[F4AG] બાપુની ખાનદાની

 

બાપુની ખાનદાની

Source: Toran, Nanabhai Jebliya   
   
 
 
'આખું કુટુંબ કામ કરીને તૂટી ગયું, તંઇ બે કળશી જુવાર થઇ... છોકરાંની માંડ અરધા વરસની 'ચણ' થઇ છે. મારાં જણ્યાં ભૂખે મરે ને ઇ જુવાર લઇ જાય? કાચે કાચો ખાઇ જાઉં, ઇ પિટયાને...'

સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો... અને ખાખી પહેરવેશનો કોક અમલદાર ઘોડો દોડાવીને દૂર દૂર જતો રહ્યો! ઘટના બની મહુવા તાલુકાના બેલમપર ગામના સીમાડે...

'અરે, એ છોકરાંવ!' ખેતરમાં કામ કરતી ખેડૂતની ઘરવાળીએ ફાટતી આંખે એ જોયું અને છોકરાંઓને આંગળીએ વળગાડીને ખળા તરફ દોડી, 'અરે રામ! છોકરાંવ! તમારો બાપો પડી ગયો...' અને દૂર દૂર દોડે જતા ઘોડાની ઊડતી ખેપટ બાજુ રાતી આંખ કરીને પટલાણી ઊખળી ગઇ, 'ભમરાળો ઇ ફોજદાર ઘોડો લઇને આયો'તો, કાં તો મારથી... કાં તો બીકથી...!'

અને મુઢ્ઢીઓ વાળીને બાઇ ધણી પાસે આવી પહોંચી. ખળાની પાળીએ મૂકેલી ભંભલીમાંથી ટાઢું પાણી લઇને એણે પતિના માથા પર છાંટ્યું... પછી સાડલાના છેડાથી 'વાહર' નાંખ્યો...

'શું થયું?' થોડી વારે ધણીએ આંખ ઉઘાડી એટલે ઘરવાળી રૂંધાતા સાદે બોલી : 'કામ કરતા કરતા પડી કેમ ગયા?'

'ફેર ચડ્યા...!' આદમી હતાશ સ્વરે બોલ્યો: 'આંખે લીલાં પીળાં દેખાયાં...' બાઈ વળી પૂછી રહી : 'કોઇ દી'નૈ ને આજ શાનાં ફેર ચડ્યાં...?'

રોયો ફોજદાર એનો ઘોડો લઇને આવ્યો'તો, એણે જુવાર...માગી. આ ઢગલામાંથી અરધો અરધ...' ખેડૂતે જુવારના ઢગલા સામે જોયું... 'અરધો અરધ!' બાઇની આંખો રાતી થઇ : 'આ જમીન અને કૂવાનો ધણી તો ભાવનગરનો રાજા છે. ફોજદાર આવ્યો'તો કોસ હાંકવા?'

'પણ ઇ તો રાજના માણાંહ કહેવાય...' ખેડૂતે થોડો શ્વાસ ખાધો: 'મને કહે કે આમાંથી તારે અરધી જુવાર આપવી પડશે. કાલ બપોરે હું ગાડી લઇને ભરવા આવીશ.'

'ભરવા સોંતે આવશે? એની સારું?'

'ના. રાજ સારું. રાજ માગે છે....'

'રાજ માગે છે? રાજનો ધણી તો બાપુ કૃષ્ણકુમાર છે... ઇ આપણા જેવા ગરીબ પાસેથી જુવાર માગે? બાપુ કૃષ્ણકુમાર તો ધરમરાજાનો અવતાર છે. આ દુકાળમાં એણે ખેડૂતો, મજૂરોને ગદરવા માટે અન્નના અને નાણાંના ભંડાર ખુલ્લા મૂક્યા છે અને આપણી રાંકની જુવાર લ્યે?'

'ફોજદાર કહે છે...'

'બાઇએ દાંત કચકચાવ્યા.' એનું બટકું જાય...! રોયાનું...! બેલમપર ગામમાં આપણા એકના જ કૂવામાં પાણી હતું. ગામ આખાને પાયું અને વધ્યું એની જુવાર કરી... આખું કુટુંબ કામ કરીને તૂટી ગયું, તઇં બે કળશી જુવાર થઇ... છોકરાંની માંડ અરધા વરસની 'ચણ' થઇ છે...ઇ કાળમુખો જુવાર લેવા આવે તો ખરો? મારાં જણ્યાં ભૂખે મરે ને ઇ જુવાર લઇ જાય?' બાઇની બત્રીસી કણહળી: 'કાચે કાચો ખાઇ જાઉં,ઇ પિટયાને...'

'ધીમે બોલ્ય.'

'ધીમે શું કામ બોલું? ભાવનગરનો રાજા જાગતો રાજા છે... એની પાંહે જઇને રાવ કરીશ એટલે આખા રાજમાં સંભળાશે...' અને ગોપનાથ મહાદેવ તરફ હાથ લાંબો કરીને બાઇ બોલી: 'ગામના મુખી કેં'તાતા કે બાપુ કૃષ્ણકુમાર, ગોપનાથને બંગલે આવ્યા છે... હું ઇયાં જાશ... બાપુને મોઢેમોઢ વાત કરીશ.... તમે તો ફસકી ગયા...' બાઇએ હોઠ કાઢયા: 'સાવ મારી નણંદ જેવા થઇને ઊભા રિયા...!'

'વાંકાં બોલ્યમા... હું જ બાપુ પાસે જાઉં છું.' ખેડૂત હવે ચાનકે ચડ્યો...

'હા... જાવ...! બાપુ તો દયાળુ છે અને આપણાં જેવાં... ખેડુમજૂરની વાત સૌ પરથમ સાંભળે છે. હરમત રાખીને ઉપડો.... ભાવનગરના રાજા તો રૈયતના રખેવાળ છે... જરીકેય મૂંઝાયા વગર, તલેતલની વાત કરજયો...'

અને પળ પહેલાં હરેરીને હારણ થઇ ગયેલો કૃષક, કડેહાટ થઇ ગયો.

*****

ગોપનાથના દરિયા ઉપર ઊભું ઊભું મોંસૂંઝણું વિચારતું હતું કે ક્યાં થઇને હવે ઘરભેગા થવું? ઉષા તો હમણાં આવશે. 'બરાબર એ વેળાએ બંગલાની કેડી ઉપર ઊંચા ગજાનો, ગોરા, ઊજળા, રુઆબદાર ચહેરાનો એક આદમી, વહેલી પ્રભાતે ફરવા નીકળ્યો છે. હાથમાં સોનેરી મૂઠની લાકડી. માથા પર રૂંછાવાળી ટોપી અને લાંબી લાંબી ડાંફોથી આગળ વધે છે પણ એકાએક અટકી જાય છે... ફરવા જવાની કેડી ઉપર ખેડુ વરણનો એક આદમી, નધણિયાતી ગાંસડીની જેમ પડ્યાં જેવું બેઠો છે... ભળકડે ફરવા નીકળેલ આદમીનાં ચરણ રોકાઇ ગયાં... અને પેલાને ટપાર્યો...' કોણ બેઠો છે, ભાઇ?'

'હું...હું...' પેલા બેઠાડુ આદમીની જીભે લોચા વાળ્યા... એ કાંક કહેવા માગતો હતો પણ અંધારામાંય પ્રભાવક લાગતા આ આદમીને જોઇને ડરી ગયો...!

'હં... બોલ ભાઇ! મૂંઝાશમાં...' ફરવા જનારે ગરવાઇથી પૂછ્યું : 'અત્યારમાં અહીં કેમ બેઠો છે?'

'મારે બાપુને મળવું છે...'

'કૃષ્ણકુમારને?'

'હા બાપા!'

'કાંઇ કામ છે? ક્યાંથી આવ છ?'

'મહુવા પરગણાના બેલપર ગામથી... હું રાજનો ખેડુ છંવ... મારે બાપુને વાત કરવી છે...' ગાંસડી જેવો માણસ થોડો હરમતમાં આવ્યો: 'આખી રાત હાલ્યો તંઇ આય પોગ્યો. મેં સાંભળ્યું છે કે બાપુ બંગલે છે. હું અરજ કરવા આવ્યો છું...'

'ભલે ચાલ...' પેલા ફરવા જનારે પાછા પગ ઉપાડ્યા... ફરવાનું માંડી વાળ્યું...!

ખેડૂત થોડો ગભરાણો: 'ક્યાં લઇ જાશો!'

'બાપુ પાસે...' કદાવર જણ હસ્યો: 'તારે બાપુને મળવું છે ને?'

'હા, બાપા! બાપુ મળે તો ભારે કામ થાય. હું ક્યાંથી ઠેઠ આવ્યો છું?'

'બાપુ અહીં જ છે અને તને જરૂર મળશે...'

પેલા અજાણ્યા પ્રભાવક આદમીએ ખેડૂતને સાથે લીધો... બંગલાની પરસાળમાં આવીને એણે ફરવા જવાના બૂટ ઉતાર્યા... પછી બંગલાની અંદર જતાં જતાં કહ્યું : 'તું બેસજે હોં... બાપુ તને મળવા આવશે...'

'જાગ્યા હશે...?'

'હાસ્તો... બાપુ જાગતા જ રહે છે...'

'બેલમપરના ખેડૂતને હૈયે ટાઢક વળી. બેલમપરથી આંહી લગી પગ તોડ્યાય પરમાણ થયું...! હૈયે ભાવ ઉભરાયો. ઓહો... કેવા એના માણસો...! બચ્ચારો જીવ ફરવા જતો હતો ઇયેય મારી સારું થઇને બંધ રાખ્યું...! ઘરવાળી કહેતી હતી ઇ સોળ આના...! બાપુ તો દયાનો અવતાર જ હશે ને? નીકર રાજના આ માણાહ...! નથી મારી હાર્યે કાંઇ ઓળખાણ પાળખાણ છતાં મને સાથે લીધો. માનથી આંહી બેહાડ્યો...'

'બોલ ભાઇ!' ખેડૂતની વિચારમાળા તૂટી... જોયું તો ફરવા જનાર આદમી માથા પર સાફો મૂકીને, સામે આવીને ખુરશી પર બેઠો....

'તમે...!' ખેડુ વળી પાછો લોચો-પોચો થયો.

'હું કૃષ્ણકુમાર...! બોલ ભાઇ, શું વાત છે?'

'બાપુ! ફોજદાર...' અને કૃષક એકાએક ધ્રૂજવા માંડ્યો... હોઠ કોરા થઇ ગયા... કંપવા માંડ્યા...

'જો ભાઇ! કોઇ પણ જાતની બીક રાખ્યા વગર વાત કર... મૂંઝાશમાં....'

ખેડૂત ધ્રુસકે ધ્રુસકે રોઇ પડ્યો... અને રોતાં રોતાં એણે માંડીને વાત કરી... રાજવીનો ચહેરો તપેલા ત્રાંબા જેવો લાલ થયો અને વીર થઇને મહુવા તરફ મંડાયો... ટેબલ પરની ઘંટડી વગાડી... બંગલામાંથી સેક્રેટરી હાજર થયો... કોરો કાગળ અને કલમ મંગાવ્યાં અને પોતાના હાથે જ ફોજદારને દેખત કાગળે છુટ્ટો કરવાનો હુકમ લખ્યો... સહી કરી. રાજની મહોર લગાવી. અને સેક્રેટરીને આદેશ આપ્યો: 'આ ખેડૂતને આપણી ગાડીમાં બેસાડીને એની સાથે, એના ગામ જાઓ... વાતને ચકાસો અને પછી તુરત અમલ કરો...'

'જી...!'

'અને જુઓ, આમની વાડીએ જાજયો. ફોજદાર જુવાર લેવા આવશે જ. કદાચ વહેલા આવે તો રાહ જોશો. એને નોકરીમાંથી ફારેગ કર્યાનો આ હુકમ આપજો... રાજનો ઘોડો અને બેઇજ બકલ લઇ લેજયો...'

બપોર થવાને થોડી વાર હતી. બેલમપરની વાડીએ બાઇ અને છોકરાં ગોપનાથની દિશામાં જોઇને વિમાસતાં હતાં. એ જ વખતે ફોજદાર બળદગાડી લઇને આવ્યો...!

ફોજદાર કંઇપણ હુકમ કરે એ પહેલાં તો દૂર દૂરથી મોટર ગાજવાનો અવાજ આવ્યો... મોરલાં બોલ્યા. ધૂળના ગોટા ઊડ્યા અને જોતજોતામાં ખેતરો વટાવતી, આંકવા લેતી મોટરકાર વાડીના શેઢે આવીને ઊભી રહી...!

હરખઘેલો બનેલો ખેડૂત ઠેકડો મારીને ગાડીમાંથી ઊતર્યો. બૈરી અને છોકરાં હરખતી આંખે એને વીંટળાઇ વળ્યાં...!

રાજની ગાડી જોઇને ફોજદાર સાહેબના ડોળા છાશપાણી થઇ ગયા... હવે ભાગીને ક્યાં જવું! સાડાત્રણ કાંકરી ભેગી થઇ ગઇ'તી...!

'લો... ફોજદાર સાહેબ!' રાજના સેક્રેટરીએ મહારાજા સાહેબનો હુકમ ફોજદારને આપ્યો: 'ઘોડો અને બેઇજ બકલ સુપરત કરો... પછી ચાલતા થાઓ... ગરીબનાં હાંલ્લાં ફોડવા તમને રાજે રાખ્યા'તા...? જાઓ...'

ફોજદાર સાહેબ નોકરી વગરના થઇને ચાલતા થયા.

બેલમપર ગામમાં આ વાતની જાણ થઇ અને હરખેભર્યું ગામેડું વાડીએ ઊમટયું... સૌએ મહારાજા કૃષ્ણકુમારનો જય જયકાર કર્યો.

(સત્ય ઘટના)

તોરણ, નાનાભાઈ જેબલિયા

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...