જેમના વિશે લખ્યું એ તો નારાજ થયા જ, પણ જેમને મારી કલમની અડફેટે ચડવાનું સદ્ભાગ્ય ન મળ્યું એ વધારે નારાજ, અતિ દુ:ખી થઇ ગયા. કિન્તુ જો મેં એમનું ચિત્ર આલેખ્યું હોત તો એ લોકોએ મને ક્યારેય માફ ન કર્યો હોત એવું હું એમને કેવી રીતે સમજાવું?મારી મા મને કહેતી કે વિનુ, તું સાંભળવા કરતાં બોલતાં વહેલું શીખેલો. કવિવર ટાગોર માટે કહેવાય છે કે તે વાંચતાં શીખ્યા ત્યાર પહેલાં તેમણ કલમ પકડી હતી. જ્યારે હું લખવા કરતાં વાંચવાનું વહેલું શીખ્યો હતો. વાચનનો શોખ ભારે. આજે પણ મારી પાસે કશું સારું વાંચવાનું ન હોય ત્યારે જ હું ખરાબ લખતો હોઉં છું. જોકે એ દિવસોમાં હજી હું લખવાના અપલખ્ખણે નહોતો ચડ્યો. ઉપરાંત એ વખતે મારી પાસે અભ્યાસ સિવાય બગાડવા જેવું ખાસ કશું ન હતું, એટલે ભણવાનું બગાડીનેય જે પુસ્તક અડફેટે ચડી જાય તે એકશ્વાસે વાંચી નાખતો.
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા રચિત 'કાળરાત્રિનું ખૂની ખંજર' અને 'તરુણ તપસ્વિની' વાંચીને હું ગાંડો ગાંડો થઇ ગયેલો. (હજીય મગજ પર એની જરાતરા અસર છે.) આનાથી ઉત્તમ સાહિત્ય સંભવી જ ન શકે એવું એ વખતે મને લાગ્યું હતું. ઇવન ઇશ્વર પેટલીકર અને ડૉ. સુરેશ જોષી જેવા સામસામા છેડાના સર્જકોએ પણ તેમની કેફિયતમાં કહ્યું છે કે નાનપણમાં તેમણે પણ 'કાળરાત્રિનું ખૂની ખંજર' અને 'તરુણ તપિસ્વની' રસપૂર્વક વાંચી હતી.
આ બંને પુસ્તકોના સર્જકના નિવાસે, શાહપુર વડવાળી મહેતાપોળમાં તેમને મળવા પણ હું ગયો હતો. કિન્તુ જ્યારે મેં જાણ્યું કે મારો પ્રિય લેખક તો ઘણાં વર્ષો પૂર્વે ગુજરી ગયો છે ત્યારે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. મને મળ્યા વગર ચાલ્યા જવાની ઉતાવળ તેણે કેમ કરી? એ વિચારે તેમના પર થોડી ખીજ પણ ચડી હતી.
અલબત્ત, આ જ લેખક સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતાએ મને મારી યુવાનીમાં તેમના મૃત્યુ કરતાંય મોટો આઘાત આપેલો. એ સમયે જે છાપામાં મારી કોલમ ચાલે એ જ અખબારમાં વ્યાપાર વિભાગ સંભાળતા મુ. કાંતિલાલ શાહ સામે હું બેઠો હતો. તેમની સાથે વાતમાંથી વાત નીકળતાં મેં 'કાળરાત્રિનું ખૂની ખંજર' અને 'તરુણ તપસ્વિની'નો ઉલ્લેખ કર્યો. આ સાંભળીને લાક્ષણિક હાસ્ય વેરતાં કાંતિકાકાએ માહિતી આપી : 'ભાઇ વિનોદ, સત્યેન્દ્રપ્રસાદ મહેતાને આ બંને પુસ્તકો મેં લખી આપ્યાં હતાં. જેના મને રૂપિયા દોઢસો મળેલા.' આ પ્રકારની પ્રવૃત્તિને અંગ્રેજીમાં 'ઘોસ્ટ રાઇટિંગ' કહે છે ને લખનારને ઘોસ્ટ રાઇટર. આ હિસાબે એ વખતે હું ભૂતિયા-લેખક સામે બેઠો હતો. ભૂતપ્રેતમાં નહીં માનનાર રેશનાલિસ્ટો પણ ભૂતિયા લેખકોના અસ્તિત્વને પડકારતા નથી.
*** *** ***
વાચન વધવાને કારણે લેખકોને નજીકથી જોવા, મળવા, તેમનો સંપર્ક વધારવાનો લોભ દિવસે દિવસે વધવા માંડ્યો. અમારા ઘરની નજીક આવેલ 'રવાણી એન્ડ કંપનીમાં પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ, પેટલીકર, જયંતી દલાલ તેમજ પુષ્કર ચંદાવરકર જેવા અનેક લેખકો અવારનવાર જોવા મળતા. આ સર્જકો સાથે ઘરોબો રાખતા પ્રકાશક તારચંદભાઇની ક્યારેક મને અદેખાઇ પણ થતી, પરંતુ પછી જાણવા મળ્યું કે ટોલ્સ્ટોયના 'વોર એન્ડ પીસ'નો જયંતી દલાલે ત્રણ વોલ્યુમમાં કરેલ અનુવાદ 'યુદ્ધ અને શાંતિ' રવાણીએ પ્રકાશિત કર્યો. આવા દળદાર ગ્રંથના ખરીદનારા જન્મવાના બાકી હતા.
આ કારણે જયંતી દલાલના ભાગે અલબત્ત શાંતિ આવી, પ્રકાશકના ભાગે યુદ્ધ અને પુસ્તકો નહીં ખપવાથી પ્રકાશક ખપી ગયો, શહીદ થઇ ગયો. તો પણ પાળિયા થવાનું સદ્ભાગ્ય આ શહીદને ન સાંપડ્યું. આ યુદ્ધ અને શાંતિની કથામાંથી મેં એક જ બોધ તારવ્યો કે લેખકો જોડે આત્મીયતા વિકસાવવા માટે થઇને પ્રકાશક બનવાની જરૂર નથી. વેચવા માટે પોતાની માલિકીનું મકાન તો હોવું જોઇએ ને! એનો પણ વેંત ન હતો એટલે પ્રકાશક થવાનું માંડી વાળી વિકલ્પે મેં લેખક થવાનું નક્કી કર્યું. કેમ કે એમાં આપણા માથે લખવા સિવાયનું ખાસ કોઇ જોખમ હોતું નથી. જે કંઇ હોય એ જોખમ વાચકે જ વેઠવાનું હોય છે. એટલે લેખક તો જાણે હું થઇ ગયો-સારો કે નરસો એ તો સમય નામનો વિવેચક જ નક્કી કરશે, સમય ક્યારેય મૈત્રી-વિવેચન કરતો નથી.
*** *** ***
એક દિવસ 'કુમાર'ના તંત્રી મુ. બચુભાઇ રાવત પાસે ગયો. કહ્યું : 'થોડાંક વ્યક્તિ ચિત્રો 'કુમાર' માટે કરવાનું મન છે. ઉમાશંકર, યશવંત શુક્લ, લાભશંકર વગેરેનાં.' 'એમાં કોઇના વિશે આડુંઅવળું લખાઇ જાય તો આપણા પર કોઇ બદનક્ષીનો દાવો માંડી દે.' કહી બચુભાઇએ મારા ઉત્સાહ પર ઠંડું પાણી રેડ્યું. આ ભયસ્થાનનો વિચાર કરતાં હું ય થોડો ગંભીર થઇ ગયો. બચુભાઇ તો આ બધા લખવૈયાઓને તેમની ગળથૂથીથી ઓળખે... પણ આ નાદાનનું માથું ફરી પાછું ઠનકર્યું, એટલે યશવંતભાઇનું શબ્દચિત્ર લખીને બચુભાઇને આપ્યું. વાંચીને તે બોલ્યા : 'તમારે ઓછામાં ઓછા આવા પચ્ચીસ લેખો તો કરવા જ પડશે.' 'ભલે, કરીશું...' મેં સંમતિ આપી.
અને 'વિનોદની નજરે' લેખશ્રેણી 'કુમાર'માં પ્રગટ થઇ અને આ શ્રેણી સબબે આપણા ઘણા સર્જકોનો અતિ નજીકથી પરિચય મળતો ગયો તેમ તેમ મારા ભ્રમોનું નિરસન થઇ ગયું. જેમને મેં વિરાટ ધાર્યા હતા તે અતિ વામન જણાયા. એક મોટા કવિએ તેમનું ચરિત્ર વાંચીને મારી પાસેથી જાણવા માગ્યું હતું કે તેમની ઇમેજનું શું? સો વર્ષ પછીની પ્રજા પર કવિની છાપ કેવી પડશે એ જોવાની લખનારની જવાબદારી ખરી કે નહીં?
તો એક વાર્તાકાર-નવલકથાકારે તેમના પરનો લેખ વાંચીને મને લખ્યું: 'વિનોદબાબુ, તમે યાર બડા પ્યારથી લખ્યું છે. મને મઝા પડી. દિલ બાગ બાગ થઇ ગયું. મારા તરફથી મુબારકબાદી કહું? પણ તેમને જરા પણ મજા નહીં પડી હોય એવું મારી સાથેના તેમના વ્યવહારથી કહી શકું. આ લેખ છપાયાના થોડાક જ સમયમાં એક ઇન્ટવ્યૂંમાં તેમણે કહ્યું: 'વિનોદ ભટ્ટે મારી પીઠમાં ખંજર ભોંકર્યું છે...' આના સંદર્ભે મારો ખુલાસો પૂછવામાં આવ્યો. જેના ઉત્તરમાં મેં જરા હળવાશથી જણાવ્યું કે ખરેખર તો મેં તેમની છાતીમાં જ ખંજર માર્યું હતું, પરંતુ એમાં બન્યું એવું કે ખંજર તેમની પીઠમાંથી બહાર નીકળ્યું એ કારણે કદાચ તેમને એવી ગેરસમજ થઇ હશે. આથી ગુસ્સે થઇને એ તેજાબી લેખકે સર્ટિફિકેટ આપી દીધું : 'વિનોદ ભટ્ટ કોમેડી લેખક છે એ ગુજરાતી સાહિત્યની ટ્રેજેડી છે.' (આને કહેવાય લાઇફ-ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, બાપુ, વિનોદ ભટ્ટ એ જ લાગનો હતો).
તો એ તો હાસ્યરસનો જાણકાર જણ છે, ફૂલટાઇમ કોમેડિયન જેવો છે, પોતાના પરની રમૂજને એ તે કંઇ મન પર લેતો હશે?-એવી મારી છાપ હતી. પણ પોતાના પરના લેખ વિશેનો પ્રતિભાવ તેણે આવો આપ્યો: 'ગરીબ, તારું જ્ઞાન વધાર. 'ન્યૂયોર્કર'માં આવતાં પ્રોફાઇલ્સ વાંચતો જા તારી બુદ્ધિ વધશે.' વગેરે જોકે પછીના સેકન્ડ થોટ નહીં, થર્ડ થોટમાં મારા એ મિત્રને લાગ્યું હશે કે લેખમાં તેના વિશે ખાસ કશું નકારાત્મક નથી, તે છે એ કરતાંય વધારે ઇન્ટેલિજન્ટ ચીતરાયો છે એટલે 'કુમાર'માં જઇ તેના લેખની ઓફ-પ્રિન્ટની બસો નકલો છપાવી લાગતાવળગતાઓમાં તેની છુટ્ટા હાથે લહાણી કરી હતી.
વિનોદની નજરે શ્રેણીમાં પાછી મુશ્કેલી એ થયેલી કે જેમના વિશે લખ્યું એ તો નારાજ થયા જ, પણ જેમને મારી કલમની અડફેટે ચડવાનું સદ્ભાગ્ય ન મળ્યું એ વધારે નારાજ, અતિ દુ:ખી થઇ ગયા. કિન્તુ જો મેં એમનું ચિત્ર આલેખ્યું હોત તો એ લોકોએ મને ક્યારેય માફ ન કર્યો હોત એવું હું એમને કેવી રીતે સમજાવું?
અને આ શ્રેણી બંધ કરું છું એ જાણ્યા પછી પણ એક સાહિત્યકારે મને કહેલું કે એમના વિશે લખવા માટે અનેક લોકો તમને દબાણ કરી રહ્યા છે. એક કામ કરો ને, છેલવેલ્લું મારા વિશે લખીને લેખમાળા આટોપોને!...જોકે આ પ્રકારના જીવંત સર્જકો વિશે લખવાનું બંધ કરવાની સદ્બુદ્ધિ મને સમયસર સૂઝી એ માટે સ્વયંનો ઋણી છું.
ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ
No comments:
Post a Comment