[F4AG] ડો. શરદ ઠાકર: આપણી દરિયાદિલી કોઇ ના સમજ્યું

 

ડો. શરદ ઠાકર: આપણી દરિયાદિલી કોઇ ના સમજ્યું

Source: Ran Ma Khilyu Gulab, Dr Sharad Thakar
 
 
આપણી સાત પેઢી ખાય એટલું ધન મેં બાપુજી અને નાના ભાઇને આપી રાખ્યું છે. તારા ચાર દીકરાઓ રાજાના કુંવરોની જેમ ઊછરેલા છે અને એમ જ ઊછરશે.

લગભગ ચાલીસેક વર્ષ પહેલાંની ઘટના. ઇદી અમીનના ત્રાસમાંથી છટકીને માંડ-માંડ વતન ભેગાં થયેલાં કનુભાઇ અને કાંતાબહેન જ્યારે મુંબઇના એરપોર્ટ ઉપર ઊતર્યાં ત્યારે આ દંપતી પાસે સામાનમાં સાત બાળકો સિવાય એક પણ દાગીનો ન હતો. ત્રણ દીકરા અને ચાર દીકરીઓ. પહેરેલાં કપડે નાસી છુટ્યાં હતાં. કાંતાબહેનનો વસવસો છેક કમ્પાલા છોડ્યું તે ઘડીથી ચાલુ જ હતો, 'અરેરે! આ મહેલ જેવડો બંગલો, આ ચાર-ચાર ગાડીઓ, આ કપડાંલતા ને સોનાનાં ઘરેણાંથી ઊભરાતાં કબાટો, આ બધું અહીં એમ ને એમ મૂકીને ચાલ્યાં જવાનું? જિંદગીભરની કમાણી આ કાળિયાઓને સોંપી દેવાની? અને દેશમાં જઇને કરીશું શું?'

જવાબમાં કનુભાઇએ દિલાસો દીધો, 'એમ સાવ ભાંગી પડવાની જરૂર નથી, કાંતા! જે પાછળ છુટી ગયું છે એનો વિચાર ન કર, જે કંઇ આપણી પાસે બચ્યું છે એ વિશે વિચાર!'કનુભાઇની વાત સાચી હતી. દોરી-લોટો લઇને કમ્પાલામાં આવેલા કનુભાઇએ સમય જતાં જવેલરીનો ધંધો જમાવ્યો હતો. સોનાના અને હીરાના દાગીનામાં એ મોખરાનું નામ બની ગયા હતા. અત્યારે ભલે બધું પાછળ છુટી ગયું હોય, પણ આટલાં વર્ષોમાં એમણે મબલખ કમાણી વતનભેગી કરી લીધી હતી.

'કાંતા, રાજકોટમાં બા-બાપુજી છે. નાનો ભાઇ છે. તને તો ખબર પણ નહીં હોય, દર વરસે હું બા-બાપુજીને યુગાન્ડા ફરવાને બહાને તેડાવતો હતો અને પાછા ફરતી વખતે સોનાના દાગીના અને હીરાનું ઝવેરાત મોકલતો હતો. બધો વહીવટ નાનો ભાઇ કરે. આપણી કમાણીમાંથી અત્યારે ચાલીસ ઓરડાની વિશાળ હવેલી રાજકોટમાં ઊભેલી છે. બાપુજીએ ટ્રાવેલ્સનો ધંધો જમાવ્યો છે એ પણ આમ જુઓ તો આપણો જ છે. યુગાન્ડા છોડવું પડ્યું તો છોડવું પડ્યું! તારે જરા પણ દુ:ખી થવાની જરૂર નથી. આપણી સાત પેઢી ખાય એટલું ધન મેં બાપુજી અને નાના ભાઇને આપી રાખ્યું છે. તારા ચાર દીકરાઓ રાજાના કુંવરોની જેમ ઊછરેલા છે અને એમ જ ઊછરશે.'

કાંતાબહેન આ બધી વાતથી અજાણ હતાં. અત્યારે એમને શાંતિ વળી. છેલ્લાં વીસેક વરસોમાં એ પતિની સાથે ચાર-પાંચ વાર વતનની મુલાકાતે આવી ચૂક્યાં હતાં, પણ ત્યારે એમણે એવું ધાર્યું હતું કે રાજકોટની જાહોજલાલી એમના સસરા અને દિયરની કમાણીનું પરિણામ હશે. છેક આજે સાચી વાતનો ફોડ પડ્યો.

મુંબઇથી ટ્રેન પકડીને આખો પરિવાર રાજકોટ આવ્યો. કનુભાઇએ અગાઉથી પત્ર લખીને જાણ કરી દીધી હતી કે ગમે ત્યારે અહીંથી ભાગવું પડે તેમ છે. પણ સાવ ખાલી હાથે આવેલા મોટા દીકરાને જોઇને બાપુજીએ મોં બગાડ્યું. નાનો ભાઇ પણ નારાજ હતો. ચોરસ બાંધકામમાં ઊભેલા ચાલીસ ઓરડાઓની વચ્ચે વિશાળ ખુલ્લો ચોક હતો. એટલો વિશાળ કે એમાં દસ બસો પાર્ક કરેલી હતી, તો પણ ક્રિકેટ મેચ રમી શકાય એટલી જગ્યા બચતી હતી.

કનુભાઇએ ધીમેકથી પત્નીના કાનમાં કહ્યું, 'આ બધું આપણું છે, કાંતા! અને બેંકનાં ખાતાઓમાં બીજા સાઠેક લાખ રૂપિયા જમા છે એ તો વળી જુદા જ...'અવાજ ધીમો હતો પણ નાનો ભાઇ સાંભળી ગયો. એણે ઇશારો કર્યો, એટલે એની પત્નીએ પહેલેથી વિચારી રાખેલી ફટકાબાજી શરૂ કરી દીધી, 'આમાં તમારું કાંઇ નથી, સમજયા! આ બધી અમારા પરસેવાની કમાણી છે. આવ્યા છો તો શાંતિથી બે-ચાર દિવસ પડ્યા રહો! બાકી કાયમના ધામા નાખવાનો વિચાર માંડી વાળજો!'કનુભાઇએ પિતાની સામે જોયું, 'બાપુજી, તમે કેમ ચૂપ છો? દર વરસે હું તમારી સાથે લાખો રૂપિયાના હીરા અને સોનાના દાગીના...?''બેટા, મને કંઇ યાદ નથી!!!' બાપે ખાલી દીકરા તરફથી મોં ફેરવી લીધું અને ભરેલા દીકરાનો હાથ ઝાલી લીધો.

વતનમાં આવ્યા પછીના ચોવીસ કલાકમાં જ કનુભાઇ અને એમનો પરિવાર રસ્તા પર આવી ગયો. કોઇક જૂના મિત્રે પોતાના નાનકડા મકાનનો એક રૂમ કાઢી આપ્યો. હવેલીનો માલિક સાંકડી ઓરડીમાં સમેટાઇ ગયો. બે-ચાર શુભચિંતકોએ કોર્ટ-કેસ કરવાની સલાહ આપી, પણ વકીલોએ કહી દીધું, 'કનુભાઇ, તમારો કેસ નબળો છે, જીતવાનો કોઇ ચાન્સ નથી. સામેવાળા પાસે જે કંઇ ધન છે એ તમે આપેલું છે એનો કોઇ સાક્ષી નથી, પુરાવો નથી, લેખિત કે મૌખિક સાબિતી નથી. ભૂલી જાવ બધું!'

ચોથા દિવસે કનુભાઇને આઘાતના માર્યા હૃદયરોગનો હુમલો થઇ આવ્યો. પંદર દિવસ પથારીમાં કાઢયા પછી એ અનંતની સફરે ઊપડી ગયા. એમના અંતિમ શબ્દો હતા, 'કાંતા, હું ભગવાન પાસે જઇને એટલું જરૂર પૂછવાનો છું કે મને થયેલા અન્યાય માટે ધા નાખવા જેવી આ જગતમાં શું એક પણ અદાલત નથી?! આવજે, કાંતા! મને ચિંતા એટલી જ છે કે તું આ સાત બાળકોને કેવી રીતે મોટાં કરીશ, ભણાવીશ અને એમને શી રીતે વળાવીશ...!' બસ, એક ડચકું અને પરપોટો જળમાં સમાઇ ગયો.

*** *** ***

સમૃદ્ધિનો દિવસ ટૂંકો હોય છે, ગરીબીની રાત લાંબી હોય છે. કનુભાઇએ દુનિયા છોડી, ત્યારે એમનો સૌથી નાનો દીકરો દસ વર્ષનો હતો અને સૌથી મોટો વીસ વર્ષનો. બાપની કારજક્રિયા પતાવીને મોટો દીકરો હાર્ડવેરના એક વેપારીની દુકાનમાં નોકરીએ લાગી ગયો. પચાસ રૂપિયાના પગારે! આ ચપટી જેટલા પગારમાં આઠ જણાં શું ખાતાં હશે ને શું પહેરતાં-ઓઢતાં હશે એ કલ્પનાનો વિષય છે. પણ જમાનો સારો હતો, માણસો સારા હતા અને મરનારની સુવાસ બરકરાર હતી. એટલે વાંધો ન આવ્યો. પાંચેક વર્ષ ટિપાયાં પછી મોટા દીકરાએ એના શેઠને કહ્યું, 'પ્રભુ! મારે ધંધો કરવો છે. મદદ કરો.'

શેઠે સલાહ ન આપી, સહાય આપી. નાની-નાની ઉધારી સાથે થોડો-થોડો માલ આપવા માંડ્યો. મોટો દીકરો બીજા પાંચ વર્ષમાં રાજુમાંથી રાજેશ બની ગયો, પછી રાજેશભાઇ અને આજે રાજેશ શેઠ તરીકે હાર્ડવેરના માર્કેટમાં એના નામના સિક્કા પડે છે. ત્રણેય બહેનોને સારા ઘરે પરણાવીને પછી ચારેય ભાઇઓ પરણ્યા. એમનાં પ્રાત:સ્મરણીય કાંતાબા આજે બાણું વરસનાં છે અને વિશાળ કુટુંબની માથે વડલો બનીને પથરાયેલાં છે. આ બધું રાતો-રાત સિદ્ધ નથી થયું, પણ આ ચમત્કારને સાકાર થવામાં ચાલીસ વરસ લાગી ગયાં છે.

મારે જે વાત કરવી છે તે આ શૂન્યમાંથી સર્જન થવા વિશેની નથી કરવી, મારે તો પેલા નિસાસા વિશે વાત કરવી છે જે કનુભાઇ મરતી વખતે આ પૃથ્વીની હવામાં મૂકતા ગયા હતા: 'મને ન્યાય અપાવી શકે તેવી એક પણ અદાલત શું આ જગતમાં નહીં હોય?'

કનુભાઇની પીઠમાં ખંજર ભોંક્યા પછી નાનો ભાઇ બેસુમાર દોલતનો માલિક તો બની ગયો, પણ હરામનો પૈસો એ સાચવી ન શક્યો. દારૂ, જુગાર અને સ્ત્રીઓમાં તમામ ધન ગુમાવી બેઠો. હવેલી વેચાઇ ગઇ. બસો વેચાઇ ગઇ. છોકરાં રઝળી પડ્યાં. એની ખલનાયિકા જેવી બૈરીએ ખાટલો પકડી લીધો. પાંત્રીસમા વરસે પક્ષાઘાતનો ભોગ બનીને એ સ્ત્રી પથારીમાં પડી તે છેક પંચ્યાસીમા વરસે મરીને છુટી. પૂરાં પચાસ વરસ એણે મળ-મૂતરનાં ખાબોચિયાંમાં પસાર કરી નાખ્યાં.

મરતી વખતે પતિને કહેતી ગઇ, 'આ બધું મોટાભાઇ ને કાંતાભાભીને કરેલા અન્યાયનું પરિણામ છે. હું તો મારી સજા ભોગવીને જઇ રહી છું, પણ તમે એમની માફી...'ભત્રીજા રાજેશભાઇના સુંદર બંગલાના પ્રવેશદ્વાર પાસે જઇને કાકા ઊભા રહ્યા ત્યારે વોચમેને ભિખારી સમજીને તેને મારવા લીધા. એ તો ભલું થાજો કાંતાબાનું કે એમની નજર પડી ગઇ!

દિયરે ચોંધાર આંસુઓથી ભાભીના પગ પખાળ્યા, 'ભાભી, મને માફ કરો! કાન પકડું છું, માની ગયો કે ઇશ્વર જેવું કશુંક છે. એની કચેરીમાં દેર પણ નથી અને અંધેર પણ નથી.'કાંતાબાએ એક વાર આસમાન તરફ નજર ફેંકી લીધી, કોઇની સાથે વાત કરી લીધી. પછી મોટા દીકરા રાજેશને બોલાવ્યો. કહ્યું, 'બેટા, ગઇ ગુજરી ભૂલી જા! આ તારા કાકાને ઘરમાં લે! અને એમના દીકરાઓને ધંધામાં પલોટવાનું શરૂ કરી દે!'દીકરો બોલ્યો, 'પણ...બા...! આમની ઉપર દયા...?'

'હા, બેટા! બાળપણમાં તારા બાપુજી પેલી વાર્તા સંભળાવતાં હતા એ યાદ છે ને? સાધુ અને વીંછીની વાર્તા! બસ, તારે સાધુ જેવા સાબિત થવાનું છે, વીંછી જેવા નહીં!'

(તદ્દન સત્ય કથા) (શીર્ષક પંક્તિ : રમેશ પારેખ)

રણમાં ખીલ્યું ગુલાબ, ડો. શરદ ઠાકર

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...