નાનાભાઈ જેબલિયા: ગરવો ગવર્નર Source: Toran, Nanabhai Jebaliya ભલે જાઓ અંદર, પણ મા'રાજ! કંપાઉન્ડમાં ઊભા રહેજો, સાદ દેજયો શું સમજયા? ડખડખ કરતા પરબારા જતા નૈ. હું અહીં ઊભો રહીને જોઇશ.
આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા'રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. ધરતી ખેડાતી હતી. ધૂળના ગોટા ચડતા હતા. ટ્રેક્ટરને ચલાવનારા હાથ એવા સુંવાળા હતા કે ઝાડની ડાળીઓમાં લપાઇને બેઠેલાં પક્ષીઓ એકબીજા સામે અચંબાથી જોઇ રહ્યાં હતાં...!
બપોર ફાટવાની તૈયારી હતી. ચાલતા ટ્રેક્ટરની દિશામાં દસેક જેટલા શહેરી માણસોની મંડળી ઊપડતા પગે જઇ રહી હતી... આછાં, ઝીણાં ધોતિયાં, હાથભરતની બદામી ટોપીઓ, લંબકોટ અને સુખી સુખી એવા સૌના ચહેરા...!ટ્રેક્ટર ચલાવનારે આ મંડળીને પોતાની તરફ આવતી જોઇને ટ્રેક્ટર ઊભું રાખ્યું. કપાળ પરનો પસીનો લૂછ્યો, અંગ ઉપરની રજને થોડીક ઝાપટીઝૂપટી!
'અરરર, બાપુ!' પેલા સુખી ચહેરાની આખી મંડળી વલવલી ગઇ: 'આપ આ શું કરો છો કૃષ્ણકુમારસિંહજી?''ખેતી...' ભાવનગરના માજી રાજવી કૃષ્ણકુમારસિંહજી તડકાના દરિયામાં ઊભા રહીને સ્વાભાવિકપણે હસ્યા...'આપ પોતે?''કેમ?''કેમ શું બાપુ! તમે તો ભાવનગર રાજના ધણી...''ભૂતકાળ... શેઠિયાવ?' રાજવી મોકળું હસીને હળવા થયા: 'એ તો બધો ભૂતકાળ હતો... હવે કેવાં રાજ અને કેવા રાજાઓ?''આખા દેશમાં આપ જ એક એવા રાજા નીકળ્યા કે સૌપ્રથમ ભાવનગર રાજ્ય દેશને અર્પણ કરી દીધું તમે!' વેપારીઓનો વસવસો...!
'મારી એ ફરજ હતી...' કૃષ્ણકુમારસિંહજી બોલ્યા: 'પ્રજાનું હતું અને પ્રજાને સોંપ્યું ભાઇ! મહાત્મા ગાંધીજી જેવાના બલિદાનને એળે કેમ જવા દેવાય? અને ચહેરા પર પ્રસન્નતા ઉભરાવીને પછી ઉમેર્યું : છેવટે દેશ મહાન છે. હું નહીં...' અને ગઇ વાત પર ઢાંકણું વાસીને ચાવી ગજવામાં મૂકતા હોય એમ હસીને આગળ ચાલ્યા : 'આવો, છાંયડે બેસીએ.'
'આવા તડકામાં કામ કરો છો, બાપુ!''ખેડૂત ખરોને? તમે તો ભાઇ સુંવાળું વરણ... આવો...' ભાવનગરના કાપડના વેપારીઓને બગીચાને છાંયે બેસાડીને નિરાંતે પૂછ્યું : 'બોલો, આવા તડકામાં કેમ આવવું પડ્યું?''લંબકોટ, ટોપીવાળા, નમૂછિયા ચહેરાઓ થડભાંગે ચડ્યા. કાપડના તાકાની જેમ એનાં ચિત્ત ઊખળ્યાં, સંકલાયાં અને છેવટે ગૂંચવાયાં, કે અઢારસો ગામડાં જેણે સરદાર વલ્લભભાઇને સૌપ્રથમ સોંપી દીધાં અને છતાં જેનો જીવડો કકળ્યો નહીં, તલભાર પણ ટૂંપાયો નહીં એવા ઉદારચરિત આ રાજવી પાસે, દુકાનના ભાડા જેવી મામૂલી રકમ માટે આપણે શું કામે આવ્યા? રાજ્યની સોંપણી પછી ધન ભંડારો, બંગલાઓ-બગીચાઓ અને કરોડોની એવી મિલકત દઇ દીધી છતાં પોતાના જૂના એક પણ નોકરને જેણે છુટો નથી કર્યો કે કોઇનો રોટલો ઝૂંટવ્યો નથી, એવા વિરલ માણસ પાસે આપણે શું મોઢાં લઇને આવ્યા કે અમારી દુકાનોનાં ભાડાં ઓછાં કરો?'
'બોલો, શેઠિયા! વાત કરો, શું છે?''કાંઇ નૈ બાપુ! આ તો અમસ્તા જરાક.''ન બને...' રાજવી હસ્યા: 'અમારા જૂના દરબારગઢની કાપડ બજારના તમે ધમધોકાર ધંધો કરનારા, મરવાનીય નવરાશ ન પામનાર એવા મહાજનો, અહીં મારા ફાર્મ સુધી ફોગટનો ધક્કો શાના ખાઓ? શું છે, બોલો?''બાપુ અમારી દુકાનોનાં ભાડાં વધારી દીધાં.'
'કોણે?'
'અનંતરાય પટ્ટણી સાહેબે.'
'કેટલાં વધાયાઁ?'
'પચ્ચાસ હતા, એના પોણોસો કર્યા.'
'શું કારણ?'
'ખર્ચ વધવાની વાત કરી.'
'તમે પટ્ટણી સાહેબને મળેલા?'
'હા, મળેલા.'
'પછી? શું કીધું એમણે!'
'કહે કે રાજની આવક વધારવાની ફરજ પડી છે કેમ કે રાજને હવે બીજી આવક નથી.'ખેતરના વિશાળ પટને ઓળંગતી ઓળંગતી રાજવી કૃષ્ણકુમારસિંહજીની નજર, છેક શેઢા પર લટલૂમ થયેલાં લીલાં ઝાડ પર પળભર વિરમી અને લીલછોઇ થઇને પરત આવી ત્યારે રાજવીપણાની ઉદારતાથી લથબથ હતી...!
'મારો ખર્ચ પૂરો કરવા ભાવનગરની પ્રજા પર કોઇ બોજ નાખવાની મારી ઇચ્છા નથી.' ઊંડા અને ઘેરા સાદે એ બોલ્યા: 'ધનેડાં પીલવાથી કાંઇ વળે પણ નહીં. પટ્ટણી આ બધું જાણતા હશે. ખેર, હવે તમે શું ઇચ્છો છો?''બાપુ! જૂનાં ભાડાં ચાલુ રાખો.' વેપારીઓ બોલ્યા: 'પચ્ચાસ રૂપિયા...''પચ્ચાસ નહીં, પણ ચાલીસ આપજો. રાજી?''ના રે ના... બાપુ! ઓછા શું લેવા?'
'તમે બધા તડકામાં અહીં સુધી આવ્યા અને એટલો લાભ ન આપું? જાઓ... હવે તો ખુશને?'અને ભાવનગરની કાપડબજારના વેપારીઓ ઠંડક પામીને વિદાય થયા...
*** *** ***
'ક્યાંથી આવો છો મા'રાજ?'કપાળમાં ત્રિપુંડ, માથા પર લાંબી શિખા, ખભા પર લાલ રંગનો ખેસ અને ધોતિયા-કફનીમાં સજ્જ એવા એક બ્રાહ્નણને ગવર્નરના બંગલા પાસે ધસી આવેલો જોઈ પોતે કોઇ સાધારણ પોલીસ નથી પણ મદ્રાસના ગવર્નરનો રક્ષક છે એવા ઈગો સાથે એ બોલ્યો કે, 'આ કોઇ વાણિયા વેપારીનો બંગલો નથી મહારાજ, કે તમે 'દયા પ્રભુની' માટે આંહીં આવી શકો. માટે તમે જ્યાંથી આવો છો ત્યાં પાછા પધારો...'
આવતલ બ્રાહ્નણ જરા પણ વિચલિત ન થયો.... ઊલટાનો એ એવી રીતે તાકી રહ્યો કે બંગલામાં જાણે પોતાનું કોઇ સ્વજન એની રાહ ન જોતું હોય?'ક્યાંથી આવો છો?' ગવર્નરનો પહેરેગીર ગજર્યો.'ભાવનગરથી...' વિપ્રે શાંતિથી જવાબ દીધો.રક્ષકના હોલબૂટમાં સળવળાટ થઇ ગયો. ચહેરા પર ઊભરેલાં રોફ અને રુઆબ પાંચ-દસ પગથિયાં એકસાથે નીચે ઊતરી ગયાં...!
'ક્યાંથી?' આંખો ઝીણી કરીને એણે ચકાસણી કરી. 'ભાવનગરથી આવું છું. મારું નામ ગૌરીશંકર...' ગૌરીશંકર શિખર જેવો આદમી હોય તોય આ પહેરેગીર કહી દેત કે ગૌરીશંકર હો તો તારા ઘરનો, સમજ્યો? આ બંગલો નામદાર ગવર્નરનો છે. તારા જેવા ગૌરીશંકરો માટે નથી, અહીં તો મદ્રાસનો મુખ્યપ્રધાન પણ ઠઠડીને ઊભો રહે. લોટણવેડા કરે. તયેં પ્રવેશ મળે સમજયોને. ગૌરીશંકર! પણ કાંઇ નૈ ભલા માણસ! લાચાર છું. ભાવનગર તો અમારા ગવર્નર સાહેબનું વતન, જન્મભૂમિ અને જૂની એની રાજધાની અને એનો આ રહેવાસી... જા ભઇ જા!
'તમે મા'રાજ! ગવર્નર સાહેબને ઓળખો છો!' ગમ ખાઇને પહેરેદારે પૂછ્યું.'સારી રીતે ઓળખું...' ગૌરીશંકરે નિરાંતથી કહ્યું. 'હશે. એમને તો સૌ ઓળખે. આખો દેશ ઓળખે છે. પણ તમને સાહેબ ઓળખે છે?''હા, ભાઇ! મને કેમ ન ઓળખે? હું એનો રસોઇયો હતો...'
'ભલે જાઓ અંદર, પણ મા'રાજ! કંપાઉન્ડમાં ઊભા રહેજો, સાદ દેજ્યો શું સમજયા? ડખડખ કરતા પરબારા જતા નૈ. હું અહીં ઊભો રહીને જોઇશ.' અને વિપ્ર ગૌરીશંકર, ગવર્નરના બંગલામાં પ્રવેશ્યા. પ્રાંગણમાં ઊભા રહીને એણે સાદ દીધો: 'બાપુ! હું ભાવનગરનો ગૌરીશંકર...'
ઉંદરડીને ટાંપીને કાગડો જોઇ રહે એમ પેલો પહેરેગીર જોઇ રહ્યો હતા, પણ પળ પછી એ આભો બની ગયો. એને ભ્રમ થયો કે મદ્રાસનો દરિયોકાંઠો બહાર નીકળ્યો કે આસમાન નીચે ઊતર્યું કે પછી આ ધરતી પાતાળે જઇ રહી છે?ભાવનગર અને ગૌરીશંકર... એવા બે શબ્દો સાંભળતાની સાથે, મદ્રાસના ગવર્નર કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ, દ્વારકાના મહેલેથી સુદામા માટે વછુટેલ રાજા રણછોડની જેમ વછુટયા! અને જોતજોતામાં મુઢ્ઢી હાડકાનો ભાવનગરી આ વિપ્ર, ગવર્નરના દિલમાં છલોછલ ભરાઇ ગયો! મદ્રાસના મુખ્યપ્રધાનને ન મળે એવો ઉમળકો એને સાંપડ્યો. 'ગૌરીશંકરભાઇ! શું કરે છે આપણું ભાવનગર?' તામિલનાડુના દરિયાનાં જળતરંગો પર બેસીને નામદાર ગવર્નરનો આતમો ભાવનગરના બંદર સુધી ખળભળી ગયો...
પછી તો સંસ્મરણોની વણઝારો ચાલી... ભાવનગરના વેપારીઓ, ભાવનગરના કેળવણીકારો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, કવિઓ, લેખકો અને સાવ સાધારણ માણસો પણ કૃષ્ણકુમારસિંહજીના હોઠેથી સરતા રહ્યા... સૌના ધંધા વિશે, સુખાકારી વિશે, બાળબચ્ચાંઓ વિશે વીણી વીણીને ખબર પૂછ્યા...
ભાવનગરના રાજદરબારમાં રૂપિયાના થાળ ભરીને, રેશમી શાલો વડે ઉમદા હસ્તીઓને જે રીતે એમણે ભૂતકાળમાં સન્માની હતી એ જ રસમથી વિપ્ર ગૌરીશંકરને એણે સન્માન્યા! અને જ્યારે જ્યારે મદ્રાસમાં ગૌરીશંકર એમની પુત્રીને ઘેર આવે, ત્યારે અચૂક રીતે ગવર્નરને બંગલે મહેમાન બને એવો પ્રેમાગ્રહ કરીને વચન લીધું...
અને નિવૃત્તિને આરે ઊભેલ, અકિંચન એવો ભાવનગરનો આ ભૂદેવ, રૂપિયે-વસ્ત્રે લથબથ થઇને ગવર્નરના બંગલેથી વિદાય થયો ત્યારે મદ્રાસના ગવર્નર વિદાયના મીઠા સ્મિત સાથે હાથ ફરકાવી રહ્યા હતા...અને કલાક પહેલાં, આ વિપ્રને માણસ સમજીને તોછડાઇથી વર્તેલો પેલો દરવાન આને જોઇને 'એટેન્શન'ની પોઝિશનમાં આવીને બંદૂક નમાવીને ભૂદેવ ગૌરીશંકરને માનભરી નજરે નિહાળતો ઊભો રહ્યો. અને બહાર નીકળ્યા ત્યારે મા'રાજ ગૌરીશંકર રાજવીની આ આત્મીયતાથી ગદ્ગદ થઇ ગયા હતા! એની આંખોના ખૂણે લટકતાં હર્ષાશ્રુઓનાં ટીપાંઓમાં આખું ભાવનગર રાજ ઝૂલતું હતું!
(નોંધ : ભાવનગરના સ્વ. કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર પદે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી વેતન પેટે માત્ર પ્રતિ માસ એક રૂપિયો સ્વીકારતા હતા!)
તોરણ, નાનાભાઈ જેબલિયા |
No comments:
Post a Comment