[F4AG] શું એડવોકેટ નિત્યાશા ગૌરાંગી અથર્વનો કેસ લડશે?

 

શું એડવોકેટ નિત્યાશા ગૌરાંગી અથર્વનો કેસ લડશે?
કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
 
શું વહાલના હકદાર બનવા માટે અંતરાત્માના ગળે ટૂંપો દેવાનું અનિવાર્ય છે?

નિત્યાશા દર્પણ સામે ઊભી છે. હમણાં જ સ્નાન કરીને એ બાથરૂમની બહાર આવી છે. બરાબર સામેની દીવાલ પર એની પોતાની એક શાનદાર તસવીર છે.. નિત્યાશાના વિરોધ છતાં તેની મમ્મીએ મઢાવીને પરાણે મૂકાવેલાં એની સિદ્ધિઓનાં પ્રમાણપત્રો, કપબોર્ડમાં શોભતા ચંદ્રકો, ટ્રોફીઓ બઘું જ દર્પણમાં પ્રતિબિમ્બ થાય છે.. એ બધાં પ્રતીકો નિત્યાશાની જિંદગીના બે દશકાના ઈતિહાસનાં સાક્ષી છે...
સમયના પ્રવાહમાં વહેણની સાથે વમળ પણ હોય છે. વહેવાનો આનંદ માણસ વારંવાર વાગોળતો હોય છે અને સાથે-સાથે વમળોમાં ફસાયા બાદ આત્મબળથી તોફાનો સામે પોતે લડતો-લડતો સામે કિનારે કેવી રીતે પહોંચ્યો, એ વર્ણવવાની એક ઘૂન પણ હોય છે.. નિત્યાશા કાંસકો ઉઠાવી વાળ ઓળે એ પહેલાં જ ભૂતકાળ એને પોતાના જીવનમાં ડોકિયું કરવા આમંત્રે છે. મમ્મી-પપ્પાના ફોટા તરફ એની નજર જાય છે... બન્નેના કેવા રૂઆબદાર ફોટા છે! પપ્પાનો સ્વભાવ કડક અને મમ્મી પણ ગાંજી ન જાય તેવી! વાતવાતમાં બન્ને જણ ઝઘડી પડે! ઝૂકવાની પહેલ કોણ કરે, એની દ્વિધામાં બન્ને અક્કડ રહે...
''આ નહીં ચાલે.''
'હું પણ કહું છું આ નહીં ચાલે..''
''અરે, પણ શું નહીં ચાલે એ તો કહો'' - મમ્મી સહેજ મીઠા છણકા સાથે પૂછતી...
'તારી જોહૂકમી નહીં ચાલે... લગ્ન વખતે તેં જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી કે તું મારી અનુગામી બનીશ, મારી પાછળ ચાલીશ, પછી ચાલ કેમ બદલી?' - પપ્પા પૂછતા.
''પણ એવું બહાનુ કાઢી મને પરાણે 'પતિવ્રતા' બનાવવાની જરૂર નથી! એમ તો તમેય ક્યાં 'કહ્યાગરા કંથ' બની શક્યા છો? લગ્ન પૂર્વે તો મારા પિતાશ્રીને કહેતા હતા કે આપની દીકરીની ઈચ્છા અને મારી ઈચ્છા જુદી નહીં હોય! બોલો, હવે તમે જ કહો, ચાલ તમે બદલી કે મેં?'' મમ્મી ગળગળી થઇ જતી.
નિત્યાશાને યાદ આવે છે ઃ ત્યારે પોતે વણનોતરી લવાદ બનતી. ''ઓહ મમ્મી-પપ્પા, ખરાં છો તમે. નાની-નાની વાતમાં રિસામણાં અને અડધો કલાક બાદ મનામણાં! મનાઈ જવાનું નક્કી જ હોય તો રિસામણાં શા માટે?''
મમ્મી ચૂપ રહેતી, પણ પપ્પા તરત જ બોલી ઊઠતા ઃ ''નિત્યાશા, બેટા, ખોરાકમાં મરચું ના હોય તો વાનગી ફીકી-ફીકી લાગે. ક્યારેક રિસામણાં- ક્યારેક મનામણાં એ બધા તો જિંદગીનો સ્વાદ વધારનારા મસાલા છે.. અમે જૂની પેઢીનાં માણસો, અમે જીભના કથોલા પણ જીવના સાવ ચોખ્ખા! અમને હક ભોગવતાં પણ આવડે અને જરૂર પડે ફરજ માટે કુરબાન થઇ જતાં પણ આવડે! અમને આજનાં દમ્પતીની જેમ પ્રેમ વિશે ભલે વાતો કરતાં ન આવડે, પણ પ્રેમ નિભાવવામાં અમે પાવરધા હતાં. અમે લડીએ-ઝઘડીએ પણ છૂટાં પડવાનો ન્યાય તોળાવવા કોર્ટ-કચેરીનાં બારણાં નહોતાં ખખડાવતાં. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, ખરૂં ને નિત્યાશાની મમ્મી?''
અને.. મમ્મી ભીની આંખે મસ્તક હલાવી પપ્પાની વાતને અનુમોદન આપતી...
આજે બન્ને ફોટા રૂપે ગોઠવાઈને ચૂપ છે.. ફોટા પર લટકતા સુખડના હાર એમના ચિરકાલીન મૌનનાં મૃદંગ વગાડી રહ્યા છે...
નિત્યાશાને યાદ આવે છે... ત્યારે એણે હાયર સેકંડરીની પરીક્ષા પસાર કરી હતી ખાસ્સા ૯૦% માર્કસ સાથે, અને તે પણ સાયંસ સ્ટ્રીમમાં મેથ્સ- ફિઝિક્સ- કેમિસ્ટ્રી સાથે!
''મારી દીકરીને મારે ડૉકટર બનાવવી છે'' - મમ્મીએ તરત જ જાહેરાત કરી દીધી હતી!
''ના, હરગિજ નહીં, મારે એને ઈલેકટ્રોનિક ઈજનેર બનાવીને સંશોધક વૈજ્ઞાનિક બનાવવી છે... નિત્યાશાને પહેલેથી પડકારો ઝીલવામાં રસ છે. અને આપણી એકની એક દીકરી છે.. વડીલોના વારસા ઉપરાંત મેં વેપાર દ્વારા કરેલી કમાણી પણ એની જ છે ને? નતુ બેટા, તારે હું કહું તેમ જ કરવાનું છે'' - પપ્પા સત્તાવાહી અવાજ સાથે કહેતા.
''દીકરા અંગેના નિર્ણય ભલે બાપ લે, પણ દીકરી અંગેના નિર્ણયો કરવાની સત્તા માતાને હસ્તક હોવી જોઇએ. મારા ભાઇ ડૉકટર છે, ભત્રીજાઓ ડૉકટર છે, મારા મામાના દીકરા ડૉકટર છે.. એમની મદદથી નિત્યાશાને એમ.ડી. કે એમ.બી.બી.એસ. થયા બાદ સ્થિર થવામાં હૂંફ મળશે!'' - મમ્મી કહેતી..
''અરે! મારા ભાવિ વિશે ફેંસલો કરવાની જિદ કરતાં પહેલાં મને તો પૂછો... મારે ડૉકટર પણ નથી થવું અને ઈજનેર કે વૈજ્ઞાનિક પણ નથી થવું. મારે આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક થયા બાદ લૉ ગ્રેજ્યૂએટ થઇને એડવોકેટ બનવું છે! અને ત્યાર બાદ જજ! પપ્પા, મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ન્યાય તોળવાનો આવે ત્યારે હું અત્યાચાર ઠરનાર પતિને આકરી સજા કરીશ. પપ્પા, ભારતના પતિઓ આજે પણ એટલું નથી સમજતા કે પતિત્વ જુદી વસ્તુ છે અને ધણીપણું જુદી વસ્તુ છે! મહાત્મા ગાંધીજી જેવા મહાપુરૂષ પણ પોતાની જિંદગીના પૂર્વાર્ધમાં 'ધણીપણા'થી મુક્ત રહી શક્યા નહોતા, એવું એમણે પણ કબૂલ્યું છે'' - મેં કહ્યું હતું...
ઘરમાં ગરમાગરમ ચર્ચા ચાલતી રહી હતી. અમારા સગાં-વહાલાં મારી કારકિર્દી વિશે પોતપોતાનાં મંતવ્યો વગર માગે જણાવવા આવી પહોંચતાં હતાં.. પણ હું મક્કમ હતી..
મમ્મીએ પોતાની જિદ જતી કરી, પણ પપ્પા એમની હઠ છોડવા તૈયાર નહોતા... અને હું પણ મારો કક્કો ખરો કરાવવા મેદાને પડી હતી..
પપ્પા ન માન્યા એટલે મેં મારી સ્કૂલના સહપાઠી અથર્વના પપ્પા પાસેથી પૈસા ઉછીના લઇ એફ.વાય.બી.એ.માં પ્રવેશ મેળવી લીધો!
બસ! ત્યારથી મારા અને પપ્પા વચ્ચે અબોલા શરૂ થયા. આખરે તો પપ્પા પણ પુરૂષ જ ને! પુરૂષમાત્રનો સ્વભાવ શાસનપ્રિય હોય છે.. એ મહેલવાસી હોય કે ઝૂંપડપટ્ટીમાં રહેનારો! પોતાની મરજીને ભોંયમાં ભંડારીને મા-બાપનો પડતો બોલ ઝિલનાર સંતાન આજ્ઞાંકિત અને માતૃ-પિતૃભક્ત ગણાય છે... શું વહાલના હકદાર બનવા કે ગણાવા માટે અંતરાત્માના અવાજના ગળે ટૂંપો દેવાનું અનિવાર્ય છે?... મારું મન આવો વિદ્રોહાત્મક સવાલ મને સતત પૂછતું રહ્યું હતું...
પપ્પાના અબોલાએ મારી પર એક કઠોર કૃપા એ કરી કે હું સ્વાવલંબી બનવા પ્રેરાઈ.. અથર્વની નાની બહેનને ભણાવવા ટ્યૂટરની જરૂર હતી.. અથર્વના પપ્પા સમક્ષ મેં મારી ઉમેદવારી વ્યક્ત કરી. તેઓ રાજીના રેડ થઇ ગયા અને અથર્વ પણ!
અથર્વને ડૉકટર બનવામાં રસ હતો.. એ મેડિકલ ફેકલ્ટીમાં જોડાયો. પણ એને કારણે અમારી મૈત્રીમાં કશો જ ફર્ક ન પડ્યો. અથર્વને હરવા- ફરવા- ખાવા-પીવાનો ભારે શોખ. મિત્રો સાથે પિકનિક અને પાર્ટીનાં આયોજનો કરે અને મને તેમાં સામેલ થવાનો આગ્રહ કરે! પણ હું માનતી હતી કે ઉચ્ચ શિક્ષણ માત્ર ડિગ્રી માટે નથી પણ વિશાળ વાચન દ્વારા મબલખ જાણકારી મેળવી જ્ઞાનની સીમાની ક્ષિતિજના વિસ્તાર માટે છે. અને અથર્વના પાર્ટીમાં જોડાવાના આમંત્રણનો હું મોટે ભાગે અસ્વીકાર કરતી. અમારી વચ્ચે મીઠા ઝઘડા પણ થતા. પણ હું દ્રઢતાપૂર્વક કહેતી ઃ ''અથર્વ, મૈત્રીને પણ સહજ રીતે વિકસવા દેવી જોઇએ. અને એ માટે પરસ્પરની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો જરૂરી છે.. મૈત્રી બંધન નથી, આઝાદી છે.. મિત્રની આઝાદીનો આદર કર્યા છતાં વફાદારીપૂર્વક મિત્રની ઢાલ કેમ બનાય એ ભાવના જ મૈત્રીની કસોટી છે..''
અને અથર્વ જિદ્દી કે જક્કી નહોતો.. એ મારી વાત માની જતો.. મને તેના એ સ્વભાવની ખાસીયત ગમતી...
વર્ષો વહેતાં ગયાં.. હું ગ્રેજ્યુએટ થઇ, લૉ ફેકલ્ટીમાં જોડાઇ અને એલ.એલ.બી.નો અભ્યાસ શરૂ કર્યો.. હું અભ્યાસને ભોગે કશું જ કરવા નહોતી માગતી, લગ્ન પણ નહીં...
પપ્પાના અબોલા હજી અકબંધ હતા! મારા આર્થિક સ્વાવલંબનના પ્રયોગો એમને નામંજૂર હતા.. પણ મેં નક્કી કર્યું હતું કે પોતાના આગવા નિર્ણયોનું મૂલ્ય પોતે જ ચૂકવવું જોઇએ. વડીલોને ખભે બેસીને મનગમતા આકાશમાં ઊડવાનાં સપનાં જોવાં એને હું યૌવનનો પરાજય માનું છું.. અને મને એવો પરાજય મંજૂર નહોતો..
પપ્પા મારા પ્રત્યે ઉદાસીન હતા, પણ મમ્મીની દ્રષ્ટિએ મારે માટે ગૃહસ્થાશ્રમ માંડવાનો સમય પાકી ગયો હતો.
એક સાંજે હું લાયબ્રેરીમાંથી પાછી ફરી ત્યારે મમ્મી રડતાં-રડતાં મારા પપ્પા સાથે વાત કરી રહી હતી ઃ ''તમે તો સમજુ છો.. સંતાન સાથે યુદ્ધે ન ચઢાય.. અને નિત્યાશાના સ્વભાવઘડતરમાં જાણે અજાણે તમારા જ સંસ્કારો છે! તમને તમારી ઈચ્છા વિરુદ્ધ કોઇ કશું કરાવી શકે છે ખરૂં?.. હવે થોડીક નરમાશ દાખવીને નિત્યાશાને મનાવી લો! દીકરી ગણો કે દીકરો, નિત્યાશા જ આપણું સર્વસ્વ છે.. આપણે તરછોડીએ તો બાપડીનું કોણ?''
'
'એ બાપડી નથી! બાપડા તો આપણે છીએ! એના મા-બાપ થવાનાં અપરાધી!... તારે એને મનાવવી હોય તો મનાવ અને પરણાવવી હોય તો પરણાવ... હું તારા નિર્ણયમાં આડે નહીં આવું... એને દીકરી તરીકેનો ફાંકો છે તો મને બાપ તરીકેનો એનાથી દસ ગણો ફાંકો છે! પેલા અથર્વના બાપ પાસેથી ફી ભરવા પૈસા ઉછીના લઇને તથા એના ઘેર ટ્યૂશન કરવા જવાનું સ્વીકારીને મારી આબરૂના એણે કાંકરા કરી નાખ્યા છે!'' - પપ્પાનો આક્રોશભર્યો અવાજ મારે કાને અથડાયો હતો...
અને તે રાત્રે મેં મમ્મીને કહ્યું હતું ઃ ''મમ્મી, મારી જિંદગીના તમામ ફેંસલા અત્યાર સુધી હું જ કરતી આવી છું અને આગળના ફેંસલા પણ હું જ કરીશ. તારે મારી ચિંતા કરવાની કશી જ જરૂર નથી! તારી લાગણીની કદર કરું છું, વંદન કરું છું પણ મને કોઇને 'દાન'માં પધરાવવા ખાતર ઠેકાણે પાડવાના અભરખાથી મુક્ત રહેવા તને વિનંતી કરું છું..''
અને મમ્મીએ કહ્યું હતું ઃ ''તને એકલી રાખી નથી એટલે એકલી મૂકવાનું મન થતું નથી! તારા પપ્પાએ ચારધામની જાત્રાએ જવાનું નક્કી કર્યું છે. લકઝરી બસ-પ્રવાસમાં અમે જોડાવાનાં છીએ. બે દિવસ પછી વહેલી સવારે લકઝરી બસ ઉપડવાની છે! તારી ચિંતા થાય છે દીકરી! તને હું સાથે લઇ જવા ઈચ્છું પણ..''
''મમ્મી, તારી 'પણ'ની મુંઝવણ હું સમજંુ છું.. પપ્પાના પુણ્ય-કમાવાના યજ્ઞમાં હું હાડકું બનવા નથી માગતી! તમે નિરાંતે જાત્રાએ જાઓ.'' મેં કહ્યું હતું...
અને મમ્મીના ગયા પછી અથર્વએ આપમેળે જ મારા ઘેર આંટાફેરા કરવાનું વધારી દીઘું હતું...
મેં થર્ડ એલએલ.બીની પરીક્ષા ડિસ્ટીંકશન સાથે પસાર કરી, સનદ પણ મેળવી લીધી હતી.. અને અમારી જ લૉ કૉલેજના એક વિઝિટિંગ એડવોકેટ સાથે પ્રેકટીસ પણ શરૂ કરી દીધી હતી...
અને એવામાં એક દુઃખદ અને આઘાતજનક સમાચારે મને હચમચાવી મૂકી હતી. પર્વતીય સાંકડે રસ્તેથી પસાર થતી મમ્મી-પપ્પાને ચારધામની યાત્રાએ લઇ જતી બસ ખીણમાં પટકાઇ હતી અને મારે માથેથી મમ્મી-પપ્પાનું રખોપું સદા માટે સમાપ્ત થઇ ગયું હતું...
સગાં-વહાલાંની મદદથી બધી જ મરણોત્તરવિધિ મેં પૂર્ણ કરી અને સહુ સ્વજનો વિખરાવા લાગ્યાં ત્યારે મારાં ફોઈબાએ કહ્યું ઃ ''દીકરી, તું ઠેકાણે પડું ત્યાં સુધી હું તારી સાથે રહીશ. વર વગરની જવાનજોધ દીકરી માટે એકલા રહેવું એ અગ્નિપરીક્ષા છે.''
પણ મેં ફોઇબાનો આભાર માની તેમને માનપૂર્વક વિદાય કર્યાં હતાં..
મારી એકલતામાં હૂંફ આપવાને બહાને અથર્વ મને દરરોજ ફોન કરતો, એટલું જ નહીં વિવિધ ભેટ-સોગાદો સાથે અઠવાડિયામાં ચાર-પાંચ વખત એ અવશ્ય દોડી આવતો... ક્યારેક તો મારે માટે સાંજના ભોજનનું ટિફિન લઇને જ આવતો અને તેની હાજરીમાં જ હું તેની સાથે ભોજન કરું તેવો આગ્રહ કરતો...
પણ મારા અંગત જીવનમાં એની મૈત્રીનું આક્રમણ પસંદ નહોતું.. પણ હું એનો આકરા શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કરી તેને દૂભવવા નહોતી માગતી, સાથેસાથે મૈત્રીની સીમાના ઉલ્લંઘન માટે તેને સ્વેચ્છાચારી બનવાની છૂટ પણ આપવા નહોતી માગતી. મારા સ્વાવલંબનના પ્રયોગોમાં એણે તથા એના પપ્પાજીએ મને કરેલી મદદનું ઋણ હું ભૂલવા નહોતી માગતી..
એક સાંજે આવીને અથર્વએ કહ્યું ઃ ''નિત્યાશા, આપણી મૈત્રીને હવે આજીવન સંગમાં બદલવાનો સમય વહી રહ્યો છે... આમ તો મારા પપ્પાજી તારા જેવી 'અનાથ' યુવતી સાથે મારું લગ્ન કરાવવાના પક્ષમાં નથી એટલે એમણે મારી સગાઇ ગૌરાંગી સાથે પાકી કરી દીધી છે... પણ હું તને ભૂલવા માગતો નથી.''
હું કશો જવાબ આપું એ પહેલાં જ એકાએક વીજળી ચાલી ગઇ હતી. ઘોર અંધકારમાં હું અને અથર્વ એકલાં જ હતાં...
અથર્વના મનમાં શેતાનિયત સળવળવા માંડી હશે એણે પરાણે મને સ્પર્શ કરવાની કોશિશ કરી... એટલામાં વીજળીનો સપ્લાય શરૂ થયો અને મેં અથર્વના ગાલ પર સટાસટ ત્રણ લાફા ઝીંકી દેતાં કહ્યું ઃ ''બદમાશ, તારી મૈત્રી અશિષ્ટ વર્તનની પૂર્વતૈયારી હતી? એક તરફ તું ગૌરાંગી સાથે તારી સગાઇની વાત કરે છે ને બીજી તરફ તારી જાળનો શિકાર મને બનાવવા માગે છે? તું નથી મૈત્રીને લાયક કે નથી પ્રેમને લાયક! ધીરજ વગરનો મિત્ર પણ નકામો અને ધીરજ વગરનો પ્રેમી કે પતિ પણ નકામો! તમે લોકો શું સમજી બેઠા છો નારીને? બે-ચાર મોંઘી ભેટો, હૉટલ-સિનેમાગૃહની મુલાકાતો અને પિકનિક-પ્રવાસને બહાને નિકટતા કેળવી એટલે તમને યુવતીને કાબૂમાં લેવાનો પરવાનો મળી ગયો? યુવાન પેઢી પ્રેમ કરે એ મને ગમે પણ પ્રેમને બહાને આવેશશીલ વાસનાના હડકવાનો શિકાર બને એ મને લેશમાત્ર મંજૂર નથી, સમજ્યા અમીર બાપના વંઠેલા પુત્ર અથર્વકુમાર? પ્લિઝ, ગેટ આઉટ! નિત્યાશાના ઘરનાં ને હૃદયનાં દ્વાર તમારે માટે સદા માટે બંધ થઇ ગયાં! ફરી આ દિશામાં પગ મૂકવાની કોશિશ ન કરતા!''
અને મારી જિંદગીના અઘ્યાયમાં હું એક નવીન ફેંસલો લખી નાખું છું.. પુરૂષ એકલો રહી શકે તો નારી શા માટે હિંમતપૂર્વક એકલી ન રહી શકે? મર્યાદા ઓળંગનારને મર્દ કહેવાય પણ શી રીતે? હું મર્યાદાનું રખોપું કરનાર નારીને જ 'મરદ' ગણું છું.. 'મરદ' એ મારી નજરે પુરૂષવાચક નહીં પણ બહાદુરીવાચક શબ્દ છે!
હું ધારાશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠિત થતી ગઇ... નારીઓ પર થતા અત્યાચારોના જ નહીં, નારી દ્વારા નર પર થતા અત્યાચારોના કેસ પણ લડતી રહી. કેસના તમામ પાસાંના ઉંડા અભ્યાસ અને ધારદાર દલીલોને કારણે મારા અસીલોને ઉચિત ન્યાય અપાવવામાં મને સફળતા સાંપડતી રહી.
...એ વાતને બે દાયકા વીત્યા હશે ત્યાં મારા ડૉરબેલની ઘંટડી રણકે છે અને હું આગંતુકને મળવા માટે ડ્રોઇંગ રૂમમાં જાઊં છું... દરવાજો ખોલું છું.. મારી સામે ઊભી છે એક મહિલા.. એની આંખમાં અસ્ખલિત રીતે વહી છે... અશ્રુગંગા!
હું પૂછું તે પહેલાં જ એ બોલી ઊઠે છે ઃ ''એડવોકેટ નિત્યાશા મેડમ, મારું નામ ગૌરાંગી... શ્રીમતી ગૌરાંગી અથર્વ નહીં કહું, કારણ કે એ અત્યાચારી નરપશુની પત્ની કહેવડાવીને હું મારી ઈજ્જત ઘટાડવા નથી માગતી. આ મારા કેસની ફાઈલ. મારા પતિના અસહ્ય અત્યાચારનાં કાળાં કારનામાં એમાં મેં વર્ણવ્યાં છે. બોલો, મારો કેસ લડીને મને ન્યાય અપાવશોને?... તમારા ભૂતકાળના સંબંધ તમને ન્યાયતરસી નારીની હિતરક્ષામાં આડે તો નહીં આવે ને?''
હું કશો જવાબ આપું એ પહેલાં જ ગૌરાંગી તેના કેસની ફાઈલ મૂકીને ચાલતી પકડે છે... અને મારા એકાંતમાં સંભળાય છે ગૌરાંગી જેવી લાચાર, પુરૂષની નિર્દયતાનો શિકાર બનેલી નારીઓના ચિત્કાર!
હું સ્વગત બોલી ઊઠું છું ઃ ગૌરાંગી, તારી હાર એ મારી હાર હશે. તને હારવા નહીં દઊં.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...