[Gujarati Club] Copy-Paste - કૌન હૈ હમ?

 

Copy-Paste - કૌન હૈ હમ?

મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/10/copy-paste.html


" ઘોડાની ખાલ  ઓઢી, ગધેડો છે..ક ગરી ગયો?
 મારા  બ્લોગનો પાક જોને,  બેધડક ચરી ગયો..!!


=========


પ્રિય મિત્રો,


હમણાં થોડા દિવસ પહેલાં, હું ઘણાજ અગત્યના કામે નીકળ્યો હતો અને રસ્તામાં મારી પત્નીનો ફૉન આવ્યો. ફૉન કદાચ અગત્યનો હશે તેમ સમજીને,હું રોડ પર કાર ડ્રાઈવ કરતો હતો, તેથી કારની સાઈડ લાઈટ ફ્લેશ કરી, કારને બાજુમાં પાર્ક કરી,  ફૉન રીસીવ કર્યો.


મેં વિનમ્રતાપૂર્વક કહ્યું,`હેલૉ.`


સામેથી, કોઈ પુરૂષના, ખડખડાટ હસવાના અવાજ સાથે, અસ્પષ્ટ પ્રશ્ન પૂછાયો," સાહેબ, ઓળખો જોઈએ? K K M. કૌન હૈ હમ?"


મેં વિવેક ન ચૂકી જવાય તેથી, શક્ય તેટલા સંયમિત અવાજે ઉત્તર વાળ્યો," કૌશીકભાઈ?" ;


"ના" ;


"હસમુખભાઈ?" ;


"ઊઁહું?"


"હા,હા, યાદ આવ્યું, આપ જગદીશભાઈને?"


પેલા ભાઈએ કહ્યું," બસ, અમને ભૂલી ગયાને? મને ખબરજ હતી? હા, ભાઈ, તમે તો મોટા માણસ, અમે નાના માણસ..!!"


એક તો મારે મોડું થતું હતું અને આ અજાણ્યા ભાઈ, મારી સાથે "પેહચાન કૌન?" ની રમતે ચઢ્યા હતા..!!


રોડ વચ્ચે ઉભા રહી, આ  રીતે, `હું કોણ-તું કોણ?`ની રમત માડવાનું કોને ગમે?


હું  ખરેખર કંટાળ્યો. મને લાગ્યુંકે, મારે જેટલા ઓળખીતા પુરૂષ છે, તે બધાનાં નામ લેવાં પડશે? પણ તેટલો સમય મારી પાસે ક્યાં હતો? મારે મોડું થતું હતું.


છેવટે, મેં તેમને વચગાળાનો રસ્તો કાઢ્યો," જુઓ, હું અત્યારે ફલાણા બજારમાં, ફલાણા રોડ પર, કાર ડ્રાઈવ કરું છું. આપને પછી ફૉન કરું તો ચાલશે?"


પણ પેલા ભાઈએ આજે, મને સતાવીને, કોઈની સાથે શરત જીતવાની હોય તેમ મને કહે, " મને ખબર છે, તમે ફલાણાભાઈને ત્યાં જવા નીકળ્યા છોને?"


હવે, આ ભાઈને ન  ઓળખવા બદલ, મને ખરેખર શરમ આવી. મને થયું, "કોઈ અંગત વ્યક્તિ હોય તેનેજ મારા આજના કાર્યક્રમની જાણ હોયને?"


જોકે, ભગવાન મારી વહારે ધાયા હોય તેમ, બીજીજ ક્ષણે, ફૉન પર મારી પત્નીનો અવાજ આવ્યો, (આ અવાજ તો હું ઓળખુંજને?),


" આપણા વોર્ડના, ઉમેદવાર શ્રી---------, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા છે. તે આપણે ત્યાં પાણી પીવા રોકાયા. મને કહે, વાત કરાવો, તેથી ફૉન જોડી આપ્યો."


હવે મને ઉમેદવારભાઈ પર અને તેના કરતાં વધારે મારી પત્ની પર ખૂબજ ગુસ્સો આવ્યો. પણ મોડું થતું હોવાથી, જેમતેમ વાત પતાવીને, હું રસ્તે પડ્યો.


સાલું, મને વિચાર આવે છેકે, લોકોને ફૉન પર આવી સંતાકૂકડી રમવાની શું મઝા આવતી હશે? કદાચ તે નવરા હોય, તેથી બધા નવરાધૂપ ફરતા હશે? વળી, આવા લોકોને, કોઈને સતાવ્યા બાદ, `સૉરી`, કહેવા જેટલુંય સૌજન્ય નહીં સૂઝતું હોય?


જોકે, મને સ્ટારવન પર અગાઉ આવેલા, `લાફ્ટર ચેમ્પિયન` કાર્યક્રમના, મુંબઈના, સ્ટેન્ડઅપ કૉમેડીયન, શ્રીમનોજ પ્રભાકરનો, બારબાળાનો, `પેહચાન કૌન`વાળો ઍપિસોડ ખૂબ ગમ્યો હતો, પરંતુ તે તો મારા ઘરના સોફા પર નિરાંતે બેસીને, કૉફીની ચૂસ્કી સાથે, માણવાની બાબત હતી. રોડ ઉપર ઉભા રહીને નહીં..!!


કૉમેડી માણવા માટેય મૂડ બનવો  જોઈએને? રસ્તા વચ્ચે, થોડો મૂડ બને? વળી મને તો ઘણીવાર, જેરીતે , મનોરંજન ચેનલના લોકો આ પ્રકારે ફોન કરીને, બીજાને સતાવીને, `બકરા` બનાવવાના, આખેઆખા ઍપિસૉડ, આપણને કોઈજ મહેનતાણું આપ્યા વગર ઉતારી લઈને, પછી જાહેરમાં આપણો ફજેતફાળકો ઘૂમાવે છે, તે જોતાં `ચેતતા નર સદા સુખી`ની કહેવત, દરેક વ્યક્તિએ, યાદ રાખવા જેવી ન કહેવાય?


જોકે, આ લેખ લખવાનું આજે કારણ એ છેકે, હમણાંજ મારા બ્લોગના ખેતરમાં, ગરી જઈ, 
`K K M. કૌન હૈ હમ?` નામનો બનાવટી સાહિત્યકાર મારી` આધુનિક બોધકથાઓ-૩` ને, મારા બ્લોગનું સરનામું અને લેખક તરીકે મારું નામ ડીલીટ કરી નાંખીને, આખેઆખો લેખ, જેમનો તેમ (કલર લાઈન) સાથે બેધડક ચરી ગયો.

જોકે,ઘોડાની ખાલ પહેરેલો, આ ગધેડો  આખેઆખો લેખ ચરી ગયો તેની મને ખબર જાણ ન થાત, પરંતુ પાછું From:  `K K M. કૌન હૈ હમ?ના નામથીજ, જે  યાહુગ્રુપમાં તેને મેં પોસ્ટ કર્યો હતો, તેજ સ્થાને, ફરીથી તેણે પોસ્ટ કર્યો. ગમેતેમ ખાંખાખોળા કરીને, તેનું સાચું નામ અને ઓળખ તો મેં મેળવી લીધી છે અને તેને આ બાબતે ખુલાસો કરવા મેઈલ કરે, ચાર-પાંચ દિવસ થઈ ગયા છે. પણ હજી, ` રામ નામ સત્ય હૈ` છે.


પેલા, `પેહચાન કૌન?` વાળા કૉર્પોરેટર ઉમેદવારની માફક, `સૉરી` કહેવાનું સૌજન્ય, આ પ્રાણીએ, હજીસુધી દાખવ્યું નથી. આવા કૉપી-પેસ્ટ ઉપર નભનારાને, જો મૌલિક સર્જન કરવા શિષ્ય બનવું હોય તો, ઘણા મૌલિક લખનારા, ઉદારતાપૂર્ક તેઓને મદદ કરવા તૈયાર છે અને
રખડુ ગધેડા બનીને, ગમે તેના ઉભા પાકનું ભેલાણ કરવું કે ચરવા પેસી જવું તે કરતા, નવસર્જનના પ્રયત્નમાં લાગી જવું વધારે યોગ્ય છે.

યાદ રહે, બધા અભિમન્યુ નથી હોતા, જે માતાના ગર્ભમાં, ચક્રવ્યુહ યુદ્ધરચના શીખી જાય. તેજ પ્રકારે, મારા સહિત કહેવાતા દરેક સાહિત્ય સર્જક, કોઈ સ્થળેથી અનુભવ કે પ્રેરણા મેળવી, ફક્ત એક શબ્દને લઈ, તર્કબદ્ધ આખો લેખ કે વાર્તા લખતા હોય છે અને તેમ સ્વીકારવામાં કોઈએ શરમ ન રાખી જોઈએ.


પરંતુ, કોઈના બ્લોગ ઉપરથી આખેઆખી રચના, જેમની તેમ ઉઠાવી, પોતાના નામે ચઢાવી દેવી, તે સરાસર અનૈતિકતા, અને ફોજદારી રાહે, કૉપી રાઈટભંગનો ગુન્હો છે અને આવા પ્રાણીઓ વ્યંગબાણનાં ડફણાંથી ના સુધરે તો, તેમના પર ના છૂટકે, ફોજદારી રાહે પગલાં લેવા મજબૂર થવું પડે.


ખરેખર તો સ્પષ્ટ,સાચી ઓળખ વગરના સભ્યો ગ્રુપ ભલે જોઈન કરે, પણ તેમને પોસ્ટ પબ્લિશ કરવાની પરવાનગી, સાચી ઓળખ આપ્યા બાદજ આપવી જોઈએ, જોકે, મને આનંદ છેકે,
મારી ફરીયાદ પર ત્વરાથી અમલ કરીને, આ પ્રાણીને, જેતે ગ્રુપ સંચાલકશ્રીએ સસ્પેન્ડ કરેલ છે.

મને લાગે છે, આવા જાગૃત સંચાલકો હોય ત્યાં, ભલે જેવું  આવડે તેવું, પણ મૌલિક લખવાનો પ્રયત્ન કરતા, નવા તથા જુના લબ્ધપ્રતિષ્ઠિત, ગુજરાતી ભાષાના સર્જકો અને તેમનું અમૂલ્ય સર્જન, સાવ સલામત છે.


આટલી કઠોર ભાષામાં, કૉપી-પેસ્ટ કરનારા માટે લખવું, તે કોઈના પણ, મનને ન રૂચે તેવી પ્રક્રિયા છે. પરંતુ કડવું ઓસડ તો માઁ જ પાયને? .


પણ, બસ બહુ થયું, હવે આવા લોકો પ્રત્યે, ફોજદારી રાહે પગલાં ભરવાનો સમય પાકી ગયો છે અને મારા હાથે તેની શરૂઆત થાય તો , તેની નવાઈ નહીં..!!


તા.ક. આ લેખ દ્વારા કોઈનું અપમાન કરવાનો ઈરાદો હરગિજ નથી. ઓળખ વગરના બ્લોગર્સને, બંધબેસતી પાઘડી પહેરવાની છૂટ છે.


માર્કંડ દવે. તા ૦૧ -નવેમ્બર ૨૦૧૦.

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...