[F4AG] જ્વલંત છાયા: જોય ઓફ ગિવિંગ તમને ફૂલ દીધાનું યાદ!

 

જ્વલંત છાયા: જોય ઓફ ગિવિંગ તમને ફૂલ દીધાનું યાદ!

Source: Samvad, Jwalant Chhaya
   
 
 
રૂની પૂણી જેવી સફેદ દાઢી, લાંબા વાળ, લાલ કપડાં, ખભ્ભે થેલો. આટલી ઓળખ તો બસ થઇ ગઇ સાન્તાકલોઝ માટે! હજી તો નોરતાંના ઢોલ બાકી છે, દિવાળીની ધૂમ બાકી છે ત્યાં ક્રિસમસની વાતો? હા, સાન્તા યાદ આવવાનું કારણ એ કે નજીકના દિવસોમાં શરૂ થશે 'જોય ઓફ ગિવિંગ વીક'. સાન્તાકલોઝ માત્ર તેમના થેલાને લીધે યાદ આવતા નથી, તેની પાછળ એક રસપ્રદ વાત પણ છે. ઓ. હેનરીની વાર્તા 'ગિફ્ટ ઓફ ધ મજાઇ'માં તેનો ઉલ્લેખ છે. મજાઇ શબ્દનો અર્થ થાય છે, બેથેલહેમમાં જિસસની જન્મવેળાએ ચમકેલા તારાનું માર્ગદર્શન લઇને તેના ઘર સુધી પહોંચેલા પૂર્વના ત્રણ શાણા માણસો જે જિસસ માટે સોનું, ધૂપસળી અને સુગંધિત દ્રવ્યો લઇને આવ્યા હતા. નાતાલમાં ભેટ આપવાની શરૂઆત કદાચ આવી રીતે થઇ હશે! યાર, દરેક જણ આખરે સાન્તાકલોઝ છે, જો તે આપી શકે તો! જીવનમાં અત્યંત સરળ અને ઉમદા આનંદ 'મેળવવા'નું એકમાત્ર માધ્યમ છે, 'આપવું'.

પુરાણો ઉથલાવીએ કે વર્તમાન જોઇએ લેનારા, છીનવનારા કે મેળવીને તેને ભોગવનારા કરતાં આપનારાંની મહત્તા અને મહાનતા વધારે રહ્યાં છે. મહાભારતના વીરાતિવીર પુરૂષો, તેમની ગાથાઓની વચ્ચેથી કર્ણનું નામ અલગ ઉપસે છે અને વિશેષણ લાગે છે દાનવીર કર્ણ-જેણે જન્મથી મળેલાં કવચ કુંડળ પણ ઉતારી દીધાં! ભલે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરતી પરંતુ માખણ ગોપાલને આપવાનો તેમને પણ આનંદ હતો, અને કૃષ્ણે તો કોને શું નથી આપ્યું? અનેક અસુરોને મોક્ષ આપ્યો, દ્રૌપદીને ચીર આપ્યાં, અર્જુન જ નહીં વિશ્વને ગીતાનો મહાન બોધ આપ્યો.

આપવાની આ વાતો ઠાલાં ઉદાહરણો કે આદર્શ નથી, આ ભામાશાનો દેશ છે, તો આ યુગમાં દીપચંદ ગાર્ડી પણ છે જે ૯૪મે વર્ષે પણ 'જોય ઓફ ગિવિંગ વીક' નહીં, 'જોય ઓફ ગિવિંગ લાઇફ' ઉજવે છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે હું મોક્ષ ઇચ્છતો નથી. ભવોભવ મારે દીપચંદ ગાર્ડી થવું છે અને ઈશ્વરને પ્રાર્થના કે મારી પાસે જે છે તેમાંથી હું બીજાને આપતો જ રહું.

જ્યાં સુધી દાનની વાત છે સંપત્તિની વાત છે ત્યાં સુધી આપવું એ સાપેક્ષતાનો વિષય બની રહે પરંતુ જ્યારે ખરેખર 'આપવા'નો પ્રદેશ શરૂ થાય છે ત્યારે સ્થૂળતાની જમીનનો અંત આવે છે. આપવા માટે આપણી પાસે કશું હોવું જરૂરી છે. તેની સાથે આપણામાં કશુંક 'હોવું' જરૂરી છે. સ્થૂળ ભેટો આપવાની ના કે છટકબારી નથી. એ આપવાનો આનંદ પણ છે જ. ખિસ્સામાં બસ્સો રૂપિયા હોય, ખબર હોય કે સ્કુટર રિઝર્વમાં છે તોય ફ્રેન્ડ માટે ગિફ્ટ ખરીદીએ અને પછી સ્કુટર દોરવીને પરત જઇએ ત્યારે થાક લાગતો નથી!કોઇ ખરા અર્થના સંબંધની એક પારાશીશી એ પણ છે કે તેમાં એકબીજાને આપ્યાનો સંતોષ જ ન થાય.

ઘણા સંબંધોની તો ઇમારત જ એ પાયા પર હોય છે, 'કાશ, હું કંઇક આપી શકું'. અને આપવું એ જ સંબંધ છે. બાકી તો વ્યવહાર અને પરસ્પર સાચવવાની ગોઠવણ છે. સુરેશ દલાલનું એક ખુબ સરસ ગીત આ આખી વાતના સંદર્ભમાં યાદ આવે, 'અમે એવા છઇએ, અમે એવા છઇએ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ, તમે અમથું જુઓને અમે દઇ દઇએ સ્મિત, તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત, તમે વાંસળી કહો ત્યાં અમે વૃંદાવન થઇએ, અમે તારાં આકાશમાં પારેવા છઇએ.' પામવું એ માણસ માત્રની સ્થૂળ લાક્ષણિકતા છે અને અજાણ્યે આપણે નાનપણથી જીવનના અંત સુધી પામવાની દોટમાં હોઇએ છીએ.

તેથી જ તો મૃત્યુ માટે પણ 'પામ્યા' શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જેમાં ખરેખર કંઇક પામ્યાનો આનંદ મળે તે તો આપવામાં જ છે. મરીઝ તો કેવું કહી ગયા, 'બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે'. સુખની વહેંચણી આપવાના આનંદની મોટી વાત છે. કોઇ મિત્રને જો આપણે આપણા સુખમાં ભાગીદાર ન બનાવી શકતા હોઇએ તો પછી તેને આપણી વ્યથાઓ ન કહેવી જોઇએ. મિત્રને પ્રેમી-પ્રેયસી કે કોઇ પણ સંબંધમાં આપણે કાંઇ આપી શકીએ તો બેટર.

પરંતુ સંજોગોનાં તાળાં તમારા આપવાના ભંડારને લાગેલાં હોય તો કમ સે કમ લેવાનું બંધ કરવું જોઇએ. અને હજારો રૂપિયાના ખર્ચ કે શક્ય તેટલા પ્રયાસો, શક્ય તેટલી અપેક્ષાઓ પૂર્ણ કરવાના પ્રમાણિક પ્રયાસો પછી પણ જો આપણા મનમાં એવો ડંખ રહે કે મારે તો આને આપવાનું હજુ અધૂરું છે. બાકી છે તો માની શકાય કે આપણે પ્રેમમાં છીએ. પ્રેમમાં ક્યારેય આપ્યાની તૃપિ્ત થતી નથી. મુકેશ જોશી ની કવિતાની પંક્તિ કવોટ કરવી જ પડે, 'તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?

એકાદી મુઢ્ઢીનું અજવાળું આપવા જિંદગી આખી બળ્યા છો?' હા, એવું પણ બને કે કોઇ આખી જિંદગી બળીને પણ કાંઇ અજવાળી ન શકે. બાકી આ આપવું એ માત્ર માણસની વાત નથી સમગ્ર પ્રકૃતિમાં આપવાની રમત 'જોય ઓફ ગિવિંગ' સતત ચાલે છે. દરિયો આકાશને વાદળ આપે વાદળ ધરતીને પાણી આપે, પાણી મૂળને પાન આપે-ફળ આપે ફળ બી આપે બી ફરી વૃક્ષ આપે-વૃક્ષમાં બીજ તું...

આપવાનો આનંદ અનુભૂતિની બાબત છે. જેને અઢળક આપવાના ઓરતા હોય તેને થોડું પણ આપી શકીએ તો નસીબ. આપવું એ સતત બનતી ઘટના છે, અને તેનું સ્મરણ પણ માણસને ઘણું આપે છે. અગેઇન રમેશ પારેખ, 'ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે, તમને ફુલ દીધાનું યાદ!'

છેલ્લે અતિ મહત્વની વાત. અન્યને આપવું એ સાર્થકતા છે. પરંતુ તેના માટે આપનાર પાસે કાંઇક હોવું જરૂરી છે. આપણે કદાચ આપણને પોતાને કાંઇ આપવામાં લાઇનમાં છેલ્લા ઉભા રાખીએ છીએ. સભર હશું તો અન્યને આપી શકીશું. તીવ્રતાથી જીવીને અન્યને કાંઇક આપી શકાય. તો પછી 'જોય ઓફ ગિવિંગ' પાર્ટ ઓફ એક્ઝિસ્ટન્સ બની શકે.

kalash@guj.bhaskarnet.com

સંવાદ, જ્વલંત છાયા

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...