વર્ષા પાઠક : રાત ગઇ, બાત ક્યારે બનશે? Source: Apani Vaat, Varsha Pathak પ્રિયજનની તબિયત બહુ બગડે ત્યારે આપણને થાય કે અરેરે, હજી એના માટે કેટલું કરવાનું બાકી રહી ગયું. પણ એ સાજા થાય અને આપણે પાછા હતા, ત્યાં ને ત્યાં.
પહેલીવાર મળી ત્યારથી હંમેશાં હસતા જોયેલાં બહેનનો ચહેરો આજે ઉતરી ગયેલો લાગતો હતો. બાજુમાંથી અવરજવર કરી રહેલા લોકો પ્રત્યે બેધ્યાન અને પોતાના વિચારોમાં ખોવાઇ ગયેલાં. રોજ એ કહેતા હતાં, આજે મેં એમને ગુડમોર્નિંગ કહ્યું. એમણે ચમકીને ગુડમોર્નિંગનો જવાબ વાળ્યો તો ખરો પણ સ્પષ્ટ હતું કે એમની મોર્નિંગ આજે ગુડ નહોતી.
'શું થયું? મેં ઊભા રહીને પૂછ્યું, આપણે એમને દેવીબહેન તરીકે ઓળખશું. એમણે જવાબમાં 'જાનકીમાસી' એટલું જ બોલીને માથું ધૂણાવ્યું. મારા માટે શહેર નવું છે અને આ જાનકીમાસી નામની વ્યક્તિ સાથે માત્ર એકવાર ઔપચારિક મુલાકાત થયેલી. પણ રોજ મળતા, વાતોડિયાં દેવીબહેન પાસે ઘણી વાતો સાંભળેલી. દેવીબહેનના એ સગાં માસી નથી પણ વર્ષો પહેલાં તામિલનાડુથી આવીને સ્થાયી થયેલી ગુજરાતી ગૃહિણી દેવીને સદ્નસીબે પડોશીના રૂપમાં આ મદદગાર મળી ગયેલાં. સગાં માસીથી હવે એ વિશેષ હતાં અને હા, આ માસી-ભાણેજનો સંબંધ વધુને વધુ મજબૂત બનાવવામાં દેવીબહેનની પાકકળા મોટો ભાગ ભજવી ગયેલી.
જાનકીમાસીને ખાવાપીવાનો શોખ અને દેવીબહેનને જાતજાતની વાનગીઓ બનાવીને જમાડવાનો શોખ! જોડી જામી ગઇ. પછી તો તમિલ શીખી ગયેલાં દેવીબહેને પાર્ટટાઇમ જોબ શોધી કાઢ્યો. એક દીકરાની માતા બની ગયાં અને કંપનીમાં પ્રમોશન મળ્યા બાદ પતિએ નવું ઘર ખરીધ્યું ત્યાં રહેવા પણ જતા રહ્યાં. ત્યાં ગયા બાદ માસીને રોજ મળવાનું નહોતું થતું પણ લાગણી ટકી રહેલી વાર-તહેવારે દેવીબહેન ખાસ ફરસાણ કે મીઠાઇ બનાવે ત્યારે જાનકીમાસીને પહોંચાડે. ક્યારેક વળી માસી ફોન કરીને ફરિયાદ કરે, 'તેં મહિનાઓથી કચોરી નથી બનાવી...'
આજે દેવીબહેનના ચહેરા અને અવાજ પરથી લાગ્યું કે નક્કી કંઇ અશુભ બની ગયેલું, પણ દેવીબહેને પછી કહ્યું કે અશુભ બન્યું નહોતું પણ બનવાની તૈયારીમાં હતું. 'કાલ સવારે માસીની તબિયત બહુ બગડી ગઇ, એટલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મારા હસબન્ડ રાતે એમને જોવા ગયા, ત્યારે ઠીક લાગતું હતું, પણ હમણાં ઉજજવલ (માસીનાં દૂરના સંબંધી)નો ફોન આવ્યો કે માસીએ દેહ મૂકવાની તૈયારી કરી લીધી છે. કહે છે, ભગવાનનું નામ લેતાં લેતાં કાલ સવાર સુધીમાં જીવ છોડી દેશે. મુંબઇ રહેતા એમના ભત્રીજાની રાહ જુએ છે. એના હાથે અગ્નિસંસ્કાર થાય એવી માસીની ઇચ્છા છે. બસ, એ આવે ને...'
દેવીબહેન હવે દુ:ખની સાથે અફસોસ ઠાલવવાના મૂડમાં હતા, 'માસી ઘણાં વખતથી કહેતા હતા કે કચોરી બનાવ પણ મારાથી બની જ નહીં અને એમને મારા હાથની પૂરણપોળી તો એટલી ભાવે કે બસ, વાત નહીં. નવરાત્રિ શરૂ થઇ, એના પહેલાં દિવસે મળી તો માસીએ યાદ કરાવ્યું કે મેં પહેલીવાર એને બટેટાવડાં બનાવીને ખવડાવેલા...'
માસીના છેલ્લા દિવસોમાં એમને શું શું બનાવીને ખવડાવવાનું રહી ગયું, એ પ્રકરણ પર દેવીબહેને એટલું બધું કહ્યું, કે મને પણ એક તબક્કે લાગવા માંડ્યું કે ઇચ્છા હોવા છતાં આ બધુ ખાધાપીધા વિના માસીના રામ રમી ગયા તો એમનો જીવ અવગતે જશે અને બિચારાં દેવીબહેન જિંદગીભર પસ્તાતા રહેશે. મેં એમને શાંત પાડવાની કોશિશ કરી. 'ભગવાનની મરજી, પણ છેલ્લે છેલ્લે હોસ્પિટલમાં એમના માટે કંઇ લઇ જજો.'
'આજે તો ઓફિસમાં બહુ કામ છે. પણ ટ્રાય કરીશ.' દેવીબહેને કહ્યું, બિચારાંનો ઇરાદો સારો હતો પણ સંજોગોવશાત અમલમાં ન મૂકી શક્યા. જોકે પછીની સવારે એમણે હસતા મોઢે કહ્યું, 'માસીને હવે સારું છે. ઉજજવલનો ફોન હતો. અમથાં જ માસીએ બધાંને ગભરાવી દીધાં...'
'વાહ, પણ હવે તમે જલદીજલદી એમને કચોરી બનાવીને ખવડાવી દેજો. એટલે પછી અફસોસ કરવાનો વખત ન આવે. કદાચ તમારી પૂરણપોળી માટે જ એમણે સ્વર્ગે જવાનું કેન્સલ કરી નાખ્યું.' મજાક કરી, પણ મને ખરેખર ખુશી થઇ કે દેવીબહેનને હવે અફસોસ નહીં રહે. નેકસ્ટ ટાઇમ, એ કહી શકશે કે માસીને બધું ખવડાવી-પીવડાવીને વિદાય કર્યા. આઠ-દસ દિવસ પછી મેં સહજભાવે પૂછ્યું, 'માસી માટે શું બનાવ્યું?'
તો જવાબ મળ્યો, 'અરે ભાઇ, અહીં ટાઇમ ક્યાં મળે છે? એક બાજુ ઓફિસ, બીજી તરફ છોકરાની એકઝામ... બે ટાઇમ રોટલીશાક પણ માંડમાંડ બને છે ત્યાં માસી માટે મીઠાઇ, ફરસાણ ક્યાં બનાવવા બેસું? રવિવારે જોઇશ...'
રવિવારે આવીને ગયો. દેવીબહેન બીજા કામમાં અટવાઇ ગયા. ડિનર માટે પતિ-પુત્રની સાથે બહાર જવાનું થયું. માસી ઘેર બેઠાં માળા ફેરવે છે. પહેલી નજરે જુઓ તો વાત રમૂજી છે.
પણ હું પોતે હસી શકું એમ નથી. આપણે બધાં આવું કરીએ છીએ. ભૂતકાળમાં હું પણ કરી ચૂકી છું. પ્રિયજનની તબિયત બહુ બગડે ત્યારે આપણને અચાનક યાદ આવી જાય છે કે અરેરે, હજી એના માટે કેટલું બધું કરવાનું, કહેવાનું બાકી રહી ગયું. પણ એ સાજા થાય અને આપણે પાછા હતા, ત્યાં ને ત્યાં.
થોડા સમય પહેલાં મારા એક બહુ નજીકના મિત્રને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. હું એટલી ગભરાઇ ગઇ કે વાત ન પૂછો. એને મોઢે તો કહ્યું નહીં. પણ એની પથારી પાસે ઊભા રહીને મનોમન મેં હજારવાર એને થેંક યુ અને સોરી કહ્યું હશે. એને આપીને નહીં પાળેલા વચનનો અફસોસ કર્યો. અરે, એક શહેરમાં રહેતા હોવા છતાં બહુ ઓછીવાર મળતા હતા. એ બદલ જાત સાથે ઝઘડી પણ ખરી. એકવાર એ ઘેર આવી જાય તો પછી કોઇવાર નહીં ઝઘડું. રોજ ફોન કરીશ જોતજોતામાં નવી કસમ ખાઇ લીધી.
પણ દોસ્ત સાજાસારા થઇને ઘેર પાછા ફર્યા અને બધું ભૂલાઇ ગયું. એની સાથેની મારી વર્તણૂંકમાં સુધારાવધારા કરવાના પ્લાન હજી ખાસ અમલમાં નથી મુકાયા.
આમાં હું ખુદને કે દેવીબહેનને સ્વાર્થી નહીં કહું, પણ આ માનવસહજ પ્રકૃતિ હોવાનું બહાનું આગળ કરીશ. નાનપણથી આવું કરીએ છીએ. એકઝામ માથા પર આવીને ઊભી રહે ત્યારે ભણ્યા ન હોઇએ તો ભગવાનને કાલાવાલાં કરીએ કે 'આ વખતે પાસ કરી દેજે, નેકસ્ટ ટાઇમ હું ગુડ ગર્લ-ગુડ બોય બનીને ભણીશ, મમ્મીનું કહ્યું માનીશ, નાનાભાઇને ચોરીછુપીથી ઝીણા ચિંટિયા નહીં ભરું વગેરે. પણ એકઝામ પતી જાય. પાસ થઇ ગયા પછી કોઇને કંઇ યાદ રહે? રાત ગઇ બાત ગઇ. પાછું અંધારું થયું ત્યારે અફસોસ, પશ્વાતાપની મીણબત્તી સળગાવશું ખરુંને?
viji59@msn.com
આપણી વાત, વર્ષા પાઠક |
No comments:
Post a Comment