દેશ તો સ્વતંત્ર થઈ ગયો પણ બીજી એવી અનેક બાબતો છે, જેનાથી મુક્ત થવા વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. આવો, એ વિશે વિચારીએ.ભણતરનો ભાર: ઘણી મમ્મીઓને એવો ડર હોય છે કે 'મારું છોકરું ભણતરમાં ઝાઝું નહીં ઉકાળે તો આગળ એનું શું થશે?' આ ડર તો ચાલો, હજુ પણ સમજી શકાય તેવો છે પણ કેટલીક મમ્મીઓ તો ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કયું એ ટાઈપની ઇષ્ર્યાની મારી એવું વિચારે કે પડોસન કા બચ્ચા મેરે બરચે સે પઢાઈ મેં આગે? અરે ભઈ, આગે કે પીછે, એમાં કયું મોટું આભ તૂટી પડવાનું છે? અમુક વિષયમાં સારા પણ બીજા કેટલાક વિષયમાં ઓછા માર્ક્સ આવે ત્યારે બાણાવળી અર્જુનની એમ કહીને ધૂળ કાઢી નાખવામાં આવે કે તીરંદાજી તો સમજયા, ગદા ચલાવવામાં તું ગધો છે. અને ભીમને એમ કહીને ઉતારી પાડવામાં આવે કે ગદા એકસપર્ટ હોવું પૂરતું નથી, બાણ ચલાવવામાં તું ડોબો છે.
પણ તેથી શું થઈ ગયું? બધા છોકરાઉં બધા વિષયમાં એકસપર્ટ હોય એ જરૂરી છે? બધા વિષય છોડો, શહેનશાહ જલાલુદ્દીન મહંમદ અકબર સંપૂર્ણપણે અભણ હતો છતાં, એ એના જમાનામાં વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યનો શહેનશાહ બન્યો.
અફઘાનિસ્તાનમાં કાકાઓ પાસે ઊછરનાર અકબરને 'બાલમંદિર'માં બેસાડવાની વિધિ અને દિવસ નક્કી કરવામાં આવેલાં, પણ એ ભાઈસાહેબ ભારે રોકકળ અને ગોકીરો કરીને ધરાર એ દિવસે ભણવા ન બેઠા તે ન જ બેઠા. છેવટે એ જે કંઈ થોડુંઘણું શીખે એ માટે ખાસ શિક્ષકનું 'ટયુશન' રાખવામાં આવ્યું ત્યારે અકબર પોતે તો સહેજ પણ અક્ષરજ્ઞાન ન શીખ્યો પણ પેલા શિક્ષકને કબૂતરબાજી (કબૂતરોની સ્પર્ધાની એક રમત)નો આજીવન ચસકો લગાડી દીધો હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે. અકબરના દાદા બાબર શાસક ઉપરાંત લેખક પણ હતા, જેમણે બાબરનામા નામે આત્મકથા લખેલી.
પપ્પા હુમાયૂં ભારે પુસ્તકપ્રેમી હતા અને પુસ્તકાલયની સીડી પરથી પડી જવાને કારણે મૃત્યુ પામેલા પણ અકબર માટે આખી જિંદગી કાળા અક્ષર ભેંશ બરાબર જ રહ્યા. તેમ છતાં, પપ્પા અને દાદા કરતાં એ ઘણો વધારે સફળ રહ્યો. અકબરે નિશાળની કોઈ પરીક્ષા નહોતી આપી છતાં જીવનની પરીક્ષામાં એણે એટલો ઊજળો દેખાવ કર્યોકે આજે એના મૃત્યુનાં ૪૦૫ વર્ષ પછી પણ એના વિશેના સવાલો પરીક્ષામાં પુછાય છે.
નજીકના ભૂતકાળની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી બ્રિટનમાં હજાર કોશિશો છતાં ડિગ્રીની પરીક્ષાઓ પાસ ન કરી શકયાં. ઝી ટીવીના માલિક સુભાષચંદ્ર ગોયલે હાઈ સ્કૂલમાં જ ભણતર પડતું મેલેલું. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી અને આજની તારીખમાં દુનિયાનો સૌથી અમીર એવો બિલ ગેટ્સ... એમણે ભણતર અધૂરું છોડેલું. એ કયાં સુધી ભણેલા એ સવાલનો જવાબ હે પ્રિય વાલીઓ, તમે જાતે શોધી લેજો. જાઓ, એ તમારું હોમ વર્ક છે.
રહી વાત પરીક્ષાની. પરીક્ષાઓ સાથે પનારો પાડવાની સાચી રીત એક જ હોઈ શકે કે એમાં વધુમાં વધુ માકર્સ મેળવવાની કોશિશ દિલથી કરવી પણ ડરવું જરાય નહીં. આમેય ભગવાન કòષ્ણ કહી ગયા છે: કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચન્. અંતિમ સત્ય એ જ છે કે પરીક્ષાનું રિઝલ્ટ એ કંઈ જીવતરનો અંતિમ ચુકાદો નથી. પરીક્ષાઓ તો જીવનની પા પા પગલી છે. એમાં ક્યારેક ભપ્પ થઈ પણ જવાય. એનાથી કોઈ મોટો ફરક નથી પડી જતો. ખરી રેસ તો ભણી લીધા પછી શરૂ થાય છે. ત્યારે જો જીતા વો હી સિકંદર.
મુકદ્દમા: ચોતરફ મુકદ્દમા ચાલે છે. પત્ની પર પતિ મુકદ્દમો ચલાવે: 'તને શાક બનાવતાં આવડતું નથી.' પત્ની પતિ પર મુકદ્દમો ચલાવે: 'બાજુવાળા મારુતિથી હોન્ડા સિટી સુધી પહોંરયા. તમે હજુ ફટફટિયામાંથી ઊંચા નથી આવતા.' સૌથી વધુ મુકદ્દમા તો આપણે પોતે જ આપણી જાત પર ચલાવતા હોઈએ છીએ. સ્ત્રી જરાક ભરાવદાર થાય એટલે મરવા પડેલી દુકાળગ્રસ્ત સ્ત્રી જેવું ફિગર ધરાવતી મોડેલોના ફોટા જોઈને એ પોતાની જાત પર મુકદ્દમો ચલાવે: 'હજાર વાર કહ્યું કે ખાવામાં ઘ્યાન રાખ... રોજ સવારે ચાલવા જા... જિમમાં જઈને એક્સરસાઈઝ કર પણ તારી આળસ ઊડે તોને!' પછી આળસ ઊડે નહીં ને વજન ઊતરે નહીં. મુકદ્દમો ચાલતો જ રહે. મુંબઈમાં રહેતા સ્વિડિશ નાગરિક જોન સેલિનની પત્નીનું કહેવું છે કે એનો વર શરાબ છોડી ન શકવા બાબતે એટલો હતાશ થયો કે એણે કાંડાની નસ કાપીને આપઘાત કર્યો. મનોમન જજ જોને આરોપી જોનને ચુકાદો આપી દીધો:
'તું શરાબ ન છોડી શકતો હોય તો તારે મરી જવું જોઈએ.' આપણે બધા જ આરોપીના કઠેડામાં છીએ, અને આપણે બધા જજની ભૂમિકાઓમાં પણ છીએ. આપણે ઉપરવાળાને પણ આરોપી બનાવીને પૂછતા હોઈએ છીએ: દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ? કાહે કો (ઐસી) દુનિયા બનાઈ? ઉપરવાળો ચૂપ છે. એને માણસોની અદાલતમાં નથી બનવું જજ, નથી બનવું આરોપી. એની નીતિ સ્પષ્ટ છે: નીચેવાળા તો બોલ્યા કરે.
મુકદ્દમાબાજીથી મુક્તિ મેળવવી હોય તો, ઉપરવાળાની જેમ ન જજ બનવું, ન આરોપી. બસ, જીવો અને જીવવા દો. આપણે કોઈના જજ બનીને ચુકાદા આપવા નહીં, અને કોઈ જજ બનીને આપણને આરોપીના કઠેડામાં ઊભા રાખીને કંઈ સંભળાવે તો એની વાત સાંભળ્યા વિના મનોમન ગાવું: લૂઝ કંટ્રોલ... ના કોઈ પઢનેવાલા... ના કોઈ સીખનેવાલા...
ભ્રષ્ટાચાર: સીધા રસ્તે પૈસા કમાઈને ઘર ચાલી જ ન શકે એ વાતમાં માલ નથી. સાચી લક્ષ્મીનાં જોરે જીવન ગુજારનારા લોકો આ દેશમાં ઓછા નથી. તાતાથી માંડીને મજૂરો સુધીના આ દેશના હજારો નહીં, લાખો-કરોડો લોકો સમ્યક આજીવિકા રળી જ રહ્યા છે. સવાલ ફકત બે જ છે: ૧) આવા લોકોની સંખ્યા વધે કઈ રીતે? ૨) આ રસ્તે ચાલી રહેલા લોકોનો પગ ભવિષ્યમાં કુંડાળામાં ન પડે એ માટે શું કરવું? બન્ને સવાલોનો એક જ જવાબ છે: મારે માથા પર હાથ રાખીને, મને સંભળાય એવા અવાજે બોલીને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે 'હું ખોટા રસ્તે પૈસા નહીં કમાઉં'. ચારે તરફ બેઈમાનો ફરી રહ્યા છે ત્યારે એક હું ઇમાનદાર બનું તેનાથી શું ફરક પડવાનો? આવા સવાલનો એક જ જવાબ હોઈ શકે: એક માણસ ઇમાનદાર બને છે ત્યારે દુનિયામાંથી કમસે કમ એક બેઇમાન તો ઘટે છે.
ક્યાંક એક સુવાકય વાંચેલું કે બધાં પોતપોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખી દુનિયા સ્વચ્છ થઈ જાય. નેતાઓ અને અમલદારો પર ભ્રષ્ટાચારના આરોપ મુકાય એનાથી આપણે સ્વચ્છ નથી થઈ જતા. ઇસ હમામ મેં સબ નંગે હૈ અને હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈ એ બધી વાતો છે. સાચી હોય તો પણ કોરી, બિનજરૂરી વાતો. બીજાના એબ તરફ આંગળી ચીંધીને પોતે સ્વચ્છ હોવા વિશે મન મનાવવાની વાતો. આવી બધી વાતોથી કંઈ વળવાનું નથી અને ભલભલી સજા કે ભલભલા મસીહા પણ ભ્રષ્ટાચારને નાથવામાં ઝાઝું ઉકાળી શકશે નહીં. ભ્રષ્ટાચારનો મુકાબલો કરવાની દિશામાં નક્કર કામ ફક્ત એક જ વ્યક્તિ કરી શકે તેમ છે. તે વ્યક્તિ કોણ એ જાણવા માટે થાવ ઊભા અને જુઓ અરીસો.
સામાજિક કુસંપ: જો આ દેશમાં હિન્દુઓ, મુસ્લિમો, દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો મળીસંપીને રહેશે તો કોઈને ઊની આંચ નથી આવવાની અને જો બધાં ઝઘડતા રહેશે તો સૌનું આવી બનવાનું છે. આ વાત ત્રીજા ધોરણના બાળકને તો આસાનીથી સમજાવી શકાય પણ જેની ધાર્મિક, સામાજિક, આર્થિક ઓળખ જડ બની ચૂકી છે એવા બરડ પુખ્તોને આખી સિચ્યુએશન સમજાવવી હોય તો કદાચ આ રીતે સમજાવી શકાય: એક મકાન છે. એનું નામ છે ભારતઘર. એમાં છ સભ્યો છે.
એકનું નામ છે સવર્ણ હિન્દુ, બીજાનું નામ છે મુસ્લિમ, ત્રીજાનું નામ છે દલિત-આદિવાસી, ચોથા અને પાંચમાનું નામ એક જ છે- ઓબીસી (અન્ય પછાત વર્ગ) અને છઠ્ઠાનું નામ છે અન્ય લઘુમતી (શીખ-ખ્રિસ્તી વગેરે). હવે આ છ જણ શાંતિથી, સમજીને રહેશે તો પરિવારમાં સુખ-શાંતિ-આબાદી રહેશે. બાકી, વાતેવાતે બાંયો ચઢાવવાથી, બૂમબરાડા પાડવાથી, મારામારી કરવાથી શું થશે? એ જ કે મહામહેનતે સ્વતંત્ર બનેલો ભારત દેશ કોમવાદ, પ્રાંતવાદ, વર્ણવાદ, ભાષાવાદને લીધે નબળો પડશે અને ફિલ્મ 'મમતા'નું પેલું ગીત ગાશે: ઠોકર ના લગાના, હમ ખુદ હૈ ગિરતી હુઈ દીવારોં કી તરહ...
આમ પણ, સબ કા માલિક એક હોય તો આપસમાં ધિક્કાર શા માટે? કોઈને ધિક્કારવામાં અંદરખાને મીઠી મજા શા માટે આવે છે? અમુક સંજોગોમાં અમુક વ્યક્તિ કે જુથ સામે લડવું જ પડે તો સામેની પાર્ટીને ધિક્કાર્યા વિના સ્વસ્થ લડત કઈ રીતે આપી શકાય? જેનાં રીત-ભાત, અભિપ્રાયો, પસંદગીઓ આપણાથી જુદાં હોય એવા લોકો (ઇવન પરિવારજનો)ને ધિક્કાર્યા વિના એમની સાથે શાંતિથી જીવવું કઈ રીતે? આ બધા સવાલોના જવાબો શોધવા સહેલા નથી, પણ કોશિશ કરવામાં શું ખોટું છે? આમ પણ, મરતાં પહેલાં કોશિશ સિવાય આપણે બીજું કરવાનું શું છે?
માનસિક અસુરક્ષા: સુરક્ષાની તીવ્ર ઇરછામાંથી અસુરક્ષિતતાની લાગણી જન્મે છે. અને અસુરક્ષાની લાગણીના પેટમાંથી ભય, ઇર્ષ્યા, હિંસા વગેરે જન્મે છે. એ ભય-ઇર્ષ્યા-હિંસા વકરે ત્યારે ફરી સુરક્ષા માટેનો રઘવાટ એકદમ બળવત્તર બને છે, અને સુરક્ષા માટેના રઘવાટમાંથી પાછી અસુરક્ષા જન્મે છે. આ ચક્ર તૂટે કઈ રીતે? પોતાની પૂંછડી મોઢામાં નાખતા સાપ જેવું આ વર્તુળ છે. જો સાપ પૂંછડી છોડી દે તો વર્તુળ વિખરાઈ જાય. સાપ પૂંછડી છોડે કઈ રીતે?
આ સવાલ વિશે ઊંડું વિચારતા એક એવો જવાબ સૂઝે કે માણસ જેટલો અસુરક્ષિત છે એટલો જ સુરક્ષિત પણ છે. કુદરત માણસને ગમે ત્યારે ખતમ કરી નાખે છે એ જ રીતે ખતમ કરતાં પહેલાં પ્રત્યેક પળે એની સુરક્ષાની સતત કાળજી પણ લે છે. જેમ કે, બાળક જન્મે કે તરત માના સ્તનમાંથી દૂધ હાજર થાય છે. આપણા શરીરમાં ઉપસ્થિત અબજો બેકટેરિયા શરીરને ખતમ ન કરી નાખે એટલા માટે કુદરતે ભલભલા શાકાહારીનાં શરીરમાં પણ બેકટેરિયાની મોટા પાયે હત્યા કરવાની જવાબદારી નિભાવતા શ્વેતકણો તથા એન્ટિજન-એન્ટિબોડીનું મિકેનિઝમ ગોઠવ્યું છે.
એ રીતે જોતાં કુદરત પળેપળ આપણને સુરક્ષિત રાખવામાં કોઈ કચાશ નથી છોડતી. પછી એનો મૂડ આવે ત્યારે આપણને પ્રાકૃતિક આફત વડે કે રોગ, અકસ્માત, હિંસા વગેરે કોઈ નિમિત્ત દ્વારા ઉઠાવી લે છે. મતલબ કે બે સરચાઈ થઈ. ૧) આપણે સાવ અસુરક્ષિત છીએ. ૨) કુદરતની છત્રછાયામાં આપણે પૂરેપૂરા સુરક્ષિત છીએ. આવી સાવ વિરોધી સરચાઈઓ વરચે માણસજાત જીવતી હતી, જીવે છે, જીવતી રહેશે – જ્યાં સુધી કુદરત એને જિવાડવા માગશે ત્યાં સુધી. એમાં થઈ શું શકે? કંઈ નહીં.
કેમ છો?,દીપક સોલિયામાટે, ડોન્ટ વરી, બી હેપી.
No comments:
Post a Comment