[F4AG] કાન્તિ ભટ્ટ: કોઈ પ્રેમી કે પ્રેમિકાના દોષ નહીં તેની અંદરના ‘માનવ’ને જુઓ

 

કાન્તિ ભટ્ટ: કોઈ પ્રેમી કે પ્રેમિકાના દોષ નહીં તેની અંદરના 'માનવ'ને જુઓ

Source: Chetanani Kshane, Kanti Bhatt  
 
 
આપણે આજે લીઓ ટોલસ્ટોય નામના રશિયન મહાત્માની ૧૦૦મી મૃત્યુજયંતી નિમિત્તે તેને યાદ કરીએ અને જાણીએ કે કોઈપણ મહામાનવ છેવટે માનવ તો છે જ.

ખામોશી સે પહલે
અજલ કા વહ પીર આયા થા
ઔર મુઝે
એક કિરણ કા તાવીજ દે ગયા
વહ તાવીજ પહન લેતી હૂં
તો સારે આસમાન પર
ઉસકી દરગાહ દેખતી હૂં
ઔર ઈશ્ક કી શીરની લેકર
દરગાહ પર જાતી હૂં- અમૃતા પ્રીતમ

કવિયત્રી અમૃતા પ્રીતમ આખી જિંદગી પ્રેમમાં તરબોળ રહી. ઈશ્ક જ તેનું જીવન હતું. તેણે ઉપરની કવિતા લખી તે અંગત હશે પણ તે સમષ્ટી માટે છે. તમે તમારો અર્થ લઈ શકો છો. જ્યારે પણ તમને પ્રેમી કે પ્રેમિકામાં કોઈ દોષ દેખાય તો તમે ઈશ્કનું તાવીજ ગળે બાંધજો. ક્ષમાભાવને ગળે વળગાડજો. આખરે તો પ્રેમ કરનારો કે કરનારી એ માનવ છે. અરે, કોઈ પણ મહાન પુરુષ પછી તે મહાત્મા ગાંધી હોય કે લીઓ ટોલસ્ટોય હોય કે રજનીશ હોય તે આખરે તો માનવ છે.

તે મહામાનવ હોઈ શકે પણ માનવ તો છે જ. આપણે આજે લીઓ ટોલસ્ટોય નામના રશિયન મહાત્માની ૧૦૦મી મૃત્યુજયંતી નિમિત્તે તેને યાદ કરીએ. ગાંધીજી જીવનને અંતે મનુ ગાંધી અને આભા ગાંધીને ખભે હાથ મૂકીને ચાલતા હતા તેમાં લેખક વેદ મહેતાને કાંઈ ઊણપ લાગતી હોય તો તે વેદ મહેતાની ભૂલ છે. ગાંધીજીની નહી. ગાંધીજીને આપણે મહાત્મા કહેતા પણ છતાં તે માનવ તો હતા જ.

રશિયન મહાપુરુષ લીઓ ટોલસ્ટોયની ૧૦૦મી મરણતિથિ વખતે ઈંગ્લિશ લેખિકા-ઈતિહાસકાર મેડમ રોઝામન્ડ બાર્ટલેટે તેના જીવન વિશે સુંદર પુસ્તક લખ્યું છે-'ટોલસ્ટોય : એ રશિયન લાઈફ.' ભારત માટે લીઓ ટોલસ્ટોય તેમના નામનો 'લીઓ ટોલસ્ટોય માર્ગ' દિલ્હીમાં છે તેટલું પૂરતું નથી. મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની વિચારધારાને અને ખાસ કરીને બ્રિટિશરો સામે દ. આફ્રિકામાં હતા ત્યારે લડવા માટે ગાંધીજીને અહિંસાની પ્રેરણા ટોલસ્ટોયે આપેલી. દુભૉગ્યે બન્ને મહામાનવોનો પરિચય થયા પછી ટોલસ્ટોય માત્ર એક વર્ષ જીવ્યા. પણ બંનેની પત્રમૈત્રી ચાલી. આ ટોલસ્ટોય કોણ હતા? તેના વિશે વાંચો ત્યારે આ લેખમાં તમામને મેં આખરે તો 'માનવ' ગણ્યા છે તે વાત યાદ રાખજો.

રશિયાના તુલા પરગણામાં ટોલસ્ટોય એક ઉમદા ગણાતા જમીનદાર બાપને ત્યાં જન્મ્યા હતા. હજી તે કિશોર હતા ત્યાં જ માબાપ મરી ગયાં. તેમનો જન્મનો મહિનો ઓગસ્ટ ૧૮૨૮નો હતો તેનો સરવાળો દસ થતો હતો. આવા મહાન પુરુષ પણ વહેમીલા હતા. દસનો આંકડો તેને માટે શુકનિયાળ છે તેમ માનીને તેણે તેની જન્મ તારીખ ૨૮ રાખેલી. (આઠ વત્તા બે = દસ). બાળવયે તે ખૂબ લાડમાં ઊછર્યા અને મોટા થતા હતા ત્યારે આ લાડકવાયો જમીનદારનો દીકરો કાંઈ ઉકાળશે તેવી કોઈને આશા નહોતી.

નિશાળના માસ્તરો કહેતા કે આ છોકરો કંઈ શીખી શકશે નહીં કારણ કે તે શીખવા જ માગતો નથી. મતલબ કે શિક્ષકો તેને સમજી શક્યા નહોતા. તે સ્કૂલ કે કોલેજમાંથી નહીં જીવનની યુનિવર્સિટીમાંથી જ અથડાતા કુટાતા શીખવા માગતા હતા એટલે તેણે રશિયાની શ્રેષ્ઠ કાઝાન યુનિ. છોડીને પાછા તેનાં પાલક માતાપિતા પાસે જીવનની યુનિ.માં જોડાવા માટે ગયા. અભ્યાસ છોડી દીધો પછી પૈસા હતા એટલે મોસ્કો ગયા. ૨૩ની ઉંમરે તે મોસ્કોમાં અનેક મોજશોખમાં પડ્યા. શરાબ પીતા થયા.

જુગાર રમતા અને રૂપાળી છોકરી મનમાં વસે તો તેના પ્રેમમાં પડી જતા.. અને? ... આ બધામાંથી તે બહાર આવીને પોતાની મેળે જે જ્ઞાન મેળવ્યું તેમાં પ્રથમ વાત એ હતી કે તેને ઈશ્વરે ભાગ્યશાળી કુટુંબમાં જન્મ આપ્યો તે અકસ્માત છે તે સ્વીકાર્યું. તેના દેશમાં બીજા કેટલાક કમભાગી કિસાનો હતા જે ગુલામ બનીને જમીનદારો માટે ખેતી કરતા. તેની ચેતના એકાએક જાગી ઊઠી. રશિયામાં અતિ શક્તિશાળી રાજાને 'ઝાર' કહેવાતા અને એક જુગારી-બેફિકરા માનવમાંથી ચેતના જાગતાં તે 'સ્પિરિચ્યુઅલ ઝાર' બની ગયા. આ આધ્યાત્મિક શહેનશાહે પછી અનુભવો પરથી વાર્તાઓ લખી. ખૂબ ખૂબ લખ્યું. એટલું લખ્યું જેના ૧૦૦ જેટલા ગ્રંથો થાય.

એકાએક તેને મોસ્કોથી પાછા ફર્યા પછી રશિયામાં ચાલતી ભયંકર અસમાનતાનું ભાન થયું. ગાંધીજીએ જેમ પોતડી પહેરી લીધી તેમ ટોલસ્ટોયે નકામાં વસ્ત્રો ફેંકી દીધાં. મોજાં પહેર્યા વગરનો ભાગ્યે જ કોઈ યુરોપિયને કે રશિયન દેખાશે. તેણે મોજાં પહેરવાનું બંધ કર્યું. સાદા ખાનપાન અને સાદી ટેવો અને ખાસ તો એ જમાનો માંસાહારનો હતો. માંસાહાર સામાન્ય મનાતો. તે જમાનામાં શાકાહાર અપનાવ્યો.

શરૂમાં ૧૯ની ઉંમરે તેને વારસામાં ૫૫૦૦ એકર જમીન મળી જેમાં ૩૦૦ જેટલા ગુલામ ખેત-મજૂરો હતા. પોતાની જ આત્મકથામાં પછી ટોલસ્ટોયે લખ્યું કે- તેણે આખરી ટીનએજર અવસ્થામાં લંપટ જીવન ગાળેલું. થોડી ધનની મગરૂબી હતી અને વાસનાથી ભરેલી જિંદગી ગુજારેલી. તેના ખેતરમાં રૂપાળી છોકરી શેઢા વાઢતી હોય તેને પકડીને રોમાન્સ કરતા. મોસ્કો જઈ જુગાર રમતા. જુગારમાં હારેલી રકમ આપવા તેની માલિકીનાં ઘણાં ગામો વેચી દેવાં પડ્યાં. એ પછી તે લશ્કરમાં જોડાયા અને તે પછી તેના જીવનમાં પરિવર્તન આવ્યું. કેપ્ટન તરીકે તેની નીચે લડતા સૈનિકોની દુર્દશા જોઈ.

રાજા માટે લડવા માટે-સાવ ખોટી રીતે લડવા માટે-ખોટું હીરોપદ અપાય છે તે જોયું. હીરો માત્ર રાજકારણી થાય છે. સોલ્જર નહીં. તેને પછીથી ખેતરમાં ગુલામ બની કામ કરતાં બાળકોની હાલત યાદ આવી અને પછી તેણે યુરોપ જઈ ત્યાં કેવું શિક્ષણ અપાય છે તે જોયું અને તેણે ખેડૂત બાળકોને શિક્ષણ આપવા માંડ્યું.

ટોલસ્ટોયે ૧૮ વર્ષની સુંદર સોનિયા સાથે લગ્ન કર્યાં. બન્ને વચ્ચે ઉંમરમાં સોળ વર્ષનો તફાવત હતો. આપણે પતિ તરીકે કે પત્ની તરીકે જે ભૂલો કરીએ છીએ તે સોનિયાએ કરી. ટોલસ્ટોય તો સુધરી ગયેલા પણ સોનિયાને તેણે કિશોરવયની લંપટતાની વાતો કરી અને હવે તે નીચલા સ્તરના લોકો જે જીવન જીવે છે તેને ઊંચું લાવવા પ્રયાસ કરીને આધ્યાત્મિક જીવન જીવવું છે તેવો સંકલ્પ જાહેર કર્યો. પણ સોનિયાએ તેના ભૂતકાળને માફ ન કર્યો. આપણાં પ્રેમીઓ કે પ્રેમિકાઓ આવી ભૂલ કરે છે. બીત ગઈ સો બીત ગઈ એવું માનતાં નથી. સોનિયાની એક વાત જોકે ટોલસ્ટોયને કામ લાગી.

ટોલસ્ટોય ખેડૂતનાં બાળકોને મજા પડે તેવી વાર્તા કહેવામાં ઉસ્તાદ હતા. બાળકો અને વડીલો બંનેને ગમે તેવી વાર્તા લખતા. સોનિયાએ પ્રેરણા આપી કે લાંબી નવલકથા લખો. આત્મકથા જેવી બનાવો. ટોલસ્ટોયે યુદ્ધની કાતિલતા બતાવવા 'વોર એન્ડ પીસ' લખી અને તે પછી 'અન્ના કેરેનીના' નામની નવલકથા લખી. ઉપરાંત તે નિયમિત ડાયરી લખતા. તેણે યુવા પ્રજાને ખાસ કહ્યું કે ડાયરી લખતા થાઓ. ડાયરી, હાથમાં સોટી પકડનારો તમારો શિક્ષક બનશે. તમે ન લખી શકો તેવી વર્તણૂંક કરતા અટકશો. બીજી નવલકથા 'અન્ના કેરેનીના' લખી તેની હિરોઈનને પોતાની અટકવાળું નામ આપ્યું.

આ હિરોઈન પરણી છતાં ઘણા પ્રેમી રાખતી. પોતાનો અનુભવ કે સિદ્ધાંત તેણે વાર્તાની હિરોઈન પર ન લાદ્યો. આખરે તે સ્ત્રી પણ માનવ છે. શું તે પ્રેમનાં લફરાં ન કરે? માત્ર પુરુષ જ લફરાં કરી શકે? પોતે સોનિયા સાથે ઘણો કંકાસ કરતા પણ કુટુંબજીવનમાં માનતા. કોઈપણ વ્યક્તિએ ઉમદા કામ કરવું હોય તો ફેમિલીમેન થવું જોઈએ. એમ છતાં તેની બહેન માશા લગ્નજીવનમાં દુ:ખી હતી. તે છુટાછેડા લેવા માગતી હતી. તેની ઉપર પોતાના વિચારો લાદ્યા નહીં.

આમ તેની ફિલોસોફી પ્રેક્ટિકલ હતી. માશાએ છુટાછેડા લઈ તેના પ્રેમી સાથે બીજાં લગ્ન કરવાનું નક્કી કર્યું પણ હજી માશા છુટાછેડા લઈને પરણવાનું નક્કી કરે ત્યાં પ્રેમીએ માશાને ગર્ભવતી બનાવી હતી તે હાલતમાં છોડીને તે મરણ પામ્યો! અને ખરેખર ટોલસ્ટોયે બહેનને આપણી પ્રચલિત કવિતા જ જાણે કહી. 'જે ગમ્યું જગદેવ જગદીશને તે તણો ખરેખરો પોક કરવો. આપણું ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે અંતે તો હેમનું હેમ હોયે!'તમે ભાગ્યશાળી હો તો મેડમ રોઝામન્ડ બાર્ટલેટે લખેલી ટોલસ્ટોયની આત્મકથા ખરીદી આખી જરૂર વાંચી લેજો. વાંચતાં તમને લાગશે કે એક જીવનમાં અનેક કક્ષાનો જીવ ઊછરતો હતો.

ટોલસ્ટોયનું બચપણ એવું હતું કે તેને માત્ર વેન (જીદ) કરીને જોઈતી ચીજ મેળવવાનું મન થયા કરતું હતું. કિશોરવયે તે આક્રમક બનીને કામી બન્યા હતા. છોકરીઓને ભોગવતા પછી ગેમ્બલર બન્યા. એક જ રાતના જુગારમાં આખી જાગીર હારી ગયા. આ અનુભવ પછી તેનામાં ઊધ્વીgકરણ થવા માંડ્યું. તે દેશદાઝવાળા સોલ્જર બન્યા. પણ ત્યાં તેમણે યુદ્ધની કાતિલતા જોઈ એટલે તે શાંતિવાદી-અહિંસામાં માનનારા થયા. જીવનનું નવું પ્રકરણ શરૂ થયું અને તે જાણે એક ઉમદા-માનવ બનવાને પથે પડ્યા. તેના ફળનાં બગીચામાં ખેડૂત બાળકોને ભણાવતાં ભણાવતાં લેખક બન્યા. તેમાંથી મોટા શિક્ષક બન્યા.

તેને હજી મહાન શિક્ષક જ નહીં પણ ઈસુ ખ્રિસ્ત બનવું હતું અને ત્યારે તેની આંખ ઊઘડી કે એમ કાંઈ ઈસુ ખ્રિસ્ત બની શકાય નહીં. પોતાનો અલગ ધર્મ સ્થાપવો હતો તે ભેદભરમ અને મિસ્ટિસિઝમ તેમજ વિધિ-વિધાનમાંથી મુક્ત બન્યા. અને પોતે માનવ છે અને એક ઉમદા માનવ તરીકે જ જીવવાનું નક્કી કર્યું. તેણે પોતાને મહાન ફિલોસોફર ને બદલે ગ્રેટ હ્યુમેનિસ્ટ એક મહાન માનવતાવાદી મનાય તેવો આગ્રહ રાખ્યો. તેની પાસેથી જ પ્રેરણા લઈ રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની ઉત્તમ માનવિશક્ષણની સંસ્થા સ્થાપી અને ગાંધીજીએ જ તેથી ટોલસ્ટોયને ટીચર ઓફ મેનકાઇન્ડ કહ્યા. ટોલસ્ટોય તો કહેતા કે તમે જ તમારા શિક્ષક બનો.

ચેતનાની ક્ષણે, કાન્તિ ભટ્ટ

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...