નવવર્ષપ્રભાતનો કિરણપ્રકાશ.ભાગ-૩.
સર્વે વિદ્વાન પાઠક મિત્રોને,મારા દિલના ઊંડાણથી સાલમુબારકસહ, નવા વર્ષના ખૂબ-ખૂબ અભિનંદન.
આપનું નવલું વર્ષ આર્થિક,શારીરિક,માનસિક,સામાજિક, એમ તમામ પ્રકારે આપને અપાર શાંતિ,સમૃદ્ધિ,પ્રગતિ પ્રદાન કરે,તેવી ઈશ્વર પ્રાર્થનાસહ,ચાલો આજે આપણે, વિ.સ.૨૦૬૮ના નવલા વર્ષના નવપ્રભાતના દૈદિપ્યમાન અરુણોદય ઉજાસે એક સુંદર દ્ગષ્ટાંત ટાંકીને, આપણા આ લેખમાં નવવર્ષપ્રભાતના કિરણપ્રકાશે આપણા અંતરને ઊજાળવાનો એક નમ્ર પ્રયાસ અવશ્ય કરીએ.
મિત્રો આપને સ્મરણ હશે..!! આપણા ગુજરાતીના પાઠયપુસ્તકમાં, વર્ષો અગાઉ એક પાઠ આવતો હતો.
એકવાર એક અંધારી રાતે, એક માણસ ફાનસ લઈને,ગામના કાચા રસ્તે થી, પોતાને ઘેર જતો હતો. તે માણસ પોતે લાકડીના ટેકે, રસ્તામાં સાવધાનીથી ધીરે ધીરે આગળ વધતો હતો. નવાઈ એ વાતની હતીકે, તેના હાથમાં સળગતું ફાનસ હતું ..!! પરંતુ, તે માણસ બંને આંખે અંધ હતો. રસ્તે જનારા અન્ય તમામને,આ દ્ગશ્ય જોઈને નવાઈ લાગતી હતી, આખરે એક નવજુવાન ની જિજ્ઞાસા જોર મારતાં, સળગતું ફાનસ લઈને ચાલતા આ અંધ માણસને, તેણે ઊભો રાખીને,પૂછી જ લીધું," બાબા, તમને તો દેખાતું નથી. અંધ છો, તો પછી આખા રસ્તે ફાનસનો પ્રકાશ પડે કે ન પડે,તમને શું ફેર પડે છે ? ફાનસનું વજન શા માટે ઊંચકીને ચાલો છો, તમારે ફાનસની શી જરૂર?"
પેલા અંધ માણસે જવાબ આપ્યો," ભાઈ,તમારી વાત સાચી છે,મારે ફાનસની શી જરૂર? પરંતુ આ ફાનસ નું અજવાળું, દેખતા માણસ માટે છે."
યુવકે પૂછ્યું,"દેખતા માટે ફાનસ ?"
પેલા અંધ માણસે ખુલાસો કર્યો," રસ્તે અંધારું હોય તો, મારી સામેથી આવતો, કોઈ દેખતો માણસ મને અથડાઈ જાય અને હું પડી જાઉં, તો પણ જોયા વગર, મને જ ઠપકો આપેકે, કેમ અથડાય છે ? દેખાતું નથી..!! આંધળો છે?"
.
કેટલી સચોટ વાત...!! કેવો જમાનો છે...!! પ્રજ્ઞાચક્ષુને, દેખતા માણસના માર્ગદર્શન માટે, ફાનસની જરૂર પડે..!!
મિત્રો, આમ તો, દીપાવલીના દીપ પોતેજ જ્ઞાનનું સર્વશ્રેષ્ઠ પ્રતીક મનાય છે. વળી આમ પણ, જ્ઞાનપ્રાપ્તિ, કોઈ એક વ્યક્તિનો ઇજારો નથી.
ઘણીવાર નૂતન વર્ષે કરવામાં આવતા સંકલ્પ બે પ્રકારના જોવા મળે છે, સારા કાર્યને પ્રેરનારા અને બીજા બેકાર, નકામા. નકામા સંકલ્પ, ચેતનાશક્તિનાં બીજ વાવ્યા વગરનાં ખેતર જેવા હોય છે. તેમાંથી નકામા ઘાસ સિવાય કશું નીપજતું નથી. જોકે, શુદ્ધ, પ્રાણવાન, અંતરના ઊંડાણમાંથી પ્રગટેલો અને માણસની સમગ્ર જીવનશક્તિની એકાગ્ર પ્રેરણાવાળો ફક્ત એક સંકલ્પ સર્વથા સમૃદ્ધ તથા સમર્થ હોય છે, તે બીજ, ખાતર અને પાણીના સમન્વયથી, નવપલ્લવિત ખેતરની માફક નવી શક્તિને જન્મ આપે છે. સારા મહાપુરુષો અને ગ્રંથોની સોબતથી, સ્વત્વ (સ્વયં) નિરીક્ષણ સંકલ્પ અંગે માનવ આંશિક પૂર્ણતા મેળવી શકે, પરંતુ સંપૂર્ણતા માટે લાંબી ધીરજભરી,આકરી તપશ્ચર્યા કામ આવે છે. આ ઉપરાંત, સંપૂર્ણ સંકલ્પ સિદ્ધિ, ઈશ્વરાર્પણ `નાહં કર્તા,હરિ કર્તા` નો ભાવ ધારણ કર્યા વિના શક્ય જ નથી.
સાચું કહું? ઘણા વિદ્વાન મિત્રોનો મત છેકે, માનવ કરતાં તો અબોલ જાનવર સારાં..!! માનવી સિવાયનાં, સાવ અક્કલ વગરનાં ગણાતાં,સર્વ પ્રાણીઓ પાસે કુદરતી આફત,હોનારત, ભયને પારખવાનું જે જ્ઞાન છે,તેની પાસે આપણું જ્ઞાન હજી પાણી ભરે છે, જેમના માટે ફ્રેંચ લેખક વૉલ્ટરે કહ્યું છેકે...!!
" There are two things for which, animals are to be envied, they know nothing of future evils or of what people say about them." Voltaire- French Writer (1694-1777.)
જોકે, એ પણ વિટંબણા છેકે, આજના યુગમાં,હવે તો જ્ઞાનને પણ વિવિધ પુરાવા તથા સત્યની કસોટીની એરણ પર ચઢીને ટિપાવું પડે છે. મિત્રો,આ ફ્રેંચ લેખકની સલાહ કોણે-કોણે માનવી જોઈએ? આપનું શું માનવું છે?
ચાલો, આ ફ્રેંચ લેખકની સલાહ કોઈ માને કે ન માને..!! કમસે કમ આપણે તો આ બેસતા વર્ષે, દ્રઢ સંકલ્પ લઈને, જાનવર કરતાં ચઢિયાતાં સાબિત થવા, આખું વર્ષ (કે આજીવન?) પ્રયત્નશીલ રહીએ..!!
* સ્વયં જાગૃત રહીને,પોતાની જાત-સુધારણાની પ્રવૃત્તિ, સતત જારી રાખો.
* અગાઉ થયેલ ભૂલોને વાગોળશો નહીં.
* તમારી પ્રતિષ્ઠાને હાની થાય તેવા કોઈપણ કાર્યથી અળગા રહો.
* ખરાબ સોબતથી હંમેશા એક અંતર રાખો.
* પ્રેમનો અભાવ જ મોટા ભાગે ખરાબ (નકારાત્મક) વિચારોને જન્મ આપે છે,પ્રેમ આપો અને મેળવો.
* પોતાનાં નિકટનાં સગાંવહાલાં-મિત્રોને, `ઇમોશનલ બ્લૅકમેલ` કરવાનો પ્રયત્ન ના કરો. (તમને ચાહનારા જ તમારાથી દૂર થઈ જશે..!!)
* સત્યને વળગી રહો, ભલે તમને નુકશાન થાય. તમારી સુધરેલી છબી,તમને ફરીથી સારું વળતર આપી જશે.
* સામેના દુઃખી વ્યક્તિની જગ્યાએ,તમારી જાતને મૂકીને, તેનું દુઃખ પોતે અનુભવી,સર્વને મદદરૂપ થાવ.
* તમારી નિંદાની પરવા ના કરો, અને પ્રશંસાથી ફુલાઈ ના જાવ.ધીરજ ધરો,સ્વસ્થ અને શાંત રહો.
* જે વિચારો,થાય છે,તે મન દ્વારા થાય છે,મન બહેકી જાય,તેવા વાતાવરણથી તરત જ દૂર ચાલ્યા જાવ.
જો, આ ચિંતનાત્મક વિચારોનો, માત્ર ત્રણ-ચાર પંક્તિમાં સમાવેશ કરીએ તો,
૧. ચાલો,આપણી આસપાસ, આપણી નબળી-સબળી,ગમતી-અણગમતી તમામ ક્રિયાઓને, મૂંગા મોઢે સહન કરવાને સ્થાને, આ સર્વને સાથે રાખી, સર્વેની કદર કરતાં શીખીએ.
૨. ચાલો,આપણે જે અલૌકિક શક્તિના ઉપાસક હોઈએ, તેને નિરંતર શ્વાસની ગતિમાં સમાવી લઈએ. ઈશ્વરને એક ક્ષણ માટે, આપણાથી અળગા ન કરીએ.
૩. ચાલો,ઈશ્વરને પ્રાર્થના કરીએ, દીપાવલીના પર્વે, સર્વ દિશાઓમાં પ્રકાશ રેલાવતા, હે અગ્નિદેવ, મારાં સર્વ પાપને બાળીને ભસ્મ કરો.
૪. ચાલો, ઇચ્છાઓને વશ કરતાં શીખીએ.યાદ રહે,શરીર જીર્ણશીર્ણ થશે, ઇચ્છાઓ નહીં.
ઈશાવસ્ય ઉપનિષદના ઉપદેશાનુસાર,
ॐ ईशा वास्यमिदम् सर्वं यत्किञ्च जगत्यां जगत् |
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ||
ટૂંકમાં, સર્વજન સુખાય-સર્વજન હિતાય સુખના ખજાનાની ચાવી એટલે, `तेन त्यक्तेन भुञ्जीथा` - ત્યાગીને વાપરો.
શું દીપોત્સવી જેવા તહેવારો, માનવીને હકારાત્મક આચરણ કરવા પ્રેરી શકે?
આ સવાલનો ઉત્તર મેળવવા વધુ ચિંતન કરીએ તો, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં, દેખાતી પ્રગતિ, સદ્વિચાર- સદાચાર અને હકારાત્મક પ્રચારના, ભારે વજનને કારણે છે, સાથેજ એ બાબતે પણ ધ્યાન દોરવાનુંકે, વિશ્વમાં હકારાત્મકતાની તુલનામાં, નકારાત્મકતાનું પલ્લું હજુ હલકું છે. જો ચિંતાની વાત એ હોયકે, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ બાદ,હવે રહી-રહીને આતંકવાદ જેવા કેટલાક નકારાત્મક વિચાર-આચાર-પ્રચારનું જોર વધ્યું છે તો સાથે આશ્વાસનની વાત એ પણ છેકે, સમગ્ર વિશ્વ, સમાચારની આપ-લે ની બાબતે, એક ગામડું બની ગયું હોવાથી, આવા નકારાત્મક ધરાવતાં તત્વોને ડામીને, જડમૂળથી ખતમ કરવા, વૈશ્વિક સમાજ સક્ષમ છે.
પશ્ચિમી જગતમાં, ઉચ્ચ અભ્યાસ માટે સર્વપ્રથમ, સંસ્થા સ્થાપનાર,મહાન ગ્રીક ફિલૉસૉફર,ગણિતશાસ્ત્રી, પ્લેટો Plato (428/427 BC – 348/347 BC), તેમના ગુરુ સોક્રેટિસના, ગેરવ્યાજબી, કરુણ મોતથી ઘણા વ્યથિત થયા હતા. તેથી પ્લેટોએ મત બાંધ્યોકે,," સજ્જન બનવા માટે, એકમેકને અનુસરતા, સંકળાયેલા ઘણા ઓછા રસ્તા છે,પરંતુ નઠારા( શેતાન) બનવા માટે અગણિત રસ્તાઓ જગતમાં હાજર છે."
આપણને આર્થિક,શારીરિક અને માનસિક હાની પહોંચાડતા, શેતાની વિચારોથી છુટકારો મેળવવાનું કાર્ય શું અઘરું છે ? બિલકુલ નહી..!!
સંયમિત મન દ્વારા કરવામાં આવેલા,શુદ્ધ વિચાર અને વિશુદ્ધ આચરણ,સમાજમાં તમારા વ્યક્તિત્વનો,પ્રચાર કરે છે,જે તમારી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરે છે.
સાચુંતો એ છેકે, આપણા દેશને આઝાદી મળે ૬૦+ વર્ષ થયાં છતાં, ભૌતિક સગવડની રીતે, દેશના ઘણા પછાત વિસ્તારોમાં, આજે પણ ફાનસ અને લૅમ્પ દ્વારા અભ્યાસ કરીને, ઘણાં ગરીબ પરિવારનાં બાળકો, ડૉક્ટર, ઍન્જિનીયર, આઈ.એસ; આઈ.પી.એસ. થવાનાં સ્વપ્ન સેવે છે. આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીલાલબહાદુર શાસ્ત્રી સહિત ઘણા સન્માનનીય નેતાઓ,તેનાં સચોટ ઉદાહરણ છે. આજે પણ હાઈકોર્ટ-સુપ્રિમકૉર્ટના ઘણા સન્માનનીય જજસાહેબ, ફાનસના પ્રકાશે અભ્યાસ કરી,જેતે પદ સુધી પહોંચ્યા છે. આ હિસાબે તો,બધી ભૌતિક સુખસગવડ હોવા છતાં, માતાપિતાના માથે પડેલા અને મનની આંખે અંધ અને સમજશક્તિમાં પ્રજ્ઞાચક્ષુ હોય તેવા, અનેક માનવીઓને આપણે ફાનસ વગરના પ્રજ્ઞાચક્ષુ કહીશું ?
નવા વર્ષના સંકલ્પ સ્વરૂપે, મનની આંખનો અંધાપો અને સમજશક્તિમાં પ્રજ્ઞાચક્ષુપણું ત્યજીને આજે, નવીજ આશાનો સંચાર કરતા,નવા વર્ષના હકારાત્મક, આશાવાદી વાતાવરણમાં, આપણે સાચા હ્રદયથી, ઈશ્વરને પ્રાર્થના કરીએકે, " હે પ્રભુ, હું જ્યારે સંસારના ત્રિવિધ તાપથી ત્રસ્ત થઈ જાઉં. જ્યારે મને અપાર હતાશા ઘેરી વળે, ત્યારે મારી ભીતર તારા દર્શન પ્રાપ્તિ કાજે અમાપ મહેચ્છાગ્નિ પ્રગટ કરજે. વળી આ તણખાને તું બુઝાવા ન દેજે. ભક્ત પ્રહ્લાદ,મીરાં,નરસૈયો, સુરદાસ,કબીર,રહીમ, જ્ઞાનદેવ,તુકારામ અને અન્ય અનેક પ્રાતઃસ્મરણીય પ્રભુભક્ત સમાન બિરુદ પામવાની ખેવના, હું ન જ રાખી શકું પરંતુ, હે પરમ કૃપાળુ ઈશ્વર, તારા ચરણોમાં મોક્ષપ્રાપ્તિ દ્વારા, પરમ સુખધામ નિવાસની આજીજી જરૂર કરી શકું..!!"
" ॐ सर्वे भवन्तु सुख़िनः , सर्वे सन्तु निरामयाः।
सर्वेभद्राणि पष्यन्तु, मा कश्चित्दुःख भाग भवेत॥" ( उपनिषद)
અર્થાત્- સર્વજન સુખી થાવ, સર્વજન નીરોગી રહો, સર્વના જીવનમાં, મંગળ પ્રવર્તે તથા કોઈના જીવનમાં દુઃખની છાયા ન પડે.
અસ્તુ,
માર્કંડ દવે.તા.૨૭-૧૦-૨૦૧૧.
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment