તું રોજ મારા સપનામાં આવે છે અને હું ખામોશીનું તાળું મારા હોઠ ઉપર લટકાવીને તને જોયા કરું છું.
બારમી ફેબ્રુઆરીની સાંજ હતી. કોલેજિયનોએ ફિલ્મ જોવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. બોયઝ હોસ્ટેલની 'એ' વિંગના લગભગ બધા છોકરાઓ તૈયાર થઇ ચૂક્યા હતા, માત્ર મુક્તક શુક્લ પોતાના રૂમમાં એકલો-અટૂલો બેસી રહ્યો હતો. નિહારે રૂમમાં ડોકિયું કરીને પૂછી પણ લીધું, 'તારે નથી આવવું?' ના, તમે લોકો તો સાદા થિયેટરને બદલે મલ્ટીપ્લેક્ષમાં જવાના હશો ને?''હા, એકસો ને વીસ રૂપિયાવાળી ટિકિટ…''સોરી, મને આટલી મોટી રકમ ખર્ચી નાખવી ન પોસાય. આટલા રૂપિયામાં તો હું…' બાકીના શબ્દો મુક્તક ગળી ગયો.
છેલ્લા એક અઠવાડિયાથી મુક્તકનું વર્તન ભેદી લાગતું હતું. એ ગુમસુમ રહેતો હતો, દિવસના ગમે તે ભાગમાં બે-ચાર કલાક માટે પોતાના રૂમમાં પુરાઇ જતો હતો, જ્યાં અને જ્યારે પચાસ-સો રૂપિયા ખર્ચવાની વાત આવે ત્યાં અને ત્યારે એ સરવાળા-બાદબાકી કરવામાં ખોવાઇ જતો હતો.
દરેક સંવાદનો અંત અધૂરા વાક્યથી આવતો હતો અને ગળી જવાયેલા શબ્દોમાં ન સમજાય તેવી ગુપ્ત ગણતરીઓ ચાલતી રહેતી હતી. મુક્તકના મનમાં કશુંક રમતું હતું, પણ પૈસાની ખેંચ હતી. બીજા વિદ્યાર્થીઓ પાસે વેડફવા જેટલા રૂપિયા હતા, જ્યારે મુક્તક પાસે વાપરવા જેટલાયે નાણાંની ખોટ હતી. તેમ છતાં એણે એનું કામ આરંભી દીધું.
એક જાડા, શ્વેત કાગળનો લંબચોરસ ટુકડો એણે લીધો. ભાત-ભાતના રંગો વડે એણે એની બોર્ડર બનાવી. ભોજન માટેના રસોડામાં જઇને એણે ભાતનું ચીકણું ઓસામણ મેળવ્યું. પૂંઠા ઉપર એ ઓસામણનો એક હળવો થર પાથરી દીધો.
પછી દુકાનમાંથી ખરીદેલી સફેદ ચમકતી જરી છાંટી દીધી. પૂંઠાનો ટુકડો રૂપેરી ભભકથી શોભી ઊઠ્યો. એ પછી મુકતકે રંગીન કાગળમાંથી અક્ષરો કાપીને પૂંઠા પર ચોંટાડ્યા. બે દિવસની મહેનત પછી જે તૈયાર થયું તે વેલેન્ટાઇન ડે માટેનું કાર્ડ હતું.
આ કાર્ડ સાથે આપવા માટેનો પત્ર પણ મુક્તકે તૈયાર કરી દીધો. સાત-સાત વાર છેક-ભૂંસ કરીને તૈયાર કર્યો, હૃદય નિચોવીને તૈયાર કર્યો, લોહીમાં દોડતી લાગણી અને વારસામાં મળેલી સંસ્કારીતાનો ઉપયોગ કરીને તૈયાર કર્યો. મુક્તકે લખ્યું : આભાર વેલેન્ટાઇન ડેના પર્વનો કે વરસોથી છાતીમાં બંધ મારી લાગણીઓને અભિવ્યક્ત થવાનું સૌભાગ્ય મળ્યું.
હું જાણું છું કે તારી અને મારી પારિવારિક પરિસ્થિતિઓ વચ્ચે બે ધ્રુવોનું અંતર છે. તું ધનવાન મા-બાપના બગીચામાં ઊગેલું અને પાંગરેલું ગુલાબ છે, જ્યારે હું વગડાનો તાપ ઝીલીને ખીલેલું જંગલી ફૂલ છું. જો હું તારી સાથે જીવનભરનો નાતો જોડવાનો વિચાર પણ કરું તો દુનિયા મને પાગલ ઠેરવે.
તારી સાથે વાત કરવાની હિંમત તો મને સપનામાં પણ નથી હોતી. તું રોજ મારા સપનામાં આવે છે અને હું ખામોશીનું તાળું મારા હોઠ ઉપર લટકાવીને તને જોયા કરું છું. રંક મા-બાપનાં સંતાનોને પૈસાદાર પરિવારનાં ફરજંદો સાથે લગ્ન કરવાનો અધિકાર નથી હોતો એ હું જાણું છું, પણ હું એટલુંય જાણું છું કે પ્રેમના પ્રવાસે ઊડવા ને ઊપડવા માટે પૈસા નામના પાસપોર્ટની જરૂર નથી હોતી.
તને આવું કહેતી વખતે હું આસમાનમાં ઊડું છું- 'હું તને ચાહું છું, પણ આવું કહેતી વખતે હું જમીન ઉપર આવી જઉ છું. તું જેની સાથે પરણે તેની સાથે ખૂબ-ખૂબ સુખી થાજે! હું જાણું છું કે આજના આ પ્રણયદિને તારી ઉપર વેલેન્ટાઇન -કાર્ડ્ઝનો વરસાદ વરસશે. આપણી કોલેજમાં તને જોઇને જીવનારાઓની અને તારી ઉપર મરનારાઓની ખોટ નથી. એ બધામાં સૌથી ઓછી હેસિયત મારી છે. આ કાર્ડ તૈયાર કરવા માટેના પચાસ રૂપિયા ભેગા કરવામાં પણ મને નવ નેજા થયા છે.
અંતમાં એટલું જ કહીશ કે મેં લખ્યો છે એ પત્ર નથી, પણ સૌંદર્યની ખિદમતમાં પ્રણયે પેશ કરેલું નજરાણું છે. તું એને સ્વીકારીશ, પ્લીઝ? વિલ યુ બી માય વેલેન્ટાઇન?'
આ પત્ર અને પેલું હસ્તકલાના નમૂના જેવું કાર્ડ એ બેયને મૂકવા માટેનું પરબીડિયું પણ મુક્તકે જાતે જ બનાવ્યું. હવે એને પ્રતીક્ષા હતી આવતી કાલની.
બીજા દિવસે ચૌદમી ફેબ્રુઆરી હતી. સવારે અગિયાર વાગ્યે મુક્તક કોલેજમાં જવા માટે રવાના થયો. જેને આપવા માટે આટલી બધી ચીવટથી એણે કાર્ડ તૈયાર કર્યું હતું એ સૌંદર્યમૂર્તિનું નામ હતું પખાવજ પટેલ.
મુક્તકે એની દિશામાં જવા માટે પગ ઉપાડ્યો, પણ ત્યાં સુધીમાં તો ભમરાઓએ ગુલાબને ઘેરી લીધું હતું. કોલેજની અન્ય યુવતીઓ ઇર્ષાભરી નજરે પખાવજને જોઇ રહી હતી. જોઇ શું રહી હતી, જલી રહી હતી! પખાવજને મળેલું પ્રત્યેક ગ્રીટિંગ-કાર્ડ પાંચસો રૂપિયાથી મોટી કિંમતનું હતું અને દરેકની સાથે કોઇ ને કોઇ ગિફ્ટ પણ હતી.
અલંકાર મહેતાએ 'સ્નીકર્સ' બ્રાન્ડની મોટી ઇમ્પોર્ટેડ ચોકલેટ આપી હતી, તો માનૂષ પંડ્યાએ મઘમઘતા વિદેશી પર્ફ્યૂમની બોટલ. તનિષ્ક સોનાની નિબવાળી પેન લઇને આવ્યો હતો, તો કુણાલ મોંઘું બ્રાન્ડેડ લેડિઝ પર્સ પસંદ કરીને લાવ્યો હતો.
મુક્તક ખચકાઇને ખાસ્સી વાર લગી ઊભો રહ્યો. ભમરાઓની ભીડ જ્યારે વિખેરાણી, ત્યારે એણે હિંમત જુટાવી અને સુદામાના તાંદુલની પોટલીની જેમ પેલું પરબીડિયું પખવાજના હાથમાં મૂકી દીધું.
પખાવજે માત્ર એક નજર એની અંદરના કાર્ડ ઉપર નાખી, પછી આટલું જ કહ્યું, 'પત્ર તો હું નિરાંતે વાંચીશ, પણ એટલું જણાવી દે કે આ કાર્ડ તૈયાર કરવામાં કેટલો ખર્ચ થયો છે?''ખાસ નહીં. માંડ પંદર-વીસ રૂપિયા. બાકી પાંચસો રૂપિયાનો પરસેવો અને પાંચ હજાર રૂપિયા જેટલો પ્રેમ…'
'પ્રેમની ક્યારેય કોઇ કિંમત નથી હોતી. પાંચ હજાર પણ નહીં, પાંચ લાખ પણ નહીં અને પાંચ કરોડ રૂપિયા પણ નહીં. પણ તને એક વાતની હજુ ખબર પડી નથી લાગતી.''કઇ વાતની?'
'કોલેજના નોટિસ બોર્ડ ઉપર તારું નામ મુકાયેલ છે. આજે સાંજ સુધીમાં જો તારી બાકી રહેલી ટર્મ-ફી ભરી દેવામાં નહીં આવે તો તને વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.'
'હેં?!' મુક્તકના ચહેરા ઉપર આઘાત અને ચિંતાનાં વાદળો ઘેરાયાં, 'મને તો આ વાતની ખબર જ નથી. હું તો છેલ્લા છ-સાત દિવસથી તારા માટેનું વેલેન્ટાઇન-કાર્ડ બનાવવામાં પડયો હતો.
'આ જ તો મોંકાણ છે ને આ દેશના યુવાનોની! રહને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા! તમને કોણ સમજાવે કે મોહબ્બત સે આગે ઇમ્તેહાં ઔર ભી હૈ ઔર સિતારો સે આગે જહાં ઔર ભી હૈ!
પાંચ ફીટ પાંચ ઇંચની આ સુંવાળી કાયાના લપસણા આકર્ષણમાં તમે લોકો ભાન ભૂલીને ગુમરાહ બની બેઠા છો, પણ તમને એ વાતની જાણ નથી કે આપણા ઇકોનોમિક્સના પ્રોફેસર જાની સાહેબની એકની એક દીકરીને બ્લડ કેન્સર થયું છે. તમને એ પણ ખબર નથી કે કોલેજના પટાવાળા પોપટના દીકરાએ બેકારીથી કંટાળીને ત્રણ દિવસ પહેલાં આપઘાત કરી નાખ્યો.
આપણી કોલેજમાં કચરો વાળતી ચંપાની જુવાન દીકરી રંભા ઘરને મદદરૂપ થવાય એવા શુભ આશયથી પોતાનું શરીર વેચવાનું અશુભ કાર્ય કરી રહી છે એ હકીકત સાથે તમારે શી લેવા-દેવા? આજના દિવસે આ ગરીબ દેશના અબજો રૂપિયાનું હૂંડિયામણ ગ્રીટિંગકાર્ડ્ઝ બનાવતી કંપનીઓ દ્વારા વિદેશમાં પગ કરી જશે એનાથી તમારું રૂંવાડું પણ શા માટે ફરકે? તમે…'
'બસ, પખાવજ, બસ! હવે એક પણ શબ્દ ન બોલીશ. તેં મારી આંખો ઉઘાડી દીધી છે. આવતા વરસે હું વેલેન્ટાઇન-ડેના નામ ઉપર ન તો પૈસા ખર્ચીશ, ન પરસેવો. હું મારા મિત્રોને સાથે રાખીને જેટલાં નાણાં ભેગાં કરી શકાશે એ તમામનો સારા કામ માટે ઉપયોગ કરીશ. આજે મેં તને આપેલું કાર્ડ એ મારી જિંદગીનું પહેલું અને છેલ્લું કાર્ડ બની રહેશે.'
મુક્તકનો પશ્ચાત્તાપ જોઇને પખાવજે એનો હાથ પકડી લીધો, 'શાબાશ! તારી ટર્મ ફી મેં ભરી દીધી છે. નાઉ યુ ચીઅર અપ! આ રહી તારી ફી ભરાયાની રિસીપ્ટ. આને તું મારા તરફથી અપાયેલું ગ્રીટિંગ્ઝ સમજી લેજે. અને હા, તે પત્રમાં શું લખ્યું હશે એ હું કલ્પી શકું છું. મારે પત્ર વાંચવાની જરૂર નથી, છેલ્લાં ત્રણ વર્ષથી મેં તારી આંખો વાંચી લીધી છે. મને પણ તું પસંદ છે.
મારા પપ્પા પાસે કદીયે ન ખૂટે એટલું ધન છે. જેની એક માત્ર વારસદાર હું છું, પણ વૈભવના આ અશ્લીલ આડંબર વચ્ચે જીવી-જીવીને હું હવે કંટાળી ગઇ છું. મારે ગરીબોની સેવા કરવી છે. જો તને મારા રૂપાળા દેહના નાશવંત ભોગવટાને બદલે પેલા વંચિતો માટેના શાશ્વત સેવાકાર્યમાં વધારે રસ પડે તેમ હોય તો…''તો?'
'તો બીજું શું? આજના આ ગુલાબી દિવસથી આ પખાવજ તારી છે.'
(શીર્ષક પંક્તિ : ખલીલ ધનતેજવી)
ડો શરદ ઠાકર
No comments:
Post a Comment