[F4AG] જિંદગી શતરંજ છે, રમવી પડે, ખોઇને તું મેળવીને ખોઇ લે

 

જિંદગી શતરંજ છે, રમવી પડે, ખોઇને તું મેળવીને ખોઇ લે

Source: Doctor ni Diary, Dr. Sharad Thakar   
   
 
 
દુ:ખનો પહાડ તૂટી પડે ત્યારે જ માણસ આત્મહત્યા કરે છે. આ ફૂલ જેવી છોકરીને એવું તે શું દુ:ખ પડ્યું હશે કે એણે દુનિયાને અલવિદા કહી દેવાનું પસંદ કરવું પડ્યું?!

પૂરા મેડિકલ કેમ્પસમાં સન્નાટો છવાઇ ગયો. પહેલાં સન્નાટો અને પછી કળ વળી ત્યારે હાહાકાર. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની સામેની બાજુએ માંડ બે મિનિટ જેટલું ચાલો ત્યાં આયુર્વેદિક કોલેજ આવેલી છે. ગુજરાતની સૌથી મોટી આયુર્વેદિક કોલેજ. ત્યાં ત્રીજા વરસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. નામ એનું પારિજાત પંડ્યા.

પારિજાત મૂળ જામનગરની વતની ન હતી. બહારગામથી ભણવા માટે ધન્વંતરિ મંદિરમાં આવી હતી. ગળાફાંસો એણે પોતાના ઘરે એટલે કે બહારગામ ખાધો હતો. એમાં અપમૃત્યુના સમાચાર પવનની પાંખ ઉપર સવાર થઇને સૌથી પહેલાં એની કોલેજમાં અને પછી અમારા કેમ્પસમાં ફરી વળ્યા.
પારિજાત સુંદર હતી. પારિજાતના ફૂલ જેવી સુંદર અને મનમોહક. ક્યારેક એની બહેનપણીઓને મળવા માટે અમારા કેમ્પસમાં આવતી રહેતી હતી. એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતાં અસંખ્ય તબીબી વિદ્યાર્થીઓની નજરમાં પારિજાતની 'એનેટોમી' વસી ગઇ હતી. કેવી રીતે અને ક્યારે એના કાનમાં વાત નાખવી એની જ વિમાસણમાં ભાવિ ડોક્ટરો સમય બરબાદ કરી રહ્યા હતા, ત્યાં જ હૃદયને પળવાર પૂરતું થંભાવી દે તેવા સમાચાર આવ્યા, 'પારિજાત હવે આ દુનિયામાં નથી. એણે જાતે જ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.'
દુ:ખનો પહાડ તૂટી પડે ત્યારે જ માણસ આત્મહત્યા કરે છે. આ ફૂલ જેવી છોકરીને આટલી ઉંમરે એવું તે શું દુ:ખ પડ્યું હશે કે એણે આ સ્વપિ્નલ દુનિયાને અકાળે અલવિદા કહી દેવાનું પસંદ કરવું પડ્યું?!

જૂની જર્જરિત દીવાલમાંથી વરસાદી ભેજ ઝમે એમ સવાલ ઝમતા રહ્યા. હું ત્યારે સેકન્ડ એમ.બી.બી.એસ.માં ભણતો હતો. પ્રકૃતિએ હું ત્યારે પણ સ્વપ્નસેવી હતો. મારા સંવેદનશીલ મનમાં જે છોકરીને મેં ફક્ત જોયેલી જ હતી એના કાલ્પનિક ભવિષ્યનો નકશો રચાઇ રહ્યો: પારિજાત અવશ્ય કોઇ ડોક્ટર સાથે પરણી શકી હોત. એનો પતિ ફિઝિશિયન કે સર્જન બન્યો હોત. પારિજાત પોતાનાં પતિના પ્રાઇવેટ નર્સિંગ હોમમાં આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે સેવાઓ આપી શકી હોત. અથવા તો એની પોતાની શુદ્ધ આયુર્વેદિક પ્રેક્ટિસ શરૂ કરી શકી હોત. દસ-પંદર વરસના પરસેવા પછી એમની પાસે એ બધું જ હોત જેની કોઇ છોકરીએ કામના કરી હોય, ચાંદીનું ખેતર અને સોનાનો વરસાદ હોત! દેવના દીધેલાં બે-ત્રણ બાળકો પણ હોત...! તો પછી શા માટે એણે...?

બાકીના બધા સવાલો અનુત્તર રહી ગયા. પણ છેલ્લી શક્યતાનો જવાબ બે-ચાર દિવસમાં જ મળી ગયો. પારિજાતની રૂમ પાર્ટનર છોકરી પાસેથી માહિતી 'લીક' થઇ કે પારિજાતે એટલા માટે આત્મહત્યા કરી હતી કે થોડાક દિવસ અગાઉ એને ખબર પડી હતી કે એ ક્યારેય 'મા' બની શકે તેમ નથી. કોઇ સામાન્ય શારીરિક તકલીફ માટે એ લેડી ડોક્ટર પાસે ગઇ હતી. ત્યાં એક કલાકની પૂછપરછ અને પંદર પ્રકારનાં પરીક્ષણો પછી લેડી ડોક્ટરે એને નિદાન જણાવ્યું, 'બહેન, તું સંપૂર્ણ સ્ત્રી નથી. તારા શરીરમાં કેટલાક પ્રજનનાંગો જોવા મળતા નથી. તું લગ્ન તો કરી શકીશ, તારા પતિને શરીરસુખ પણ આપી શકીશ, પણ તું ક્યારેય ગર્ભ ધારણ નહીં કરી શકે.'

હોસ્ટેલની રૂમમાં આવીને પારિજાત ચોધાર આંસુએ રડી પડી હતી. એની રૂમ પાર્ટનરે બહુ પૂછ્યું ત્યારે એણે ફોડ પાડ્યો હતો. બીજા દિવસે પારિજાત કોલેજમાં પણ ગેરહાજર હતી. પછીની સવારે એ પોતાના ઘરે ચાલી ગઇ હતી. અને પછી પારિજાતને બદલે એના સમાચાર જ આવ્યા હતા. પેલી કાવ્યપંક્તિની જેમ કાગડો બારીએ આવીને કહી ગયો કે હવે આવનારું કોઇ નથી.

પારિજાતની લખેલી સ્યુસાઇડ નોટ બોલતી હતી, 'વહાલા પપ્પા અને મમ્મી, હું જાઉં છું. મને માફ કરી દેજો. આવી ખંડિત જિંદગી હું જીવી નહીં શકું. મારી ક્ષતિ છુપાવીને હું કોઇની સાથે પરણી ન શકું અને મારી તકલીફ જાણ્યા પછી કોણ મારો સ્વીકાર કરે? મારો મુંઝારો હું જીરવી નથી શકતી માટે જ આ દુનિયા છોડી રહી છું. પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે આવતા જન્મે તમે જ મારા મમ્મી-પપ્પા બનો! અને એ વખતે હું સંપૂર્ણ સ્ત્રી તરીકે જન્મ પામું એ જ અપેક્ષા છે.'

પારિજાતનું ફૂલ કરમાઇ ગયાને વરસો થઇ ગયાં. કાળના અવિરત ધસમસતા પ્રવાહમાં અગણિત માણસો અને ઘટનાઓ ડાળી-ડાંખળા ને પાંદડાની જેમ તણાઇ જતા હોય છે અને પછી ભૂલાઇ જતા હોય છે. પારિજાત પણ ભૂલાઇ ગઇ.
હમણાં થોડાંક વરસો પહેલાં અચાનક જ પાછી એ યાદ આવી ગઇ. હું મારા કન્સલ્ટિંગ રૂમમાં બેઠો હતો. એક યુવતી આવી. મેં પૂછ્યું, 'પેશન્ટ તરીકે આવી છે કે મુલાકાતી તરીકે?'

'બંને રીતે.' એ હસી, 'મારું નામ લિપિ છે. કોલેજના અંતિમ વરસમાં ભણું છું. તમારી કલમની ચાહક છું...'
'તકલીફમાં શું છે એ જણાવ.' મેં એની વાત કાપી નાખી. છેલ્લા કેટલાક સમયથી હું અધ્યાત્મના પંથે વળી ગયો છું, કોઇ મારી હાજરીમાં મારી પ્રશંસા કરે તો એ મને વિષ સમાન લાગે છે. શક્ય હોય ત્યાં સુધી હું એને ટાળવાનો પ્રયત્ન કરું છું.
લિપિને મારા વર્તનથી એક નાનો ઝટકો લાગ્યો, પણ એણે તરત જ પોતાનું સંતુલન જાળવી લીધું, 'સર, આ ફાઇલમાં...' એ નીચું જોઇ ગઇ, 'તમે રિપોટ્ર્સ વાંચો એટલે બધું સમજાઇ જશે.'

ફાઇલના રિપોર્ટ્સ અમંગળ આગાહી અને કાળું ડિબાંગ ભવિષ્ય છુપાયેલા હતા. મેં ધ્યાનપૂર્વક આખી ફાઇલ વાંચી કાઢી. માથું ઊંચું કર્યું, તો સામે બેઠેલી હરીભરી ખુશમિજાજ લિપિની નજર મને વીંધી રહી હતી, 'શું લાગે છે તમને, સર? આ રિપોટ્ર્સ જે ડોક્ટરે કરાવ્યા એણે તો મને સમજાવ્યું છે, પણ મને તમારા વાક્યોમાં શ્રદ્ધા છે એટલે આવી છું.'

'બહેન, હું તો વચેટીયો છું, વિધાતાએ લખેલી ટપાલ તને વાંચી સંભળાવું. એમાં સહેજ પણ મીનમેખ કરવાનો મને અધિકાર નથી. તારા શરીરમાં અંડાશયો ગેરહાજર છે. ગભૉશય છે, પણ સાવ અવિકસિત હાલતમાં. એટલે તને અત્યાર સુધીમાં એક પણ વાર માસિકસ્રાવ આવ્યો નહીં હોય.' લપિીએ હકારમાં માથું હલાવ્યું. મેં વિધાતાનો લેખ આગળ વાંચ્યો, 'તું લગ્ન કરે તો તારા પતિને દામ્પત્યસુખ આપી શકશે, પણ સંતાનસુખ નહીં આપી શકે. પણ મારી વિનંતી છે કે તું હતાશ ન થઇશ. આ જિંદગીમાં જેટલાં દુ:ખો છે એના કરતાં વધારે સુખો છે. બી પોઝિટિવ.'

એક ક્ષણ માટે એની આંખોમાં હતાશા ઉપસી આવી, પછી તરત એનો રૂપાળો ચહેરો પાછો હસી પડ્યો, 'યસ, સર! મારું બ્લડ ગ્રૂપ બી નેગેટિવ છે, પણ મારો અભિગમ 'બી પોઝિટિવનો રહ્યો છે.' સ્ત્રીની જિંદગીનો એકમાત્ર મકસદ બચ્ચાં પેદા કરવાનો થોડો છે? અને બધાં જ સંપૂર્ણ સ્ત્રી-પુરુષો પરણે જ છે એવું પણ ક્યાં જોવા મળે છે? જે કુદરતે મને પેદા કરી છે એણે મારું જીવનકાર્ય પણ વિચારી જ રાખ્યું હશે. જો અટલ બિહારી બાજપેઇજી કે એ.પી.જે. કલામ સાહેબ જેવા મહાનુભાવો લગ્ન, સંસારસુખ અને સંતાનસુખ બાજુ પર મૂકીને સમાજ માટે આટલું મોટું કાર્ય કરી શક્યા તો હું મારી ક્ષમતા પ્રમાણેનું કંઇક તો કામ કરી શકીશને? જાઉં છું. રહી જિંદગી તો ફિર મિલેંગે. બાય...'

બે વરસ પછી એક સમારંભમાં લિપિ મળી ગઇ. ખુશ હતી. મને જોઇને ખુશખુશાલ બની ગઇ. મેં પૂછ્યું, 'શું કરે છે, લિપિ?'
એ હસી પડી, 'બસ, ભગવાને નિર્મેલું જીવનકાર્ય કરી રહી છું. હું પરણી ગઇ છું. પેલા રહ્યા મારા હસબન્ડ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એમનાં લગ્ન પહેલાં હતા, પણ પહેલી પ્રસૂતિમાં જ દીકરાને જન્મ આપીને પત્ની મૃત્યુ પામી. અશેષને બીજું સંતાન જોઇતું ન હતું. અમે મળ્યાં. વાત થઇ. એણે પૂછ્યું, 'મારા દીકરાની મા થઇ શકીશ?' મેં કહ્યું-' હા, અને તારા માટે કાર્યેષુ મંત્રી, ભોજયેષુ માતા અને શયનેષુ રંભા પણ થઇ શકીશ. અમે પરણી ગયાં.' ત્યાં જ એક દોઢેક વરસનો ટેણીયો દોડતો આવીને લિપિને વળગી પડ્યો. લિપિએ એને ચુંબનોના વરસાદથી ભીંજવી દીધો.
અને મને પારિજાત સાંભરી ગઇ. અનાયાસ બોલી જવાયું, 'કોણે કહ્યું કે મા બનવા માટે ગભૉશયનું હોવું ફરજિયાત છે? એ માટે તો મનમાં માતૃત્વની લાગણી હોવી જ પર્યાપ્ત છે.''

(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)

ડોકટરની ડાયરી, ડૉ. શરદ ઠાકર

drsharadthaker@yahoo.com

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...