અક્ષરધામ મંદિર પરના હુમલાની વરસી વખતે એમાં ફસાયેલા લોકોની યાતનાનો ફર્સ્ટહેન્ડ અનુભવ...અક્ષરધામ એટેકનો ફર્સ્ટહેન્ડ અનુભવ, અંતિમ ભાગક્યાંક અટવાવું અને આતંકવાદીઓની હાજરીમાં ક્યાંક ફસાવું એ જુદી સ્થિતિ છે. ર૪ સપ્ટેમ્બર, ર૦૦રની સાંજે આતંકવાદીઓ અક્ષરધામ પર ત્રાટક્યા ત્યારે જૂનાગઢના પ્રતિષ્ઠિત લોહાણા કુટુંબના અગિયાર સભ્યો મલ્ટિમીડિયા સેન્ટરમાં ફસાઈ ગયા હતા. ઇન્ટરકોમ પર સતત મેસેજ આવતા હતા કે અંદર શાંતિ રાખજો અને હાજરી વરતાવા દેતા નહીં પણ...
ફાયરિંગ અને હેન્ડગ્રેનેડના ધડાકાના અવાજ મલ્ટિમીડિયા સેન્ટરમાં સ્પષ્ટ સંભળાતા હતા. દામોદરભાઇ કારિયા અને તેમના કુટુંબીઓએ એ વખતના અનુભવ બયાન કરતાં મને કહેલું, 'આવા વાતાવરણમાં ધીરજ કે શાંતિ કેમ રાખી શકાય? બાળકોને કેવી રીતે કંટ્રોલ કરવા? શોર્ટ ટેમ્પર્ડ કેટલાક પુરુષો બાળકના રડવાના અવાજથી એટલા ડરતા હતા કે રીતસર તેઓ કરગરતા કે બહેન, તમને પગે લાગીએ પણ બાળકને શાંત રાખો. રડતા બાળકને શાંત રાખવા માટે અને તેને સુવડાવી દેતા માટે બીજી બહેનોના દુપટ્ટા લઇને તેને હિંચકો બનાવીને બાળકોને સુવડાવવાનો પ્રયત્ન કરતા હતા. જોકે ભૂખ્યાં બાળકો જંપે પણ કેવી રીતે? અંદર કોઇ પાસે ખાસ કશું ખાવાનું હતું નહીં. બધી સામગ્રી તો મંદિરના ગેટ પર ચેકિંગ વખતે જ મૂકી દેવાની હોય છે. જો કે અમે બિસ્કિટનું એક પડીકું સાથે લીધું હતું. બીજા એક-બે પાસે પણ બિસ્કિટ હતા.'
'મેં ચારેક બિસ્કિટ કૃતિકા માટે રાખીને બીજા જેમને જોઈતા હતા તેમને આપી દીધા હતા!' દામોદરભાઇ કહે છે, 'મેં જોયું કે બહેનો પાણીમાં બિસ્કિટ પલાળીને તેને બોટલમાં ભરીને બાળકોને પીવડવતા હતા. બીજો માર્ગ પણ નહોતો. હું પોતે તમાકુ ખાઉં છું પણ મંદિરમાં દાખલ થતી વખતે તે ફેંકાવી દેવામાં આવેલું એટલે તમાકું પણ નહોતું. મગજ બહેર મારી ગયું હતું. રહી રહીને મારી જાત પર ગુસ્સો આવતો હતો ક્યાં હું આ (દીકરી-જમાઇ-પૌત્રો અને ભાડૂઆતની દીકરી) લોકોને લઈને નીકળ્યો? કંઇ થયું તો હું કોને મોઢું બતાવીશ? આખરે આ બધી પારકી થાપણ હતી. આ વિચાર જ મને વારંવાર રડાવી જતો હતો. ધડાકાના અવાજ ચાલું હતા.
ઇન્ટરકોમ પર કંઇ મેસેજ છે કે કેમ એ અમે બધા સ્વયંસેવકોને પૂછ્યા કરતા એટલે તેઓ પ્રોજેકશન રૂમમાં જઈને સ્વામીજીને પૂછી આવતા હતા. બ્લેક કેટ કમાન્ડો પણ આવી રહ્યાનો સંદેશો મળ્યો હતો પણ અંદર ભાત ભાતની કલ્પના અને શંકાઓ ચાલતી હતી. એક ભાઈ બોલ્યા કે, આમાં તો ત્રણ દિવસ પણ ગોંધાઇ રહેવું પડે.'
'રાતના બારેક વાગ્યે સ્વયંસેવકો પ્રોજેકશન રૂમમાંથી પાણીનો જગ અને બે ગ્લાસ પણ અમારા માટે લઈ આવ્યા હતા!' અતુલ વખારિયા કહે છે કે, અમારા કોઇ પાસે મોબાઈલ નહોતો એટલે મારા સાઢુભાઈએ મિસ્ટર ગુપ્તાના મોબાઈલ પરથી અમારા અન્ય કુટુંબીજનને એસએમએસ મોકલ્યો હતો કે વી આર સેઈફ (અમે સલામત છીએ). આશરે સાડા બાર-એક વાગ્યે ફરી મલ્ટિમીડિયાનો દરવાજો ખખડ્યો. અમારા બધાના જીવ ફરીથી પડીકે બંધાયા કારણ કે હજુ હમણાં જ ઇન્ટરકોમ પર એવો મેસેજ મળેલો કે આતંકવાદીઓ તમારાથી દૂર છે.
તો પછી આ દરવાજો ખખડાવ્યો કોણે? અમે દરવાજા આડે ઊભા રહી ગયા પણ બહાર મહિલાનો અવાજ સંભળાયો એટલે જરાક દરવાજો ખોલવાની હિંમત કરી. બહાર ચારેક વ્યક્તિ હતી. એક વૃદ્ધ ભાઈ-બહેન હતાં. તેમની પુત્રવધૂ પણ હતી. તેઓ બીજા કુટુંબીજનોથી છુટાં પડી ગયા હતાં. તેમની સાથે એક શખ્સ હતો. તેના હાથ સાથે ઘસાઇને ગોળી નીકળી ગઇ હોવાથી તેનું આખું શર્ટ લોહીલુહાણ હતું. અમે તેમને અંદર લીધાં. થોડીવાર પછી ઇન્ટરકોમ પર મેસેજ આવ્યો કે બ્લેકકેટ કમાન્ડો આવી ગયા છે અને તેઓ ત્રાસવાદીઓ ક્યાં છુપાયા તે શોધી રહ્યા છે. થોડીવાર પછી પણ આવો જ મેસેજ આવ્યો. ત્રાસવાદી પકડાતા કે ઠાર મરાતા નથી. તેઓ ક્યાં છુપાયા હશે એવું અમે બધાં અંદરોઅંદર ચર્ચતા હતા અને ત્યારે જ કોઇકે કહ્યું કે, આ ઘાયલ થઇને આપણી વચ્ચે છે તે ત્રાસવાદી તો નહીં હોય ને?'
'અમે બધાએ તેને ફરી જોયો. એ લોહીલુહાણ કપડાં સાથે મોટા સ્પીકર પાછળ એવી રીતે બેઠો હતો કે દેખાય નહીં. અમારી શંકા દ્રઢ થઇ. દેખાવે પણ તે મજબૂત હતો. દાઢીધારી હતો અને હિન્દીમાં બોલતો હતો. જો આ ત્રાસવાદી હોય તો એ તો અમારી વચ્ચે બેઠો છે. બ્લેક કેટ કમાન્ડો તેને કેવી રીતે પકડે અને એ પકડાય નહીં ત્યાં સુધી આપણો છુટકારો થવાનો નહોતો, એવું અમે બધાએ વિચાર્યું. એ વખતે તો અમને એ પણ ખબર નહોતી કે કેટલા ત્રાસવાદીઓએ હુમલો કર્યો છે.
અમે બધા હિંમત કરીને તેની પાસે ગયા અને પૂછપરછ કરી તો ખબર પડી કે એ કોઇ સકસેના હતો. કોઈ પ્રવાસીને લાવેલો ડ્રાયવર હતો. અમે પુરાવો માગ્યો, તો મંદિરમાંથી ખરીદેલી પુસ્તિકા કાઢીને તેણે અમને બતાવી ત્યારે પુષ્ટિ થઇ. તેણે કહ્યું કે આ રીતે તે બીજી વખત મુસીબતમાં મુકાયો છે. ગોધરા વખતે તે દસ દિવસ ગુજરાતમાં ફસાઇ ગયો હતો. એ હતાશ થઇને કહેતો હતો કે હવે ક્યારેય ગુજરાતમાં આવવું જ નથી.
આ ખુલાસો થયો એટલે બધાને ટાઢક થઈ. કેટલાક રાહત માટે 'બાથરૂમ' ગયા. મલ્ટીમિડિયામાં ટોઇલેટ નથી પણ સંતો અને સ્વયંસેવકોએ પરિસ્થિતિ જોઇને જ રાતેક આઠેક વાગ્યે જ અમને કહેલું કે મલ્ટિમીડિયાની કોરિડોરમાં ચાર ડોલ રાખી દીધી છે તેનો ઉપયોગ કરી શકે છે. મંદિરના કારણે સંકોચ થાય એ સમજી શકાય એવું છે પણ પરિસ્થિતિવશ આમ કરવું પડે તો સંકોચ ન રાખતાં.'
'અમે લોકો સિચ્ચદાનંદ હોલમાં આવેલા મલ્ટિમીડિયામાં ઘૂસી ગયા હતા. તેમાં ત્રણ ગેઈટ બહાર નીકળવા માટેના હતા. આવા જ, બહાર નીકળવાના (એક્ઝિટ) ગેઈટ પરથી રાતે અમે પેલા ઘાયલ સકસેના સહિતની ચાર વ્યક્તિને હોલની અંદર લઈ લીધી હતી. હોલનો ત્રીજો ગેઈટ, હોલમાં દાખલ થવા માટેનો છે. આ એન્ટ્રન્સ ગેટની આગળ મુખ્ય દરવાજો છે. થિયેટરમાં આપણે જ્યાં ટિકિટ કપાવીએ એવો એ ગેઈટ વટાવીએ પછી હોલમાં દાખલ થવાનો દરવાજો આવે છે. અમારા સદ્ભાગ્ય હતા કે મલ્ટિમીડિયાના સ્વયંસેવકોએ મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જો કે દરવાજો બંધ છે એનો ખ્યાલ પણ અમને ચાર-પાંચ કલાક પછી આવ્યો હતો.'
'રાતના લગભગ દોઢેક વાગ્યે ઇન્ટરકોમ પર સંદેશો આવેલો કે બ્લેકકેટ કમાન્ડોએ ત્રાસવાદીઓને ઘેરી લીધા છે અને ત્રાસવાદી તમારાથી ઘણા દૂર છે. માત્ર રાત હોવાથી તમને બહાર કાઢવા હિતાવહ નથી. આ સૂચનાથી બધાને થોડી હિંમત આવી હતી અને એટલે ઘણી બહેનોએ 'લાંબો વાંસો' કર્યો હતો. મેં પણ બેઠાં બેઠાં ઝોલાં ખાધા હતાં. રાતના અઢીથી ચાર વાગ્યા સુધી બધું શાંત થઇ ગયું હતું પણ ચારથી છ - સવા છ સુધી સતત ફાયરિંગ ચાલ્યું. બધા ધડાકાના અવાજથી જાગી ગયા હતા. સવારે સાતેક વાગ્યે મલ્ટિમીડિયાનો દરવાજો બ્લેકકેટ કમાન્ડોએ ખખડાવ્યો. ઇન્ટરકોમ પર પણ મેસેજ હતો એટલે અમે ખોલ્યો.
કમાન્ડોએ કહ્યું કે ઓપરેશન સક્સેસ હુઆ હૈ ઔર ઉસમેં હમારા ભી એક બંદા ગયા હૈ. એક જાને કી તૈયારી મેં હૈં. થોડીવારમાં જ તમને અહીંથી બહાર કાઢવામાં આવશે. આમ કહી તેઓ ગયા. તેના ગયા પછી સ્વયંસેવકોએ મલ્ટિમીડિયા સેન્ટરમાં ખુરશી રાખી તેના પર સ્વામીજીનો ફોટો રાખ્યો અને શ્રીફળ વધેર્યું હતું. અમને તેની પ્રસાદી પણ આપી હતી. એ પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. આશરે આઠેક વાગ્યે અમને લાઇનબંધ બહાર કાઢયા ત્યારે પંદર કલાકની ગૂંગળામણનો અંત આવ્યો હતો.'
kalash@guj.bhaskarnet.com
સત્યકથા, નરેશ શાહ
No comments:
Post a Comment