[F4AG] વ્હીસલ બ્લોઅર સીટી બજાઓ,અનિષ્ટ ભગાઓ

 

વ્હીસલ બ્લોઅર સીટી બજાઓ,અનિષ્ટ ભગાઓ

Source: Point Of Order, Ajay Umat  
 
 
ભ્રષ્ટાચાર સહિત કોઈ પણ અનિષ્ટ સામેની લડાઈ એક વિચાર માત્રથી શરૂ થાય છે. દક્ષિણ આફ્રિકામાં એક ગોરાએ મોહનદાસ કરમચંદ ગાંધી નામના એડવોકેટને અપમાનિત કરી ફર્સ્ટ કલાસના કોચમાંથી ઉતારી પાડ્યા ન હોત તો ભારત કદાચ 'મહાત્મા ગાંધી'થી વંચિત રહ્યું હોત. હેનરી ડૂનાંન નામના એક સ્વિસ વેપારીએ ૧૮૫૯માં સોલફેરિનો ખાતે યુદ્ધ બાદ ઠેર ઠેર ઘાયલ હાલતમાં દવા-દારૂ વિના સૈનિકોને મોત સામે ઝઝૂમતા જોયા અને સમ્રાટ અશોકની માફક એનું હૃદય દ્રવી ઊઠ્યું. હેનરીએ યુદ્ધ પછીનાં દ્રશ્યોનું વર્ણન કરતું પુસ્તક લખ્યું અને સમગ્ર યુરોપમાં હાહાકાર મચી ગયો.

હેનરીએ દુનિયાભરના દેશોને અપીલ કરી કે યુદ્ધ બાદ એક તટસ્થ સેનાને રણભૂમિ પર પ્રવેશ આપવામાં આવે જેથી માનવ ખુવારી ન્યૂનતમ થાય. આ અપીલ સમગ્ર વિશ્વે અપનાવી પરિણામે રેડક્રોસ નામની માનવતાવાદી સંસ્થાનો જન્મ થયો. અને કરોડો લોકો મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા. ૧૯૭૦ના દાયકામાં અમેરિકી રાષ્ટ્રપતિ રિચાર્ડ નિકસન અત્યંત પાવરફુલ પોઝિશનમાં હતા. અમેરિકી એરફોર્સના ડિફેન્સ ઓડિટર અનેgસ્ટ ફિટ્ઝગેરાલ્ડે લશ્કરી ખરીદીમાં ખાયકીની પોલ ખોલતાં કહ્યું કે નિકસનના ઠેકેદારો ૪૦૦ ડોલરમાં હથોડી અને ૬૦૦ ડોલરમાં ટોઇલેટ સીટ્સ (એ જમાનામાં) સપ્લાય કરે છે અને ડિફેન્સ ડિપાર્ટમેન્ટ લાચારીથી ખરીદી કરે છે.

આ આક્ષેપોથી ધૂંઆપૂંઆ થયેલા નિકસને ઓડિટર અર્નેસ્ટની હકાલપટ્ટી કરી, પરંતુ આ ઘટનાક્રમથી રોષે ભરાયેલા વ્હાઇટ હાઉસના માર્ક ફેલ્ટ નામના એક કર્મચારીએ નિકસનના કૌભાંડોનું પર્દાફાશ કરતું રેકેટ 'વોટરગેટ સ્કેન્ડલ' પત્રકાર બોલ વૂડવર્ડ મારફત પ્રગટ કરાવ્યું. નિકસનને રાજીનામું આપવું પડ્યું. વ્હાઇટ હાઉસના સિકયોરિટી ચીફ અને રાષ્ટ્રપતિના સલાહકારને જેલ ભેગા થવું પડ્યું.

બિલ ક્લિન્ટન અને મોનિકા લેવેન્સ્કી વચ્ચેની પ્રણયલીલાનાં પ્રકરણો આજે પણ વંચાય છે અને વેચાય છે પરંતુ એનો પર્દાફાશ કોણે કર્યો હતો એ ખબર છે ? લીન્ડા ટ્રીપ નામની મહિલા કર્મચારીએ નિર્ભીકતાથી અમેરિકાના હિતમાં ઓફિસ ઓફ ઇન્ડિપેન્ડેન્ટ કાઉન્સેલને કહ્યું કે આ વ્યભિચાર રાષ્ટ્રહિતમાં ઉચિત નથી. ક્લિન્ટને અકળાઈને લીન્ડાને નોકરીમાંથી કાઢી મૂકી અને પ્રાઇવસીનો ભંગ કરવા સબબ કાનૂની પગલાંની ધમકી આપી પરંતુ લીન્ડા ડરી નહીં.

રાષ્ટ્રપતિની પોલ બિન્ધાસ્તપણે ખોલી. અમેરિકન કંપની પારકે-ડેવિસના ડેવિડ ફ્રેન્કલીન નામના મેડિકલ રિપ્રેઝન્ટેટિવે પોતાના ઉપરીઓને ગાઈ-વગાડીને કહ્યું કે ન્યૂરોન્ટોન નામની આપણી દવા એપીલેપ્સી માટે નિર્મિત છે પરંતુ વેચાણ વધારવા ડોક્ટરોને ગેરમાર્ગે દોરી અન્ય બીમારીમાં પણ આ દવા પ્રસ્કિ્રાઇબ કરવાની સલાહ અપાય છે. આ વાત તદ્દન અનૈતિક છે. તદ્ઉપરાંત દર્દીને રાહત મળતી નથી છતાં મોતનો સોદો શા માટે થાય છે? કંપનીએ આ આખાબોલા અને સાચાબોલા ડેવિડ ફ્રેન્કલીનને કાઢી મૂક્યો. થોડા દિવસો બાદ ફાઇઝરે આ કંપનીને ટેકઓવર કરી પરંતુ જુની બદમાશીઓ ચાલતી રહી. ડેવિડ ફ્રેન્કલીને છેલ્લા વિકલ્પ તરીકે વ્હીસલ બ્લોઅર બનવાનું નક્કી કર્યું.

ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સમક્ષ ફરિયાદ કરી. ફાઇઝર કંપનીએ આઉટ ઓફ કોર્ટ સમાધાન કરી ગુનો કબૂલી લીધો, ૪૩૦ મિલિયન ડોલરનો દંડ સરકારી તિજોરીમાં જમા કરાવ્યો. ફ્રેન્કલીનને કનડગત અને કાનૂની લડાઈનો ત્રાસ સહન કરવા બદલ ૨૪.૬ મિલિયન ડોલર ચૂકવ્યા. દુનિયાભરમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ભૂકંપ સર્જાયો. વાહિયાત દાવાઓ કરી દવાનું ધૂમ વેચાણ કરતી કંપનીઓ સાવધ થઈ ગઈ. બિનજરૂરી દવાઓ લખતા ડોક્ટરો ડઘાઈ ગયા. દર્દીઓ ડોઝ અંગે સવાલ કરતા થયા. આ કૌભાંડના પગલે ડો. ડેવિડ ગ્રેહામે ઉપલબ્ધ ડેટાને આધારે સંશોધનપત્ર રજુ કર્યું કે 'વિઓકસ' નામની પેઇનકિલર દવા લેવાથી હાર્ટએટેક આવવાની સંભાવના વધી જાય છે. કંપની આ વાત જાણતી હતી છતાં ઇરાદાપૂર્વક છુપાવતી હોવાના આક્ષેપો થયા.

આખરે અમેરિકી તંત્રે કડકાઈ આચરી. 'વિઓકસ' કંપનીના નિર્માતાઓએ દવાના ખોખાથી માંડીને પેકેટ પર મોટા અક્ષરે લખવું પડ્યું કે આ દવા લેવાથી હૃદયરોગનો હુમલો થઈ શકે છે. આ ઘટનાક્રમ બાદ દુનિયાભરમાં દવાઓને બજારમાં મૂકતા પહેલાં ચકાસણીની પ્રક્રિયા અત્યંત કડક થઈ છે. ડાયાબિટીસથી માંડીને હાર્ટએટેકની દવાઓની આડઅસરો વિશે કંપનીઓ તમામ વિગતો વેબસાઈટ પર મૂકતી થઈ છે. દવા ઉદ્યોગ બાદ સંશોધકોએ ચા, કોફી અને તમાકુના ક્ષેત્રમાં ચાલતાં કૌભાંડો અંગે તપાસ આદરી તો માલૂમ પડ્યું કે ખુદ તજ્જ્ઞો જ દુનિયાને છેતરવાનો ધંધો કરતા હતા.

સ્વિટ્ઝર્લેન્ડની જિનિવા યુનિ.ના એક વિશ્વવિખ્યાત પ્રો. રગનાર રાયલેન્ડર ખુદ ૩૦ વર્ષ સુધી તમાકુ ઉદ્યોગના પે રોલ (હપ્તાવાળા પગાર પર) હતા અને કંપનીની બનાવટો હાનિકારક નથી એ મતલબનાં સંશોધનો, પ્રવચનો અને પરિસંવાદો દુનિયાભરમાં ગોઠવતા રહેતા હતા. આ પ્રોફેસરે અન્ય દેશોના કહેવાતા તજ્જ્ઞો અને લેબોરેટરીના રિપોટ્ર્સ પોતાની સ્ક્રિપ્ટ મુજબ પ્રકાશિત કરવાનો મલાઈદાર ધંધો ગોઠવી ૩૦ વર્ષ સુધી દુનિયાના કરોડો નાગરિકોને તેમની વ્યસનની આદતો અંગે ગેરમાર્ગે દોર્યા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવતા જિનિવા યુનિ.એ પોતાના અધ્યાપકોને ટોબેકો ઈન્ડસ્ટ્રીઝના પ્રોજેક્ટ્સ ન લેવા તાકીદ કરી.

ત્યારબાદ માલૂમ પડ્યું કે ૪૫થી ૫૦ ટકા વર્લ્ડકલાસ સિગારેટ્સનું બોગસ માર્કિંગ અને હોલોગ્રામ સાથે અવિકસિત દેશોમાં ઉત્પાદન થાય છે. અબજો રૂપિયાનો ટેક્સ બચાવવા માટેની આ રમતમાં કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે. સ્યુગર ફ્રી નામની બ્રાન્ડનો કિસ્સો જગમશહૂર છે. ૩૦ વર્ષ સુધી સ્યુગર ફ્રીનો ઉપયોગ ખાંડની અવેજીમાં ગળપણ માટે થતો રહ્યો પરંતુ આ બ્રાન્ડના પેટન્ટનો પ્રશ્ન આવ્યો ત્યારે આ સ્વીટનર લેવાથી અલ્ઝાઈમરથી માંડીને કેન્સર થાય છે એ મતલબનાં સંશોધનપત્રો રાતોરાત પ્રગટ થઈ ગયાં.

ગ્લોબલાઈઝેશનના આ જમાનામાં મલ્ટિનેશનલ કંપનીની તરફેણમાં અને વિરુદ્ધમાં અનેકવિધ દેશોની રસ ધરાવતી લોબીઓ પ્રવૃત્તિશીલ હોય છે. રેડીમેડ સંશોધનો ઓર્ડર મુજબ તૈયાર થઈ જાય છે. બિકાઉ સંશોધકો અને ભાડૂતી ગુંડાઓ કે સોપારી કિલરમાં કોઈ તફાવત છે ? એક ગુંડો એક વ્યક્તિની હત્યા કરે તો ફાંસીની સજા થાય પરંતુ એક કંપની માહિતી હોવા છતાં દવાનું વેચાણ વધારવા ગ્રાહકોને મોતના મુખમાં ધકેલે તો શું સજા થવી જોઈએ ? તજ્જ્ઞ તરીકે ખોટો અભિપ્રાય આપી સમાજના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને કદી માફ ન કરી શકાય.

આ ટોબેકોકાંડના પગલે જેફરી વિગાન્ડ નામના બ્રાઉન એન્ડ વિલિયમસન કંપનીના એક્ઝિક્યુટિવે પોતાની જ કંપનીના દસ્તાવેજો અને પ્રચાર સાહિત્યની વ્યૂહરચના લીક કરતા કહ્યું હતું કે સિગારેટ પીવાથી તો નુકસાન થાય જ છે પરંતુ એ ધુમાડો પાસેની વ્યક્તિના શ્વાસમાં જાય તો પણ હાનિકારક છે. અમેરિકાની સીબીએસ ચેનલમાં આ સ્ફોટક ઈન્ટરવ્યૂ એક કલાક સુધી ચાલ્યો અને સમગ્ર દેશમાં સન્નાટો છવાઈ ગયો. અમેરિકી પ્રજા સાથે આટલું મોટું ચીટિંગ ! સત્વરે જાહેરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આજે ભારતમાં પણ પોથીમાંનાં રિંગણાં જેવા કાયદા અનુસાર જાહેરમાં સિગારેટ પીવી એ ગુનો બને છે.

ગ્લોબલાઈઝેશનના ગેરફાયદા સાથે ફાયદા પણ છે. સત્ય હવે છાપરે ચડીને પોકારે છે. દુનિયાની કોઈ તાકાત હવે સત્યને રૂંધી શકતી નથી. વહેલું-મોડું પણ રેડિયો, ટીવી, છાપાં, ઇન્ટરનેટ, બ્લોગ કે પુસ્તક સહિત કોઈપણ માધ્યમથી સત્ય પ્રગટ થાય છે. બોફોર્સકાંડનો પર્દાફાશ સ્વિડિશ રેડિયોના પ્રસારણને આભારી છે. ઇન્ગવાર બ્રેટ નામના સ્વિડિશ બોફોર્સ કંપનીના ઈજનેરે ખુદ અજાણ્યા સ્ત્રોત બનીને ગેરકાયદે શસ્ત્રોના વેચાણનો ભાંડો ફોડ્યો હતો. ભારતમાં સીબીઆઈ હજી આ બોફોર્સકાંડનો તાળો મેળવી શકી નથી પરંતુ સ્વિડિશ સરકારે આ કૌભાંડને પગલે નવા કાયદા રચ્યા છે.

ડો. સ્ટીફન નિકોલસ બોલ્સિન નામના બ્રિટિશ એનેસ્થેટિસ્ટે બ્રિસ્ટોન રોયલ હોસ્પિટલ ખાતે કામ કરતા નોંધ્યું કે ૩૦ ટકા બાળકો હૃદયરોગની સર્જરી દરમિયાન મૃત્યુ પામે છે. આ ઘટનાક્રમથી ચિંતિત ડો. બોલ્સિને શોધી નાખ્યું કે સર્જનોની ખામીયુક્ત પદ્ધતિ અને ચોકસાઈના અભાવને કારણે વધુ બાળકો મૃત્યુ પામતાં હતાં. ડો. બોલ્સિને પોતાની નવી પદ્ધતિ અમલમાં મૂકવા દૂરાગ્રહ કર્યો અને મૃત્યુદર ઘટીને માત્ર પાંચ ટકા થયો. ડો. બોલ્સિનની પદ્ધતિથી બાળકો બચતાં હતાં પરંતુ વધુ ઓપરેશન કરવાની હુંસાતુંસીવાળા ડોક્ટરોનો વધુ સમય બરબાદ થતો હોય એમ લાગતું હતું.

સરવાળે ઘર્ષણ થયું. ડો. બોલ્સિને 'વ્હીસલ બ્લોઅર' બનીને મેડિકલ ક્ષેત્રમાં ચાલતી ગુનાઈત બેદરકારીનો પર્દાફાશ કર્યો અને સમગ્ર બ્રિટનમાં હોબાળો મચી ગયો. બ્રિટનની સંસદમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થઈ અને સરવાળે સરકારે કેનેડી ઈન્કવાયરી કમિશન રચ્યું. જેનો અહેવાલ 'સમયસર' આવી ગયો અને આ તપાસપંચની ભલામણો શરૂઆતમાં સમગ્ર બ્રિટનમાં અને ત્યારબાદ મહદંશે મેડિકલ જગતમાં લાગુ પડી. હજારો બાળકો જ નહીં આબાલવૃદ્ધો આ સુધારાથી બચ્યાં.

કેથી હેરિસ નામની અમેરિકન મહિલા કસ્ટમ ઓફિસરે પ્રગટ કરેલા પુસ્તકમાં લખ્યું છે કે એટલાન્ટા એરપોર્ટ ખાતે અશ્વેત પ્રવાસીઓને ખૂબ જ હેરાન-પરેશાન કરવામાં આવતા હતા જ્યારે યુરોપિયન અને અમેરિકનોને તરત જ ગ્રીન ચેનલમાંથી જવા દેવામાં આવતા હતા. અશ્વેત મહિલાઓ સાથે અમાનવીય દુવ્ર્યવહાર, શારીરિક છેડછાડ, કુચેષ્ટાઓ અને યૌનશોષણની વાતો વાંચીને અમેરિકામાં જબરજસ્ત લોકજુવાળ ફાટી નીકળ્યો હતો.

કેથીએ લખ્યું હતું કે પુરુષ અફસરો મહિલા પ્રવાસીઓને ચેક કરવાનો દુરાગ્રહ સેવતા હતા અને ધાયું ન થાય તો કલાકો નહીં પરંતુ દિવસો એરપોર્ટના વેરહાઉસમાં અશ્વેત પ્રવાસીઓને ગોંધી રાખતા હતા. આ પુસ્તકના અહેવાલોના ઘેરા પ્રત્યાઘાતો ઠેર ઠેર પડ્યા. અમેરિકાએ એરપોર્ટ સિક્યોરિટી અને મહિલાઓની તપાસના કાયદા સુધાર્યા અને અશ્વેત પ્રવાસીઓને પડતી હાલાકીઓ દૂર થઈ.

વ્હીસલ બ્લોઅર શબ્દની સરળ વ્યાખ્યા શું છે? જ્યાં પણ અનિષ્ટ થતું હોય ત્યાં માનવતાના હિતમાં અવાજ ઉઠાવનારો, સીટી બજાવીને સમાજને જગાડનારો જવાંમર્દ એટલે વ્હીસલ બ્લોઅર. આ શબ્દ મૂળ બ્રિટનમાંથી આવ્યો છે. બ્રિટિશ પોલીસ રાતે કોઈ પણ અણધારી બાબત જુએ એટલે વ્હીસલ વગાડતી, પરિણામે વ્હીસલ બ્લોઅર શબ્દ પ્રયોજાયો અને પ્રચલિત બન્યો. અમેરિકામાં વ્હીસલ બ્લોઅરને પ્રજા હીરો માને છે અને સરકાર પણ વિલન ગણતી નથી. અમેરિકાની સરકારે વ્હીસલ બ્લોઅરને પ્રોટેકશન આપવાનો કાયદો ઘડ્યો છે એટલું જ નહીં ખાનગી અને જાહેરક્ષેત્રનાં તમામ એકમો સાચી લડત આપનારા વ્હીસલ બ્લોઅર્સની કદર કરે છે.

ભારતમાં વ્હીસલ બ્લોઅરની કમી નથી પરંતુ સવાલ તેમની સુરક્ષાનો છે. મનમોહન સરકાર પણ ભારતીય વ્હીસલ બ્લોઅરને સુરક્ષા આપવા કાયદો ઘડી રહી છે. સરકારી તંત્રમાં રહી ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સામે લડનારા અનેક વ્હીસલ બ્લોઅર્સને ભારતીય પ્રજાએ ખૂબ માન સન્માન આપ્યું છે. ટીએન શેષાને ચૂંટણીપંચમાં, કિરણ બેદીએ પોલીસતંત્રમાં જેલ અને ટ્રાફિકક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું છે. એન. વિટ્ટલે ભ્રષ્ટાચાર સામે જોરદાર ઝુંબેશ છેડી હતી. ગોવિંદ રાધો ખૈરનારે મુંબઈમાં દાઉદની ગેરકાયદેસર ઇમારતો તોડી હતી. આવાં અનેક ઉદાહરણો છે.

પરંતુ આ તમામ અધિકારીઓ પાસે સરકારી સુરક્ષા હતી. સરકારી સહાય વિના લડનારા વ્હીસલ બ્લોઅરનો કરુણ અંજામ આપણે જોયો છે. દક્ષિણ ગુજરાતમાં મરોલી પોર્ટ સામે ઝુંબેશ ચલાવતા કર્નલ સાવેને પોલીસે બેરહમીથી માર્યા એટલું જ નહીં મારી નાંખ્યા. સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં ભૂમાફિયા અને ગેરકાયદે માઇનિંગ સામે લડત ચલાવતા અમિત જેઠવાની હાઈકોર્ટના આંગણમાં જ હત્યા થઈ ગઈ. આઈઆઈએમનો ગ્રેજ્યુએટ અને ઇન્ડિયન ઓઇલ કંપનીનો મેનેજર એસ. મંજુનાથે ઉત્તરપ્રદેશમાં પેટ્રોલપંપમાં ભેળસેળ સામે ઝુંબેશ ચલાવી તો પંપના માલિકે છ ગોળી મારી હત્યા કરી નાંખી.

મુંબઈના કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટે રાષ્ટ્રપતિ કલામને ઇ-મેલ મોકલી મુંબઈ એરપોર્ટ પર ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદ કરી તો ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરાઈ. સગા ભાઈની હત્યા થઈ. અલબત્ત વિજય 'બહાદુર' થઈ લડ્યા પરંતુ આઈઆઈટીના ગ્રેજ્યુએટ સત્યેન્દ્ર દુબેએ વડાપ્રધાન વાજપેયીને પત્ર લખી સુવર્ણ ચતુષ્કોણ હાઇવે યોજનાના ભ્રષ્ટાચારની વાત કરી તો થોડા દિવસોમાં દુબેની પણ હત્યા થઈ ગઈ.

ભારતમાં આજની તારીખે કોમનવેલ્થ ગેમ્સ સામે ગોકીરો મચાવી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનાર મણશિંકર ઐયર સાચા અર્થમાં વ્હીસલ બ્લોઅર બન્યા છે. આપણે પણ જ્યાં અનિષ્ટ દેખાય ત્યાં સીટી વગાડીને પ્રજાને જગાડી શકીએ? અજમાવી જુઓ? ભ્રષ્ટાચાર સિવાય કાંઈ ગુમાવવાનો વારો નહી આવે!
પોઇન્ટ ઓફ વ્યૂ

કૈસે આકાશ મેં સુરાખ નહીં હો સકતા? એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં-દુષ્યંતકુમાર

પોઈન્ટ ઓફ ઓર્ડર,અજય ઉમટ

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...