[Gujarati Club] વૅલેન્ટાઈનનાં ઓવારણાં કે વસંતપંચમીના વધામણાં?

 

વૅલેન્ટાઈનનાં ઓવારણાં કે વસંતપંચમીના વધામણાં?

મારો બ્લોગઃ-

http://markandraydave.blogspot.com/2011/02/blog-post.html

" ખેલે રેલી રતિ ઋતુઘેલી અલબેલી સંગ આજે. " - ગીતગોવિંદ

=========

પ્રિય મિત્રો,

એક દિવસ, સાવ સરળ સ્વભાવનો,કૉલેજકાળનો  એક મિત્ર,મને મળવા આવ્યો, ઘરમાં આવતાંની સાથેજ તેણે,પોતે એક કન્યા પસંદ કરી હોવાની વધામણી આપી.મેં તેને અભિનંદન આપ્યા.

હું વધારે કાંઈ વિચારું તે પહેલાં,તેણે કહ્યું," મને ખબર છે,તું લખે છે અને કૉલેજમાં ઘણા મિત્રોને પ્રેમપત્રના ડ્રાફ્ટ બનાવી આપીને,તેં મદદ કરી છે. મારાં હાફ મેરેજ (એંગેજમેન્ટ?) થયાં છે. મારો પહેલો વૅલેન્ટાઈન ડૅ છે. મારે પણ, મારી ભાવિ પત્નીને ઈંમ્પ્રેસ કરી દેવી છે.મને પણ એક સરસ ગ્રિટીંગ કાર્ડ બનાવી આપ...!!"

મેં તેને,સારી ભાષામાં ના કહીને, સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, " રહેવા દે,નાહક મારી કોઈ ભૂલને કારણે, તારાં લગ્નનું સ્વપ્ન તૂટી જશે." તે સાવ  નિરાશ થઈ ગયો. મિત્રને મદદ ના કરી શક્યાનું, મને દુઃખ જરૂર થયું, પણ હું સિદ્ધાંત સામે મજબૂર હતો.

એકજ અઠવાડિયા બાદ, મિત્ર,તેની ભાવિ પત્ની સાથે, મને માર્કેટમાં મળી ગયો, મિત્રએ, તેની ભાવિ પત્નીને, મારી ઓળખ આપી. હું તેમને આગ્રહ કરીને, પાસેના રેસ્ટોરન્ટમાં,ચા-કૉફી માટે લઈ ગયો, ત્યારે રેસ્ટોરન્ટમાં તેની ભાવિ પત્નીએ મને, હસતાં-હસતાં જે જણાવ્યું,તે સાંભળી મને પણ ખૂબ રમૂજ થઈ.

મિત્રએ, તેની ભાવિ પત્નીને, વૅલેન્ટાઈન ડૅના ગ્રિટીંગ કાર્ડમાં, તેને જાતે આવડે તેવી અગડમ-બગડમ શાયરીઓ તો લખીજ..!! પરંતુ, `હાફ મેરેજ ` શબ્દથી ગેરસમજ કરી, બીજું કાંઈ ના સૂઝતાં, ભાવિ પત્નીને અત્યારથીજ, અખંડ સૌભાગ્યવતીનું સંબોધન,(તેય પાછું બંધ કવરમાં નહીં, ખૂલ્લા કાર્ડ ઉપર ? ) કરીને પોતાની સાળી સાથેજ ગ્રિટીંગ કાર્ડ ભાવિ પત્નીને મોકલાવ્યું..!! જોકે, કન્યા અને તેનાં માતાપિતાએ વાતને હસવામાં કાઢી નાંખી, તેથી મિત્રને,કશો વાંધો ના આવ્યો.

મને મિત્રના અમર પ્રેમની સરખામણીમાં, આપણા ગુજરાત મલકની અનેક અમર પ્રેમકથાઓ યાદ આવી ગઈ  જેવીકે, શેણી-વિજાનંદ, ઢોલા-મારુ, રાજા ભરથરી-પિંગળા, સરસ્વતીચંદ્ર-કુમુદસુંદરી, જીગર અને અમી વિગેરે, જે  પ્રેમકથાઓ  આજે પણ આપણા મનના માંડવે મઘમઘે છે.

જોકે આજ પ્રમાણે, વિદેશની કેટલીક નોંધપાત્ર પ્રેમ કથાઓ જેમકે, રૉમિયો-જુલિયટ,લયલા-મજનુ, ક્લિયોપેટ્રા-માર્ક એન્ટોની,પેરિસ-હૅલિના,નેપોલિયન-જોસેફાઈન, રાણી વિક્ટોરિયા-પ્રિન્સ આલ્બર્ટ, ઉપરાંત મોગલ સલ્તનતના વંશજ એવા, સલીમ -અનારકલી તથા શાહજહાઁ-મૂમતાઝ મહલની પ્રેમગાથાઓ ઈતિહાસના પાનાંઓ પર આજે પણ ગૌરવાંકિત છે.

વૅલેન્ટાઈન ડૅ - મહત્વ (Valentine's Day)

વિદેશમાં, ખાસ કરીને અંગ્રેજી ભાષા અને ખ્રિસ્તી ધર્મનું આધિપત્ય ધરાવતા દેશોમાં, દર વર્ષે ફેબ્રુઆરી માસની ૧૪મી તારીખે, રોમમાં  પ્રેમને ખાતર શહીદી વહોરી લેનારા, રોમન કૅથોલિક ચર્ચના ખ્રિસ્તી સંત વૅલેન્ટાઈનના માનમાં, પ્રેમ અને સ્નેહ અભિવ્યક્તિ સ્વરૂપે વૅલેન્ટાઈન ડૅ તરીકે ઉજવાય છે

રોમન સમ્રાટ ક્લાઉડસ બીજો  એક વિચિત્ર વિચાર ધરાવતો  હતોકે, પ્રેમમાં પડેલા અથવા પરણેલા યુવાનો સારા સૈનિકો બની નથી શકતા તેથી તેણે ફરમાન જારી કર્યુંકે, `દરેક યુવાન સૈનિકે અવિવાહિત રહેવું.` રોમન સમ્રાટના આવા મનસ્વી ફરમાન સામે બંડ પોકારીને, સંત વૅલેન્ટાઈને  ખાનગીમાં લગ્નઈચ્છુક યુગલોનાં લગ્ન કરાવી આપતાં, સમ્રાટે રોષે ભરાઈને, સંતને જેલમાં બંધ કર્યા. જેલમાં રોમન સમ્રાટે સંત વેલેન્ટાઈન સાથે જોરજુલમ ગુજારીને, તેમને જીવતદાનના બદલામાં, ખ્રિસ્તી ધર્મ ત્યજીને રોમન ધર્મ અપનાવવા રૂબરૂ બોલાવીને સમજાવ્યા.જોકે, સંત વેલેન્ટાઈનેસમ્રાટની વાત માનવાને બદલે, સમ્રાટનેજ  ખ્રિસ્તી ધર્મ અપનાવવા સમજાવ્યા. રોમન સમ્રાટ સંતના વિચારોથી અભિભૂત થયો છતાં, સમ્રાટે તેમને ૧૪ ફેબ્રુઆરીના દિવસે મૃત્યુદંડ આપ્યો. સંત વેલેન્ટાઈને જેલના જેલરની અંધ દીકરીને ઉદ્દેશીને મૃત્યુના આગળના દિવસે,તેમના જીવનનું સર્વ પ્રથમ વૅલેન્ટાઈન કાર્ડ, "From your Valentine." ઉલ્લેખીને પાઠવ્યું હતું. આથીજ  `વૅલેન્ટાઈન ડે` એટલેકે, ૧૪મી ફેબ્રુઆરીના દિવસે, યુવાધન એકમેક પ્રત્યે પુષ્પ, ચોક્લેટ-મીઠાઈ તથા હ્યદયના આકારનાં ગ્રિટીંગ કાર્ડની આપ-લે દ્વારા પ્રેમ વ્યક્ત રી,  `Pl. Be my valentine` ની ઈચ્છા જાહેર કરે છે.

અહીં એક ચોખવટ જરૂરી છેકે, સંત વૅલેન્ટાઈન અને જેલરની દીકરી વચ્ચે ક્યાંય  સેક્સના દેવ,`કામદેવ`ના પ્રભાવનો  ઈતિહાસમાં  સહેજ પણ ઉલ્લેખ નથી. આધુનિક જમાનામાં તો નવાઈ લાગે,તે રીતે,` SMS, MMS, E-MAIL` વગેરે `DELETE ` કરતાં જેટલી વાર લાગે તેટલીજ વાર પ્રેમસબંધ તોડીને, બીજો તૈયાર રખાય છે. બાબતના પુરાવારૂપે, દર શુક્રવારે સાંજે સાત વાગે, `BINDASS TV`, પર આવતો `ઈમોશનલ અત્યાચાર`, નામનો કાર્યક્રમ જોઈ લેવો. કદાચ આધુનિક અતિ ચર્ચિત પ્રેમી યુગલ  ચાઁદ-ફિઝા, શિષ્યા જૂલી- પ્રોફેસર બટૂકનાથની, બેશરમ  મોંઢા કાળાં કરતી પ્રેમકથાઓ, `વૅલેન્ટાઈન ડૅ` પર ન્યૂઝ ચેનલ્સ પરથી પ્રસારિત થતી હોય તો, વેલેન્ટાઈન ડૅને મહત્વ આપવા બાબતે, કોણે બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે, તે સવાલનો જવાબ આપણે વિદ્વાન વાચકોની વિવેકબુદ્ધિ પર છોડી દઈએ તેજ વધુ હિતાવહ રહેશે?

કામદેવ-રતિકથા અને વસંતપંચમી.

વસંત પંચમી મહા સુદ - . વસંત પંચમી વસંતોત્સવનો પ્રથમ દિન ગણાય છે. ભગવાનશ્રીશિવમહાપુરાણની કથા અનુસાર, જ્યારે સતી પાર્વતીજીએ પિતા દક્ષને ત્યાં, અપમાન સહન થવાથી યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું ત્યારબાદ શિવજીએ વિચાર કર્યો કે હવે વિવાહ કરવો. આવો નિશ્ચય કરી શિવજીએ સમાધિ લગાવી દીધી. રાક્ષસ તારકાસુરે ઘોર તપ કરી, બ્રહ્માજી પાસે  એવું  વરદાન મેળવ્યુંકે,  મારૂં મોત  શિવજીના પુત્રથી થાય અને તે પછી, પોતે અમર થઈ ગયાના ગર્વથી પ્રેરિત થઈને,તે  દેવોને પણ સતાવવા લાગ્યો. આથી દુ:ખી થઈ, રાજા ઈંદ્રએ  કામદેવને  શિવની સમાધિનો ભંગ કરવા કહ્યું. કામદેવે  શિવજીની સમાધિ ભંગ કરવા, પોતાના પ્રધાન મિત્ર વસંતનો પ્રભાવ રેલાવ્યો, સુગંધિત વાયુ વહેવા લાગ્યો. હિમાલય પુત્રી તરીકે પૂનર્જન્મ લઈ શિવજીની દરરોજ પૂજા કરતાં સતી પાર્વતીજીની હાજરીમાં ભગવાન શિવજી  ઉપર કામદેવે પોતાનાં કામબાણ ચલાવ્યાં આથી ગુસ્સે થઈ શિવજીએ તેને ત્રીજું નેત્ર ખોલીને ભસ્મ કરી દીધો. કામદેવની પત્ની રતિ વિલાપ કરવા લાગી. દેવોએ કરેલી સ્તુતિથી  પ્રસન્ન થઈ શિવજીએ રતિને કહ્યું કે કામદેવ હવે અંગ રહિત રહેશે અને દ્વારકામાં કૃષ્ણને ઘેર તેનો જન્મ થશે. કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર ગણાશે. અંતે માયાવતી  નામ ધારણ કરીને તે નગરમાં પતિ કામદેવની પ્રતિક્ષા કરતી રતિ  તેની સાથે પરણી. આથીજ દેવના સન્માન માટે મહા સુદ પાંચમનો વસંત પંચમીનો ઉત્સવ થાય છે. ઉપરાંત, વસંતપંચમીનો દિવસ જ્ઞાન,સંગીત અને કલાવૈભવની ઉજવણીનો દિવસ મનાય છે. દિવસે જ્ઞાનની દેવી માઁ સરસ્વતીનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

કલ્પના કરી જુઓકેવસંત ઋતુ પૂર્ણ કળાએ રેલાઈ હોય,વૃક્ષોએ પફુલ્લ વદન ધારણ કર્યું હોય, કોમળ કૂંપળ અને કળીનો અવિર્ભાવ સર્વત્ર છવાઈ જવાથી વાસંતી સુગંધી વાયુ વડે સમગ્ર વાતાવરણ મહેંકતું હોય..!! કમળ અને પુષ્પ ઉપર ભમરાઓનાં ઝુંડ ગુંજારવ કરતા હોય, ચંદ્રની શીતળ રમ્યતા ચારે બાજુ રેલાતી હોય...!! તેવા આલ્હાદક સમયે, કામદેવનો પ્રભાવ છવાઈ જવાથી, ભલભલા તપસ્વી-મુનીઓનાં તપોભંગ થઈ જતા હોય, તોપછી કોઈપણ ઉંમરનાં નરનારી, વાસંતી કામ પ્રાગટ્યના પ્રભાવે  વિચલિત થઈને, પ્રેમ પામવા વિહવળ થઈ જાય તે સાવ સ્વાભાવિક છે. કામસૂત્રના રચયિતા વાત્સ્યાયને. પણ લખ્યું છે કે, " શુભ સમય, શુભ નક્ષત્ર, શુભ દિન, શુભ કાળમાં શાસ્ત્ર અનુસાર રતિકાર્ય કરવું. તે સર્વ સુખદાતા ગણાય છે. તેનાથી વિપરિત આચરણ કરવાથી દેશમાં દરિદ્રતા ફેલાય છેહે યુવાન ! તારી તંદુરસ્તીને બગાડ નહિ. મનુષ્ય દેહ મળવો દુર્લભ છે તેનો વ્યય કર નહિ.વસંતપંચમીનો દિવસ આજ કારણસર, લગ્નપ્રસંગના આયોજન માટે  વણદીઠું મુહૂર્ત મનાય છે.

કામદેવની કથા જાણીને કોઈના પણ મનમાં એક પ્રશ્ન અવશ્ય થાયકેઆજના આધુનિક પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણકારી યુગમાં, આપણા દેશના  યુવા દિલોમાં, અન્ય ધર્મમાં ઉજવાતા વૅલેન્ટાઈન ડૅના બહાના હેઠળ, જો ફક્ત એક ગુલાબ, ચોક્લૅટ કે ગ્રિટીંગ કાર્ડની આપલે  કરવાથીજ જો કામદેવનો પ્રભાવ જાગૃત થઈ જતો હોયતો, હવે આપણા દેશમાં કોઈ શિવજી સ્વરૂપ  યુવાન અને સતી પાર્વતીજી સમાન કન્યાના દ્વારા કોઈ દૈવી સંતાનને બદલે, તારકાસુર જેવા તામસી દુર્ગુણનો રાક્ષસ જન્મીને સમગ્ર દેશને પ્રતાડેતો નવાઈ નહીં..!!  દોસ્તો, શાસ્ત્રોમાં આથીજ કહ્યું છેકે," સ્વધર્મે નિધનં શ્રેય,પરધર્મો ભયાવહઃ"

અર્વાચીન વેલેન્ટાઈન ડૅના રોજ પાંગરેલા પ્રેમની ગુણવત્તા અને કક્ષા વિષે એક ઉદાહરણ પુરતું છે. ચાલો, માણીએ?

થોડાં વર્ષ અગાઉ, પૈસેટકે સુખી એવા, મારા એક મિત્રનો, કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો,ફિલ્મી હીરો જેવો રૂપાળો દેખાતો દીકરો, વૅલેન્ટાઈન ડૅના રોજ  તેની પડોશમાં રહેતી  બાળપણની ગર્લફ્રેંન્ડ સાથે, કોઈને જણાવ્યા વગર ભાગી ગયો.

ભાગી ગયેલી કન્યાના પિતાએ, બંનેને ચોવીસ કલાકમાં, હાજર કરવાનું અલ્ટીમેટમ, મારા મિત્રને (દીકરાના પિતાનેઆપ્યું. દીકરાને મારી સાથે મિત્રભાવ હતો, તેથી હું જાણતો હતોકે, ગર્લફ્રેન્ડ તેને,લગ્ન માટે પસંદ નથી, તેથી ઘટનાની જાણ થતાંજ, મને જરા આશ્ચર્ય થયું, પણ પછી વિચાર્યું, "ભાઈ યુવાનોનું કંઈ કહેવાય નહીં..!!"  છેવટે,ત્રીજા દિવસે, બંને પ્રેમીપંખીડાં,તેના એક મિત્રને ત્યાંથીજ ઝડપાઈ જતાં,મારા મિત્રએ કકળાટ હળવો કરવા,મને પણ બોલાવ્યો, હવે  મારે તો આમાં શું કરવાનું હોય..!!

ચારેક કલાક સુધી, બંને કુટુંબના, સામસામે થતા હોંકારા-પડકારા, મેં શાંતિથી સાંભળ્યા કર્યા, પરંતુ મારાથી છેવટે જિજ્ઞાસા ના રોકાતાં,પેલા ભાગેડુ દીકરાને,બાજુમાં બોલાવીને, મેં પુછ્યું,"અલ્યા તને તો છોકરી લગ્ન માટે પસંદ હોતીને, તું તેની સાથેજ, `ત્રણ દિવસને, બે રાતના સ્ટે`ના પેકેજ સુધી...?"

અકળાઈને, દીકરાએ મને કહ્યું," અંકલ, હું એને દાદ  આપતો હતો, એટલે માથાની ફરેલીએ, મને વૅલેન્ટાઈન ડૅના આગલા દિવસે લાલ ગુલાબ સાથે ગ્રિટીંગ કાર્ડ આપ્યું, જેમાં તેણે મને `પાવૈયા`ની ગાળ દીધી હતી. રહ્યુંએ  કાર્ડ, મેં તેને ત્રણ દિવસ ફેરવીને સાબિત કરી દીધુંકે, હું પાવૈયો નથી.હવે તે જાણે ને તેનો બાપ..!!"

અંતે, કન્યાને અઢાર વરસમાં બે માસ બાકી હતા, તેથી પેલી માથાની ફરેલી, અણગમતી, સગીર વયની છોકરીને ફોસલાવીને ભગાડવાના ગુન્હા હેઠળ, પેલા `મર્દ` હીરોને જેલમાં જવું ના પડે, તેથી તે કન્યા નગમતી હોવા છતાં કમને પણ, બે માસ બાદ, લગ્ન કરવાં પડ્યાં.સુખદ (..!!) અંત સાથે, `ઘીના ઠામમાં ઘી` પડ્યું રહ્યું..!!

યુવા મિત્રો,યાદ રાખો, જિંદગી ક્યારેય કોઈને છેતરતી નથી, આપણા ઉતાવળીયા નિર્ણયજ આપણને છેતરે છે. ફરિયાદ કરનારા તમામ ખરેખરતો પોતેજ  ખોટા નિર્ણય આચર્યાના ગુન્હાની કબૂલાત જાતે કરતા હોય તેમ લાગે છે. સાચા પ્રેમની અભિવ્યક્તિવૅલેન્ટાઈન ડૅ અથવા વસંતપંચમી બે માંથી કોઈનીય મોહતાજ નથીભલેને, રૉમિયોએ બ્રહ્મવાક્ય ઉચ્ચાર્યું હોયકે, "What's in a name? That which we call a rose, By any other name would smell as sweet."
પરંતુ, હાલ, છેલ્લા કેટલાક વર્ષોથી, આપણા દેશમાં પ્રેમની અભિવ્યક્તિની ઉજવણી કયા દિવસે કરવીવૅલેન્ટાઈન ડૅ નાં ઓવારણાં લેવાં કે, વસંતપંચમીના વધામણાં કરવાં? વૅલેન્ટાઈન ડૅ તથા વસંતપંચમીના નામના બે દિવસ બાબતે, અલગ-અલગ ધર્મના, ભારતીય સંસ્કૃતિના કથિત રખેવાળ સંગઠનો  અને  આધુનિક બંધનમૂક્ત વિચારધારા ધરાવતા પ્રેમીઓ વચ્ચે  રીતસરનો જંગ ચાલી રહ્યો છે.  ( ચેનલવાળાઓને જંગના લાઈવ પ્રસારણ દ્વારા અઢળક કમાણી થાય છે તે વળી નફામાં?) જાહેર બગીચાઓમાં, વૅલેન્ટાઈન ડૅના પર્વની ઉજવણીનું આંધળું સાહસ કરવા જતાં અનેક યુગલ, ન્યૂઝ ચેનલોના કૅમેરાઓમાં ઝડપાઈ જઈને, આપણી સંસ્કૃતિના કહેવાતા રખેવાળ સંગઠનોના કાર્યકરોના હાથે ખાસડાં ખાતા-ખાતા, પ્રેમના નામે  વાસનાનું  વરવું પ્રદર્શન  કરે છે તેને જાતિય આકર્ષણ - કામવાસનાકે બીજું  કોઈ જે નામ આપવું હોય તે આપી શકાય, પણ રીતે અનુભવાતી લાગણી, સાચો પ્રેમ નથી નથી. ખરેખરતો માનવ મનના બગીચાના કોઈ એક ખૂણામાં પૂર્ણકળાએ  વિકસે તે પ્રેમજ સાચો પ્રેમ છેપ્રેમ પામવાની બાબતમાં ઉતાવળીયા નિર્ણયો કરીને પાછળથી પેટ ભરીને પસ્તાય અને વળી નિષ્ફળ પ્રેમીઓ  ફરિયાદ કરેકે, `મારું નસીબજ ફૂટેલું તેથીજ મારી સાથે કાયમ બેવફાઈ થાય છે. મને જીવનસાથીએ ભરમાવીને છેતર્યો છે..!!`  વિચારસરણી સર્વથા અયોગ્ય છે.

છેલ્લે, યુવા મિત્રોને એટલુંજ કહેવાનું મન થાય છેકે, આપણું જીવન ખેડ્યા વગરની ધરતી સમાન છે. તમે તેને સ્વચ્છ અને સ્વસ્થ  નિર્ણય દ્વારા જે કાંઈ આપો છો, તે તમને ભવિષ્યમાં હજારગણા વળતરરૂપે પરત આપે છે.તમે જીવનમાં સાચા પ્રેમની મૂડીનો સંચય કરી તો જુઓ..!! તમને સામે નિસ્વાર્થ પ્રેમનું હજારગણું ચક્રવૃદ્ધિ  વ્યાજ પરત મળશે, સો ટકા ગેરંટી છે..!!  કામદેવતાના પ્રભાવ હેઠળ આવી જઈને, વૅલેન્ટાઈન ડૅ હોયકે વસંતપંચમી, પ્રેમના `સત્યમ શિવમ સુંદરમ` સ્વરૂપને કુરૂપતા બક્ષવાનું નીચ કર્મ આપણા હાથે હરગિજ થઈ જાય તેનું ધ્યાન રાખવું તે્જ આપણો માનવતા અને રાષ્ટ્રધર્મ છે.

મિત્રો,પૃથ્વીના જન્મકાળના સમયથી, પ્રગટ થયેલા સાહિત્યને ફંફોસીને, પ્રેમની અભિવ્યક્તિ વિષય પર, વિશદ છણાવટ કરવા બેસીએ તો,કેટલાંય પુસ્તક લખાઈ જાય. આપણી હિંદુ સંસ્કૃતિમાં પ્રેમના દેવતા, કામદેવનાં બાણ જેને લાગ્યાં હોય, તેજ તેની અસર અંગે, મારા કરતાં વધારે, કહી શકે છે પરંતુ, યાદ રાખો, "ચેતતા નર-નારી સદા સુખી."

તા.. એમ કહેવાય છેકે, અગાઉ રાજામહારાજાઓ શબ્દવેધી તીરંદાજીમાં નિપુણ હતા.તેઓ માત્ર સામાન્ય અવાજ સાંભળતાંજ દૂરથીજ બાણ છોડીને, શિકાર કરી શકતા હતા, સાથેજ રાજાઓ દરવખતે જંગલમાંથી નવી રાણી પણ લઈ આવતા. આજેપણ, ત્રણ-ત્રણ રાજા કે રાણી પામવા મથતા કેટલાક લંપટ-રાજા-રાણીઓ ફક્ત એક ગુલાબ, ચોક્લૅટ કે ગ્રિટીંગ કાર્ડની આપલે કરીને કોઈની અસ્મિતા-ઈજ્જતનો શિકાર કરવાની કળાને આત્મસાત કરવા મથી રહ્યા છે?

બાય વૅવૅલેન્ટાઈન ડેનાં ઓવારણાં લેવાં કે વસંતપંચમીનાં વધામણાં કરવાં જોઈએ, આપનો શું મત છે?

માર્કંડ દવે.તાઃ ૧૯ જાન્યુઆરી ૨૦૧૧.

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...