[F4AG] ડો. શરદ ઠાકર: રાખ સખણાં તારા મારકણાં નયનને રે કરે ઘાયલ

 

ડો. શરદ ઠાકર: રાખ સખણાં તારા મારકણાં નયનને રે કરે ઘાયલ

Source: Ran ma khilyu gulab, Dr. Sharad Thakar   
   
 
 
શૌહરતને એવું કેમ લાગતું હતું કે આ વાત થઇ રહી હતી ત્યારે શાયદ ઊંઘવાને બદલે જાગતો હતો અને એ જ એની પત્નીને આ બધું શીખવી રહ્યો હતો!?

'શું શાયદ મને સાવ જ ભૂલી ગયો હશે?' મનોમન આવો પ્રશ્ન પૂછતી વખતે શૌહરતની આંખો સામે પાછલા છ મહિનાઓનું સરવૈયું હાજર હતું. શાયદ એનો ભૂતકાળનો પ્રેમી હતો અને સજની એની બહેનપણી. એણે પોતે જ તો શાયદ અને સજનીનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. એ પછી એ બંને અમેરિકા ચાલ્યાં ગયાં. ફોન દ્વારા સતત વાતચીતનો વ્યવહાર ચાલુ હતો. શરૂમાં બે-ચાર વાર શૌહરતને ખબર ન પડી, પણ પછી ધીમે ધીમે એનાં ધ્યાન ઉપર આ વાત આવતી ગઇ કે શાયદ એક પણ ફોન-લાઇન ઉપર આવતો ન હતો. સજનીની સાથે જ સંવાદ થતો રહેતો.

દર વખતે શૌહરત અચૂક પૂછી લેતી, 'સજની, શાયદ ક્યાં છે? એને ફોન આપ.''એ હજુ ઘોરે છે.'શૌહરત ગાઢ સંબંધનો અધિકાર જતાવીને કહેતી, 'ઘોરતો હોય તો જગાડ એને. મારે એની સાથે વાત કરવી છે.'થોડી ક્ષણોની શાંતિ અને પછી સજનીનો અવાજ, 'રહેવા દે ને, શૌહરત! ગઇ કાલે રાત્રે અઢી વાગ્યા સુધી એ જાગતો હતો. અત્યારે હું એને ઉઠાડીશ, તો એ મારા પર ચિડાઇ જશે.'શૌહરતને એવું કેમ લાગતું હતું કે આ વાત થઇ રહી હતી ત્યારે શાયદ ઊંઘવાને બદલે જાગતો હતો અને એ જ એની પત્નીને આ બધું શીખવી રહ્યો હતો!?

કોઇપણ ગૂંચવણનું જ્યારે તારણ મળે છે, ત્યારે માણસ એનું કારણ શોધવા મથે છે. કારણ મળે તો જ એનું મારણ વિચારી શકાયને? શૌહરત પણ શાયદના આવા વર્તન પાછળ રહેલાં કારણો ખૂંદી વળી. શું શાયદ પોતાને ભૂલી ગયો હશે? એ પોતાને ભૂલી જાય એવું તો ખુદ શૌહરત ઇચ્છતી હતી, પણ એ આટલો જલદી પોતાની પ્રેમિકાને ભૂલી જઇ શકે? કે પછી શાયદ બેવફા સાબિત થઇ રહ્યો છે? પ્રેમિકાને છોડીને બીજી યુવતી સાથે લગ્ન કરવા એ બેવફાઇ નથી, પણ પોતાની પ્રેમિકાને સાવ ભૂલી જવી એ તો સરાસર નાઇન્સાફી જ છે.

ત્રીજું કારણ કદાચ એ હોઇ શકે કે શાયદ એની પત્ની સજનીનાં દેહપાશમાં એવો જકડાઇ ગયો હોય કે એના ભૂતકાળનો પ્રેમપાશ ઢીલો પડી ગયો હોય. જો એવું હોય તો શૌહરતને વાંધો ન હતો. એ તો સાચા હૃદયપૂર્વક એવું ઇચ્છતી હતી કે શાયદને સજની તરફથી એવું લગ્નસુખ મળે જે પોતે એને આપી શકી નથી, પણ એનો અર્થ એવો તો નથી જ ને કે શાયદ પોતાની સાથે ફોન ઉપર પણ વાત ન કરે??? શૌહરતની નજર સામે શાયદ સાથેની એ આખરી અંગત મુલાકાત ઊભરી આવી. લગભગ સાતેક મહિના પહેલાંની એ ઘટના.

*** *** ***

એ ઉદાસ સાંજ હતી અને બગીચાનું ખામોશ એકાંત હતું. ખાસ્સી એવી વાર સુધી શૌહરતના તેજભર્યા ચહેરાને જોઇ રહ્યા પછી શાયદે બોલવાનું શરૂ કર્યું, 'શૌહરત, મને એટલું તો સમજાઇ ગયું કે તને મારો પ્રેમ કબૂલ નથી, પણ એ ન સમજાયું કે શા માટે કબૂલ નથી.'

શૌહરતે વૃક્ષની તૂટેલી ડાળી ઉપર હાથ ફેરવતાં જવાબ આપ્યો, 'જગતમાં એવી ઘણી બધી બાબતો છે જેના કારણો નથી હોતાં. તું અને હું સારા મિત્રો છીએ એ વાત આખી કોલેજ જાણે છે. તું મને ચાહે છે એ વાત તું જાણે છે પણ આપણે પતિ-પત્ની બનવા માટે સર્જાયા નથી એ સત્ય માત્ર હું જ જાણું છું. આપણા રસ્તાઓ અલગ છે, આપણી મંજિલો અલગ છે, તો પછી આપણો પ્રવાસ એક શી રીતે હોઇ શકે, શાયદ?' શાયદ ઢીલો પડી ગયો, 'પણ હું તારા વગર જીવી નહીં શકું.'

'મને પુરુષોની આવી માનસિકતા પ્રત્યે ભારે ચીડ છે. આવા દેવદાસવેડા જૂના થઇ ગયા. તું બીજી કોઇ સુંદર, સુપાત્ર અને સંસ્કારી છોકરીની સાથે લગ્ન કરી લે! હું તો તારી બેસ્ટ ફ્રેન્ડ હતી, છું અને રહીશ.'વૃક્ષોના થડ પાસે ખરેલાં પાંદડાં ખખડતાં રહ્યાં. સૂરજની સ્ટીમર ક્ષિતજિના સમુદ્રમાં ડૂબતી ગઇ. શાયદની આંખોએ પ્રેમિકા ગુમાવ્યાનો અફસોસ બળબળતા અંગારાની જેમ આંજી લીધો અને જિંદગીએ બક્ષેલું સમાધાન એણે સ્વીકારી લીધું.

'ભલે, જેવી તારી મરજી, શૌહરત! હવે પછી ક્યારેય હું તારી પાસે તને પામવાની જીદ વ્યક્ત નહીં કરું. સાચો પ્રેમ માત્ર લોભી ને લાલચી નથી હોતો, પણ ત્યાગી હોય છે. માત્ર એટલું કહેતી જા કે મારાં લગ્નની કંકોતરીમાં શૌહરતની જગ્યાએ બીજા કોનું નામ હોઇ શકે?'

'એ પણ કહેવું પડશે?' શૌહરત હસી.'હા,' શાયદે પાંપણો ઝુકાવી દીધી, 'તુમ હી ને દર્દ દિયા હૈ, તુમ હી દવા દેના.' શૌહરત કદાચ નકકી કરીને જ આવી હતી, બહુ લાંબા વિચારની જરૂર ન પડી, 'તને સજની કેવી લાગે છે?''સજની? પેલી આપણે સાથે ભણે છે તે? પેલી અભિમાની, ચાંપલી અને તારી ચમચી છે તે?''ખબરદાર! એ મારી ચમચી નથી, પણ ખાસ બહેનપણી છે. એ અભિમાની એટલા માટે છે કારણ કે એનાં જેટલી ખૂબસૂરત બીજી છોકરી આખા શહેરમાં નથી અને ચાંપલી તને લાગે છે કારણ કે એ કોઇ છોકરા સાથે વાત નથી કરતી. એ ચતુર ને ચાલાક છે.

કોલેજના ચલતાપૂર્જા મજનૂઓએ વેરેલા દાણા ચણવાનો એ ઇન્કાર કરી દે છે. તમારા બધા માટે આ દ્રાક્ષ ખાટી છે.' સહેલીનો જોરદાર બચાવ કરી લીધા પછી શૌહરતે એનું માર્કેટિંગ કરી આપ્યું, 'જો મારું માને તો આંખ મીંચીને એની સાથે પરણી જા, શાયદ! એને રોજ સવારે પથારીમાંથી ઊઠતાં મેં જોયેલી છે. કહેવાય છે કે જે સ્ત્રી ઊંઘમાંથી જાગે ત્યારે મેકઅપ વગરના મોં સાથે, ઊંઘરેટી આંખો અને વખિરાયેલા વાળ સાથે અને ચોળાયેલાં કપડાંમાં પણ જો સુંદર દેખાતી હોય તો એને સાચા અર્થમાં સુંદરી સમજવી. પરણી જા આ રૂપસુંદરીને, શાયદ! 'હનિમૂન' પછીની પહેલી સવારે તું મને આભાર માનતો ટેલિફોન કરીશ!'

અને શાયદ પરણી ગયો. 'હનિમૂન' પછીની પહેલી સવારે એણે ફોન પણ કર્યો, થેન્ક યુ શૌહરત! સજની સ્ત્રી નથી, મધનો ઘડો છે. મોગરાનાં શ્વેત ફૂલોનો ઢગલો છે. અત્તરનો કૂપ છે. શયનેષુ રંભા છે. થેન્કસ, માય ફ્રેન્ડ! તેં મને આપેલી આ શ્રેષ્ઠ લગ્ન-ભેટ માટે તારો ખૂબ ખૂબ આભાર! શૌહરતે સલાહ આપીને રિસીવર મૂકી દીધું હતું, 'મેં આપેલી ભેટને જતનથી જાળવજે. માત્ર એનાં શરીરને જ નહીં, એનાં દિલને પણ પ્રેમ કરજે. તને મેં કહ્યું નથી. આજે કહું છું. સજની તને વરસોથી ચાહતી હતી, પણ તને કહી શકતી ન હતી. હું એના માટે તો ખસી ગઇ છું. બેસ્ટ વિશઝિ ફોર બોથ ઓફ યુ!'

*** *** ***

છ મહિના નહીં, છ વરસ વીતી ગયાં. શાયદ ક્યારેય ફોન ઉપર આવ્યો નહીં. સજની ભારે ઉત્સાહપૂર્વક શૌહરત સાથે વાતો કરતી હતી, પણ શૌહરતના મનની ચટપટી શમતી ન હતી. કોઇ પુરુષ આટલી હદે નિર્મમ, નઠોર, નિર્લજજ અને બે-રૂખ બની શકે ખરો? કે પછી ખરેખર સજનીએ એને પોતાના રંભા જેવા દેહપાશમાં બાંધી દઇને શૌહરતના પ્રેમપાશને ભુલાવી દીધો હશે?

તાજેતરમાં એક નિકટના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે સજની અને શાયદે અમેરિકાથી આવવું પડ્યું. શૌહરતને પણ આમંત્રણ હતું. ત્રણેય જણાં મળી ગયાં. સજની તો શૌહરતને ભેટી જ પડી. શાયદ સ્થિતપ્રજ્ઞની જેવો બનીને ઊભો રહ્યો. ભોજન પતાવીને શૌહરત 'પ્લેટ' મૂકવા માટે દૂરના કાઉન્ટર પાસે ગઇ તો શાયદ પણ ત્યાં હતો. સજની હજુ જમી રહી હતી. શૌહરતે આજુબાજુનું એકાંત ચકાસી લીધું. પછી વરસોથી મનમાં ઘુમરાયા કરતો સવાલ પૂછી લીધો. 'શાયદ, મને સાવ ભૂલી ગયો?'

'કોશિશ તો કરું છું. લગ્ન પછી તેં જ તો સલાહ આપી હતી કે મારે સજનીને સાચા હૃદયપૂર્વક પ્રેમ કરવો!''હા, પણ મારી સાથે વાત નહીં કરવી એવું તને કોણે...?' શાયદે ધારદાર નજરે શૌહરત તરફ જોયું, 'જે સ્ત્રીએ પોતાના પ્રેમીને બીજી સ્ત્રીને ચાહવાની સલાહ આપી હોય તેણે આ કિઠન યજ્ઞમાં અડચણ નાખવાની કોશિશો ન કરવી જોઇએ. શૌહરત સજની સુંદર છે, પણ તું તો મારો પ્રથમ પ્રેમ છે. તને ભૂલવી સહેલું નથી.

તારી સાથે ફોનમાં વાત કરું તો પણ તું મારા મન ઉપર છવાઇ જાય છે. મને બેવડી ભૂમિકા ભજવવી નહીં ફાવે. હું એક સદ્ભાગી પ્રેમી તો ન બની શક્યો, પણ હવે મને એક સારો પતિ તો બનવા દે!' વાત પૂરી થઇ, એટલામાં જ સજની આવી પહોંચી, 'મારું તો પતી ગયું!' શૌહરત બબડી ઊઠી, 'અમારું પણ...'

(શીર્ષક પંક્તિ : સિકંદર મુલતાની)

રણમાં ખીલ્યું, ગુલાબ, ડો. શરદ ઠાકર

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...