ન.મો. કે નથ્થો?
"ઐસે ઈમાનદાર પ્રધાનમંત્રી કા, દેશ ક્યા કરેં,
જો એક ઈમાનદાર સરકાર ન દે સકેં?"
ઈન્ડીયા ટી.વી.ના સર્વેસર્વા-શ્રીરજત શર્મા.
============
પ્રિય મિત્રો,
આજે સવાર-સવારમાં ઓટલે ડોકિયું કાઢતાંજ, આખાબોલા ચંપકકાકાએ, સામેના ઓટલેથી મારી તરફ ગૂગલી સવાલ ફેંક્યો," દવેભાઈ, તમે `પીપલી લાઈવ` ફિલમ જોઈ`તી?"
ચંપકકાકાએ ફેંકેલા સવાલને સમજ્યા વગર કેચ કરતાં તેમને, મેં જવાબ આપ્યો," હા, કોઈ નથ્થા નામના માણસને બળજબરીથી આપઘાત માટે દબાણ કરવા બાબતની કથા હતી ખરી...!!"
ચંપકકાકાએ મોં બગાડી, ફરીથી વધારે જોરથી સવાલ ફેંક્યો," બસ? ફિલમની એટલી જ કથા યાદ છે?"
હવે ચંપકકાકાના સવાલને વઘારે સાવચેતી અને ગંભીરતાથી કેચ કરી, મેં ગોળ-ગોળ ઉત્તર આપ્યો," ના..ના..!! એમ તો, છેલ્લે નથ્થો બચી જાય છે તેમ અંતમાં બતાવે છે, તેય યાદ છે? ખરુંને?"
ચંપકકાકા મારી પર બગડ્યા," તમેય તે શું યા..ર, વાતને સમજતા નથી? જરા જઈને જુવો..!! ટી.વી. પર કેવા-કેવા ન્યૂઝ ચાલે છે તે?"
ચંપકકાકા છ બોલની ઓવર પુરી કર્યા વગર, તેમના ઘરની એકમેવ રેફરીની એક બૂમ સાંભળી, તેમના ઘરમાં ચાલ્યા ગયા.
" સાલું એવા તો ક્યા ન્યૂઝ હું ચૂકી ગયો ? એક લેખક-પત્રકાર તરીકે, જે મારે ખરેખર, જોવા જ જોઈએ", તેમ જિજ્ઞાસા થવાથી, ઘરમાં જતાંજ, મેં ન્યૂઝ ચેનલ ચાલુ કરી ત્યાંતો...!!
બધી ચેનલમાં, ભાજપવાળાની કાર્યકારિણી બેઠક-ભવનની બહાર, ભાજપના આવતા-જતા કોઈ નેતાજી, સનસનાટીભર્યા સમાચારનું, ચોવીસ કલાક ચગળાવી શકાય તેવું મહામૂલ્યનું બિસ્કિટ ઉછાળે અને સૌથી પહેલાં પોતાના મોંઢામાં ઝીલી લે તેવી ઠગારી આશામાં, જાણે બાંગ્લાદેશી નિરાશ્રિત ભૂખ્યા (નાગા?) પૉમેરીયન ગલુડીયાં જેવા રિપૉર્ટર, માનોને પૂંછડી પટપટવતા, નેતાઓની પાછળ-પાછળ દોડાદોડી કરતા હતા?
વળી, તમામ રિપૉર્ટરોનો સવાલ તો એક જ હતો,"શું મોદીજી અને અડવાણીજી વચ્ચે નારાજગીને કારણે, મોદીજી રાષ્ટ્રિય કાર્યકારિણી બેઠકમાં ગેરહાજર રહ્યા છે? શું નરેન્દ્ર મોદી ભાવિ પી.એમ. બનશે?"
ઓત્તારી...!! સાલું, આ ન્યૂઝ ચેનલવાળા બધા રિપૉર્ટરો, આદુમરચાં ખાઈને, ન.મો.ને પી.એમ. પદ (આપઘાત?) માટે શા માટે દુષ્પ્રેરિત કરતા હશે? આમ તે કાંઈ ચાલે..!!
અલ્યા ભાઈ, સદ્ભાવ મિશન સમયે, બધા ઈન્ટરવ્યુમાં ન.મો.એ, સોય ઝાટકીને કહ્યું હતું કે," હું ગુજરાતની પ્રજાના આદેશને માની તેમની સેવા કરું તે દેશસેવા જ છે..!!" તોપછી આ લોકો હજી, `બાલ કી ખાલ` શું કામ કાઢતા હશે?
ના,ના..!! રિપૉર્ટર ભાઈ-બહેનો, જો તમારી ચેનલ પર, તમતમારે ચોવીસ કલાક ચર્ચા કરવી જ હોયતો, એક લાખ છોતેર હજાર કરોડના, 2G સ્કેમના (વર)રાજાના મામલે, લગ્નમંડપના એક ખૂણે બેસીને, બે વેવાઈ, મિસ્ટર `ચિઠ્ઠીબાજ પ્રણવ`દા` અને મિસ્ટર `ભૂલક્કડ ચિદંબરમે`, જે પ્રકારે, જનપથિક `રાજમાતા`નો આદેશ શિરોધાર્ય કરી, કુલડીઓમાં ગોળ ભાંગ્યો અને `હુંય સાચો ને તુંય સાચો..!!` માફક સમાધાન કરી લઈ, `(દહેજ) ખાધું, પીધુંને રાજ કર્યું`, જેવી મસ્ત વાર્તા ઘડી કાઢી..!! તે સમાચાર અંગે, જેલમાં બેઠેલી સુકન્યા કિનીમોઝીના, દહેજ પ્રતાડીત બાપા, સર્વથા કરુણા-નિધિ પાસે, ચેન્નઈ પહોંચી જઈ, તેમના કાળા ચશ્માંની ભીતરના, ઊજળા તથા કરુણા સભર, સાતત્યપૂર્ણ શાપિત વિચારો જાણવા, દોડાદોડી કરોને...!! ત્યાં કોઈને જવું નથી..!!
જોકે, થોડીજ વારમાં,આ રિપૉર્ટરોની એકસરખી લાલસાભરી દોડાદોડી તથા એકના એક સવાલથી થાકીને, મારા કાનને ઉબકા આવવા લાગવાથી, છેવટે મેં, ટીવી બંધ તો કર્યું, પણ હું ચિંતનના ચકરાવે ચઢીને, ઘડીકમાં ગુજરાતના શ્રીનરેન્દ્ર મોદીજી તો, ઘડીકમાં ફિલ્મ પીપલી લાઈવનો નથ્થો, બંને મહાનુભવો જાણેકે, એકસરખી, `TO DO OR NOT TO DO?` જેવી અસમંજસભરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયા હોય તેમ, મને ભાસવા લાગ્યું.
અ..રે..!! રહી-રહીને મને છેક હવે સમજ પડીકે, ચંપકકાકા, ` પીપલી લાઇવ` ફિલ્મના ક્યા સીન તરફ મારું ધ્યાન દોરવા માંગતા હતા..!!
ફિલ્મ `પીપલી લાઈવ` માં નથ્થાના (ગુરુશંકા) `ગૂ- ત્યાગ` (સૌજન્ય- http://gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%97%E0%AB%82*/ ) બાદ, નથ્થાના `મળ`ના કદ-રંગ-ગંધની પણ, ફિલ્મી રિપૉર્ટરો વિસ્તૃત ચર્ચા કરે છે...!!
તો અહીં, ટીવી ન્યૂઝમાં, ન.મો.ની સંભવિત પી.એમ.પદ-ચર્ચાએ પણ શું, ફિલ્મ `પીપલી લાઈવ`ના નથ્થાના `મળ` જેવાંજ, કદ-રંગ-રૂપ અને બદબૂદાર ગંધ ધારણ કરી લીધાં છે?
હવે પછી, જો દિલ્હી તરફ, મોં કરી, ઉભા રહીને, ન.મો. `લઘુશંકા` કરશે તો, શું ત્યાં પહોંચી જઈ, આ ટીવી રિપૉર્ટરો, તેનું પણ માર્મિક સમાચાર વિશ્લેષણ કરશે?
( છ..ટ્.., યા...ર..!! આપણે કેવા-કેવા ન્યૂઝ જોવાના દિવસો આવી ગયા છે..!! દરેક બાબતની કોઈ હદ તો હશે ને?)
પણ, ફિલ્મ `પીપલી લાઈવ`માંતો, નથ્થાને પરાણે `આપઘાત` કરવા દબાણ કરાય છે..!! ( ફિલ્મમાં નથ્થો આપઘાત કરવા બાબતે ઢચુપચુ હતો?)
તો શું અહીં, સમાચારમાં, ન.મો.ને પરાણે (?) `પી.એમ.` બનાવવા દબાણ કરાય છે..!! ( ન.મો. પણ પી.એમ.પદ ઘારણ કરવા બાબતે ઢચુપચુ છે?) જોકે, ન.મો, એ બાબત તો જાણતાજ હશેકે..!!
वरं देशाच्छादनतम्श्र्चर्मणा पादगूहनम ।
ज्ञानलव दौर्विदम्ध्यादज्ञता प्रवरा मता ॥
અર્થાત્ - આપણી હાલચાલનો બધો પ્રદેશ ચામડાથી મઢવા કરતાં, આપણાં પોતાના પગમાં ચામડાનાં પગરખાં પહેરવા વધુ સારાં. છલકાતા ઘડાની માફક જ્ઞાન સંપાદન કરી, મહાપંડિત (પી.એમ?) કહેવડાવવાને બદલે મૂર્ખ (મૂખ્યમંત્રી?) રહેવું વધુ સારું.
ખરેખર તો, ચાહે કૉન્ગ્રેસના હોય કે ભાજપના મૂખ્યમંત્રી હોય..!! ગુજરાતને ઓછામાં ઓછી બીજી ત્રણ ટર્મ, ( બીજાં પંદર વર્ષ) પ્રામાણિક, કુશળ, આજીવન કુંવારા (ફક્કડ ગિરધારી?),કર્મઝનૂની (વર્કોહોલિક) તથા પ્રજા હિતને હૈયે ઘરનારા,એવા મૂખ્યમંત્રીની જરૂર છેકે જે મૂખ્યમંત્રી, છેલ્લાં દસ વર્ષથી સુખ-શાંતિ-સલામતીથી જીવન વિતાવી રહેલી, ગુજરાતી પ્રજાને ફરીથી તનમનધન વિધ્વંસક ઉદ્વેગના દાવાનળમાં નહીં હોમે, તેવી હૈયાધારણ આપી શકે..!! ( ત્યારબાદ, જનતાને આદત પડી જવાથી, ગુજરાતની જનતા પોતે સુખશાંતિ અને સલામતીનો માર્ગ નહીં ત્યજે..!!)
અને..અને..અને..જો એકવાર ખરેખર ન.મો.એ સાચેજ પી.એમ. બનવાનું, `નથ્થા` જેવું આપઘાતી (પી.એમ.અધોગતિયું) પગલું ભરવાનો, પોતાના મનથી સ્વયં નિર્ણય કર્યો જ હોયતો, આપણા દેશના એક તટસ્થ મતદાર તરીકે કમસેકમ મારા જેવા ઘણા મિત્રો, ન.મો.ને આજીવન માફ નહીં કરી શકે?
આ ઉપરાંત એ પણ સત્ય છેકે, જેમને સરખું બોલતાંય ન આવડતું હોય તેવી, મૂખ્યમંત્રીપદની લાલચનાં ગલગલિયાંથી, સાવ `મફત`ના ભાવમાં, નિરર્થક `આનંદિત` થઈ રહેલી, શ્રીરામની નકલી ચરણપાદુકાથી, ગુજરાતના મૂખ્યમંત્રીનું સિંહાસન રીઝે તેમ નથી જ નથી?
આમેય ગુજરાતમાંથી ન.મો. દિલ્હી બાજુ ખસતાંજ, દિલ્હીની સંગીત ખુરશીની માફક અહીં પણ, કાઠિયાવાડી લહેજામાં, પ્રજાના ગંભીર પ્રશ્નોની ચર્ચા સમયે પણ, વિધાનસભાગૃહમાં કાયમ કૉમેડી કર્યા કરતા,ઘણા બધા કૉમેડિયનો શપથગ્રહણ સ્ટેજ પર ચઢી જઈ, ` હવે મારો વારો છે, મારો વારો છે.` કહીને, દરેક જણ પર્ફૉર્મન્સ કરવા( કેપછી ભવાડા કરવા?) પડાપડી કરશે, તે નક્કી જ છે?
કદાચ એટલેજ, અમારા ચંપકકાકા અકળાઈને કહે છે કે, " આમેય, ન.મો. માટે દેશનું પી.એમ. પદ ગ્રહણ કરવાથી તેમના માટે, ` ગુજરાત લેતાં હવેલી ખોઈ.` અથવા, ` લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ`, જેવો ઘાટ ઘડાવાનો છે, જેમાં સરવાળે નુકશાન તો, ગુજરાતની જનતાને જ થવાનું છે."
ચંપકકાકાનું તો ત્યાં સુધી માનવું છેકે,"ન.મો. એ ગુજરાતની જ સેવા માટે કાર્યરત રહેવાની, સાફ મનથી સ્પષ્ટતા કરવા છતાં, આવા વિવિધ રાજકીય પક્ષો દ્વારા સ્પોન્સર્ડ ન્યૂઝ આપણી મરજી જાણ્યા વગર, જો ચોવીસે કલાક આપણા માથે મરાતા હોય તો, તેની પાછળ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં. ભવિષ્યમાં ન.મો. વગરના ભાજપને મત આપવો કે નહીં, તે બાબતે અહીંના મતદારોને ભ્રમિત કરવાની, કોઈ ખાસ તત્વોની ગંદી ચાલ હોઈ શકે?"
સાલું..!! આમ જોઈએ તો, ચંપકકાકાના સવાલમાં દમ તો છેજ. જો ન.મો. પી.એમ. તરીકે દિલ્હી રવાના થશે તેવી ભ્રમની સ્થિતિ વધારે સમય ગાજે તો, ૨૦૧૨ ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાલની સ્પષ્ટ બહુમતીને બદલે, માંડ-માંડ ટેકા સરકાર ચલાવવાની પરિસ્થિતિ પેદા થાય અને તેવા સંજોગોમાં, `ન.મો.નો જાદુ, ગુજરાતમાં જ, ઓસરી ગયો છે` તે બાબત આગળ કરીને, દિલ્હીમાં પી.એમ.પદની દાવેદારીમાંથી ન.મો.નો એકડો જ સાવ ભૂંસી નંખાય?
આમેય, હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભલેને સ્પષ્ટ બહુમતી મેળવી,પરંતુ એ ભૂલવા જેવું નથીકે, ગત ચૂંટણીમાં ભાજપે તેના સાત પ્રધાનોની બેઠકો ગુમાવી હતી, જેમાં ભૂ.પૂ. જળસંપત્તિ પ્રધાન રતિલાલ સુરેજા (માણાવદર બેઠક), ભૂ.પૂ. પુરવઠા પ્રધાન છત્રસિંહ મોરી (જંબુસર બેઠક), ભૂ.પૂ.પ્રઘાન દિલીપકુમાક ઠાકોર (સમી બેઠક), ભૂ.પૂ.કૃષિમંત્રી ભુપેન્દ્ર ચૂડાસમા (ધોળકા બેઠક), ભૂ.પૂ.મહેસૂલ મંત્રી કૌશિક પટેલ(શાહપુર બેઠક), ભૂ.પૂ. માર્ગ મકાન અને શહેરી વિકાસ મંત્રી આઇ કે જાડેજા (ઘ્રાંગઘ્રા બેઠક) તથા પ્રભાતસિંહ ચૌહાણ (ગોધરા બેઠક) પરાજિત થયા હતા.
( જોકે, એ વાત અલગ છેકે, ૨૦૧૨ની ચૂંટણીમાં ગુજરાત ભાજપ, ગુજરાતમાં ૧૬૦ સીટો મેળવી કૉન્ગ્રેસને મરણતોલ ફટકો મારવાનાં દિવાસ્વપ્ન નિહાળી રહી છે..!!)
અંતે, મહાભારતનો એક રસપ્રદ બોધપ્રસંગ અત્રે ટાંકવા જેવો છે, પાંડવોએ આદરેલા રાજસૂય યજ્ઞના સમાપન પ્રસંગે, એક બ્રાહ્મણ યાચક, ધર્મરાજ યુધિષ્ઠિર સમક્ષ દાનની અપેક્ષાએ હાથ લાંબો કરી ઊભોરહ્યો ત્યારે, ઘર્મરાજાએ તેને કોઈક કારણસર બીજા દિવસે આવવા જણાવ્યું. આ નિહાળીને લઘુબંધુ ભીમે જોર-જોરથી ઘંટ વગાડવો શરુ કર્યો.
અચાનક ઘંટનાદ કરવા અંગે, ભીમને રહસ્ય પૂછતાં, તેમણે જણાવ્યું," આજે ધર્મરાજાએ એક બ્રાહ્મણ યાચકને આવતીકાલે દાન માટે બોલાવ્યો, તે જોઈને મને થયુંકે, ધર્મરાજાએ આજે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે તેના આનંદમાં હું ઘંટનાદ કરી રહ્યો છું..!!" જોકે, કહેવાની જરૂર નથીકે, ધર્મરાજાએ તરત તે યાચકને પરત બોલાવી યોગ્ય દાનથી પુરસ્કૃત કર્યો.
આ પ્રસંગના સંદર્ભે આજના વિષયને મૂલવતાં, સાચી હકીકત તો એ છેકે, જ્યાં સ્વયં ધર્મરાજા યુધિષ્ઠિર, ખુદ મૃત્યુ પર વિજય મેળવ્યાનો દાવો કરી શકે તેમ નથી..!! આતંકવાદી માટે સ્વર્ગ સમાન આપણા દેશમાં કાલે, કોનું શું થશે? કોણ જીવશે, કોણ મરશે? તેજ જ્યાં નક્કી નથી..!! તોપછી, આવતીકાલની ચિંતામાં, આપણે અત્યારથી દૂબળા શા માટે પડી જવું?
( શું આપણા ભૂ.પૂ. પ્રધાનમંત્રી,સ્વ.ઇંદિરા ગાંધી, સ્વ.રાજીવ ગાંધી પણ, સો વર્ષનું આયુષ્ય લખાવીને નહતા આવ્યા?)
સાચું કહું? મને માણસજાતની ચિંતન કર્યા કરવાની ખરાબ આદત પર ઘણીવાર ઘણી ચીડ ચડે છે..!! આપણા કરતાંતો અબોલ જાનવર સારાં, જેમના માટે ફ્રેંચ લેખક વૉલ્ટરે કહ્યું છેકે...!!
There are two things for wich, animals are to be envied, they know nothing of future evils or of what people say about them.
Voltaire- French Writer (1694-1777.)
બૉસ, આ ફ્રેંચ લેખકની સલાહ કોણે-કોણે માનવી જોઈએ? આપનું શું માનવું છે?
માર્કંડ દવે. તા.૩૦-૦૯-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment