[F4AG] મહેશ યાજ્ઞિક: અલ્યા, જે સાવ સાચા છે દશા એની બગાડે છે પ્રભુ!

 

મહેશ યાજ્ઞિક: અલ્યા, જે સાવ સાચા છે દશા એની બગાડે છે પ્રભુ!

Source: Katha Sarita, Mahesh Yagnik    
 
 
 
 
'ઊજાગરો કરવાથી તબિયત બગડશે... અઢી વાગ્યા છે. આરામથી ઊંઘી જાવ...' આજુબાજુના પાડોશીઓ અત્યારે ભરઊંઘમાં હશે એનો રમાબહેનને ખ્યાલ હતો એટલે એ તદ્દન ધીમા અવાજે બોલતાં હતાં. પચીસ વર્ષના લગ્નજીવનમાં પતિના ચહેરા ઉપર આટલો ઉચાટ એ પહેલીવાર જોઇ રહ્યાં હતાં. એ કંઇ બોલશે નહીં અને મનમાં ને મનમાં ધૂંધવાયા કરશે એની એમને ખબર હતી. માત્ર એમને એકલાને નહીં, આખા ખંભાળિયા ગામને મનુભાઇના આવા સ્વભાવની ખબર હતી. કંઇ પણ પીડા થતી હોય તો ચૂપચાપ વેઠી લે પણ સામેના માણસને કંઇ ના કહે એવી ખાનદાની એમના લોહીમાં હતી.

અગાઉ નાની-મોટી ઉપાધિ આવેલી એ વખતે રમાબહેન એમના ચહેરા ઉપરથી જ આફતને પારખી ગયેલાં અને પતિને હૂંફ આપેલી. એ અનુભવના આધારે બે દિવસથી રમાબહેનને અણસાર આવી ગયેલો કે કંઇક ગંભીર તકલીફ છે. દીકરીને સાસરે વળાવેલી ત્યારે મનુભાઇ ભાંગી પડેલા. ઝઘડો કરીને પુત્ર અને પુત્રવધૂ અલગ રહેવા ગયાં ત્યારે પણ મનુભાઇ ભીતરથી ખળભળી ઊઠેલા. પુરુષ અને સ્ત્રી એક છત નીચે પચીસ વર્ષ સાથે રહે એ પછી એકબીજાના મનની વાત જાણવા માટે શબ્દોની જરૂર નથી પડતી. ચહેરો વાંચવાથી જ બંને એકમેકની મનોદશા પારખી શકે છે.

છેલ્લા બે દિવસથી મનુભાઇ ઉખડેલા ઉખડેલા લાગતા હતા. ઓફિસમાં કંઇક નાની-મોટી વાત બની હશે એમ માનીને રમાબહેને એમને છંછેડ્યા નહોતા પણ અત્યારે એમની દશા જોયા પછી શાંતિથી જોયા કરવાનું શક્ય નહોતું. ઓરડામાંથી બહાર નીકળીને રાત્રે અઢી વાગ્યે પતિ ઓસરીમાં વ્યગ્રતાથી આંટા મારતો હોય તો પત્નીના હૃદયમાં ધ્રાસકો પડે એ બહુ સ્વાભાવિક છે. મનુભાઇના સૌમ્ય ચહેરા ઉપર આટલી ચિંતા અને પારાવાર પીડા જોઇને એ ધ્રૂજી ઊઠ્યા હતા.

'તમને મારા સમ છે...' મનુભાઇ આંટા મારતા હતા. હાથ પકડીને એમને હીંચકા ઉપર બેસાડીને રમાબહેને કંપતા અવાજે પૂછ્યું. 'કંઇક તો બોલો. કેમ કંઇ બોલતા નથી? આવી દશા જોઇને કળીએ કળીએ જીવ કપાય છે. થયું છે શું?...' આટલું વીનવીને એ પતિની સામે તાકી રહ્યાં. બાવન વર્ષના મનુભાઇ અદબ વાળીને હીંચકા ઉપર બેઠા હતા. એકવડો બાંધો, સફેદ સદરો અને લેંઘો, માથાના અર્ધા વાળ સફેદ થઇ ચૂક્યા હતા. ચહેરા પર વેદના પથરાયેલી હતી અને શૂન્યમનસ્ક નજરે એ ફિળયામાં તુલસીક્યારા સામે તાકી રહ્યા હતા.

'હાથ જોડું તમને ભાઇસાબ... શું થઇ ગયું છે તમને?' તુલસીક્યારા પરથી નજર હટાવીને મનુભાઇએ પત્નીના ચહેરા સામે જોયું. 'આભ તૂટી પડ્યું છે રમાગાૈરી! ઝેર ખાઇને મરવા સિવાય કોઇ ઉપાય નથી!...' કંપતા અવાજે આટલું કહીને એમણે બે હાથ વચ્ચે માથું પકડી દીધું અને નીચે ઢાળી દીધું. એમના અવાજમાં જે વલોપાત હતો એ સાંભળીને રમાબહેન ફફડી ગયાં. સુખ અને દુ:ખની અંતિમ પરાકાષ્ઠાના પ્રસંગે જ મનુભાઇ રમાને રમાગાૈરીનું સંબોધન કરતા!

'દર પૂનમે દ્વારકા જાય છે ને રોજ એક કલાક પૂજામાં બગાડે છે એમાંથી એકેય ભગવાન પડખે ઊભો નહીં રહે...' મનુભાઇએ મનનો મૂંઝારો ઠાલવવાની શરૂઆત કરી. 'ઓડિટરોએ પરમ દિવસે બેન્ક ઊઘડે ત્યાં સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં અગિયાર લાખની જોગવાઇ ના થાય તો નોકરી જશે, જેલમાં જવું પડશે અને ગામમાં ધજાગરો થશે એ નફામાં!...' મનુભાઇએ નિરાશાથી માથું ધુણાવ્યું. જિલ્લાની સહકારી બેંકની ખંભાળિયા શાખામાં એ વર્ષોથી આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર હતા. કંઇક બ્રાન્ચ મેનેજરો આવીને બદલાઇ ગયા પણ મનુભાઇને આગળ પ્રમોશન જોઇતું નહોતું એટલે પંદરેક વર્ષથી એ આ સ્થાન પર જ રહ્યા હતા.

'છ વર્ષ પહેલાં પેલો શર્મા બ્રાન્ચ મેનેજર તરીકે આવ્યો એણે એના કોઇ સગાના નામે સાવ ખોટા પેપર્સ મૂકીને લોન લીધેલી. એ નાલાયકે ચાલાકી કરીને બધા પેપર્સમાં મારી સહી લીધેલી! વિશ્વાસે સહી કરી આપેલી એમાં ગાળિયો ફિટ થઇ ગયો! હેડ ઓફિસથી ઓડિટરો આવ્યા છે એમણે આ કેસ શોધી કાઢ્યો. આટલાં વર્ષની નોકરીમાં ક્યારેય કશું ખોટું નથી કર્યું એટલે ઓડિટરોએ કાગિળયાં કરવાને બદલે સોમવારે સવાર સુધીનો ટાઇમ આપ્યો છે. અગિયાર લાખની જોગવાઇ થઇ જાય તો વાર્તા પતે બાકી પંખે લટકવાની નોબત છે...!...'

પત્નીની આંખોમાં આંખો પરોવીને મનુભાઇએ ઉમેર્યું. 'ત્રણ દિવસથી બધે ટ્રાય કરું છું પણ આટલી મોટી રકમ એક્સાથે લાવવી ક્યાંથી? સુરેશભાઇ કાનાણીને કરગર્યો, દીપચંદ દોશીને હાથ જોડ્યા, સોમભાઇ ઠક્કરને પણ મળ્યો. મારા માટે ત્રણેયને લાગણી છે પણ એમનાં એડજસ્ટમેન્ટ એવાં છે કે આવતા મહિને કંઇક મેળ પડે... ત્યાં સુધીમાં તો હું પરલોકમાં પહોંચી ગયો હઇશ...' મનુભાઇની આંખમાં ઝળઝિળયાં આવ્યાં. 'આવું ના બોલો...' રમાબહેને પતિના બંને હાથ પોતાના હાથમાં જકડી લીધા.

'આખી જિંદગીમાં ક્યારેય હરામનું ખાવાનું વિચાર્યું પણ નથી... તમે ભલે મશ્કરી કરો પણ ઉપરવાળાના ચોપડામાં બધીયે નોંધ હોય... તમારા જેવા ભોળિયા અને સાચા માણસને એ સજા નહીં થવા દે...' રમાબહેનના અવાજમાં આસ્થા છલકાઇ. 'તમે ભલે નથી માનતા, પણ દ્વારકાધીશ દિલમાં ડંખ ના રાખે... એ સહાય કરશે... ખરા હૃદયથી પ્રાર્થન કરીશ એટલે એણે દોડતા આવવું પડશે... એકવાર એ વહારે ધાય, એ પછી દુનિયાની કોઇ તાકાત તમારું કંઇ બગાડી ના શકે...'

નાના બાળકને પટાવતાં હોય એમ હાથ પકડીને એ પતિને પલંગ સુધી દોધી ગયાં. 'ચિંતા છોડીને આરામથી ઊંઘી જાવ... હજાર હાથવાળો બધી મદદ કરશે... આપણાં બેઉં વતી રાત-દિવસ દ્વારકાધીશને પ્રાર્થના કરું છું એટલે એ આપણને ઉગારશે... બધી ચિંતા મૂકીને ઊંઘી જાવ...' એ બોલતાં હતાં અને મનુભાઇ આંખો બંધ કરીને ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સવારે નવ વાગે ખંભાળિયાની એ શેરીમાં ધૂળના ગોટા ઉડાડતી ટેક્સી આવીને ઊભી રહી.

ટેક્સીમાંથી ઊતરીને સૂટ પહેરેલા જાડિયા માણસે ટાઇ કાઢી નાખી. 'મનિયા...!...' ડેલીના બારણા પાસે ઊભા રહીને એણે મોટેથી બૂમ પાડી. બારણું ખૂલે એ અગાઉ ડ્રાઇવરે એમની બેગ એમના પગ પાસે મૂકી. ભાડુ લઇને એ રવાના થઇ ગયો. 'મનિયા... એ મનિયા..' એણે ફરીથી બૂમ પાડી એ જ વખતે રમાબહેને ડેલી ખોલી. આગંતુકને જોઇને એમને આશ્ચર્ય થયું. હજુ જાણે ખાતરી ના થતી હોય એમ સામે તાકીને પૂછ્યું. 'રણછોડભાઇ? આટલાં વર્ષે?...'

'ઓળખ્યો ખરો..' રણછોડ પંચાલ હસી પડ્યો. હાથમાં બેગ ઊંચકીને એ અંદર આવ્યો. અંદરના ઓરડામાંથી બહાર નીકળેલા મનુભાઇ બે મિનિટ આશ્ચર્યથી રણછોડ સામે તાકી રહ્યા પછી ઉષ્માથી ભેટી પડ્યા.બંને મિત્રો હીંચકા પર બેઠા. રમાબહેન ચા-નાસ્તો લઇને આવ્યાં.

'ભાભી, આ મનિયો પહેલેથી કોઇ વિધિ-વિધાનમાં માનતો નહોતો. દર પૂનમે હું દ્વારકા જઇને ઠાકોરજીના દ્વારે માથું ટેકવતો હતો. સમજણો થયો ત્યારથી પૂનમ ભરવાનું શરૂ કરેલું. દસ વર્ષ અગાઉ ચેન્નાઇ ગયો ત્યારથી એ છુટી ગયું. અહીં ગામમાં કંઇ ઘર-બાર રાખ્યું નહોતું એટલે આવવાનું થતું નહોતું. ગામ છોડ્યા પછી દસ વર્ષે આજે પગ મૂક્યો. ગામમાં જે કંઇ ગણો એ તમારું ઘર છે એટલે સીધા અહીં ધામા નાખ્યા...'

એ માણસ ખુલ્લા દિલથી રમાબહેન સાથે વાત કરી રહ્યો હતો. નિખાલસતાથી હસીને એણે ઉમેર્યું. 'આપણી લાઇફસ્ટાઇલ સાવ સિમ્પલ છે ભાભી! એક વાર એટેક આવી ગયા પછી બે કોરી રોટલી, દાળ-ભાત અને તેલ વગરનું શાક અને સાંજે બે ભાખરી ને દૂધ. તમને આટલી તકલીફ આપીશ...' સહેજ અટકીને રણછોડ પંચાલે મનુભાઇ સામે જોયું. 'એક વર્ષથી વિચારતો હતો ખંભાળિયા આવવાનું. આ વખતે મેળ પડ્યો કે તરત નીકળી પડ્યો. કાલે આપણે ત્રણેય દ્વારકા જઇશું-એ બધી વ્યવસ્થા તારે ગોઠવવાની...'

'અહીંથી દ્વારકા ક્યાં દૂર છે? બધું થઇ પડશે...' મનુભાઇએ હસીને રણછોડના બરડામાં ધબ્બો માર્યો. 'આરામથી નાહી ધોઇને તૈયાર થઇ જા. ત્યાં સુધીમાં તારી ભાભી રસોઇ બનાવી નાખશે. મુસાફરીનો થાક હશે એટલે જમીને આરામથી ઊંઘી જજે... રવિવારે છે એટલે મારેય કંઇ કામ નથી-જમીને બે-ત્રણ કલાક ઊંઘી જઇશું-પછી કાસમની ટેક્સીમાં દ્વારકા જઇશું...'

રણછોડ બાથરૂમમાં ગયો એ પછી રમાબહેન મનુભાઇ પાસે આવ્યા. 'રણછોડભાઇને વાત કરો, એ કંઇક રસ્તો કાઢશે...' મનુભાઇએ હકારમાં માથું હલાવ્યું. રણછોડ તૈયાર થઇને હીંચકા પર બેઠો. બંને મિત્રો જૂનાં સ્મરણો યાદ કરીને વાતોમાં લીન હતા. રમાબહેને થાળીઓ પીરસીને જમવા માટે બૂમ પાડી.

'હાથમાં અન્ન છે એટલે ખોટું નહીં બોલું મનિયા! ચેન્નાઇમાં શરૂઆતમાં બહુ મજૂરી કરી પણ એક વાર કમાણી શરૂ થઇ એ પછી પાછું વાળીને જોયું નથી. ડેકોરેટિવ ફેબ્રિકેશનમાં આપણું નામ છે ત્યાં. દ્વારકાધીશની કૃપાથી સાત-આઠ કરોડનો આસામી થઇ ગયો છું... છોકરાંઓને બહુ શ્રદ્ધા નહીં એટલે મેં કહ્યું તોય જોડે ના આવ્યા. તારી ભાભીને પગે વાની તકલીફ છે એટલે ના આવી પણ મારે તો આવવું જ હતું. આટલાં વર્ષોમાં બધી પૂનમ પડી એનો હિસાબ એક્સાથે સરભર કરવાનો છે...' મનુભાઇ અને રમાબહેનના ચહેરા સામે જોઇને એણે ધીમા અવાજે ઉમેર્યું.

'દ્વારકાધીશના ચરણોમાં રોકડા અગિયાર લાખ ધરવાનો સંકલ્પ કરીને આવ્યો છું. તારી ભાભી કે છોકરાંઓને ખબર પડે તો ના તો ના પાડે પણ કચકચ કરે એટલે એમનાથી છાનામાના અગિયાર લાખ રોકડા લઇને આવ્યો છું! મનિયા, તું જ કહે, જેની કૃપાથી કરોડો કમાયા એના દ્વારે ખાલી હાથે આવવાનું શોભે?...' રમાબહેન અને મનુભાઇએ એકબીજાની સામે જોયું. બીજી આડી-અવળી વાતો સાથે જમવાનું પૂરું થયું. બંને મિત્રો ઊભા થઇને હીંચકા ઉપર બેઠા.

દસેક મિનિટ પછી અચાનક રણછોડે છાતી ઉપર હાથ મૂક્યો. 'મનિયા, અહીં ભાર-ભાર લાગે છે... મૂંઝારો થાય છે...' આટલું બોલતી વખતે એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ચૂક્યું હતું. મનુભાઇએ તરત ઊભા થઇને એના બરડામાં હાથ ફેરવવાનું શરૂ કર્યું. રણછોડનું શરીર સાવ ઠંડું થઇ ગયું હતું. આખો ચહેરો લગીર વાંકો થયો. ઊલટી થઇ અને એની સાથે જ એ ફસડાઇ પડ્યો. મનુભાઇએ પૂરી તાકાતથી છાતી ઉપર માલશિ કરીને હૃદયને ફરીથી ધબકતું કરવા પ્રયત્ન કર્યો. રસોડામાંથી દોડીને આવેલાં રમાબહેન આ દ્રશ્ય જોઇને થીજી ગયાં હતાં.

પાંચેક મિનિટ સખત પ્રયત્નો કર્યા પછી મનુભાઇએ લાચાર નજરે આકાશ સામે અને પછી રમાબહેન સામે જોયું. રણછોડની લાશની ઉઘાડી આંખો બહિામણી લાગતી હતી. મનુભાઇએ હળવે રહીને આંખોની પાંપણ બંધ કરી દીધી.હવે? ચિંતાતુર રમાબહેને પ્રશ્નાર્થ નજરે મનુભાઇ સામે જોયું. વિચારમાં ડૂબેલા મનુભાઇ રણછોડના નિર્જીવ દેહ સામે તાકી રહ્યા હતા.

'રમાગૌરી! દ્વારકાધીશે તારી પ્રાર્થના સાંભળી... એ જાતે તો આવી ના શકે એટલે એમણે રણછોડને મોકલી આપ્યો. આપણને ઉગારવા માટે રણછોડરાયના દૂત તરીકે રણછોડ દોડી આવ્યો...!' રમાબહેનના ચહેરા પર જે અવઢવ હતી એ જોઇને મનુભાઇએ સમજાવ્યું. 'દ્વારકાધીશના ભંડારમાં આ અગિયાર લાખ નહીં પહોંચે તો ત્યાં કંઇ ખોટ પડવાની નથી પણ હું પંખે લટકી જઇશ તો તને બહુ મોટી ખોટ પડશે... ઇશ્વરની પ્રસાદી સમજીને અત્યારે આ ઉપાધિમાંથી બહાર આવી જવાનું... પછી સગવડ પ્રમાણે હપ્તે હપ્તે દ્વારકા જઇને હિસાબ ચૂકવીશું... રમાગૌરી, મારી વાત સમજાય છે ને?...' રમાબહેન હજુ સ્તબ્ધ હતાં. હીંચકા પાસે પડેલો રણછોડનો મોબાઇલ હાથમાં લઇને મનુભાઇ એમાંથી એના ઘરનો નંબર શોધતા હતા...

(શીર્ષક પંક્તિ : લેખક)

mahesh_yagnik@yahoo.com

કથા સરિતા, મહેશ યાજ્ઞિક

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...