટીઝમ અજમાવેલું અને તેણે ખૂનીને ઓળખી કાઢ્યો.
ડૉ.. જેમ્સ ગેઈવીટઝે એક દળદાર ગ્રંથ લખ્યો છે-'લુકિંગ એટ અવરસેલ્વઝ એન ઈન્વિટેશન ટુ સાઈકોલોજી.' તેના ૨૦૦મા પાને હિપ્નોસીસ ઉપર આખું પ્રકરણ છે. તેમાં લખ્યું છે કે ડૉ.. મેસ્મરના મેસ્મેરઝિમ અને હિપ્નોટીઝમને ઘણાએ બોગસ ઠરાવ્યું કે એક કરામત ગણાવી તે પછી ૫૦ વર્ષ સુધી હિપ્નોટીઝમનો વિષય અસ્પૃશ્ય ગણાયો. આખરે ૧૮૪૦ના દાયકામાં પાછું આજ સુધી હિપ્નોટીઝમ ખોળે બેઠું છે તેને સિગ્મન્ડ ફ્રોઈડે પ્રતિષ્ઠા આપી છે. ૧૯૭૪માં પ્રજનનના નિષ્ણાત ડોક્ટર હિલગાર્ડે ૧૦૦૦ જેટલી પ્રસૂતિ વખતે પીડા વગર જ ડિલિવરી થાય તે માટે હિપ્નોટીઝમનો ઉપયોગ કરેલો.
ડૉ.. હિલગાર્ડે કેન્સરનો રોગ સારો કરેલો નહીં પણ હિપ્નોટીઝમથી કેન્સરની પીડા મટાડવાનો કીમિયો કરેલો. ડૉ.. હિલગાર્ડ કહે છે તે વાત ધ્યાનમાં રાખો હિપ્નોટિસ્ટ રૂ. ૧૦૦૦ કે મોટી રકમ માગે ત્યારે ધ્યાનમાં રાખો કે તમે પોતે જ યોગ્ય માનસિક સ્થિતિ સર્જો ત્યારે હિપ્નોટિસ્ટ માત્ર તમને મદદ કરે છે. દરેક હિપ્નોસીસ એ માત્ર સેલ્ફ હિપ્નોસીસ છે. તમારું પોતાનું જ આત્મસંમોહન છે. આખરે તારણ નીકળે છે કે માનવીનું આત્મબળ જ આખરે મહત્વનું છે.
No comments:
Post a Comment