૧૯૭૪-૭૫નું એકેડેમિક વર્ષ હશે. હું જામનગરની મેડિકલ કોલેજમાં ભણતો હતો અને છ નંબરની હોસ્ટેલમાં આવેલી મણિભાઇની મેસમાં જમતો હતો. માથું ફાટી જાય એવી ફોર્મેલિનની દુર્ગંધવાળા મડદાંઓની ચીરફાડ કર્યા પછી બપોરે દોઢેક વાગે હું અન્ય મિત્રોની સાથે ભોજન માટે ગયો. સૂરજની ગરમી ચરમસીમા પર હતી અને હોજરીની ભૂખ પણ.હાથ ધોઇને અમે જમવા માટે ડાઇનિંગ ટેબલ પાસેની ખુરશીઓમાં ગોઠવાયા. ફર્સ્ટ એમબીબીએસથી લઇને ફાઇનલ એમબીબીએસ સુધીના આશરે છસો સાતસો વિદ્યાર્થીઓમાંથી દોઢસો જેટલા વિદ્યાર્થીઓ આ મેસમાં જમતા હતા. હું પહોંચ્યો એ વખતે જ બીજા ચાલીસેક વિદ્યાર્થીઓ તડપતાં ભોજનની પ્રતીક્ષામાં બેઠા હતા.
ભોજન પીરસવાની શરૂઆત થઇ. ગરમ ગરમ રોટલી, એક લીલું શાક, એક કઠોળ, કચુંબર, પાપડ, ભાત અને ઠંડી મીઠા જીરાવાળી છાશ, આ તે દિવસનું મેનુ હતું. સાંભળીને કે વાંચીને કે જોઇને મોંમાં પાણી આવી જાય. અમારા મોંમાંથી પણ લાળ ટપકવા માંડી.
જાણે અન્નકૂટનો સ્વાદ માણવાનો હોય તેવા ભાવ સાથે અમે થાળીમાં હાથ નાખ્યો. પણ પ્રથમ કોળિયો ભરતાંની સાથે જ અમારા ચહેરા બગડી ગયા. બીજા કોળિયા સાથે તો મન પણ ખાટું થઇ ગયું. ત્રીજો કોળિયો ભર્યા પછી અમે ઊભા થઇ ગયા. થાળી હાથમાં અને ગુસ્સો આંખમાં, હવામાં ચાલીસ વિદ્યાર્થીઓની ગર્જનાઓ ઉછળી રહી. મણિભાઇ ક્યાં સંતાઇ ગયા તમે?
મણિભાઇ સજ્જન હતા અને બહાદુર પણ. આપણાં નેતાઓની જેમ મોં સંતાડીને છુપાઇ જનારા ન હતા. બેઠી દડીના ગોળમટોળ મણિભાઇ ટૂંકી પોતડી પહેરેલા નાનકડાં પર્વત સમા દોડી આવ્યા અમને ઊભા થઇ ગયેલા જોઇને એ આશ્ચર્યચકિત બની ગયા, 'શું છે ડોક્ટર સાહેબો? કંઇ ફરિયાદ છે?'
અમારામાંથી એક જોરાવર જણે આગેવાની ઉપાડી લીધી, 'હા, મણિભાઇ સાચું બોલો, આ રસોઇ તમે ચાખી ખરી?'
'હોવ્વે, સાહેબ હું જાતે મારી દેખરેખ નીચે રસોઇ બનાવડાવું છું. આજે દાળ શાકમાં કંઇ મીઠું મરચું ઓછું વત્તું પડી ગયું છે?'
'અરે, શું મીઠા મરચાંની વાત કરો છો? આ દાળ સાવ મોળી છે અને રોટલી બળેલી. ભાત ઠળિયા જેવો કડક અને શાક? એ જ સમજાતું નથી કે શાકમાં મરચું નાખ્યું છે કે મરચાંમાં શાક!'
મણિભાઇ પહેલે જ ઘાએ અમારી ફરિયાદ સાથે સંમત થઇ ગયા હશે, 'સાહેબ તમે ભવિષ્યના ડોક્ટર સાહેબો છો, તમારી વાત ખોટી ન જ હોય. પણ અત્યારે હવે નવી રસોઇ બનાવવા જેટલો સમય નથી. માટે જે બન્યું છે તે જમી લો! રાત્રે જરા ધ્યાન રાખીશું.'
મણિભાઇમાં આ એક અદભૂત શક્તિ હતી. મેડિકલ સ્ટુન્ડટ્સના જલદમાં જલદ આક્રોશને પળવારમાં ઠંડોગાર બનાવી દેવાની એમને સંપૂર્ણ ફાવટ હતી. જો એ કેન્દ્રિય કેબિનેટમાં પ્રધાન બન્યા હોત તો ભારતનું એક પણ આંદોલન સફળ ન થયું હોત.
આ વખતે પણ એમણે વિદ્યાર્થીઓની દુખતી નસ ઉપર આંગળી મૂકી દીધી હતી. અમારી મુસીબત એ હતી કે અમારી પાસે સમયની તંગી હતી. એક દોઢ વાગે ડિસેક્શન હોલમાંથી છુટીને મેડિકલ કોલેજથી મેસ સુધીનું અંતર પગપાળા કાપીને ઝટપટ ઝટપટ જમીને પાછા બે વાગતાં પહેલાં તો કોલેજમાં હાજર થઇ જવાનું હતું. જગતભરનાં લોકોને ભોજન કર્યા પછી એકાદ કલાકનો આરામ કરવાની સલાહ આપનારા ડોક્ટરો ખુદ વિદ્યાર્થી અવસ્થામાં અડધી મિનિટ જેટલો પણ આરામ કરી શકતા નથી એ વાત મને હંમેશાં તબીબી શિક્ષણની અધૂરપ લાગી છે.
અમારી પાસે વધારે વિરોધ કરવા જેટલો સમય ન હતો. કાચું પ્રોટીન (દાળ) અને કાર્બન (બળેલી રોટલી) જેમ તેમ કરીને પેટમાં પધરાવીને અમે ઊભા થઇ ગયા. રાત્રે સ્વાદિષ્ટ ભોજન જમવા મળશે એવી આશા દિમાગમાં લઇને અમે હવે પછીના લેક્ચર માટે ભાગી નીકળ્યા.
એ રાત્રે પણ એવું જ ભોજન હતું. બીજા દિવસે બપોરે પણ એવું જ અને મહિનાના ત્રીસ દિવસના સાંઇઠ ટંકનું પણ એવું જ ભોજન હતું.
મેડિકલ કોલેજના સાડા ચાર વર્ષના અભ્યાસકાળ દરમિયાન મને જો કોઇ બાબતમાં તીવ્રપણે ઘરની ખોટ મહેસૂસ થયા કરી હોત તો તે ભોજનની બાબતમાં હતી. મારી બાનાં હાથની સ્વાદિષ્ટ રસોઇની યાદ અને મણિભાઇની મેસના ભોજન વિષેની ફરિયાદ એકબીજાની સાથે કાર્ય કારણના સંબંધથી જોડાયેલા હતા.
* * *
મણિભાઇની મેસ આ બે શબ્દો સાંભળતાની સાથે જો તમારા કાનની સાથો સાથ તમારી આંખો પણ ચમકી ઊઠે તો ચોક્કસ તમે જામનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા હોવા જોઇએ. તમારી ઉંમર અત્યારે પિસ્તાલીસથી પાંસઠ વર્ષ વચ્ચેની હોવી જોઇએ. આ બે વિધાનો આટલી ચોક્કસાઇપૂર્વક હું એટલે કરી શકું છું કારણ કે એ વીસ વર્ષ જેટલાં કાલખંડમાં મેડિકલ કેમ્પસમાં મણિભાઇની મેસ પ્રખ્યાત હતી.
અમારું કેમ્પસ ગુજરાતની એ વખતની પાંચેય મેડિકલ કોલેજમાં સર્વશ્રેષ્ઠ હતું. બોયઝ હોસ્ટેલની સંખ્યા આઠ હતી, ગર્લ્સ હોસ્ટેલ નર્સિંગ હોસ્ટેલ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ હોસ્ટેલ, પ્રોફેસર સાહેબના બંગલાઓ, જીમખાનાં, ક્રિકેટનું મેદાન અને કેન્ટીન. ચારેબાજુ વૃક્ષોની હરિયાળી હતી અને આઠસો વિદ્યાર્થીઓમાં ક્યાંય જોવા ન મળે તેવી એકતા હતી.
આમ તો ભોજન માટે બીજી ઘણી બધી વિશીઓ હતી. પણ એ બધી સારું ભોજન જમાડતી હતી. માટે ત્યાં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ મેળવવો મુશ્કેલ હતો જેમ ભંગાર માલ માળિયે ઘલાય તેમ બધી સારી મેસોમાંથી રખડી ગયેલા તમામ વિદ્યાર્થીઓ મણિભાઇની મેસનાં શરણે જાય! આ અર્થમાં મણિભાઇની મેસ જનતા ભોજનાલય જેવી હતી.
મણિભાઇ પોતે એક કેરેક્ટર હતા. બેઠી દડીના, દોઢસો કિ.ગ્રા.ની આસપાસનું વજન ધરાવતાં, કાળા પહાડ જેવાં અમારા એ અન્નદાતાને જોઇને રા.વિ.પાઠકની પ્રખ્યાત વાર્તા 'જક્ષણી'વાળા મહારાજ યાદ આવી જાય. ફરક માત્ર એટલો કે જક્ષણીના મહારાજની ચામડીનો વાન બાફેલા બટાકાની છાલ કાઢી નાખી હોય તેવો હતો, જ્યારે અમારા મણિભાઇ મહારાજ કોલસાવર્ણના હતા. વસ્ત્રોમાં એ આપણાં રાષ્ટ્રપિતા જેવા સાદગીભર્યા હતા, અધોવસ્ત્ર તરીકે એ માત્ર એક ટૂંકી પોતડી જ ધારણ કરતા હતા એમની વિશાળ ફાંદને સમાવી શકે તેવું ઉપવસ્ત્ર કદાચ ઉપલબ્ધ નહીં હોય.
એમની મેસમાં રસોઇ ક્યારેય ન ખૂટવાનું મણિભાઇને વરદાન હતું. હું માનું છું કે દ્રૌપદી પોતાનું અક્ષયપાત્ર જતાં જતાં એમને સોંપી ગઇ હશે! કુલ દોઢસો ગ્રાહકો માટે રાંધેલી રસોઇ જમાઇ ગયા પછી પણ વધી પડતી. જામનગરના પ્રવાસે બહારગામથી આવેલી બે બસ એકવાર કટાણે ભોજન શોધવા માટે નીકળી.
શહેરની જાણીતી તમામ હોટલોએ આટલા બધા પેસેન્જરોને જમાડવાની પોતાની અશક્તિ જાહેર કરી દીધી. કોઇએ એ લોકોને મેડિકલ કેમ્પસનું સરનામું આપી દીધું. બપોરે ચાર વાગે મણિભાઇએ દોઢસો જણાંને જમાડી દીધા. એક પણ વધારાની વાનગી રાંધ્યા વગર અમે જમી લીધા પછી વધેલી વાનગીઓમાંથી એમણે પ્રસંગ સાચવી લીધો. આવી અનેક ઘટનાઓ મણિભાઇના સામર્થ્ય માટે દંતકથા બનીને સંભળાયા કરતી.
અમે ક્યારેક એમને શાંતિથી પૂછતા પણ ખરા, 'સાવ આવી વેઠ શા માટે ઉતારો છો, જમવાનું સ્વાદિષ્ટ બનાવો તો ઘરાકી પણ વધે અને તમને બે પૈસા વધુ પણ મળે.'
'આ પૈસાની જ મોંકાણ છે ને? તમને ખબર નથી, સાહેબ! મારા અડધા ઉપરાંત ગ્રાહકો પૈસા જ નથી ચૂકવતા. છ છ મહિનાથી બિલની ઉધારી ખેંચાયા કરે છે. આવું તો વરસોથી ચાલ્યા કરે છે. બીજા કોઇ ઘરાકને તો બે લાફા ઠોકી દેવાય, પણ આ મેડિકલના વિદ્યાર્થીઓને શું કહીએ? ભવિષ્યમાં મોટા ડોક્ટરો થવાના. સમાજમાં એમની ઇજ્જત આબરૂ બંધાશે. એમને ધોલધપાટ કરાય મારાથી?'
'પણ એ લોકો બિલ શા માટે નથી ચૂકવતા? તમારી રસોઇ ફાલતુ હોય છે એટલે?'
'ના, સાચી વાત એ છે કે વિદ્યાર્થીઓ પૈસા નથી આપતા માટે રસોઇ ફાલતુ બને છે. અને પૈસા ન ભરવાનું કારણ એક જ, એ વિદ્યાર્થીઓ ગરીબ હોય છે. હું પણ જાણી જોઇને આંખ આડા કાન કરું છું. ભલે જમતાં!'
વરસો સુધી મણિભાઇનું આ 'સદાવ્રતી અન્નક્ષેત્ર'ચાલતું રહ્યું. હું ફર્સ્ટમાંથી ફાઇનલ એમબીબીએસમાં પહોંચી ગયો. એક દિવસની ઘટના છે. બપોરનો સમય. અમે મેસમાં ભોજન લઇ રહ્યા હતા ત્યાં એક લાંબી, આલીશાન ગાડી આવીને પગથિયાં આગળ ઊભી રહી. અંદરથી ચાલીસેક વર્ષનો એક દમામદાર પુરુષ ઊતર્યો, સાથે ખૂબસૂરત પત્ની અને દેવકુંવરો જેવા બે સંતાનો. પુરુષે મેસમાં પ્રવેશીને મણિભાઇને પકડ્યાં, 'ઓળખાણ પડે છે?' મણિભાઇ ક્યાંય લગી માથું ખંજવાળતા રહ્યા, પછી અણસાર પકડાયો, 'અરે, વાઘેલા તો નહીં?'
'હા, તમારી મેસમાં સાડા ચાર વર્ષ સુધી મફતમાં જમી ગયેલો અશોક વાઘેલા હું જ! અત્યારે ડો. વાઘેલા તરીકે ઓળખાઉ છું. ખૂબ કમાયો છું. સુખી છું. પણ રાત્રે જંપ નથી વળતો. તમારું બિલ ભરવાનું બાકી છે એ વાત મને ચૈનથી ઊંઘવા નથી દેતી. સાડા ચાર વર્ષના રૂપિયા પંદર ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આવ્યો છું.'
'પૈસા પછી આપજો! પહેલાં જમવા બેસી જાવ! રસોઇ તૈયાર છે.'મણિભાઇએ એ દિવસે સાંજે અમને કહ્યું, 'જોયું ને, ભાઈ! ભગવાનના ઘરે દેર છે, પણ અંધેર નથી. મોડે મોડે પણ સારી ઉઘરાણી પતવાની શરૂઆત થઈ ગઈ! મેં સાચું જ સાંભળ્યું હતું કે અન્નદાન ક્યારેય એળે જતું નથી.'
અત્યારે મણિભાઇ તો હયાત નથી, પણ ડો.વાઘેલા જેવા કંઇક ગરીબ વિદ્યાર્થીઓ ડોક્ટર બની ગયા બાદ અને લાખો રૂપિયા કમાયા પછી જુની બાકી રકમ ભરપાઇ કરવા માટે સપરિવાર છ નંબરની મેસની મુલાકાતે આવતા રહ્યા હતા.'
(
શીર્ષક પંક્તિ : મરીઝ)
No comments:
Post a Comment