શૂલપાણિયક્ષ અને પ્રભુમહાવીરદેવ રૂડાં રાજમહેલ અને કંચન-કામિની-કુટુંબ આદિ સર્વસ્વનો ત્યાગ કરીને ત્રીશ વર્ષની ભરયુવાન વયે શ્રમણ બનેલ પ્રભુ મહાવીર દેવનાં સાધના જીવનનું પ્રથમ ચાતુર્માસ. મોરાક સન્નિવેશના દુઇજ્જંત તાપસના આશ્રમમાં સાધના માટે ચાતુર્માસ પધારેલા પ્રભુ મહાવીરે સકારણ ત્યાંથી વિહાર કર્યો અને અનુકૂળ સાધનાસ્થાનની ગવેષણા કરતાં પ્રભુ અસ્થિકગ્રામમાં પધાર્યા. વિદેહદેશના ઉત્તરવાચાલાનગરની નિકટનું એ ગામ, ગામ ઓછું હતું અને સ્મશાન વઘુ હતું. કેમ કે ગામમાં જીવંત વ્યક્તિઓ વઘુ હોય અને સ્મશાનમાં મૃતકો-હાડકાં આદિ વઘુ હોય. એ ગામમાં માનવીઓનાં મૃતકોના-હાડકાંના ઢગ એ હદે ચારે તરફ ખડકાયા હતા કે એનું નામ જ 'અસ્થિકગ્રામ' પ્રસિદ્ધ થઈ ગયું હતું. અસ્થિક એટલે હાડકાં અને ગ્રામ એટલે સમૂહ. ઈતિહાસ કહેતો હતો કે એ નાનકડા ગામ ઉપર શૂલપાણિ નામે ક્રૂર દેવનો કોપ ઊતર્યો હતો. કારણ કે એ ગામની સ્વાર્થી લોકોએ પૂર્વજન્મમાં શૂલપાણિદેવના જીવ સાથે દગાખોરી-બેવફાઈ કરી હતી. શૂલપાણિયક્ષના જન્મમાં દેવે એ બેવફાઈનો બદલો એવી કાતિલ ક્રૂરતાથી લેવા માંડ્યો કે ગામજનો ટપોટપ મરવા માંડ્યા. જીવનારા કરતાં મરનારની સંખ્યા વધી જવાથી કોઈ એ મૃતદેહોને અગ્નિદાહ આપવાની ય દરકાર કરતું ન હતું. જે બચ્યા એમાંના મહદંશ માનવો જીવ લઈને ભાગ્યે અને જે ભાગી ન શક્યા એમણે દેવની શરણાગતિ સ્વીકારી લીધી. દેવની શરત મુજબ શેષ રહેલા ગામજનોએ ગામબહાર એનું મંદિર રચાવ્યું, એમાં યક્ષની પ્રતિમા સ્થાપી અને એનાં નિત્ય પૂજનની વ્યવસ્થા કરી. આ રીતે મહામહેનતે દેવને તુષ્ટ કર્યા બાદ પણ ગામજનો એનાથી એવા ભયભીત રહેતા કે સંઘ્યા સમય બાદ ભૂલમાં પણ એનાં મંદિર તરફ કોઈ ફરકતું નહિ. લોકવાયકા એવી હતી કે રાત્રે એ મંદિર તરફ જે જાય એ કદી જીવતો પાછો ન ફરે. અભયના અવતાર અને જીવમાત્રના મિત્ર પ્રભુ મહાવીર દેવ બહુ સોચ-સમજપૂર્વક એ શૂલપાણિ-યક્ષના મંદિરમાં જ રાત્રિનિવાસ કરીને ઘ્યાનસાધના કરવાના નિર્ણય કર્યો. ગામજનોને આ રાજવંશી તપસ્વીની સલામતીની ચિંતા થઈ આવી. એમણે યક્ષની ક્રૂરતાનો પેલો તાજો ઈતિહાસ કહીને પ્રભુને ઝેરનાં પારખાં ન કરવાની આજીજી કરી. કિંતુ એમ ડરી જાય તો એ વીર શેના ? પ્રભુએ પોતાની સાધનાને કસોટીની એરણે ચડાવવા અને દાનવ બનેલા યક્ષને દેવ બનાવવા એ જ મંદિરમાં નિર્ભયપણે નિવાસ કર્યો. ગામજનોએ નક્કર કલ્પના કરી લીધી કે સિંહની ગુફામાં જઈ ચડેલ હરણના જે હાલ-હવાલ થાય એ હાલ-હવાલ આ યુવાન યોગીના પ્રભાતે હશે. કાજળકાળી રાત્રિનો પ્રારંભ થયો અને એનાથીય અધિક કાળાશભર્યું કાળજું ધરાવતો શૂલપાણિયક્ષ પ્રત્યક્ષ થયો. પોતાનાં સામ્રાજ્યમાં આવી ચડેલ એ મહાયોગી એને કોઈ માથાફરેલ માનવી લાગ્યો. એને ક્ષણાર્ધમાં ઘૂળચાટતો કરી દેવા શૂલપાણિએ કમર કસી. આષાઢમાસની મેઘલી રાતે જાણે આખેઆખું આકાશ તૂટી પડે એવી ભીષણ ગર્જનાઓ સાથે યક્ષે એવા ભયંકર અટ્ટહાસ્યો કરવા માંડ્યા કે ભલભલા વજ્રહૃદયના ભડવીરોની છાતીનાં પાટિયાં બેસી જાય. અઘૂરામાં પૂરૂં અંધારી રાત્રે એના હાથમાં, જીવલેણ ઝેરીલી નાગણની લબકારા મારતી જીભ જેવું જીવલેણ શૂલ ચમકારા વેરતું હતું. પરંતુ પ્રભુમહાવીરે ભયનું એક આછું કંપન પણ ન અનુભવ્યું. એ એમની ઘ્યાનસાધનામાં લીન રહ્યા. ન એમનામાં ભય હતો, ન એમનામાં શૂલપાણિયક્ષ પર દ્વેષ હતો. પહેલા પ્રયાસમાં પીછેહઠ થવાથી શૂલપાણિએ 'હાર્યો જુગારી બમણું રમે' જેવી નીતિ અખત્યાર કરી. એણે દૈવિશક્તિથી હવે વિકરાળ હાથીનું રૂપ લીઘું. જાણે નાનકડો કોઈ કાળો પહાડ દોડતો હોય એવું એ અંધારી રાત્રિનું દ્રશ્ય હતું. દોડતાં એ હાથીએ પલભરમાં પ્રભુને સૂંઢમાં લપેટ્યા અને હવામાં અદ્ધર ઉછાળીને નીચે પછાડ્યા. એ હાથીએ પોતાનાં તીક્ષ્ણ દંતૂશળથી પ્રભુને પીડન-તાડન કરવામાં ય કોઈ કસર ન રાખી. પ્રભુના દેહની સંરચના વિશિષ્ટ હતી, એ મજબૂત દેહ આ પીડા સામે એટલે જ ઝીંક ઝીલી શક્યો. બાકી બીજું કોઈ હોત, તો એનું શરીર તત્ક્ષણ જ શીર્ણ-વિશીર્ણ થઈ જાત. પણ...રે ! દેહ ભલે દ્રઢ હોય, પરંતુ પીડાની પારાવાર અનુભૂતિ તો એ દેહને ય હોય જ ને ? પણ પ્રભુમહાવીરદેવની કમાલ એ હતી કે આ પીડાના 'પાવરહાઉસ' સમા શૂલપાણિયક્ષ પર એમનાં અંતરમાં રોષની એક પણ રેખા તો ખેંચાઇ નહિ, બલ્કે એનાં કલ્યાણની કામના એવી ને એવી અકબંધ હતી. શૂલપાણિએ હજુ ય હાર ન સ્વીકારી. એણે શેષનાગ સમા વિકરાળ સર્પનું રૂપ લીઘું. ધરતી ફાડીને એમાંથી એ ધસમસતો આવ્યો અને કાતિલ ફુંફાડાઓ સાથે પ્રભુ પર ઉપરાઉપરી ડંખવર્ષા કરવા માંડ્યો. વેદના તો એવી થઈ કે જાણે પ્રાણ ચાલ્યા જાય. પ્રભુમહાવીરદેવ તો ય અચલ-અડોલ રહ્યા....હવે શૂલપાણિયક્ષે પિશાચનું રૂપ લીઘું. ભાલાની અણી જેવા તીક્ષ્ણ નખ અને છરી જેવા ધારદાર દાંતથી એણે પ્રભુના માખણ શા મુલાયમ દેહને ભેદવા લાગ્યો. દેહ પર રૂધિરનાં ઝરણાં વહે અને માંસની પેશીઓ બહાર આવી જાય એવો ઘોર એ ઉપદ્રવ હતો. છતાં પ્રેમની પરિભાષા પ્રયોજનાર પ્રભુએ પ્રતીકારની ભાષા ન ઉચ્ચારી....અંતે શૂલપાણિયક્ષે પોતાની દૈવી શક્તિથી પ્રભુનાં શિર-કર્ણ-નાસિકા-ચક્ષુ-દાંત-પૃષ્ઠ અને નખઃ આ સાત સ્થાનોમાં એવી કાતિલ પીડા સર્જી કે આમાંની એકાદ પીડા પણ અન્ય વ્યક્તિનું જીવન તરત સમાપ્ત કરી દે. પ્રભુએ એને પણ સમભાવથી સહન કરીને આત્માર્થી સાધકોને અલૌકિક આદર્શ આપ્યો કે ''હસતાં હસતાં સહવું અને સહતાં સહતાં હસવું.'' રાત્રિની અંતિમ થોડી ક્ષણોને બાદ કરતાં પૂરી રાત્રિ પ્રભુની આ અતિ ઘોર અગ્નિપરીક્ષા જારી રહી. પરંતુ પ્રભુ એમાંથી સો ટચના શુદ્ધ સુવર્ણરૂપે બહાર આવ્યા. યક્ષની કૂરતા સામે પ્રભુની કરૂણા જીતી, યક્ષની પીડા સામે પ્રભુની પ્રેમધારા જીતી અને યક્ષની શત્રુતા સામે પ્રભુની મિત્રતા જીતી. આ સમગ્ર પ્રસંગનિરૂપણ જે શાસ્ત્રગ્રન્થોમાં ઉપલબ્ધ છે એમાંના કલ્પસૂત્ર સુબોધિકાટીકાગ્રન્થમાં ઉલ્લેખ છે કે એવા ને એવા અકંપિત એટલે કે ભયરહિત-દ્વેષરહિત પ્રશમપૂર્ણ ચિત્તવાળા પ્રભુને નિહાળીને યક્ષ આખરે સ્વયમેવ પ્રતિબોધ પામ્યો-પ્રભુનો ભક્ત બની ગયો. એણે પ્રભુની ભક્તિ કરવા ત્યાં જ દિવ્ય સંગીત-નૃત્ય આરંભ્યું.દૂરથી એ સંગીતના સૂર સાંભળીને ગામજનોએ કલ્પના કરી કે 'ચોક્કસ, પેલા યુવાન યોગીને ખતમ કરીને એના ઉન્માદમાં યક્ષદેવે આ ગીતગાન આરંભ્યું હશે.' પરંતુ પ્રભાત થયા બાદ મંદિરે આવતાં જ એમની કલ્પના અસત્ય ઠરી. 'યક્ષનું હૃદયપરિવર્તન થયું અને એણે ક્રૂરતાને તિલાંજલિ આપવા સાથે પ્રભુની ભક્તિ કરી' એ જાણીને તેઓ પ્રભુ પર આદરથી ઓળઘોળ થઈ ગયા. 'પ્રેમનાં પાણીમાં દ્વેષનાં દાવાનળને બુઝાવી દેવાની કેવી બેમિસાલ તાકાત છે ? સાધનાના સંગ્રામમાં સહનશીલતા કેવું અમોઘ શસ્ત્ર છે ?' એનો ગ્રામજનોને ત્યારે સાક્ષાત્કાર થયો. યક્ષના આતંકનો ઓથાર કાયમ માટે અદ્રશ્ય થઈ જવાથી ગામજનો હર્ષવિભોર થઈ ગયા. શાસ્ત્રો કહે છે કે, જે શૂલપાણિયક્ષના મંદિરમાં ભલભલા ભડવીરો પણ રાત્રે ડગલું ભરી શકતા ન હતા. એ મંદિરમાં પ્રભુમહાવીરદેવે ચાતુર્માસ પરિપૂર્ણ કર્યું. અરે ! એ ગામનું 'અસ્થિકગ્રામ' નામ પણ બદલાઈ ગયું અને પ્રભુનાં મૂળ નામ 'વર્ધમાન' પરથી એ ગામની પ્રસિદ્ધિ 'વર્ધમાન પુરી' તરીકે થઈ. આજે પણ બિહાર રાજ્યમાં એ પ્રદેશ 'વર્ધમાનજિલ્લા' રૂપે જ ઓળખાય છે જે પ્રભુએ પ્રેમભાવની પરિભાષા દ્વારા-મૈત્રીના મંગલનાદ દ્વારા શૂલપાણિયક્ષ જેવા કાતિલોની ક્રૂરતા ઓગાળીને એનામાં ય કોમળતા પ્રગટાવી અને સમતાથી ઉપસર્ગી સહીને કઠિન કર્મો ખપાવ્યાં એ પ્રભુ મહાવીરદેવ એમનાં જીવન દ્વારા જાણે એ સંદેશ આપે છે કેઃ- ''હસતાં હસતાં સહન કરે તે વીર છે...ને સહતા સહતાં હસે તે મહાવીર છે...''
|
No comments:
Post a Comment