[F4AG] કાગળની ભૂખમાં કપાતાં હજારો વૃક્ષો

 

કાગળની ભૂખમાં કપાતાં હજારો વૃક્ષો

Source: Aas pass, Kanti Bhatt   
   
 
 
પેપરલેસ ઓફિસની માત્ર વાતો છે, કાગળનો વપરાશ ઘટ્યો નથી

એડવીન ટિલ નામના પર્યાવરણવાદીએ ખરખરો કરેલો કે જગતનાં હજારો વૃક્ષોએ આ અખબાર તમે વાંચો છો તે માટે પોતાના જાન આપ્યા છે અને ત્યારે જ ન્યુઝપ્રિન્ટ બની છે. ટેલિવિઝનથી માંડીને હવે ઇન્ટરનેટ,પુસ્તક અને અખબારના દુશ્મન બનેલા છે, પણ આપણે ધારતા હતા તેમ અખબારો નિવાર્ય બની જશે તેવું બન્યું નથી. એવું મનાતું હતું કે ઇન્ટરનેટ આવતાં અખબારની જરૂર નહીં પડે અને કાગળનો વપરાશ સાવ ઓછો થઈ જશે અને વૃક્ષો માટે એ સારા સમાચાર છે. તેમ પણ માનવા લાગ્યા 'બસ હવે પેપરલેસ-ઓફિસ આવશે કારણ કે ટેક્નોલોજીએ કાગળને નિવાર્ય બનાવેલ છે... પણ એવું કાંઈ બન્યું નથી. લંડનના 'ધ ઈકોનોમિસ્ટે' ૧૯૯૮માં જ કહેલું કે છેલ્લાં ૧૦ વર્ષમાં લખવા અને છાપવા માટેના કાગળની માગ ઉલટાની ૬૫ ટકા વધી છે.

ઇજિપ્તના કીમિયાગરોએ પેપીરસ વૃક્ષની અંદરની છાલ કાઢીને તેમાંથી ૫૦૦૦ વર્ષ પહેલાં લખવાનો 'કાગળ' બનાવ્યો પણ પેપીરસ દરેક સ્થળે ઊગતાં નહોતા. ઘણા દેશોમાં પ્રાણીની ખાલ ઉપર રેકોર્ડ રખાતા. આજનો કાગળ શોધનારો ચીનો હતો. ત્સાઈ લુન નામના ચીની શહેનશાહના એક હીજડાએ પેપર બનાવી કાઢ્યો પણ એ કાગળ ટકાઉ ન બન્યો. કાગળ પોતે આત્મઘાતી છે. તેની અંદરનો એસિડ કાળક્રમે કાગળને ખાઈ જાય છે.

આજે ઇન્ટરનેટ છતાં અખબારો અને તે રીતે તે માટેના કાગળો જેને ન્યુઝપ્રિન્ટ કહે છે તેની માગ કૂદકે ને ભૂસકે વધે છે. ૧૯૯૬માં ઇન્ટરનેટ આવ્યું પછી હ્યુલેટ પેકાર્ડના અંદાજ મુજબ અમેરિકામાં ૮૬૦ અબજ જેટલા ફેક્સ મશીનના પેપર કે કમ્પ્યુટરના પ્રિન્ટર પર કાગળ વપરાતા. ઉપરાંત લાખો પછી કરોડો ઇ-મેલની આજે આપ-લે થાય છે. મારી પાસે જગતભરની ન્યુઝપ્રિન્ટના વપરાશના ત્રણ વર્ષ પહેલાંના આંકડા છે. લગભગ ૩.૭૨ કરોડ ટન ન્યુઝપ્રિન્ટ પર અખબારો છપાય છે તેમ મોન્ટ્રિયલ (કેનેડા) ખાતેની પલ્પ એન્ડ પેપર પ્રોડ્કટ કાઉન્સિલ કહે છે. જોકે અંગ્રેજો-અમેરિકનો હવે છાપાં ઓછાં ખરીદે છે, પણ ભારતમાં ઇન્ટરનેટ કહો કે કંઈ પણ કહો ન્યુઝપ્રિન્ટની માગ ખૂબ વધી છે. ચીનમાં ન્યુઝપ્રિન્ટની ડિમાન્ડ ડબલ થઈને ૩૨ લાખ ટન થઈ છે.

રોજ સવારે તમે અખબારો ઉઘાડો છો તે ભારતમાં કુલ્લે ૧૦ લાખ ટન કાગળ ખાઈ જાય છે. એક ટનનો ભાવ એક જમાનામાં રૂ. ૨૩૦૦૦ હતો આજે આસમાને છે.'વર્લ્ડવોચ'નામના દ્રિમાસિકે લખ્યું છે કે માનવીની કાગળની ભૂખને મટાડવા દર વર્ષે અબજો વૃક્ષો કપાય છે અને અબજો નવા રોપાય છે. ભારત દેશમાં ૯૦ વર્ષ પહેલાં બે કાગળમિલો હતી. આજે ૭૦થી વધુ ન્યુઝપ્રિન્ટ પેદા કરતી મિલો છે છતાંય ન્યુઝપ્રિન્ટ આયાત કરવા પડે છે. તે પણ મોંઘા ભાવે.

આજે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા એ બે દેશો સૌથી વધુ યુકેલિપ્ટસનાં વૃક્ષ વાવે છે. તેનું તેલ અને પછી તેના મેંદામાંથી (પેપરપલ્પ) આપણને કાગળ મળે છે. આજે કાગળનો માવો-મેંદો પેદા કરવાની મોટી મિલ સ્થાપવી હોય ત્યાં જ રૂ. ૫૦૦૦ કરોડની મૂડીની જરૂર પડે. પછી આજુબાજુ જંગલ હોવાં જોઈએ. તમે કલ્પના કરો કે ૧૯૯૭માં એક ટન કાગળનો માવો તૈયાર કરવાનો ખર્ચ જ ટન દીઠ રૂ. ૨૩૦૦૦ આવતો હતો. મોટે ભાગે ઘણી સરકારો ન્યુઝપ્રિન્ટની આયાતમાં સબસિડી આપે છે.

આખું જગત આજે આખાને આખા ગુજરાતની જમીનમાં ઊગે તેટલાં જંગલના કાગળો ખાઈ જાય છે. એક નાનકડા બ્રાઝિલના પ્રાંતમાં નવું કાગળનું કારખાનું નાખવા અને તેના કાગળ માટે વૃક્ષો રોપવા ૭૦૦૦ કુટુંબોને ખસેડવાં પડે છે. જાપાન તો ન્યુઝપ્રિન્ટનું રાક્ષસ છે. તેણે હવાઈ ટાપુમાં ૧૦,૦૦૦ હેકટર જમીન કાગળ માટેની શેરડી કે બીજાં વૃક્ષો ઉગાડવા ૫૦ વર્ષની લીઝ પર લીધી છે. 'ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન' નામની વિશ્વ સંસ્થા કહે છે કે ૨૦૧૦ના અંતે જગતની ન્યુઝપિ્રન્ટની જરૂરિયાત પૂરી કરવા ૯ કરોડ હેકટર જેટલી ખેતીવાડીમાં પાક-અનાજ-કઠોળ ઉગાડતી જમીન ન્યુઝપ્રિન્ટ માટે જોઈશે. એટલે કે લગભગ ૨૨ કરોડ એકર જમીન જોઈએ!

એક કાગળમિલ માટે ૧૦,૦૦૦ હેકટરનો પેપરપલ્પ તૈયાર કરવો હોય તો ફક્ત ૬૦ને જ નોકરી મળે છે પણ એ જમીનને પેપરપલ્પ માટેની ખેતીને બદલે રૂઢિગત ખેતી થતી જાય તો ૪૦૦૦ લોકોને રોજી મળે છે. વળી કાગળ માટે જે પ્લાન્ટેશન ઊભા થાય છે તેમાં વધુ ને વધુ વૃક્ષો ઉગાડવા અને તગડાં વૃક્ષો ઉગાડવા જંગી માત્રામાં ખાતર વપરાય છે. ન્યુઝીલેન્ડના પ્લાન્ટેશન મેનેજરે 'વર્લ્ડવોચ'ના લેખક એશલી માટુનને કહ્યું કે પેપર માટે જંગલમાં અમે જુદા જુદા ૩૦ જાતના પેસ્ટિસાઈડ્ઝ અને ઝેરી પ્રકારનાં રસાયણો વાપરીએ છીએ.

પેસ્ટિસાઈડ્ઝ હેલિકોપ્ટરમાંથી છંટાય છે એનાથી કાગળ માટેનાં જંગલો આજુબાજુની ખેતીની જમીન પણ ત્રીસ પ્રકારના ઝેરી પેસ્ટિસાઈડ્ઝથી બગડે છે. જંક ફૂડ કે કોલાનાં પીણાં ખાઈને આપણે શરીરની પત્તર ખાંડીએ છીએ ત્યાં અખબાર માટે વિનાશક જંગલો ઉગાડાય તેની ચિંતા કોણ કરે? તમે વાંચેલું અખબાર કે બીજી કાગળની ચીજો પસ્તીમાં જાય પછી રિસાઈકલ થાય છે. નવા કાગળ ૩૬ ટકા જેટલા રિસાઈકલ હોય છે છતાં નવા કાગળમાં બેફામ જંગલ કપાય છે.

જાહેરખબરોથી મેગેઝિનોના પાનાં ભરાય તે કોઈને ગમતું નથી પણ જાહેરખબરોથી જ આજનાં મેગેઝિનો જીવે છે. ટી.વી.ના પત્રકારો અને શેઠિયાઓ જાહેરખબરથી જ જીવે છે. ૨૦૦૮માં મેગેઝિનોને ભારતમાં રૂ. ૧૫૦૦ કરોડની જાહેરખબરો મળેલી પણ તેમાં મોટો હિસ્સો અંગ્રેજી મેગેઝિનો પડાવી જાય છે. જાહેરખબર વગર અમેરિકામાં ડઝનબંધ મેગેઝિનો જીવે છે. ભારતમાં 'કુમાર' કે 'મિલાપ' જેવાં પ્રબુદ્ધ મેગેઝિનો જીવતાં નથી.

અમેરિકાના ગૌપાલકો ગાયોને પસ્તી ખવરાવે છે! ઢોરના ખાણમાં પસ્તીના ટુકડા ભેળવ્યા તે પછી ગાયોએ વધુ દૂધ આપેલું! પરંતુ રંગીન અખબારો ગાય ખાતી નથી. બીજી રસપ્રદ વાત જાણવા જેવી છે કે વેસ્ટઇન્ડિઝ અને કેટલાક બ્રિટિશ ટાપુમાં અખબારની પસ્તીમાંથી સિગારેટ બનાવાય છે. લંડનના ટાઈમ્સમાંથી બનેલી સિગારેટ લોકપ્રિય છે! પ્રતિજ્ઞા લો કે માગીને છાપું નહીં વાંચો.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...