અમેરિકનો કોર્ડોબા હાઉસની મસ્જિદનો વિરોધ કરે છે તે કોર્ડોબા શું છે?
સૌરાષ્ટ્રમાં એક શબ્દપ્રયોગ કરીએ છીએ 'કાલાં કાઢવાં' ભગવદ્ ગોમંડળના ગ્રંથમાં તેનો અર્થ થાય છે મોટા ઢગા થયા છતાં નાના બાળકની જેમ બોલવું, લાડ કરવા. અમેરિકન જેવી કોઈ બે મોંઢાળી પ્રજા જગતમાં જોઈ નથી. ૧૧-૯-૨૦૦૧ના ટ્વીન્સ ટાવરને ઝનૂની આરબ-મુસ્લિમોએ ફૂંકી દીધાં પછી એક-એક અમેરિકન બચ્ચો અંદરખાનેથી મુસ્લિમોનો કટ્ટર વિરોધી બન્યો છે પણ તેનું વેર પ્રગટ રીતે બતાવતો નથી.
વેર રાખીને અમેરિકનો ઉપર-ઉપરથી મુસ્લિમોને વહાલા થવા માગે છે. બહુ જ વખણાયેલા પ્રમુખ બરાક ઓબામાય આમાંથી બાકાત નથી. જે આંતરરાષ્ટ્રીય ખબરો વાંચે છે તેમને અમેરિકામાં આજ-કાલ એક મસ્જિદ સામે જબ્બર વિરોધ થાય છે તે વાત સાંભળી હશે. શરૂમાં ઓબામાએ મુસ્લિમોને વહાલા થવા ભરડી નાખ્યું કે ટ્વીન્સ ટાવર પડી ગયાં ત્યાં મુસ્લિમોને તેમની મસ્જિદ ચણવાનો હક છે. પછી ભાન થયું કે મેજોરિટી અમેરિકનો ન્યુયોર્કના આ મેનહટ્ટન વિસ્તારમાં 'કોર્ડોબા હાઉસ' નામની મસ્જિદનું સંકુલ બંધાય છે તેનો ઝનૂની વિરોધ કરે છે એટલે ઓબામાએ ફેરવી તોળ્યું છે.
આ 'કોર્ડોબા હાઉસ' શું છે? તે મસ્જિદ છે કે બીજું શું શું છે? શું અમેરિકાના મુસ્લિમો હાલી નીકળ્યા છે કે જે ભવ્ય ઇમારતોને ઝનૂનીઓએ તોડી પાડી છે તે જગ્યા ઉપર મુસ્લિમોને મસ્જિદ બાંધવી છે? મસ્જિદ એ મૂળ ઈજપિ્તની ભાષાનો શબ્દ છે. તેના ઉપરથી ફ્રેન્ચ મુસ્લિમો બરાબર ઉચ્ચાર કરી શકતા નહીં એટલે 'મોસ્કવી' બોલતા પછી અંગ્રેજીમાં મોસ્ક થયું. ગુજરાતીઓ મસીદ કે મસ્જિદ બોલે છે. આખું હિન્દુસ્તાન મસ્જિદ બોલે છે.
મોહમ્મદસાહેબ પયગંબરના અંતકાળ વખતે તે મદીનામાં હતા અને તેમના નિવાસસ્થાન નજીક જ ઈબાદત (પ્રાર્થના) માટે એક ઝૂંપડા જેવી સાદી મસ્જિદ બાંધેલી ત્યાં રોજ પ્રાર્થના કરતા. પછી તેના આધ્યાત્મિક વારસદાર અબુ બકરે મક્કામાં મસ્જિદ બાંધી અને પછી? પછી તો ઇસ્લામનો અંગીકાર કરનારા જગતભરમાં વધ્યા તેમ તેમ ચોરેકોર મસ્જિદો બંધાવા માંડી. આજે સાઉદીના રાજા પોતે જ તેના રાજમાં ઘણી જુની મસ્જિદો તોડે છે.
પાકિસ્તાનમાં શુક્રવારે જ્યાં લાહોરમાં સૌથી વધુ પાક મુસ્લિમો નમાજ પઢતા હતા તે બે અહમદિયા-મસ્જિદ પર અમેરિકન બ્રાન્ડની બંદૂકો સાથે સુન્નીઓએ હુમલો કરી ૭૦ અહમદિયા મુસ્લિમોને મારી નાખ્યા અને ૭૮ને ઘાયલ કર્યા. એ વાત જવા દો આજે તમને કલ્પના ન આવે તેવી જગ્યાએ અમેરિકામાં મસ્જિદો છે. અમેરિકાનું કાતિલ લશ્કરી ખાતું જે વિરાટ બિલ્ડિંગમાં છે તે પેન્ટાગોનના બિલ્ડિંગમાંય મસ્જિદ છે. મુસ્લિમ અવકાશયાત્રી અવકાશમાં જશે ત્યારે મક્કાની દિશામાં મોઢું રાખીને નમાજ પઢવાની યંત્રણા પણ નક્કી થઈ ગઈ છે. ૨૦૧૧ના અંતે ૨૦૦૦થી વધુ મસ્જિદો અમેરિકામાં થશે!
અમેરિકામાં જે નવી વિવાદાસ્પદ તેર માળ ઊંચી અને ૧ લાખ ચોરસફૂટ જગ્યામાં મેનહટ્ટન ખાતે 'કોર્ડોબા હાઉસ'ની મસ્જિદ બંધાય છે તે કુલ્લે રૂ. ૫૦૦ કરોડની થશે. ૩૦૦૦ મુસ્લિમો નમાજ પઢી શકશે. સરનામું લખી લો:- ૪૫-૫૧, પાર્ક પ્લેસ, લોઅર મેનહટ્ટન, ન્યુયોર્ક સિટી, અમેરિકામાં આ ૧૨૧૦મી મસ્જિદ હશે. સૌપ્રથમ અહમદિયા મુસ્લિમોએ ૧૯૨૧માં એક મસ્જિદ બાંધેલી. અમેરિકન નાગરિક હોય તેવા ૯૬૦૦૦ મુસ્લિમો દુનિયાના ચોરેકોરના દેશમાંથી આવીને વસ્યા છે અને વધુ ને વધુ જુનાં ચર્ચો વેચાતાં લઈ મસ્જિદ બાંધવા આતુર છે.
છેલ્લે માર્ચ ૨૦૧૦થી મેનહટ્ટનની આ વટવાળી મસ્જિદ જે કોર્ડોબા હાઉસ અગર તો ગ્રાઉન્ડ ઝીરો મોસ્ક તરીકે ઓળખાય છે તે શું છે? ખ્યાલ રહે કે મુસ્લિમો હાલી નીકળ્યા નથી કે જે જગ્યાને ઝનૂનીઓએ ધ્વસ્ત કરી છે ત્યાં જ મસ્જિદ બાંધવાની હઠ કરે છે. હકીકતમાં ત્યાં એક ઇટાલિયન બિલ્ડિંગ હતું. તેમાં મસ્જિદનો જુના સમયથી ભાગ હતો જ. એ પછી કાળક્રમે ધનિક આરબો અને મુસ્લિમોએ ત્યાં જગ્યા ખરીદી ત્યાં વિરાટ નવી મસ્જિદ બાંધવાનો પ્લાન છે.
અમેરિકા એક બાજુ મુસ્લિમોને વહાલા થવા માગે છે અને બીજી બાજુ તેની દાઢી બરાબર પકડીને તેને નેસ્તનાબૂદ કરવા માગે છે. ૯/૧૧ પછી અમેરિકામાં 'ઇસ્લામ ફોબિયા' થઈ ગયો છે. તે બ્રિટન-યુરોપ સુધી છે. સહેજ પણ કોઈ ફન્ડામેન્ટલિસ્ટ મુસ્લિમ છે કે ધર્મઝનૂની છે તેમ અમેરિકન પોલીસને લાગે એટલે આવી બન્યું.
વિદ્વાન મુસ્લિમ મિત્ર સઈદ નક્વીની નજરે કોર્ડોબાની ભવ્ય ઇમારતનો ઈતિહાસ જાણીએ. ૧૦મી અને ૧૧મી સદીમાં સ્પેનમાં મુસ્લિમોનું રાજ હતું ત્યારે કોર્ડોબામાં ક્રિશ્વિયન કેથડ્રલની સાથોસાથ એક મસ્જિદ બંધાયેલી. ત્યાં વિવિધ ધર્મીઓ શાંતિથી એખલાસથી એક સાથે બંદગી કરતા. ૪ લાખ જેટલા કોર્ડોબાના નિવાસીઓ માટે અહીં ૧૦ લાખ ગ્રંથોની લાઈબ્રેરી હતી. નમાજ કે પ્રાર્થના પહેલાં સ્નાન કરવાનાં હમામ-ખાનાં હતાં.
સ્પેનમાં ૭૦૦ વર્ષ ઇસ્લામી રાજ રહ્યું. આજે પણ સ્પેનના આ કોર્ડોબા ખાતે લાખ્ખો ટુરિસ્ટો તેની ઇમારતનું ભવ્ય આકિeટેકચર જોવા આવે છે. ત્યાં ૭૮૪ની સાલમાં મસ્જિદ બંધાયેલી. ૮૫૦ જેટલા કલા-કારીગરીવાળા સ્તંભને લોકો સ્પર્શીને ન્યાલ થાય છે. અમેરિકા અને જગતભરની માલદાર મુસ્લિમ કમ્યુનિટીએ મેનહટ્ટનમાં કોર્ડોબા-સંકુલ નામ રાખ્યું છે. તેમાં બરાબર ઐતિહાસિક પાસ ચઢેલો છે, પણ અમેરિકનોને ન્યુયોર્કના મેનહટ્ટનના હૈયામાં આવી મસ્જિદ ઊભી થાય તે પસંદ નથી. ડરે છે. મસ્જિદ ટેરરસ્ટિનું ધામ બનશે તો?
આ પૂરા સંકુલમાં ૧૩ માળમાં કાચ અને સ્ટીલનો ઉપયોગ થશે. ૫૦૦ જણ બેસી શકે તેવું ઓડિટોરિયમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરાં અને વિવિધ ધર્મોનાં પુસ્તકો વેચતો બુકસ્ટોલ હશે, પણ? મોટા ભાગના અમેરિકનો જ ઇસ્લામથી ડરે છે. તે હવે ઝનૂનપૂર્વક વિરોધ કરે છે. એમને ભય છે કે આવું અમેરિકન ઝનૂન વકરશે. તમે અમેરિકામાં અને ખાસ તો કેલિર્ફોનિયામાં જ્યાં જ્યાં નવી મસ્જિદો બંધાય છે ત્યાં ગોરા અમેરિકનો મસ્જિદના સ્થળ ઉપર કૂતરાનાં ધાડાં લઈને મસ્જિદ પર હુમલા કરે છે.
કેલિર્ફોનિયામાં ટેમેકુલા ગામે મસ્જિદ બંધાય છે ત્યાં ટી-પાર્ટી નામની ઝનૂની અમેરિકન પાર્ટીના સભ્યોએ નમાજ પઢનારા પર હુમલો કરેલો. એ ટી-પાર્ટીનું કહેવું છે કે મુસ્લિમોને આંગળી આપશો તો આખું કાંડુ ખાઈ જશે. કેટલાક ઝનૂની અમેરિકન-મુસ્લિમો તો અમેરિકાના રાજબંધારણને શેરિયાના ઇસ્લામી કાનૂન મુજબ નવેસર ઘડવાનો દુરાગ્રહ રાખે છે. અમેરિકનોને ગળા સુધી ખાતરી છે કે જે જે મસ્જિદ બંધાશે તે ધાર્મિક હેતુ કરતાં ત્યાં ફન્ડામેન્ટલિસ્ટોના ત્રાસ ફેલાવવાનાં કાવતરાં વધુ થશે.
ડિટ્ટો મેનહટ્ટનના કોર્ડોબા-ઇસ્લામી સંકુલમાં થશે. પેટ ડોલાર્ડ નામનો ઝનૂની અમેરિકન-પત્રકાર તો કહે છે કે અમેરિકામાં ૧૯૦૦ જેટલી મસ્જિદો છે. જ્યાં જ્યાં નવી મસ્જિદ બંધાય ત્યાં ત્યાં રિપબ્લિકન પક્ષવાળા વિરોધ કરે છે. નોની ડરવીશ નામના અમેરિકન ધર્મગુરુ કહે છે કે આ મસ્જિદો કંઈ પ્રાર્થના માટેનાં સ્થળ નથી. અહીંથી જેહાદનાં બીજ વવાય છે! અને અહીં જ હિંસા માટેનાં શસ્ત્રો સંઘરાય છે? ચાલ દાઉદ ઈબ્રાહીમ તું ખરો મુસ્લિમ હો તો ન્યુયોર્કમાં ઝનૂની અમેરિકનો સામે તારી બહાદુરી બતાવ!
આસપાસ, કાન્તિ ભટ્ટ
No comments:
Post a Comment